વિક્રમ સંવત ૨૦૮૧માં વેપારીઓ સમક્ષ કેવા-કેવા છે પડકારો અને એને દૂર કરવા શું છે તેમની અપેક્ષાઓ?

04 November, 2024 08:49 AM IST  |  Mumbai | Rohit Parikh

જુદી-જુદી માર્કેટના વેપારીઓને કર્યો તો તેમણે શનિવારથી શરૂ થયેલા નવા વર્ષમાં સરકારે ધંધાને પ્રોત્સાહન આપવા શું કરવું જોઈએ એનું વિશ-લિસ્ટ આપ્યું એટલું જ નહીં, નૂતન વર્ષમાં તેમની તકલીફો દૂર થશે એવી આશા સાથે કામકાજ શરૂ કરવાની કરી તૈયારી

પ્રતીકાત્મક તસવીર

આવો પ્રશ્ન ‘મિડ-ડે’એ જુદી-જુદી માર્કેટના વેપારીઓને કર્યો તો તેમણે શનિવારથી શરૂ થયેલા નવા વર્ષમાં સરકારે ધંધાને પ્રોત્સાહન આપવા શું કરવું જોઈએ એનું વિશ-લિસ્ટ આપ્યું એટલું જ નહીં, નૂતન વર્ષમાં તેમની તકલીફો દૂર થશે એવી આશા સાથે કામકાજ શરૂ કરવાની કરી તૈયારી

દુકાનોમાંથી ખરીદી કરો એ જ અપેક્ષા અને ઑનલાઇન વ્યાપાર મોટો પડકાર

વિરાજ લાલ

લેડીઝ રેડીમેડ અને પાર્ટીવેઅરના વેપારી, મંગલદાસ માર્કેટ

એક વેપારી તરીકે પહેલાં તો હું મારા અને મારા વેપારી ભાઈઓના સર્વે ગ્રાહકોને નવા વર્ષની શુભકામના પાઠવું છું. સાથે-સાથે સર્વે ગ્રાહકોને અરજ કરું છું કે આવતા વર્ષ માટે આપ સૌ સંકલ્પ કરો કે અમે જે કંઈ ખરીદીશું એ દુકાનોમાંથી જ ખરીદીશું. એ અમારા જેવા દુકાનદારોને આજના ઑનલાઇન અને મૉલકલ્ચરની સામે ટકી રહેવામાં મદદગાર થશે. હું નહીં, મારા જેવા બધા જ દુકાનદારો અને વેપારીઓ નવા વર્ષમાં આ જ અપેક્ષા રાખીને બેઠા છે. આજના એજ્યુકેટેડ ગ્રાહકો જાણે છે કે ઑનલાઇન માલમાં સસ્તું મેળવવા જતાં તેઓ છેતરાય છે. આમ છતાં તેઓ તેમની સરળતા માટે ઑનલાઇન ખરીદી કરીને અનેક દુકાનદારોને તેમનાં શટર ડાઉન કરવા માટે મજબૂર કરી રહ્યા છે. દુકાનદારો સારી ગુણવત્તાનો માલ ગ્રાહકોને બતાવીને આપે છે, માલ વેચી દીધા પછી સર્વિસ પણ આપે છે, ગ્રાહકોની તકલીફને સાંભળે છે અને સમજે છે. બીજું, સરકાર પાસે પણ અમે નાના દુકાનદારો ટૅક્સમાં રાહત મળે એવી આશા રાખીએ છીએ. સરકારે નવા વર્ષમાં દુકાનદારોને રાહતરૂપ બને એવી આર્થિક નીતિ અને ટૅક્સના નિયમો બનાવવાની જરૂર છે. ઑનલાઇન વ્યાપાર અમારા માટે સૌથી મોટો પડકાર છે. આ વ્યાપાર એટલો બધો વધી ગયો છે કે જે વેપારીઓ બાપદાદાના જમાનાથી દુકાન લઈને બેઠા છે તેમણે પણ તેમની દુકાનોને બંધ કરવાની નોબત આવી છે. તેમને પણ તેમના વ્યાપારને બચાવવા માટે નવાં પરિવર્તનો લાવવાં પડશે. તેઓ વ્યાપાર ચલાવવા માટે અને ટકાવવા માટે લિટરલી ઝઝૂમી રહ્યા છે. આ બાબતે સરકાર પણ કોઈ મક્કમ પગલાં લઈને વેપારીઓને ટકી રહેવા માટે મદદરૂપ થઈ શકે છે.

