07 November, 2024 07:57 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇન ૭૫,૦૦૦ ડૉલર ઉપર ઑલટાઇમ હાઈ થયો, ડાઉ ફ્યુચર રનિંગમાં ત્રણ ટકા ઊછળી નવી ટોચે ઃ ટ્રમ્પની તરફદારીથી ઇલૉન મસ્કને એક જ દિવસમાં ૬૧૫ કરોડ ડૉલર (૫૧,૭૨૧ કરોડ રૂપિયા)નો ફાયદો ઃ એન્વિડિયા ૩.૪૩ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપ સાથે વિશ્વની નંબર વન કંપની બની ગઈ, ઍપલ બીજા સ્થાને હડસેલાઈ ઃ આઇટી શૅરોમાં સાર્વત્રિક તેજીથી આંક ચાર ટકા કે ૧૬૩૩ પૉઇન્ટ ઊછળ્યો ઃ એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટનો શૅર સતત તેજી સાથે ત્રણ લાખ રૂપિયાને વટાવી ગયો, E2E નેટવર્ક્સ બૅક-ટુ-બૅક ઉપલી સર્કિટમાં ઃ રૂપિયો નવા તળિયે
છેલ્લા દોઢેક દિવસમાં અમેરિકા ખાતે પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના વિજયના અણસારથી માંડી લગભગ નક્કી થઈ ગયેલી જીત દરમ્યાન કેટલીક મહત્ત્વની ઘટના ઘટી છે એના પર નજર નાખવા જેવી છે. અમેરિકા ખાતે એન્વિડિયાનો શૅર પોણાત્રણ ટકા વધી ૧૪૦ ડૉલર નજીક બંધ થતાં એનું માર્કેટકૅપ હવે ૩.૪૩ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે અને આ સાથે જ એન્વિડિયા માર્કેટકૅપની રીતે વિશ્વની નંબર વન કંપની બની ગઈ છે. અત્યાર સુધી આ સ્થાને રહેલી ઍપલ હાલ ૩.૩૮ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપ સાથે બીજા ક્રમે હડસેલાઈ છે. ૩.૦૮ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપથી માઇક્રોસૉફ્ટ ત્રીજા સ્થાને છે. મંગળવારની મોડી રાત્રે અમેરિકન ડાઉ ઇન્ડેક્સ એક ટકા કે ૪૨૭ પૉઇન્ટ વધીને બંધ થયો તો નૅસ્ડૅક દોઢ ટકા નજીક પ્લસ રહ્યો હતો. ટ્રમ્પની જીત લગભગ પાકી થઈ જતાં આ લખાય છે ત્યારે ડાઉ ફ્યુચર ત્રણ ટકા કે ૧૨૬૨ પૉઇન્ટની તેજીમાં રનિંગમાં ૪૩,૬૪૦ના શિખરે દેખાયો છે.
બિલ્યનેર ઇન્ડેક્સ પ્રમાણે મંગળવારના દિવસે વિશ્વના ધનકુબેરોમાંથી ઇલૉન મસ્કની નેટવર્થ સૌથી વધુ, ૬૧૫ કરોડ ડૉલર વધીને ૨૬૪ અબજ ડૉલરને વટાવી ગઈ છે. ટ્રમ્પની જાહેરમાં કરેલી તરફદારી ઇલૉન મસ્કને જબરી ફળી છે. માર્ક ઝકરબર્ગની નેટવર્થ મંગળવારે ૪૦૫ કરોડ ડૉલર વધીને ૨૦૩ અબજ ડૉલર તો જેફ બેઝોસની સંપતિ ૩૪૩ કરોડ ડૉલર વધીને ૨૨૧ અબજ ડૉલર રહી છે.
ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પ ફૅક્ટરથી જબરી તેજી આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન આ સેગમેન્ટનું માર્કેટકૅપ સાડાસાત ટકા વધી ૨.૪૬ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું છે. બિટકૉઇન ૭૫,૩૮૪ ડૉલરની ઑલટાઇમ હાઈ બતાવી રનિંગમાં પોણાઆઠ ટકાના ઉછાળે ૭૪,૨૬૬ ડૉલર જોવાયો છે. ઇન્ડિયન કરન્સીમાં બિટકૉઇન સાડાસાત ટકા કે ૪.૪૦ લાખ રૂપિયાના જમ્પમાં ૬૨.૭૭ લાખ રૂપિયા ક્વોટ થઈ રહ્યો હતો જે એક વિક્રમ છે.
તમામ અગ્રણી એશિયન શૅરબજાર બહુધા ગઈ કાલે નરમ હતાં. હૉન્ગકૉન્ગ સવાબે ટકા, ઇન્ડોનેશિયા દોઢ ટકો, થાઇલૅન્ડ એક ટકો, સાઉથ કોરિયા અડધો ટકો માઇનસ હતાં. જપાન અઢી ટકા તો સિંગાપોર અને તાઇવાન અડધો ટકો પ્લસ હતાં. યુરોપ રનિંગમાં પોણાથી સવા ટકાની નજીક ઉપર દેખાયું છે. પાકિસ્તાનનું કરાચી શૅરબજાર ૯૩,૦૦૦ નજીક, ૯૨,૯૬૭ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી રનિંગમાં ૧૩૫ પૉઇન્ટની પીછેહઠમાં ૯૨,૧૬૯ ચાલતું હતું. ડૉલર ઇન્ડેક્સ એક ટકાથી વધુ ઊંચકાયો છે. ડૉલર સામે રૂપિયામાં નવું વરવું વિક્રમી બૉટમ બન્યું છે. બ્રેન્ટક્રૂડ સવા ટકાની નરમાઈમાં ૭૪.૫૦ ડૉલર આસપાસ હતું. હાજર અને વાયદામાં સોનું વિશ્વબજારમાં સવા ટકો ઢીલું પડ્યું છે. ચાંદી વાયદો અઢી ટકા કટ થયો છે. ઇઝરાયલ સહિત મિડલઈસ્ટનાં શૅરબજાર અડધા ટકાની આજુબાજુ રનિંગમાં સુધારો દર્શાવતાં હતાં. ચાઇનીઝ શૅરબજાર નહીંવત્ નરમ હતું.
ટ્રમ્પની જીત નક્કી થતી ગઈ એમ-એમ બજાર વધતું ગયું
સેન્સેક્સ મંગળવારના ૬૯૪ પૉઇન્ટના સુધારાને આગળ ધપાવતાં ગઈ કાલે ત્રણસો પૉઇન્ટ જેવો પ્લસમાં, ૭૯,૭૭૨ ખૂલી ૯૦૧ પૉઇન્ટની આગેકૂચમાં ૮૦,૩૭૮ તથા નિફ્ટી ૨૭૧ પૉઇન્ટ ઊચકાઈ ૨૪,૪૮૪ બંધ થયો છે. શૅર આંક ૭૯,૪૫૯ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૮૦,૫૭૦ નજીક ગયો હતો. જેમ-જેમ ટ્રમ્પની લીડ કે જીતની તક વધતી ગઈ એમ-એમ ગઈ કાલે ઘરઆંગણે બજારનો પારો ચડતો ગયો હતો. સેન્સેક્સ નિફ્ટીની ૧.૧ ટકાની આગેકૂચ સામે ગઈ કાલે મિડકૅપ સવાબે ટકા, સ્મૉલકૅપ બે ટકા, બ્રૉડર માર્કેટ દોઢ ટકો, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણાત્રણ ટકા, રિયલ્ટી અને કૅપિટલ ગુડ્સ ૨.