ટ્રમ્પ ઇફેક્ટ : તમામ કૉમોડિટીમાં તેજી-મંદીની જબરદસ્ત ઊથલપાથલ

11 March, 2025 06:55 AM IST  |  Mumbai | Mayur Mehta

નૅચરલ ગૅસના ભાવ પચીસ મહિનાની ઊંચાઈએ, ક્રૂડ તેલના ભાવ એક વર્ષના તળિયે : સોના-ચાંદીના ભાવ ૨૦૨૫ના આરંભના સવાબે મહિનામાં ૧૨.૫થી ૧૩ ટકા ઊછળ્યા : ન્યુ યૉર્ક રૂ વાયદો પાંચ વર્ષના તળિયે, સોયાબીન-સોયા ખોળ વાયદામાં મોટો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા બાદ ટૅરિફના વારંવાર ફેરફાર અને પ્રેશર ટેક્નિકથી તમામ કૉમોડિટીમાં તેજી-મંદીની જબરદસ્ત ઊથલપાથલ જોવા મળી છે. ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડા-મેક્સિકોથી આયાત થતી ચીજો પર પચીસ ટકા ટૅરિફવધારો તેમ જ ચીનથી આયાત થતી ચીજો પર ૨૦ ટકા ટૅરિફવધારો ચોથી માર્ચથી અમલી બનાવ્યો છે. ટ્રમ્પે અગાઉ અમેરિકામાં આયાત થતા સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ૧૦ ટકા ટૅરિફવધારો લાગુ કર્યા બાદ મુલતવી રાખ્યો હતો. એ જ રીતે અમેરિકામાં આયાત થતી તમામ ઑટોમોબાઇલ્સ આઇટમ પરનો ટૅરિફવધારો પણ અમલી બનાવ્યા પહેલાં જ મુલતવી રાખ્યો હતો. હાલ અમેરિકામાં આયાત થતી તમામ ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ અને યુરોપિયન દેશોમાંથી આયાત થતી ચીજો પર ટૅરિફવધારો લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ગ્લોબલ ઇકૉનૉમિક ફોરમ પર ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી તેમ જ ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)ને ક્રૂડ તેલનું ઉત્પાદન વધારીને ભાવ નીચા લાવવા અપીલ કરી હતી. ટ્રમ્પે પ્રેસિડન્ટ બન્યા બાદ ઇલૉન મસ્કના વડપણ હેઠળ ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશ્યન્સી નામનો નવો ડિપાર્ટમેન્ટ બનાવીને અનેક ગવર્નમેન્ટ એમ્પ્લૉઈઝની છટણી કરવાનું ચાલુ કર્યું છે. ઉપરાંત અમેરિકામાં વસતા ગેરકાયદેસરના નાગરિકોને પકડી-પકડીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. આમ, ટ્રમ્પે પ્રેસિડન્ટ બન્યા બાદ ૧૦૦ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહીસિક્કા કરીને આખી સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારો કરવાના ચાલુ કરતાં શૅરબજાર સહિત તમામ ફાઇનૅન્શ્યલ માર્કેટમાં ઊથલપાથલ મચી ગઈ છે જેમાં કૉમોડિટી બજારમાં સૌથી વધુ ઊથલપાથલ જોવા મળી છે.

