midday

અમેરિકાને વિશ્વની ક્રિપ્ટો રાજધાની બનાવવાનો ટ્રમ્પનો નિર્ધાર

25 March, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકન સંસદે હવે સ્ટેબલકૉઇન અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સીધા-સાદા નિયમો ઘડનારો સીમાચિહ‌્નરૂપ કાયદો પસાર કરવાની જરૂર છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાને બિટકૉઇનની મહાસત્તા અને વિશ્વની ક્રિપ્ટો રાજધાની બનાવવાનો પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નિર્ધાર કર્યો છે. ગુરુવારે ન્યુ યૉર્કમાં ભરાયેલી બ્લૉકવર્ક્સ ડિજિટલ ઍસેટ્સ સમિટમાં દર્શાવવામાં આવેલા તેમના વિડિયો-સંદેશમાં તેમણે કહ્યું હતું કે ક્રિપ્ટો અને બિટકૉઇન પર જો બાઇડને લાદેલાં નિયંત્રણો હટાવી લેવામાં આવી રહ્યાં છે. અમેરિકન સંસદે હવે સ્ટેબલકૉઇન અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સીધા-સાદા નિયમો ઘડનારો સીમાચિહ‌્નરૂપ કાયદો પસાર કરવાની જરૂર છે.

ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે ‘ડૉલરના મૂલ્ય પર આધારિત સ્ટેબલકૉઇન દ્વારા ડૉલરનું પ્રભુત્વ વધારવામાં ડિજિટલ ઍસેટ્સ ક્ષેત્રના પ્લેયર્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એના માટેનું યોગ્ય કાનૂની માળખું ઘડાઈ ગયા બાદ નાની-મોટી સંસ્થાઓ ડિજિટલ ઍસેટ્સમાં મુક્તપણે રોકાણ કરી શકશે.’

દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૩૨ ટકા ઘટીને ૨.૭૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૧.૫૮ ટકા ઘટાડો થઈને ભાવ ૮૪,૦૯૯ ડૉલર થયો છે. ઇથેરિયમમાં ૧.૬૯ ટકા ઘટાડા સાથે ભાવ ૧૯૫૦ ડૉલર પર પહોંચ્યો છે. એક્સઆરપીમાં ૩.૮૧ ટકા, ૩.૩૯ ટકા, સોલાનામાં ૩.૪૩ ટકા અને કાર્ડાનોમાં ૪.૪૦ ટકા ઘટાડો થયો હતો.

united states of america bitcoin crypto currency business news finance news