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સમાં સરકારનો બેજવાબદારીભર્યો રવૈયો

કમલેશ મહેતા

લોખંડના વેપારી, મસ્જિદ બંદર

દિવાળીના ચોપડા પૂજનમાં અને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન માટે ફોન કે મેસેજ કરે ત્યારે દરેક વેપારી બીજા વેપારીને કહેતો હોય છે કે તમારા પર મહાલક્ષ્મીદેવીની કૃપા હોજો. આ ખાલી મેસેજ કે બોલવા માટે બોલાતા શબ્દો નથી. આ દરેક વેપારીના અંતરમનનો અવાજ છે. દરેક વેપારી મનથી અને દિલથી ઇચ્છતો હોય છે કે તેના પર અને તેના વેપારી ભાઈઓ પર મહાલક્ષ્મીની કૃપા વરસે. નવા વર્ષમાં તેના વેપારમાં વૃદ્ધિ થાય, તેના બિઝનેસમાં વિકાસ થાય. એક વેપારી તરીકે મારા મનની એક જ અપેક્ષા અને આશા છે કે જ્યારે આપણો દેશ સબકા સાથ, સબકા વિકાસના નારાને સાર્થક કરીને વિકાસને આંબી રહ્યો છે ત્યારે સૌને સારો અને સમૃદ્ધ વ્યાપાર મળે. એ પણ એવો વ્યાપાર જેમાં કોઈ પણ પ્રકારનાં વિઘ્નો ન હોય. અત્યારે દરેક વેપારી એક જ પડકારનો સામનો કરી રહ્યો છે. એ છે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સમાં સરકારનો બેજવાબદારીભર્યો રવૈયો. જો સરકાર આ ટૅક્સની પ્રક્રિયામાં સુધારો કરીને આપણા દેશના વેપારીઓને અનુરૂપ સુવિધાજનક બનાવે તો ચોક્કસ સરકાર જે દેશને વિશ્વસ્તરે લઈ જવા માટેનો મનસૂબો ધરાવે છે એમાં સફળ થઈ શકે એમ છે. જે રીતે ઇન્કમ-ટૅક્સમાં સરકાર રિફૉર્મ લઈ આવી એવાં જ રિફૉર્મ્સ GSTમાં પણ લઈ આવે તો એનાથી વેપારીઓને ખૂબ જ રાહત મળી શકે. વેપારીઓ નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યો વ્યાપાર કરી શકશે અને સરકાર સાથે આર્થિક નીતિના મુદ્દે ખભેખભા મિલાવીને ઊભા રહેવા સમર્થ બની શકશે.