સોના-ચાંદીમાં આસમાની તેજી

ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી અનેક વસ્તુઓ પર ટૅરિફવધારો લાગુ કરતાં તમામ આયાતી ચીજવસ્તુઓ મોંઘી થતાં ઇન્ફ્લેશનમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો તેમ જ ટૅરિફવધારાને કારણે ટ્રેડ-વૉર ઊભી થતાં ઇકૉનૉમિક ક્રાઇસિસ સામે દેખાવા લાગી હતી. સોના-ચાંદી ઇન્ફ્લેશનના વધારા સામે બેસ્ટ હેજિંગ ટુલ્સ હોવાથી સોના-ચાંદીની ખરીદીમાં વધારો થતાં ભાવ એકધારા વધવા લાગ્યા હતા. સોનાનો ભાવ છેલ્લા બે મહિનામાં અગિયાર વખત ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. સોનું વર્લ્ડ માર્કેટમાં ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૯૫૬.૧૫ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ થોડું ઘટ્યું હતું, પણ ફરી છેલ્લા એક સપ્તાહથી વધી રહ્યું છે. અમેરિકાનું ઇન્ફ્લેશન વધીને ત્રણ ટકાએ પહોંચી ગયું છે જે છેલ્લા પાંચ મહિનાથી સતત વધી રહ્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે એની સામે ઇન્ફ્લેશન ત્રણ ટકાએ હોવાથી હેજિંગ ડિમાન્ડ સતત વધી રહી છે. ટ્રમ્પ દ્વારા એકસાથે અનેક ચીજોની ટૅરિફમાં વધારાથી ટ્રેડ-વૉર આક્રમક બની છે. અમેરિકા જે દેશો પર ટૅરિફવધારો લાગુ કરે છે એ દેશ હવે વળતું આક્રમણ કરીને તેમના દેશોમાં અમેરિકાથી આયાત થતી ચીજો પર ટૅરિફવધારો લાગુ કરવા લાગ્યો હોવાથી ટ્રેડ-વૉર વધી રહી છે જેને કારણે અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશન બગડવાની ધારણાએ ડૉલર ઇન્ડેક્સ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોના-ચાંદીમાં ખરીદીનું આકર્ષણ સતત વધી રહ્યું છે. ભારતીય માર્કેટમાં સોનાનો ભાવ ૨૦૨૪ના અંતે પ્રતિ ૧૦ ગ્રામ ૭૬,૧૬૨ રૂપિયા હતો એ વધીને હાલ ૮૬,૦૫૯ રૂપિયા થયો છે જે સવાબે મહિનામાં ૧૩ ટકા ઉછાળો બતાવે છે જ્યારે ચાંદીનો ભાવ ભારતીય માર્કેટમાં ૨૦૨૪ના અંતે ૮૬,૦૧૭ રૂપિયા હતો જે વધીને હાલ ૯૬,૭૨૪ રૂપિયા થયો છે જે ૧૨.૪૪ ટકાનો ઉછાળો બતાવે છે.

