02 February, 2023 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃષિ ધિરાણનો લક્ષ્યાંક ૧૧ ટકા વધારીને ૨૦ લાખ કરોડ રૂપિયા
સરકારે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણનું લક્ષ્ય ૧૧ ટકા વધારીને ૨૦ લાખ કરોડ કરી દીધું છે.
નાણાપ્રધાને મત્સ્ય ઉદ્યોગમાં મૂલ્ય શ્રૃંખલાને સુધારવા માટે તથા મત્સ્ય બજારના વિસ્તાર માટે ૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની નવી પેટા યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, દરિયાઈ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવાની દૃષ્ટિએ ઝીંગા ફીડના સ્થાનિક ઉત્પાદન માટેના મુખ્ય ઇનપુટ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી પણ ઘટાડવામાં આવશે. સરકાર વૈકલ્પિક ખાતરના ઉપયોગને વધારવા તથા રસાયણયુક્ત ખાતરના સંતુલિત ઉપયોગ માટે પ્રધાનમંત્રી પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન, અવેરનેસ, નરિશમેન્ટ ઍન્ડ અમેલિઓરેશન ઑફ મધર અર્થ (પીએમ-પ્રણામ) યોજના હેઠળ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સવલત આપવામાં આવશે.
સરકારે ‘શ્રી અન્ન’ તરીકે ઓળખાવવામાં આવી રહેલાં જાડાં ધાન્યોના ક્ષેત્રે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું આયોજન ધરાવે છે. એના માટે હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મિલેટ રિસર્ચને ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે સહયોગ આપવામાં આવશે, જેથી એ આંતરરાષ્ટ્રીય સ્તરે વપરાતી ઉત્તમ પદ્ધતિઓ, સંશોધન અને ટેક્નૉલૉજીસ લાવી શકે. ભારત જાડાં ધાન્યોનું વિશ્વમાં સૌથી મોટું ઉત્પાદક અને બીજા ક્રમાંકનું નિકાસકાર છે. દેશમાં જુવાર, નાચણી, બાજરી, કુટ્ટુ, રામદાણા, કંગણી, કુટકી, કોદો, ચીના અને સામો જેવાં જાડાં ધાન્યો ઊગે છે. આરોગ્યની દૃષ્ટિએ એ ઘણા ગુણકારી છે.