ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસીથી ૨૦૨૫માં સોના-ચાંદીમાં મોટી વધ-ઘટ જોવા મળશે

26 December, 2024 07:21 AM IST  |  Mumbai | Mayur Mehta

બૅન્ક ઑફ જપાનના ચૅરમૅનનો ઇન્ટરેસ્ટ રેટમાં નજીકના ભવિષ્યમાં વધારો કરી દેવાનો સંકેત

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસીથી ૨૦૨૫માં સોના-ચાંદીમાં મોટી વધ-ઘટ જોવા મળશે એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ૨૦૨૪માં અત્યાર સુધીમાં સોનામાં ૨૭ ટકાની તેજી જોવા મળી છે જે છેલ્લાં દસ વર્ષની સૌથી મોટી તેજી છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

બૅન્ક ઑફ જપાનના ગવર્નર કાજુઓ ઉડાએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો ફરી એક વખત સંકેત આપ્યો હતો. ઉડાએ જણાવ્યં હતું કે હાલ ઇન્ફ્લેશન બે ટકા આસપાસ સ્ટેબલ થઈ રહ્યું હોવાથી આગામી સમયમાં જો ઇકૉનૉમિક ઍક્ટિવિટી ઇમ્પ્રૂવ થશે તો બૅન્ક તરત જ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો નિર્ણય લેશે. ૨૦૨૪માં જપાનની સેન્ટ્રલ બૅન્કે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી પૂરી કરીને ઇન્ટરેસ્ટ રેટમાં બે વખત વધારો કર્યો હતો. જપાનનો લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ ઑક્ટોબરમાં વધીને ૧૦૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૦૮.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૦૮.૬ પૉઇન્ટની હતી. જપાનના ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન, રીટેલ સેલ્સ અને એમ્પ્લૉયમેન્ટને બતાવતો કોઇન્સિડન્ટ ઇન્ડેક્સ પણ ઑક્ટોબરમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૧૧૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૧૪ પૉઇન્ટ હતો.

ચીનની સેન્ટ્રલ બૅન્કે મીડિયમ ટર્મ લૅ​ન્ડિંગ રેટ બે ટકાએ જાળવી રાખીને માર્કેટમાં ૩૦૦ અબજ યુઆન ઠાલવ્યા હતા. સેન્ટ્રલ બૅન્કે સતત ત્રીજે મહિને મીડિયમ ટર્મ લૅ​ન્ડિંગ રેટ જાળવી રાખ્યા હતા. ચીનની પૉલિટ બ્યુરોએ ૨૦૨૫માં ઇકૉનૉમિક ક​ન્ડિશનને સુધારવા અનેક પગલાં લેવાની ખાતરી ચાલુ મહિનાના આરંભે આપી હતી. સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇકૉનૉમીને બૂસ્ટ કરવા ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની સાથે માર્કેટમાં વધુ ને વધુ નાણાં ઠાલવવામાં પણ આવી રહ્યાં છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

સોનાના ભાવ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૨૭ ટકા વધ્યા છે. આ વધારો છેલ્લાં દસ વર્ષનો સૌથી મોટો વધારો છે. ૨૦૨૫માં સોનાના ભાવ વધશે કે ઘટશે એ બાબતે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉ​ન્સિલે ૨૦૨૫માં સોનામાં ૨૦૨૪ જેવી તેજી નહીં જોવા મળે એવો અંદાજ મૂક્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ અમેરિકાના તમામ નિર્ણયોની સોનાના ભાવ પર મોટી અસર જોવા મળશે. ડોનલ્ડ ટ્રમ્પની પૉલિસીને કારણે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હિઝબુલ્લા-હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થશે તો સોનામાં સેફ હેવન ડિમાન્ડ ઘટશે જેને કારણે સોનામાં ઘટાડો જોવા મળશે. એની સામે મૉનિટરી પૉલિસીમાં ઇન્ફ્લેશન વધશે તો સોનામાં હેજિંગરૂપી લેવાલી વધશે, પણ એની સામે ડૉલરની મજબૂતી સોનામાં ખરીદીનું આકર્ષણ પણ ઘટાડશે. ટ્રમ્પની ટૅરિફ વધારાની અસરે જો ઇકૉનૉમિક ક્રાઇસિસ વધશે તો સોનામાં ફરી સેફ હેવન ડિમાન્ડ વધશે. આમ હાલ સોનાની તેજી માટે જો અને તો જેવી સ્થિતિ હોવાથી ૨૦૨૫માં દરેક ઘટનાક્રમને આધારે તેજી-મંદીનું પ્રોજેક્શન મુકાશે. ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસી સોના-ચાંદી બન્નેમાં મોટી વધ-ઘટ લાવશે.

 

business news gold silver price commodity market columnists