02 February, 2023 08:24 AM IST | Mumbai | Jitendra Sanghvi
પ્રતીકાત્મક તસવીર
ગરીબો માટે મફત અનાજની સ્કીમની મુદતનો વધારો, નોકરિયાત અને મધ્યમ વર્ગ માટે આવકવેરાની મુક્તિની લિમિટનો વધારો, માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો માટેની ક્રેડિટ ગૅરન્ટી સ્કીમના કૉર્પસમાં વધારો, ખેડૂતો માટેના ધિરાણની રકમમાં વધારાની જોગવાઈ, સ્વાસ્થ્ય અને શિક્ષણનો વ્યાપ વધે એ માટેની સ્કીમો, ગરીબો માટેના આવાસની યોજના માટે મોટી ફાળવણી, માળખાકીય સવલતો માટેના મૂડીરોકાણમાં જંગી વધારો, બિઝનેસ કરવા માટે જરૂરી પ્રોસિજરની સફળતા, વરિષ્ઠ નાગરિકો માટેની સ્પેશ્યલ સેવિંગ સ્કીમ એ આ અંદાજપત્રની ઊડીને આંખે વળગે એવી જોગવાઈઓ છે.
દસ લાખ કરોડ રૂપિયાના અધધધ મૂડીરોકાણની જોગવાઈ અને એમ છતાં ફિસ્કલ ડેફિસિટમાં ઘટાડો (જીડીપીના ૫.૯ ટકા) થઈ શકે એ આપણી ફિસ્કલ મૅનેજમેન્ટનો શ્રેષ્ઠ પુરાવો છે.
સમગ્ર વિશ્વ જ્યારે સ્લોડાઉનથી પીડાતું હોય (અમેરિકા અને ચીન સહિત) કે મંદીને આરે ઊભું હોય ત્યારે બીજા દેશો પર અનેક બાબતે અવલંબિત ભારત માટે ચાલુ વરસે ૭ ટકાના આર્થિક વિકાસનો દર અને ફિસ્કલ ૨૪ માટે ૫.૨ ટકાનો અંદાજિત આર્થિક વિકાસનો દર (વિશ્વના મુખ્ય દેશોમાં સૌથી ઝડપી વિકાસનો દર) ભારત માટે ગૌરવ લેવા જેવી વાત છે.
છેલ્લાં ચાર વરસમાં મૂડીરોકાણ બમણું થયું
મૂડીરોકાણ (કૅપેકસ) વધારીને આપણી માળખાકીય સવલતો વધારવાનો અને આધુનિક બનાવવાનો મોટો પડકાર નાણાપ્રધાન સામે હતો. આ ખર્ચ થાય તો જ આપણે નવી રોજગારીનું સર્જન કરી શકીએ અને એ દ્વારા વપરાશ ખર્ચ (માગ)નો વધારો.
અંદાજપત્રમાં ફિસ્કલ ૨૪ માટેનો મૂડીખર્ચ ૧૦ લાખ કરોડ રૂપિયા (૩૩ ટકા વધારો)નો કરાયો છે, જે જીડીપીના ૩.૩ ટકા જેટલો છે (ચાર વરસ પહેલાં એ ૧.૭ ટકાનો હતો).
મૂડીખર્ચ માટે રાજ્યોને અપાનાર ૫૦ વરસ માટેની વ્યાજમુક્ત લોન સાથે આ ખર્ચ ૧૩.૭ લાખ કરોડ (જીડીપીના ૪.૫ ટકા)નો થશે.
અને છતાં ફિસ્કલ ડેફિસિટમાં ઘટાડો
ફિસ્કલ ડેફિસિટ એક એવો મેક્રો-ઇકૉનૉમિક પૅરામીટર છે જે વિરોધ પક્ષ માટે સરકારના વિરોધનું હથિયાર બને છે. એટલે કોઈ પણ નાણાપ્રધાન એ અંકુશમાં છે એમ દેખાડવાનો પ્રયાસ કરે જ, પણ મૂડીરોકાણ (કૅપિટલ ખર્ચ) ઘટાડીને.
આ વરસે સતત બીજા વરસે મૂડીરોકાણમાં ધરખમ વધારો કર્યા પછી પણ ફિસ્કલ ડેફિસિટ ઘટાડીને ૫.૯ ટકા (ચાલુ વરસે જીડીપીના ૬.૪ ટકા) કરાઈ છે. ફિસ્કલ ૨૬ સુધીમાં (હવે પછીનાં બે વરસમાં) એ ૪.૫ ટકા જેટલી નીચી લાવવાના ફિસ્કલ રીસ્પૉન્સિબિલિટી ઍન્ડ બજેટ મૅનેજમેન્ટ ઍક્ટના લક્ષ્યાંકને નાણાપ્રધાન વળગી રહ્યાં છે.
ભૂતકાળમાં નાણાપ્રધાનો એફઆરબીએમ ઍક્ટના લક્ષ્યાંકને પોતાની જરૂરિયાત મુજબ બદલતા રહીને એના ધજાગરા ઉડાવતા રહ્યા છે, એ યાદ અપાવવાની ભાગ્યે જ જરૂર હોય.
માઇક્રો અને નાના ઉદ્યોગો અંદાજપત્રના દાયરામાં છે
માઇક્રો અને નાના ઉદ્યોગોની ક્રેડિટ ગૅરન્ટી સ્કીમ માટે ૯૦૦૦ કરોડ રૂપિયાનું ફન્ડ ઊભું કરાશે, જે થકી આ ઉદ્યોગોને ફિસ્કલ ૨૪મા બે લાખ કરોડ રૂપિયાનું ધિરાણ કરી શકાશે. સામાન્ય રીતે વ્યાજના દર વધી રહ્યા છે ત્યારે આ ધિરાણ પરના વ્યાજના દર ઘટાડવાની જાહેરાત કરાઈ છે.