૭ ટકા, ટેલિકૉમ બે ટકા, એનર્જી બેન્ચમાર્ક સવાબે ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૪ ટકા, યુટિલિટીઝ અઢી ટકા, નિફ્ટી મેટલ દોઢ ટકો મજબૂત હતા, પરંતુ આઇટી ઇન્ડેક્સ ૪ ટકા કે ૧૬૩૩ પૉઇન્ટની જબરી તેજીમાં જોવાયો છે. એના ૫૬માંથી ૫૦ શૅર પ્લસ હતા આઇટીની હૂંફમાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૩.૪ ટકા ઊચકાયો હતો. બૅન્ક નિફ્ટી આગલા દિવસની દોડ પછી થાકોડાના મૂડમાં ૧૧૦ પૉઇન્ટ જેવો સાધારણ વધ્યો છે પણ પીએસયુ બૅન્ક નિફ્ટી સતત બીજા દિવસે તમામ ૧૨ શૅરની આગેકૂચમાં ૧.૪ ટકા પ્લસ હતો. બન્ને બજારના ત્મામ સેક્ટોરલ ગ્રીન ઝોનમાં રહ્યા છે. માર્કેટ બ્રેડ્થ ઘણી મજબૂત હોવાથી એનએસઈમાં વધેલા ૨૨૧૮ શૅરની સામે ૬૩૦ જાતો માઇનસ થઈ છે. બજારનું માર્કેટકૅપ ૭.૭૦ લાખ કરોડના ઉમેરામાં ૪૫૨.૫૮ લાખ કરોડને વટાવી ગયું છે. અમે અહીંથી મંગળવારે જણાવ્યું હતું એમ ટ્રમ્પ ફૅક્ટરને લઈ ઘરઆંગણે શૅરબજારમાં શૉર્ટ ટર્મ રિલીફ-રૅલીનો માહોલ જોવા મળવાનો છે.
નબળાં રિઝલ્ટમાં ન્યુલૅન્ડ લૅબમાં ૧૬૩૬ રૂપિયાનું ગાબડું
રીલિસ્ટિંગ પછી તેજી જાળવી રાખતાં એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકાની એક વધુ ઉપલી સર્કિટે ૧૪,૩૫૮ રૂપિયા ઊછળી ૩,૦૧,૫૨૧ રૂપિયાના નવા શિખરે બંધ થયો છે. લાર્સને ૧૦૦૦ કરોડના રોકાણથી ૨૧ ટકા હોલ્ડિંગ લેવાની જાહેરાત કરી છે એ E2E નેટવર્ક્સ પણ બૅક-ટુ-બૅક ઉપલી સર્કિટે પાંચ ટકા વધી ૫૨૨૬ની ટોચે બંધ હતો. ડાયનેસ ટેક્નૉલૉઝિસ સાડાદસ ટકા કે ૫૬૪ના ઉછાળે ૫૮૮૧ના બેસ્ટ લેવલે બંધ આપી કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સના ૩૨માંથી વધેલા ૨૯ શૅરમાં મોખરે હતી. ક્વીક હીલ સાડાઆઠ ટકા, નેલ્કો નવ ટકા નજીક અને KPIT ટેક્નૉ સાત ટકાની મજબૂતીમાં આઇટી બેન્ચમાર્કમાં ઝળક્યા હતા. IFCI ૧૩ ટકા નજીક તો JSW હોલ્ડિંગ્સ સાડાબાર ટકા કે ૧૨૩૮ની છલાંગ મારી ‘એ’ ગ્રુપમાં મોખરે હતા. ન્યુલૅન્ડ લૅબ સવાદસ ટકા કે ૧૬૩૬ના કડાકામાં ૧૪,૨૦૦ બંધ રહી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. કંપનીએ આવક તથા નફામાં મોટા ઘટાડા સાથે નબળાં પરિણામ આપ્યાં એની આ અસર હતી.
