હળદરના ભાવમાં મંદી : ભાવ હજી ઘટે એવી વેપારીઓની ધારણા

13 December, 2022 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હળદરમાં તાજેતરના ઊંચા ભાવથી ક્વિન્ટલે ૩૦૦થી ૪૦૦નો ઘટાડો થયો

પ્રતીકાત્મક તસવીર

હળદર બજારમાં તેજીને હવે બ્રેક લાગે એવી સંભાવના છે. દિવાળી બાદ સતત ભાવ વધ્યા બાદ હવે માગ ઓછી હોવાથી અને ઉત્પાદન પણ વિક્રમી થયું હોવાથી બજારમાં ઘટાડાની સંભાવના છે.

ઈરોડ હળદર મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ આરકેવી રવિશંકરે જણાવ્યું હતું કે દિવાળી બાદ તેલંગણ અને મહારાષ્ટ્રની બજારમાં હળદરના ભાવમાં ક્વિન્ટલે ૩૦૦થી ૪૦૦ રૂપિયાની તેજી આવી હતી, પરંતુ હવે માગ ઘટી ગઈ હોવાથી ભાવમાં ઘટાડો થાય એવી ધારણા છે. હળદરનું ઉત્પાદન ગયા વર્ષે વિક્રમી થયું હોવાથી સ્ટૉક મોટો પડ્યો હોવાથી સરેરાશ નરમ ટોન જોવા મળી રહ્યો છે.

ઈરોડના યાર્ડમાં હળદરના ભાવ સરેરાશ દિવાળી પહેલાં ૬૬૪૧ રૂપિયા હતા, જે નવેમ્બરમાં વધીને ૭૧૩૧ રૂપિયાની સપાટી પર પહોંચ્યા હતા, જેમાં ફરી ઘટાડો થઈને ૬૭૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટી પર પહોંચ્યા છે. આગામી દિવસોમાં હળદરના ભાવમાં વધુ ઘટાડો થાય એવી સંભાવના છે.

સાંગલી એપીએમસીમાં હળદરના ભાવ રાજાપુરી વરાઇટીના વધીને ૭૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, જે નવેમ્બરમાં ઘટીને ૬૫૦૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યા હતા. ડિસેમ્બરમાં ભાવ અત્યારે સરેરાશ ૭૨૩૦.૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટી પર ટ્રેડ કરી રહ્યા છે. નિઝામાબાદના એક ટ્રેડરે જણાવ્યું હતું કે હળદરમાં ગયા વર્ષે વિક્રમી પાક થયો હોવાથી અત્યારે કૅરીઓવર સ્ટૉક મોટો જોવા મળી રહ્યો છે, જેને પગલે હાલ ઘરાકી ન હોવાથી ભાવ નરમ પડ્યા છે. કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ હળદરનો પાક ૨૦૨૧-’૨૨માં ૧૩.૩૧ લાખ ટનનો થયો હતો, જે આગલા વર્ષે ૧૧.૭૬ લાખ ટનનો થયો હતો. મહારાષ્ટ્રના નાંદેડ સહિતના વિસ્તારમાં હળદરનું વાવેતર સરેરાશ ૨૫ ટકા જેવું વધારે થયું હતું. ઉત્પાદનમાં વધારો થવા છતાં સરેરાશ માગ ડિસેમ્બરમાં ઠંડી રહી હોવાથી ભાવ ઘટ્યા છે.

business news commodity market