10 April, 2023 03:30 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવા નાણાકીય વર્ષમાં કરવાનાં અગત્યનાં કાર્યો વિશે આપણે ગયા વખતે વાત કરી. એમાં બાકી રહી ગયેલા કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ આજે પૂરા કરીએ.
જીવન વીમાની સમીક્ષા
પોતાનાં લગ્ન, સંતાનપ્રાપ્તિ, ઘરની ખરીદી વગેરે જેવા મહત્ત્વના પ્રસંગ થયા બાદ દરેક વ્યક્તિની જવાબદારીમાં વધારો થઈ જાય છે. એવા સમયે પોતાના જીવન વીમાની રકમમાં વધારો કરવો જરૂરી બને છે. આથી જીવન વીમાની પોતાને કેટલા પ્રમાણમાં જરૂર છે અને એમાં કેટલી રકમ સુધીનું પ્રીમિયમ ભરવું પોસાય છે એનો વિચાર કરવાનો હોય છે.
જીવન વીમાનું કવચ લેતી વખતે હ્યુમન લાઇફ વૅલ્યુનો વિચાર કરવામાં આવે છે. પરિવારની કમાતી વ્યક્તિની ગેરહાજરીમાં નિર્ભર વ્યક્તિઓનો મહિનાનો ખર્ચ પૂરો થાય, બધી લોન ચૂકતે થઈ જાય અને સંતાનોના શિક્ષણ જેવા મોટા કાર્ય માટે રકમ બચે એટલો વીમો સામાન્ય રીતે લેવામાં આવે છે.
આરોગ્ય વીમાની સમીક્ષા
લગ્ન અને સંતાનપ્રાપ્તિ એ બન્ને પ્રસંગો બાદ ઘરમાં નવા સભ્યોનો ઉમેરો થાય છે. આવામાં આરોગ્ય વીમાની પણ સમીક્ષા કરવાની હોય છે અને બધા માટે આરોગ્ય વીમો લેવાનો હોય છે. લગ્ન પહેલાં એકલાની પૉલિસી ખરીદી હોય છે, જ્યારે લગ્ન પછી દંપતીની અને સંતાન આવ્યા પછી તેની સાથે સમગ્ર પરિવારની આરોગ્ય વીમાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પૉલિસીમાં આવશ્યક ફેરફાર કરવાના હોય છે.
પરિવારની પૉલિસીને વ્યક્તિગતમાંથી ફૅમિલી ફ્લોટર બનાવવાની હોય છે. એની સાથે-સાથે સમ અશ્યૉર્ડમાં પણ વધારો કરવાનો હોય છે. આરોગ્ય વીમા કંપનીઓ પૉલિસીમાં આવા ફેરફાર કરીને આપતી હોય છે અને એ વખતે તમારા અગાઉના જમા થયેલા બેનિફિટ અકબંધ રહે છે.
આ પણ વાંચો : મંદીના માર વચ્ચે યોગ્ય રોકાણનો વિચાર
કરવેરાનું આયોજન શરૂ કરવું
નાણાકીય વર્ષના પ્રારંભે કરવેરાનું આયોજન જેટલું જલદી થઈ જાય એટલું સારું રહે છે. એનું કારણ એ છે કે તમારે મહત્તમ કરબચત માટે કેટલું રોકાણ કરવું પડશે એ પહેલેથી સ્પષ્ટ થઈ જાય છે અને તમે એને માટે આવશ્યકતા મુજબ જોગવાઈ કરીને બચત તથા રોકાણનું આયોજન સારી રીતે કરી શકો છો. રોકાણ કરવા માટે આખું વર્ષ મળી જતું હોવાથી એકસાથે મોટી રકમ કાઢવાની જરૂર પડતી નથી.
જો તમે ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ અને નૅશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવાના હો તો વર્ષના શરૂઆતમાં જ લેવાયેલો નિર્ણય ઘણો ઉપયોગી થાય છે, કારણ કે તમે એને માટે એસઆઇપી કરાવી શકો છો. વર્ષ દરમ્યાન બજારમાં આવતા ઉતાર-ચડાવનો સામનો ઘણી સારી રીતે થઈ શકે છે અને એમાં રૂપી કૉસ્ટ ઍવરેજિંગનો લાભ મળે છે. જો આવું રોકાણ એકસામટું કરવામાં આવે તો શક્ય છે કે બજાર ઊંચે હોય ત્યારે રોકાણ કરવામાં આવે અને વળતરનું પ્રમાણ ઘટી જાય. વળી બજાર ઊંચે હોય ત્યારે ઓછા યુનિટ મળે છે.
માસિક રોકાણની રકમ વધારતા જવું
આદર્શ રીતે તમારે આવક વધે ત્યારે એસઆઇપીના રોકાણમાં પણ વધારો કરતા જવું જોઈએ. સામાન્ય રીતે ૧૦ ટકાનો વધારો કરવો જોઈએ. આ રીતે તમે પોતાનાં નાણાકીય લક્ષ્યો સુધી જલદી પહોંચી શકો છો. નૅશનલ પેન્શન સ્કીમમાં કર બચતની દૃષ્ટિએ ૫૦,૦૦૦ રૂપિયાના વધારાના ડિડક્શનનો લાભ મળે છે. આ લાભ દોઢ લાખ રૂપિયાના કલમ ૮૦સી હેઠળના લાભ ઉપરાંતનો હોય છે. જેમને ૧૧ વર્ષ કરતાં ઓછી ઉંમરની દીકરી હોય તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ રોકાણ કરવું જોઈએ. આ સ્કીમમાં પીપીએફ અને અન્ય નાની બચત યોજનાઓ કરતાં વધારે વળતર મળે છે.
ગયા વખતનાં અને આ લેખમાં જણાવાયેલાં પગલાં ભરીને તમે સમગ્ર નાણાકીય વર્ષ તથા આવતાં અનેક વર્ષો માટે નાણાકીય દૃષ્ટિએ મજબૂત પાયો રચી શકો છો.