એનર્જી કૉમોડિટીમાં મોટી વધ-ઘટ

ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ તરત જ રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા આક્રમક પ્રયત્નો શરૂ કર્યા જેમાં રશિયાને સૌપ્રથમ યુદ્ધ સમાપ્ત કરવા સમજાવ્યા બાદ યુક્રેનને ધમકાવવાનું ચાલુ કર્યું અને યુદ્ધ સમાપ્ત કરવા દબાણ વધાર્યું. ઇઝરાયલ-હમાસ વચ્ચે છ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા પણ બન્ને પક્ષે સમજૂતી કરીને એનો અમલ કરવા બન્ને પક્ષ પર દબાણ વધાર્યું. આ બન્ને યુદ્ધો સમાપ્ત થતાં લાંબા સમયથી અટકેલી ક્રૂડ તેલની સપ્લાય એકદમ સરળ બની ગઈ. ટ્રમ્પે ડિપ્લોમૅટિક કુનેહ દાખવી ઓપેક પર વર્ચસ્વ ધરાવતા સાઉદી અરેબિયા સાથે સંબંધો તાજા કરીને ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવા ઓપેકના મેમ્બરો પર દબાણ કર્યું જેને કારણે ઓપેકના મેમ્બરોએ એપ્રિલથી ઉત્પાદન વધારવાની જાહેરાત કરતાં ક્રૂડ તેલ અને બ્રેન્ટ વાયદા ઝડપથી ઘટવા લાગ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપતી તમામ પૉલિસીઓને એક ઝાટકે રદ કરીને ક્રૂડ તેલનું ઉત્પાદન વધે એ પ્રકારની પૉલિસી જાહેર કરતાં અમેરિકાનું ક્રૂડ તેલનું ઉત્પાદન વધશે એવી ધારણાએ ક્રૂડ તેલમાં વેચવાલી વધી હતી. કૅનેડા અને મેક્સિકોથી આયાત થતી ચીજો પર ટૅરિફવધારો લાગુ કર્યો પણ આ બન્ને દેશોથી આયાત થતી એનર્જી પ્રોડક્ટ પર ટૅરિફમાં રાહત આપવાની જાહેરાત કરતાં ક્રૂડ તેલમાં સપ્લાય સતત વધતી રહેશે એવો અહેસાસ થતાં ક્રૂડ તેલના ભાવ ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા. નૅચરલ ગૅસના મામલે ક્રૂડ તેલથી ઊલટું થયું હતું. અમેરિકા નૅચરલ ગૅસનું સરપ્લસ ઉત્પાદન કરી રહ્યું છે ત્યારે ટ્રમ્પ દ્વારા અનેક દેશો પર ટૅરિફવધારો લાગુ કરતાં અનેક દેશોએ અમેરિકાથી નૅચરલ ગૅસની આયાત વધારતાં નૅચરલ ગૅસ વાયદામાં ટૂંકા ગાળામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકન નૅચરલ ગૅસ વાયદો વધીને પચીસ મહિનાની ઊંચાઈએ ૪.૫૫ ડૉલરે પહોંચ્યો હતો. નૅચરલ ગૅસ વાયદામાં છેલ્લા બે મહિનામાં સવા ગણો ઉછાળો આવ્યો છે.

રૂ-સોયાબીન સહિતની ઍગ્રિપ્રોડક્ટમાં ઘટાડો

વિશ્વમાં અમેરિકા અને ચીન બન્ને ઍગ્રિપ્રોડક્ટની આયાત-નિકાસમાં સૌથી અગ્રેસર છે ત્યારે ટ્રમ્પે ચીનથી આયાત થતી ચીજો પર કુલ ૨૦ ટકા ટૅરિફવધારો લાગુ કરતાં ચીને વળતા પ્રહાર કરીને અમેરિકાથી આયાત થતી ચીજો પર ૧૫ ટકા ટૅરિફવધારો લાગુ કર્યો હતો. ચીન વિશ્વનું સૌથી મોટું રૂનું ઇમ્પોર્ટર છે એ જ રીતે અમેરિકા રૂનું સૌથી મોટું એક્સપોર્ટર છે. આથી ટૅરિફવધારાથી અમેરિકાની રૂની નિકાસને ફટકો પડતાં સમગ્ર વિશ્વના રૂના ભાવ જ્યાંથી નક્કી થાય છે એ ન્યુ યૉર્ક રૂ વાયદો ઘટીને પાંચ વર્ષના તળિયે પહોંચ્યો હતો. ચીન વિશ્વનું સૌથી મોટું સોયાબીનનું ઇમ્પોર્ટર છે અને અમેરિકા વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું સોયાબીનનું એક્સપોર્ટર છે. આથી ટૅરિફવધારાને કારણે ચીને અમેરિકાને બદલે બ્રાઝિલથી સોયાબીનની ખરીદી વધારતાં શિકાગોમાં ચાલતા સોયાબીન, સોયા ખોળ અને સોયા તેલ વાયદામાં ભાવ ઝડપથી ગગડવા લાગતાં આખા વિશ્વની તેલ-તેલીબિયાંની માર્કેટમાં મંદીનો માહોલ છવાઈ ગયો હતો. ભારતમાં સોયા તેલ સસ્તું મળવા લાગતાં પામતેલને બદલે સોયા તેલની આયાત ઝડપથી વધવા લાગી હતી. સસ્તું સોયા તેલ વધુ આવતાં અહીં પણ તેલ-તેલીબિયાંના ભાવ ઘટવા લાગ્યા હતા.

gold silver price commodity market donald trump china united states of america indian economy stock market share market business news