પ્રાઇમરી માર્કેટમાં સ્વિગીનો એકના શૅરદીઠ ૩૯૦ની અપર બૅન્ડ સાથે ૧૧,૩૨૭ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે ૧૨ ટકા ભરાયો છે. પ્રીમિયમ વધુ ગગડી સાડાનવ રૂપિયા આવી ગયું છે. એક્મે સોલરના બેના શૅરદીઠ ૨૮૯ની અપર બૅન્ડ સાથે ૨૯૦૦ કરોડના ભરણાને પ્રથમ દિવસે કુલ ૪૨ ટકા પ્રતિસાદ મળ્યો છે. પ્રીમિયમ ઘટીને ૧૦ બોલાય છે. સિજિલિટી ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૩૦ની અપર બૅન્ડ સાથે ૨૧૦૬ કરોડનો ઇશ્યુ ગુરુવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ બાવન ટકા જ ભરાયું છે. ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ નામપૂરતું ૫૦ પૈસા ક્વોટ થઈ રહ્યું છે.
આઇટીના ૪ હેવી વેઇટ્સની તેજી બજારને ૪૬૩ પૉઇન્ટ ફળી
નિફ્ટી ખાતે ભારત ઇલેક્ટ્રિક સાડાપાંચ ટકા તથા અદાણી એન્ટરપ્રાઇઝિસ સાડાચાર ટકાની તેજી દાખવી વધવામાં મોખરે હતા. તો સેન્સેક્સ ખાતે ટીસીએસ સવાચાર ટકા ઊછળી ૪૧૩૮ અને ઇન્ફોસિસ ૪ ટકાના જમ્પમાં ૧૮૨૪ બંધ આપીને અગ્રક્રમે રહ્યા છે. આ બન્ને શૅર બજારને ૩૬૮ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. ટેક મહિન્દ્ર તથા એચસીએલ ટેક્નૉ પોણાચાર ટકા મજબૂત બનતાં એમાં બીજા ૯૫ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. વિપ્રો ૩.૭ ટકા પ્લસ હતો. રિલાયન્સ દોઢ ટકો વધી ૧૩૨૫ના બંધમાં બજારને ૧૧૫ પૉઇન્ટ ફળ્યો છે. લાર્સન બે ટકા વધતાં સેન્સેક્સને ૭૨ પૉઇન્ટ તો કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ જે ૧૮૩૭ પૉઇન્ટ ઊચકાયો હતો એને ૪૬૪ પૉઇન્ટ મળી ગયા હતા. મારુતિ, સનફાર્મા, NTPC, ભારતી ઍરટેલ, બ્રિટાનિયા, હિન્દાલ્કો, બજાજ ઑટો, મહિન્દ્ર સવાથી દોઢ ટકો અપ હતા. અદાણી પોર્ટ્સ તથા ભારત પેટ્રોલિયમ ત્રણેક ટકા વધ્યા છે. ડૉ. રેડ્ડીઝ લૅબનો ત્રિમાસિક નફો નવ ટાઇમ ઍડ્જસ્ટમેન્ટમાં નવ ટકા ઘટી ૧૩૪૨ કરોડ થયો છે. શૅર ગઈ કાલે ૨.૩ ટકા વધી ૧૩૦૩ બંધ હતો.
ટાઇટન નબળાં રિઝલ્ટમાં પોણાબે ટકા બગડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યો છે. નિફ્ટી ખાતે એસબીઆઇ લાઇફ ૧.૮ ટકા ડાઉન હતો. ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક તથા HDFC લાઇફ એક ટકાથી વધુ તો હિન્દુસ્તાન યુનિલીવર પોણા ટકાથી વધુ ઢીલા થયા છે. હિન્દુસ્તાન ઝિન્કમાં સરકાર ૫૦૫ રૂપિયાની ફ્લોર પ્રાઇસથી અઢી ટકા હિસ્સો ઑફર ફૉર સેલ મારફત વેચી ૫૦૦૦ કરોડથી વધુની રોકડી કરવા પ્રવૃત્ત થતાં શૅર સવાઆઠ ટકા ખરડાઈ ૫૧૩ બંધ આવ્યો છે.