ફેડની ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણયની અનિશ્ચિતતાથી સોનામાં મર્યાદિત ઘટાડો

30 March, 2023 04:25 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકામાં હોમ પ્રાઇસ સતત વધી રહી હોવાથી હાઉસિંગ સેક્ટરમાં મંદી આવવાની ધારણા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ફેડની ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણયની અનિશ્ચિતતાથી સોનામાં મર્યાદિત ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૭૦ રૂપિયા વધ્યું હતું અને ચાંદી પ્રતિ કિલો ૫૦૦ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકન ફેડ મે મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ? એ વિશેની અનિશ્ચિતતાઓ વધતાં સોનામાં વધુ ઘટાડો અટકી ભાવ રેન્જબાઉન્ડ રહ્યા હતા. છેલ્લા બે દિવસમાં ડૉલર ઇન્ડેક્સ એક ટકા ઘટ્યા બાદ બુધવારે ૦.૨ ટકા વધતાં સોનામાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો, પણ ઘટાડો મર્યાદિત હતો. ફેડ મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ફ્લેશન વધારશે એની શક્યતા ૪૦.૧ ટકા રહી હોવાનું સર્વેનું તારણ હતું. અમેરિકાના માર્ચ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા તેમ જ જૉબડેટા જોયા બાદ ફેડ નિર્ણય લેશે. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ ઘટ્યાં હતાં. પૅલેડિયમમાં સુધારો હતો. 

ઇકૉનોમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૨.૫ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસમાં ડૉલર ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. બૅ​ન્કિંગ ક્રાઇસિસ ધારણા કરતાં વહેલી પૂરી થયાના અહેસાસે ડૉલરમાં સેફ હેવન બાઇંગ ઘટી ગયું હતું તેમ જ બૅ​ન્કિંગ ક્રાઇસિસ ઘટતાં યુરોપ અને અન્ય દેશોની ઇક્વિટી માર્કેટમાં તેજી આવતાં ડૉલર પર દબાણ વધ્યું હતું. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે હજુ એક ઇન્ટરેસ્ટ રેટ વધારાની શક્યતા બતાવી હોવા છતાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના ચા​ન્સિસ ઓછા હોવાથી ડૉલર ઘટી રહ્યો છે. 

અમેરિકાના ટૉપ લેવલનાં ૨૦ શહેરોના હાઉસિંગ પ્રાઇસને બતાવતો સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સનો કેસ શિલર ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૨.૫ ટકા વધ્યો હતો જે ડિસેમ્બરમાં ૪.૬ ટકા વધ્યો હતો. જાન્યુઆરીમાં આ ઇન્ડેક્સમાં થયેલો વધારો છેલ્લા ૩૯ મહિનાનો સૌથી ઓછો હતો. વાર્ષિક ધોરણે ૨૦ શહેરોની હાઉસિંગ પ્રાઇસ સતત સાતમા મહિને ઘટી હતી. ૨૦ શહેરોમાં ૧૯ શહેરોની હાઉસિંગ પ્રાઇસ વાર્ષિક ધોરણે સતત ઘટી રહી છે. કેશ શિલરના મૅનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે મૉર્ગેજ ફાઇનૅ​ન્સિંગ અને ઇકૉનૉમિક ઍ​ક્ટિવિટી ધીમી પડતાં આગામી થોડા મહિનાઓ સુધી હાઉસિંગ પ્રાઇસ સતત ઘટતી રહેશે.

અમેરિકામાં સિંગલ ફૅમિલી રહેણાક મકાનોના ભાવને બતાવતો ફીને મે ઍન્ડ ફ્રીડલ મેક ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૦.૨ ટકા વધ્યો હતો જે છેલ્લા બે મહિનામાં ૦.૧ ટકા ઘટ્યો હતો. સિંગલ ફૅમિલી હાઉસિંગ પ્રાઇસ વાર્ષિક ધોરણે ૫.૩ ટકા વધી હતી. અમેરિકામાં ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી મકાનોના ભાવ વધી રહ્યા છે તેમ જ ઇન્ટરેસ્ટ રેટના વધારાના કારણે મૉર્ગેજ રેટ પણ વધી રહ્યા હોવાથી એની હાઉસિંગ માર્કેટ પર મોટી અસર જોવા મળી છે.