જૂની ઘરેડ અને જૂના ધોરણે ચાલતા વ્યવસાયમાં જડમૂળથી પરિવર્તન લાવવું જરૂરી

દામજી શાહ

ડ્રાયફ્રૂટ્સ અને કન્ફેક્શનરીના વેપારી, વિલે પાર્લે

નવા વર્ષમાં સૌથી મોટી અને અત્યંત જરૂરી અપેક્ષા એક જ છે કે નવી પેઢીને આજના વ્યવસાયમાં જોડવા માટે તેમને અનુરૂપ પ્લૅટફૉર્મ પૂરું પાડવું પડશે. વેપારી ભાઈઓએ એ માટે સજ્જ થઈને નવા અધ્યાય લખવા પડશે. આ માટે સરકારો અને સત્તાધીશો વેપારીઓને દૂઝણી ગાય સમજીને નિચોવવાનું કાર્ય બંધ કરે. આને એક જ વાક્યમાં કહું તો ટ્રેડ લાઇસન્સની વાર્ષિક-ફી ૨૦૦૦ રૂપિયા છે, પણ કચરા ટૅક્સના નામે પ્રશાસન ૧૦,૦૦૦ રૂપિયાનો ટૅક્સ વસૂલ કરે છે. અત્યાર સુધીની જૂની ઘરેડ અને જૂના ધોરણે ચાલતા વ્યવસાયમાં જડમૂળથી પરિવર્તન લાવી હમ કિસી સે કમ નહીં સૂત્રને અપનાવીને જોશ અને ઉત્સાહ પૂરવાં પડશે. એમાં આજનો વેપારી પાછીપાની નહીં કરે એવી આશા રાખું છું. સૌને એક જ અપીલ છે કે પવનની પૂંઠની ઉક્તિ પ્રમાણે ચાલીશું તો જરૂર દરેક સવારના પડકારોનો મુકાબલો હિંમતભેર કરી શકીશું. આજનો સૌથી મોટો પડકાર છે ઑનલાઇન  બિઝનેસ. ડાર્વિનના સિદ્ધાંત પ્રમાણે જેમ નાની માછલીને મોટી માછલી ગળી જાય છે એમ આજે ઑનલાઇન અને મોટા મૉલ નાના દુકાનદારોને ગળી રહ્યા છે, તેમનો ખાતમો કરી રહ્યા છે. એને પહોંચી વળવા મૅક્સિમમ રીટેલ પ્રાઇસ સિવાયની ચીજવસ્તુઓનો વ્યાપાર કરીને એક મોનોપૉલી પ્રસ્થાપિત કરીશું તો ગમે એવા પડકારોને ઝીલી શકીશું. એ માટે આપણે હમ સાથ-સાથ હૈંની જેમ રહેવું પડશે.

નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અતિક્રમણ વર્ષો જૂના પડકારો છે

તુષાર શાહ‍

બૉલબેરિંગના વેપારી, નાગદેવી સ્ટ્રીટ

આજે મુંબઈના વેપારીઓને વ્યવસાય કરવા માટે પ્રશાસનના સકારાત્મક વાતાવરણ સાથે સલામત અને શાંતિપૂર્ણ સ્થળની જરૂર છે. નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અતિક્રમણની સમસ્યાઓથી મુંબઈનો વેપારી ત્રસ્ત થઈ ગયો છે. નબળી જાળવણીવાળી ગલીઓ, રસ્તાઓ અને વૉકવે, અતિશય ગંદકી અને ગેરકાયદે અતિક્રમણ સાથે વ્યાવસાયિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અતિ આવશ્યક છે. અતિક્રમણને કારણે ગ્રાહકોને ચાલવા માટે જગ્યા જ બચતી નથી એમ કહેવું અતિશયોક્તિભરેલું નહીં કહેવાય. સાંકડા રસ્તા પર પાર્કિંગના પડકારોનો સામનો કરવો પડે છે. આજે વ્યાપારના વિસ્તારોમાં માત્ર ૧૮ ફીટ પહોળા રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ નોંધપાત્ર ભાગ પર કબજો કરી રહ્યું છે. રાહદારીઓ માટે માત્ર ત્રણ ફુટનો રસ્તો ચાલવા માટે બચે છે જે ગ્રાહકોને જે-તે વિસ્તારની મુલાકાત લેવાથી નિરાશ કરે છે અને સ્થાનિક વ્યવસાયોને નકારાત્મક અસર કરે છે. અપૂરતી ડ્રેનેજ સિસ્ટમને કારણે વરસાદ દરમ્યાન પાણી ભરાઈ જાય છે, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોને અસર થાય છે અને માલસામાનને નુકસાન થાય છે. પાણી ભરાતાં રસ્તા પર ચાલવું અશક્ય છે. આ ઓછું હોય એમ મહાનગરપાલિકાની એજન્સીઓ એમનાં કામ અધૂરાં મૂકી દે છે અથવા તો કામ પૂરું કર્યા પછી ત્યાંથી બૅરિકેડ્સ અને કાટમાળ ઉપાડવાની તસ્દી લેતી નથી જે ખરેખર નિરાશાજનક છે. વીજળીના ખુલ્લા વાયરોને કારણે વરસાદની મોસમમાં હંમેશાં શૉર્ટ સર્કિટનો ભય રહે છે. આ નવા વર્ષના જ નહીં, વર્ષોનાં વર્ષોથી ચાલ્યા આવતા પડકારો છે.

પડકારોની કોઈ સીમા નથી, પણ GST હળવો કરો એ જ અપેક્ષા

જિતેન્દ્ર પરીખ

બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિએશનના વાઇસ-પ્રેસિડન્ટ અને મુંબઈ પરિવહન મિત્ર મંડળના પ્રેસિડન્ટ

ટ્રાન્સપોર્ટરો નવા વર્ષમાં એક જ અપેક્ષા રાખે છે કે ટ્રાન્સપોર્ટ પર લાદવામાં આવેલા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના સ્લૅબને હળવો કરવામાં આવે, દંડના ધોરણને બદલીને ટ્રાન્સપોર્ટરોને રાહત આપવામાં આવે. અમારી સૌથી મોટી સમસ્યા કહો કે પડકાર એ છે કે આજે ટ્રાન્સપોર્ટ લક્ઝુરિયસ બિઝનેસ ન હોવા છતાં એને GSTના સૌથી ઊંચા સ્લૅબ ૨૮ ટકામાં સરકાર તરફથી રાખવામાં આવ્યો છે. એને કારણે જે ટ્રાન્સપોર્ટરો GSTમાં આવતા નથી તેમને બહુ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ સિવાય સ્પેરપાર્ટ્સ, ટાયર આ બધાને સરકારે લોઅર સ્લૅબમાં લાવવાની જરૂર છે. જોકે સરકાર આ બાબતમાં હજી સુધી કોઈ નિર્ણય લેતી જ નથી. ઈ-વે બિલનો પેનલ્ટી ક્લોઝ ખૂબ જ વિચિત્ર છે. એમાં ટ્રાન્સપોર્ટરોને ગુનેગાર ઠેરવવામાં આવે છે અને તેમની પાસેથી બેફામ દંડની રકમ વસૂલ કરવામાં આવી રહી છે. સરકાર આમાં પણ અમને સવલત આપે એવી અમારી માગણી છે. સૌથી મોટો પડકાર તો એ છે કે સરકાર અમારી વાત સાંભળવા અને સમજવા જ તૈયાર જ નથી. અમારી ઇન્ડસ્ટ્રી અનેક સમસ્યાઓ અને પડકારોનો સામનો કરી રહી છે જે અમે અમારી ભૂલ ન હોવા છતાં ફેસ કરી રહ્યા છીએ. એનાથી અમે ત્રસ્ત થઈ ગયા છીએ. મુંબઈમાં વડાલામાં અમારા માટે ટ્રક ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. એ જગ્યા પર હવે ધીરે-ધીરે બિલ્ડરલૉબી કબજો કરવા જઈ રહી છે. ટ્રાન્સપોર્ટરો આજે સૌથી મોટો ટોલ ચૂકવી રહ્યા છે જેની સામે હાઇવેની જાળવણી ઝીરો છે. ગુજરાતના હાઇવેની અત્યારની હાલત એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

new year vile parle mumbai business news columnists gujaratis of mumbai gujarati community news