મહામારી અને ભાવવધારાના વમળમાંથી બહાર આવી રહેલા દેશને આજે જરૂર છે ૧૯૯૧ જેવા ઐતિહાસિક અંદાજપત્રની

30 January, 2023 02:33 PM IST  |  Mumbai | Jitendra Sanghvi

વેઇટ ઍન્ડ વૉચ! ગુણવત્તાસભર મૂડીખર્ચનો વધારો જ જરૂરી રોજગારીનું સર્જન કરી શકે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કેન્દ્ર સરકારનું ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ પહેલાંનું સંપૂર્ણ અંદાજપત્ર રજૂ થવા આડે માત્ર ગણતરીના કલાકો છે. વર્તમાનપત્રોનાં પાનાંઓ એને વિશેની અનેક અટકળોથી છવાયેલાં દેખાય એ સ્વાભાવિક છે. અંદાજપત્ર પ્રજાના જુદા-જુદા વર્ગોને રાહત આપે એવું (પોપ્યુલિસ્ટ) હશે કે ફિસ્કલ ડેફિસિટ કન્ટ્રોલમાં રાખીને પણ મૂડીખર્ચ વધારવા માટે નવા સૉર્સ ટેપ કરાશે એવી બધી ચર્ચા એમાં કેન્દ્રસ્થાને છે. 

વિદેશોમાં ભાવવધારાનો દર ધીમો પડ્યો છે તો પણ વિકસિત દેશો માટે હજી એ ઊંચો હોવાથી ચિંતાનો વિષય છે. આપણે ત્યાં શરૂ થયેલ આ ઘટાડો આગળ વધશે અને પરિણામે વ્યાજના દર બહુ લાંબા સમય માટે ઊંચા રહેશે નહીં એ મતલબનું રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. દાસનું નિવેદન આપણા માટે રાહતના સમાચાર કહેવાય. બીજી તરફ ૨૦૨૩માં આપણા આર્થિક વિકાસનો દર આગલા વરસ કરતાં ધીમો પડશે એમ બધા સ્વીકારે છે. કદાચ આ ઘટાડાની માત્રામાં નજીવો ફેરફાર હોય શકે (યુએનના અંદાજ પ્રમાણે ૬.૪ ટકામાંથી ઘટીને ૫.૮ ટકા). આ સંદર્ભમાં અંદાજપત્રનું ફોકસ વિકાસદરની વૃદ્ધિનું રહે તો નવાઈ નહીં.

૨૦૨૨માં વિશ્વનો સરેરાશ ભાવવધારો નવ ટકાનો હતો. એને કારણે કરાયેલ વ્યાજના દરના વધારાની અને થયેલ વૈશ્વિક સ્લોડાઉનની ચાલુ વરસે આપણાં મૂડીરોકાણ અને નિકાસો પર અવળી અસર થઈ શકે, કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (સીએડી)ની સમસ્યા પણ ઉગ્ર બની શકે. 

આપણા વ્યાજના દર વધતા અટકે અને નજીકના ભવિષ્યમાં ઘટવા માંડે તો એનો સૌથી મોટો ફાયદો સરકારને થવાનો. આપણા વિકાસનો દર ઘટે તો આપણી કરવેરાની આવક પણ ઘટે. આ સંજોગોમાં મૂડીરોકાણ માટેનો ખર્ચ વધારવા માટે સરકારે દેવું (બૉરોઇંગ) વધારવું પડે. એક અંદાજ પ્રમાણે આ દેવું ફિસ્કલ ૨૪માં ૧૬ લાખ કરોડ રૂપિયા જેટલું હોય શકે. 

અંદાજપત્રમાં સંભવિત બીજા પગલાની વાત કરીએ તે પહેલાં વારંવાર કહેવાતી એક વાત ફરી દોહરાવવી પડે. આપણા વિશાળ દેશમાં બેરોજગારીની સમસ્યા સૌથી મોટી અને પેચીદી છે. ૨૦૨૦ અને ૨૦૨૧ની મહામારીને કારણે આ સમસ્યા વધુ વિકટ બની છે. ૨૦૨૩માં વિકાસનો દર ઘટવાની અને પરિણામે માગમાં ધાર્યો વધારો ન થવાની શક્યતાએ વિદેશોમાં કંપનીઓ (ખાસ કરીને આઇટી કંપનીઓ) તેમના કર્મચારીઓની છટણી (લે-ઑફ) કરી રહી છે. આ રેસમાં હવે સ્ટાર્ટ અપ્સ પણ જોડાવાની શરૂઆત થઈ છે. 