અમેરિકાની એક્સપોર્ટ ફેબ્રુઆરીમાં ૩.૮ ટકા ઘટી હતી અને ઇમ્પોર્ટ પણ ૨.૩ ટકા ઘટી હતી. ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધુ ઘટતાં ટ્રેડ ડેફિસિટ ફેબ્રુઆરીમાં વધીને ૯૧.૬૩ અબજ ડૉલરે પહોંચી હતી જે જાન્યુઆરીમાં ૯૧.૦૯ અબજ ડૉલર હતી. ગ્લોબલ ડિમાન્ડ ઘટતાં અને કૉસ્ટ સતત વધી રહી હોવાથી અમેરિકાની એક્સપોર્ટને અસર થઈ રહી છે. 

આ પણ વાંચો: બૅ​ન્કિંગ ક્રાઇસિસ દ્વારા સેફ હેવન ડિમાન્ડ માર્કેટમાં ડાઇવર્ટ થતાં સોનાંમાં ઘટ

ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૬.૮ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૭.૪ ટકા હતું અને માર્કેટની ધારણા ૭.૧ ટકાની હતી. ઑસ્ટ્રેલિયાના ઇન્ફ્લેશનમાં સતત બીજે મહિને ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને હાઉસિંગ અને ફૂડ-નૉન આલ્કોહૉલિક બેવરેજના ભાવ ઘટતાં ઇન્ફ્લેશન ઘટ્યું હતું. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બેથી ત્રણ ટકા નક્કી કર્યો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ ગયા માર્ચ મહિનાથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી અને છેલ્લા એક વર્ષમાં નવ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યા બાદ તમામ મેમ્બરોએ ગઈ મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવવાનું નક્કી કર્યું હતું. ફેબ્રુઆરીનું ઇન્ફ્લેશન ઘટતાં રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયા આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી શક્યતા છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

અમેરિકા અને યુરોપની બૅ​ન્કિંગ ક્રાઇસિસને પગલે સોનામાં ઝડપી ૧૦૦ ડૉલરનો ઉછાળો નોંધાયો હતો. ત્યાર બાદ બૅ​ન્કિંગ ક્રાઇસિસ મોટે ભાગે પૂરી થયાનાં ગાણાં છેલ્લા ત્રણ દિવસથી ગાવામાં આવે છે, પણ સોનામાં ૨૦૧૧.૫૦ ડૉલરના ઊંચા લેવલથી ૪૦થી ૪૫ ડૉલરની મંદી આવી છે. સોનું ૧૯૬૦ ડૉલરની સપાટીથી પાછું ફર્યું છે. બૅ​ન્કિંગ ક્રાઇસિસ ઉપરાંત સોનાના ભાવની મૂવમેન્ટ અનેક બાબતો પર નિર્ભર છે. અમેરિકાએ માર્ચ મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ હજુ એક વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાત કહી હતી તેમ જ ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે એવું ફેડે જણાવ્યું હતું, પણ માર્કેટમાં બૅ​ન્કિંગ ક્રાઇસિસ પછી જે માહોલ સર્જાયો છે અને ડૉલર ઇન્ડેક્સ જે રીતે ઘટી રહ્યો છે એ સ્પષ્ટ સંકેત આપે છે કે ફેડ ગમે એટલો દાવો કરે, પણ એક વખત ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું મુશ્કેલ છે. ૨૦૨૩ના અંત સુધીમાં ઓછામાં ઓછું એક વખત ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવો પડશે. ડૉલર ઇન્ડેક્સ ૧૦૨થી ૧૦૩ના લેવલથી વધી શકતો નથી. આ તમામ સંકેતો સોનામાં ગમે ત્યારે બાઉન્સબૅક થવાનો સંકેત આપે છે. સોનાનો હાલનો ઘટાડો નવેસરથી એન્ટ્રી કરવાની તક ગણવી જોઈએ. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૯,૩૩૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૦૯૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૦,૦૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation