22 November, 2024 07:41 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
યુક્રેનને અમેરિકન મિસાઇલથી રશિયા પર અટૅક કરવાની છૂટ મળ્યા બાદ યુક્રેને છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત રશિયા પર ક્રૂઝ-મિસાઇલથી અટૅક કરતાં સેફ હેવન ડિમાન્ડના વધારાથી સોનું ઊછળ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૬૭.૨૦ ડૉલર અને ચાંદી વધીને ૩૧.૩૭ ડૉલરની સપાટીએ પહોંચી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૫૯ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૩૯ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ સતત ત્રીજે દિવસે વધ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસમાં સોનાનો ભાવ ૩૧૯૩ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
રશિયન ફૉરેન મિનિસ્ટરની ન્યુક્લિયર યુદ્ધ ટાળવાના પ્રયાસની ખાતરી વચ્ચે યુક્રેન છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત અમેરિકન મિસાઇલથી રશિયન ટેરિટરીમાં અટૅક કરતાં ફરી ન્યુક્લિયર યુદ્ધનો ખતરો ઊભો થતાં અમેરિકી ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. એને કારણે અમેરિકી ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૬.૬૦ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૧૫ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે સતત ચોથે સપ્તાહે વધીને સાડાચાર મહિનાની ઊંચી સપાટીએ ૬.૯૦ ટકાએ પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે ૬.૮૬ ટકા હતા. ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ ફેડ રેટ-કટ નહીં લાવી શકે એવી ચર્ચાઓ વચ્ચે મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા છે. જમ્બો લોનના મૉર્ગેજ રેટ ત્રણ બેસિસ પૉઇન્ટ વધીને ૭.૦૩ ટકાએ પહોંચ્યા હતા.
બ્રિટનનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૨.૩ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૧.૭ ટકા હતું અને માર્કેટની ધારણા ૨.૨ ટકાની હતી. ઇન્ફ્લેશન ફરી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના બે ટકાના ટાર્ગેટથી ઉપર ગયું હતું.
ચીનની સેન્ટ્રલ બૅન્કે એક વર્ષના લોન પ્રાઇમ રેટ ૩.૧ ટકા અને પાંચ વર્ષના લોન પ્રાઇસ રેટ ૩.૬ ટકા જાળવી રાખ્યા હતા. અગાઉ જુલાઈ અને ઑક્ટોબરમાં બે વખત લોન પ્રાઇમ રેટ ઘટાડ્યા હતા.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકન પ્રેસિડન્ટપદે ટ્રમ્પ જીત્યા બાદ ફેડ હવે રેટ-કટ નહીં લાવી શકે એવી ચર્ચા વર્લ્ડના તમામ મીડિયામાં જોરશોરથી ચાલી રહી છે, પણ બૉસ્ટનનાં ફેડ પ્રેસિડન્ટ સુસાન કૉલિને ભારપૂર્વક હજી વધુ રેટ-કટની જરૂર હોવાનું પબ્લિક મીટિંગમાં જણાવ્યું હતું. આવો જ સૂર ફેડના ગવર્નર વિલિયમ્સનો પણ હતો. ફેડના મોટા ભાગના મેમ્બરો રેટ-કટની તરફેણ કરી રહ્યા છે અને ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે તાજેતરમાં વધુ રેટ-કટની જરૂર ન હોવાનું કહ્યું હતું, પણ એની સાથે એ પણ કહ્યું હતું કે ટ્રમ્પની જીતથી ફેડના ડિસિઝનમાં કોઈ ફેરફાર નહીં થાય. ફેડની હવે પછીની મીટિંગ ૧૮-૧૯ ડિસેમ્બરે છે અને ત્યાર બાદની મીટિંગ ૨૮-૨૯ જાન્યુઆરી ૨૦૨૫માં યોજાશે. ફેડના મેમ્બરોનો સૂર જોતાં ડિસેમ્બરમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ નિશ્ચિત મનાઈ રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફરી ટેન્શન વધતાં ફેડ કદાચ ૫૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવીને આશ્ચર્ય પણ સર્જી શકે છે. આ સંજોગોમાં સોનામાં જિયોપૉલિટિકલ ટેન્શનની તેજીની સાથે મૉનિટરી કારણોની પણ તેજી ભળે તો આગામી દિવસોમાં નવી તેજી જોવા મળશે જેની શક્યતા હવે ઝડપથી વધી રહી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૬,૯૩૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૬,૬૨૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૦,૩૧૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)