એટલે રોજગારીના સર્જન દ્વારા અર્થતંત્રમાં માગ વધારવા માટે જે પણ કરવું પડે એ કરતાં નાણાપ્રધાન અચકાશે નહીં. રોજગારીના સર્જન માટે જરૂરી મૂડીરોકાણ એ તેમનો અગ્રક્રમ નંબર એક હોય શકે. લે-ઑફ બાબતે ટ્વિટર, માઇક્રોસૉફ્ટ અને આલ્ફાબેટ સાથે હવે ઍમેઝૉન, ફેસબુક, એચપી, શેરચેટ, વિપ્રો, સ્વિગી અને ઓલા પણ જોડાયા છે. ભારતની કંપનીઓને પણ વિશ્વની પરિસ્થિતિ બગડે તો આ રેસમાં જોડાવાની ફરજ પડે. વિદેશોમાં મોટે પાયે શરૂ થયેલા લે-ઑફ ભારતમાં હજી એટલા મોટા સ્તરે નથી. જોકે આર્થિક વિકાસનો દર ઘટતાં ગમે ત્યારે એ જોર પકડી શકે. એ સિવાય પણ આપણો ૭ ટકાનો બેરોજગારીનો દર આપણે માટે ચિંતાજનક છે જ. 

મહામારી બાબતે ચીનની પરિસ્થિતિ આજે પણ ગંભીર જણાય છે. એક અંદાજ પ્રમાણે ચીનની ૮૦ ટકા વસ્તી કોરોનાથી પીડિત છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અહેવાલ પ્રમાણે છેલ્લા અઠવાડિયે વિશ્વમાં કોરોનાને કારણે નોંધાયેલ ૪૦,૦૦૦ મરણમાં એકલા ચીનનો આંકડો ૨૦,૦૦૦થી વધુ છે. લુનાર નવા વરસની ઉજવણી (જે ચીનમાં વિશેષરૂપે ઊજવાય છે) દરમ્યાન આ આંકડો વધી પણ શકે. હાલ પૂરતું તો ભારત પરથી આ સંકટ ટળ્યું છે તો પણ જ્યાં સુધી વિશ્વ અને ચીન સંપૂર્ણપણે કોરોનાથી મુક્ત ન થાય ત્યાં સુધી આપણે સાવ નચિંત ન જ બની શકીએ. નાણાપ્રધાન તેમના અંદાજપત્રમાં આ બાબતે થોડી ઘણી જોગવાઈ કરે પણ ખરા, જેથી એવી પરિસ્થિતિ સર્જાય તો આપણે એના સામના માટે ટૂંકી નોટિસે પણ સજ્જ થઈ શકીએ.

આજે ચીન જે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે એનો વિકલ્પ બનીને ભારત જબરદસ્ત મોટો ફાયદો ઉઠાવી શકે એમ છે.

આમ જોવા જઈએ તો એક ખાસ પ્રકારની વિકટ પરિસ્થિતિ (જે નજીકના ભૂતકાળમાં ક્યારેય જોઈ ન હોય)માં નાણાપ્રધાન તેમનું અંદાજપત્ર રજૂ કરવા જઈ રહ્યાં છે એટલે સરકાર અને તેમના માટે એ એક મોટો પડકાર તો છે જ. 

નાણાપ્રધાન સામે મૂડીખર્ચના વધારા અને ફિસ્કલ કન્સોલિડેશન વચ્ચે સમતુલા જાળવવાનો મોટો પડકાર

૨૦૨૩માં આર્થિક વિકાસનો દર ઘટવાના સંજોગો સ્પષ્ટ રીતે નજરે દેખાતા હોય એટલે આ દર વધારવા માટે ઉત્પાદક મૂડીખર્ચ વધારવું અનિવાર્ય ગણાય. એમ કરીને પણ ફિસ્કલ કન્સોલિડેશનને માર્ગેથી બહુ દૂર ન ધકેલાઈ જઈએ અને બન્ને વચ્ચે સમતુલન જળવાઈ રહે એ જોવાની ભગીરથ જવાબદારી નાણાપ્રધાનની છે.

૨૦૨૨ના ઉત્તરાર્ધ (જુલાઈ-ડિસેમ્બર)માં સરકારના રેવન્યુ (આવક)માં સારો વધારો થયો છે, પણ ૨૦૨૩માં આર્થિક વિકાસનો દર ઘટવાની સંભાવના છે એટલે સરકારની આવક ઘટે પણ ખરી.  આમ મૂડીખર્ચના વધારા અને ફિસ્કલ કન્સોલિડેશનના બૅલૅન્સ માટે સરકાર પાસે એક અસરકારક  ઉપાય સબસિડી ઘટાડવાનો છે. 

સબસિડીના ઘટાડા દ્વારા સરકાર ફિસ્કલ ૨૩ના મૂડીખર્ચ (૭.૫ લાખ કરોડ)માં ડબલ ડિજિટનો વધારો કરી શકે. આ ડબલ ડિજિટ વધારાથી રોડ, રેલવે, વીજળી અને અન્ય બીજી શહેરી માળખાકીય સવલતો વધારી  શકાય. પ્રોડક્શન લિન્ક્ડ ઇન્વેસ્ટમેન્ટ (પીએલઆઇ) સ્કીમના વિસ્તરણ દ્વારા ઉત્પાદન ક્ષેત્રમાં વેગ લાવી શકાય. 

આ પણ વાંચો : નવું મૂડીરોકાણ આર્થિક રીકવરી માટેનો ગુરુમંત્ર છે

ફિસ્કલ ૨૩ની ૧૭.૫ લાખ કરોડ રૂપિયાની ફિસ્કલ ડેફિસિટમાં ફિસ્કલ ૨૪માં નજીવો ઘટાડો થઈ શકે, પણ જીડીપીના ગુણોત્તર તરીકે ૨૦૨૪માં ફિસ્કલ ડેફિસિટ ૫.૮ ટકાની (ફિસ્કલ ૨૩માં ૬.૪ ટકાની) હોય શકે. 

ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં ફેરફારની સંભાવના

હાલમાં અમુક ક્ષેત્રે ઇન્પુટ પરની કસ્ટમ ડ્યુટી કરતાં ફિનિશ્ડ પ્રોડક્ટ પરની કસ્ટમ ડ્યુટી ઓછી છે, જેને કારણે ફિનિશ્ડ પ્રોડક્ટની આયાતને (ઇન્પુટની આયાત દ્વારા ડોમેસ્ટિક મૅન્યુફૅક્ચરિંગ કરવાને બદલે) પ્રોત્સાહન મળે છે. આ વિસંગતિ દૂર કરાય (ફિનિશ્ડ પ્રોડક્ટ પરની ડ્યુટી ઇન્પુટ પરની ડ્યુટી કરતાં વધારીને) તો આપણું મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર વિસ્તૃત બને અને એ દ્વારા આર્થિક વિકાસ તેમ જ રોજગારી બન્નેમાં વધારો થાય. 

૧૫ ટકાના નીચા કૉર્પોરેટ ટૅક્સની ૨૦૨૪ સુધીની મુદતમાં પણ વધારાની સંભાવના છે. 

ડિસેમ્બર મહિને ઇશ્યુ કરાયેલ ઈ-વે બિલ (૮૪૧ લાખ બિલ્સ) જાન્યુઆરી ૨૦૨૩માં જીએસટીના રેકૉર્ડ રેવન્યુની આશા જન્માવે છે. આ રેકૉર્ડ રેવન્યુ પણ ફિસ્કલ ૨૩નું આપણું ફિસ્કલ ડેફિસિટનું લક્ષ્યાંક (૬.૪ ટકા) જાળવી રાખવામાં મદદ કરી શકે. 

ઊંચી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વચ્ચે ઇન્વર્ડ રેમિટન્સની ૧૦૦ બિલ્યન ડૉલરની આવક રાહતરૂપ

વિશ્વની ઘટતી જતી માગે આપણી ચીજવસ્તુઓની નિકાસ પર અવળી અસર કરી છે, પણ આપણી સેવાઓની નિકાસ અને રેમિટન્સની ઊંચી આવકને લીધે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પર આપણો અંકુશ રહેશે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આપણી સીએડી જીડીપીના ૪.૪ ટકા જેટલી ઊંચી હતી. ચાલુ નાણાકીય વરસે આપણી સીએડી જીડીપીના ૩.૨ ટકા (ફિસ્કલ ૨૨માં ૧.૨ ટકા) જેટલી ઊંચી રહેશે.

૨૦૨૨માં ઇન્વર્ડ રેમિટન્સ (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ દ્વારા સ્વદેશ મોકલાતી રકમ) ૧૦૦ બિલ્યન ડૉલર (૨૦૨૧માં ૮૯ બિલ્યન ડૉલર) આપણા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. એ દ્વારા રૂપિયાની બાહ્ય કિંમત સ્થિર રાખવામાં અને ઊંચી સીએડી મૅનેજ કરવામાં મદદ મળશે. 

અમેરિકા અને બ્રિટનના ઊંચા ભાવવધારાને કારણે ૨૦૨૩માં આ આવક ઘટી શકે. નબળા રૂપિયા અને ૨૦૨૨માં ૧૮ બિલ્યન ડૉલરના વિદેશી પોર્ટફોલિયો મૂડીના આઉટફ્લોના સંદર્ભમાં એનઆરઆઇ અને પીઆઇઓ દ્વારા મોકલાતી આ રકમ આપણું કરન્ટ અકાઉન્ટ મૅનેજ કરવામાં સહાયરૂપ બને છે. 

આ પણ વાંચો : Union Budget 2023: શરૂ થઈ ગયું કાઉન્ટડાઉન, નાણાં મંત્રાલયમાં યોજાયો આ ખાસ સમારોહ

અંદાજપત્રમાં એમએસએમઈને જીવંત રાખવાની વિશેષ કાળજી લેવાવી જોઈએ

૨૦૦૮થી અમલમાં રહેલ હળવી અને મહામારીમાં વધુ હળવી કરાયેલ મૉનિટરી પૉલિસીએ સમાજના વિભિન્ન વર્ગો વચ્ચેની આર્થિક અસમાનતામાં વધારો કર્યો છે. હમણાં જ મફતમાં અપાતાં અનાજની સ્કીમની મુદતમાં કરાયેલ ૧૨ મહિનાનો વધારો અને નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમ માટે વધુ રકમની ફાળવણી કરાય તો આવકની અસમાનતા અને ગરીબીમાં નજીવો પણ ઘટાડો થઈ શકે. 

આપણી મોટા ભાગની રોજગારીનું સર્જન માઇક્રો, મિડિયમ અને સ્મૉલ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ)માં થાય છે. એના વિકાસ માટે અને એને જીવંત રાખવા માટેનાં જરૂરી પગલાં અંદાજપત્રમાં લેવાય તો આ ક્ષેત્રે મોટે પાયે રોજગારીનું સર્જન થઈ શકે. દેશમાં એક તરફ બેરોજગારોની મોટી ફોજ છે તો બીજી તરફ જરૂરી કુશળ કારીગરોની અછત છે. સ્કીલ ડેવલપમેન્ટ માટે વધુ ફન્ડ ફાળવવાનો મોટો અવકાશ છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને માળખાકીય સવલતો માટેની જોગવાઈ વધારવાની સાથે કરવેરાના માળખાના એવા ફેરફારની આવશ્યકતા છે કે જેથી કરવેરાની કુલ આવકમાં પરોક્ષ વેરાનો હિસ્સો ઘટે અને પ્રત્યક્ષ વેરાનો હિસ્સો વધે. 

દેશને આજે જરૂર છે ૧૯૯૧માં નરસિંહ રાવ સરકારના નાણાપ્રધાન ડૉ. મનમોહન સિંહે આપેલ ઐતિહાસિક અંદાજપત્રની. 

વેઇટ ઍન્ડ વૉચ! 

business news inflation gdp indian economy union budget finance ministry