સરકાર માટે ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન (વધુ ને વધુ લોકોને ક્રેડિટ મળે, તેમનાં બૅન્ક અકાઉન્ટ હોય) પ્રાથમિકતા છે. ઇન્ક્લુઝિવ ગ્રોથ (વિકાસનો ફાયદો બધાને મળે) અને સંગઠિત ક્ષેત્રનો વ્યાપ (ઈપીએફઓની મેમ્બરશિપમાં મોટો વધારો) પણ સરકારનો અગ્રક્રમ છે.
ટીવી અને મોબાઇલ પરના સ્પેરપાર્ટ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને આપણા ઉત્પાદન ક્ષેત્રને અને સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન મળે એવી જાહેરાતો પણ કરાઈ છે.
ફિસ્કલ ડિસિપ્લિન થકી કિંમતો ઘટે અને ભાવવધારો અટકે
આપણો ભાવવધારાનો દર ઘટતો જાય છે અને હવે પછી પણ ઘટતો રહેવાની અપેક્ષા છે. એટલે આવતે અઠવાડિયે જાહેર થનાર મૉનિટરી પૉલિસીમાં વ્યાજના દરના ૨૫ બેસિસ પૉઇન્ટના વધારા પછી રિઝર્વ બૅન્કને પૉલિસીના દર વધારવાની જરૂર ન પણ પડે. આજે કેન્દ્ર સરકાર વરસે ૧૧ લાખ કરોડ રૂપિયા તેણે લીધેલ લોનના વ્યાજ પેટે ચૂકવે છે (અંદાજપત્રના કુલ ખર્ચના ૨૫ ટકા કે અંદાજપત્રના કુલ રેવેન્યુના લગભગ ૩૩ ટકા) એટલે ખર્ચની ગુણવત્તા વધારાય તો જ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરી શકીએ. ખર્ચની ઉત્પાદકતા વધે એટલે જે ફન્ડ ફાજલ પડે એ દ્વારા પ્રજાના છેવાડાના વર્ગ માટેની વેલ્ફેર સ્કીમો (મફત અનાજ, આયુષ્માન ભારત)નો અમલ કરી શકીએ. બીજા શબ્દોમાં ફિસ્કલ ડિસિપ્લિન જ આપણે માટે ફિસ્કલ સ્ટિમ્યુલસ સાબિત થાય તો નવાઈ નહીં.
આ ફિસ્કલ ડિસિપ્લિન એટલે અર્થતંત્રમાં કિંમતોનો ઘટાડો.
ચીજવસ્તુઓ કે સેવાના ભાવો વધે એનો ડંખ ઉપભોક્તા વર્ગને લાગે જ. આજે જરૂર છે ઉત્પાદન અને સેવાઓની કાર્યક્ષમતા વધારીને એની કિંમત ઘટાડવાની. અર્થતંત્રમાં કિંમતો ઘટે તો ભાવો આપોઆપ ઘટે. લો-કૉસ્ટ ઇકૉનૉમીના નિર્માણ માટે આ રામબાણ ઇલાજ સાબિત થઈ શકે અને તો જ ચીનના સ્લોડાઉન કે રિકવરીની આડઅસરમાંથી આપણે બચી શકીએ.
માળખાકીય સવલતોનો વધારો આપણી લૉજિસ્ટિક કૉસ્ટ અને ટ્રાન્ઝૅક્શન કૉસ્ટ ઘટાડી શકે, જેને કારણે આપણી હરીફ શક્તિ વધે તો આપણી નિકાસો પણ વધે. જે આ અનિશ્ચિત સમયની તાતી જરૂર છે. વૈશ્વિક અર્થતંત્ર સ્લોડાઉનનો સામનો કરી રહ્યું હોય એટલે આપણી નિકાસો માટેની માગ પણ ઘટી છે. આપણી હરીફ શક્તિ દ્વારા નિકાસો વધારીને આપણી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પણ કન્ટ્રોલ કરી શકાય.
અનિવાર્ય રેવેન્યુ ખર્ચ (સરકારી કર્મચારીઓના પગાર/ભથ્થાં, પેન્શન, નબળા વર્ગ માટેની સબસિડી-ફૂડ અને ફર્ટિલાઇઝર)નો ખર્ચ કર્યા પછી પણ માળખાકીય સવલતો માટેનો મૂડીખર્ચ વધારી શકાય (અને એ પણ ફિસ્કલ ડિસિપ્લિનનો ભોગ લીધા સિવાય) એ બાબતે આ અંદાજપત્રે એક નવો ચીલો ચાતર્યો છે.
કરવેરા અને ડ્યુટીના ઘટાડાને કારણે આવતા વરસે સરકારની આવક ઘટશે. તો પછી ફિસ્કલ ડેફિસિટ કેવી રીતે કન્ટ્રોલ કરવાનો પ્લાન છે એ જાણવા માટે ફાઇન પ્રિન્ટની રાહ જોવી રહી.
રાજકારણ નહીં, પણ અર્થકારણને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું આ ‘પાથ બ્રેકિંગ’ અંદાજપત્ર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં યાદગાર બની રહેશે. ‘કુડોઝ ટુ મોદી સરકાર 2.0!’