તુવેરના ભાવમાં સતત પાંચ સપ્તાહથી આગળ વધતો ઘટાડો

30 November, 2022 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આફ્રિકાથી જંગી આયાત અને માગમાં ઘટાડાને લીધે ભાવ પર દબાણ

પ્રતીકાત્મક તસવીર

તુવેરના ભાવ સતત પાંચ સપ્તાહથી ઘટી રહ્યા છે. આફ્રિકાથી સારા પ્રમાણમાં આયાત અને તુવેરની દાળમાં મંદ માગને લીધે તુવેરના ભાવ ઘટી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં પણ નવા તુવેરની આવક  ટૂંક સમયમાં શરૂ થશે એવી વાતો ફરતાં પણ તુવેરના ભાવમાં ઘટાડો થયો હતો.

એ વાતમાં કોઈ શંકા નથી કે નવી તુવેરની આવક ઓછી રહેશે. અંદાજ છે કે તુવેરનો ક્રોપ પચીસ લાખ ટનની આસપાસ રહેશે. ભારતમાં દેશી તુવેરનો કૅરી ઓવર સ્ટૉક પણ ઓછો છે. આશા છે કે આફ્રિકાથી જે નોંધપાત્ર પ્રમાણમાં આયાત થઈ રહી છે એમાં આગળ જતાં ઘટાડો થશે.

બર્મા તુવેર જાન્યુઆરી કે ફેબ્રુઆરીથી આવશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ વર્ષે પાક ૧૦થી ૧૫ ટકા ઓછો રહેવાની શક્યતા છે. આવતા વર્ષની સીઝનમાં તુવેરની સપ્લાય ઘણી ઓછી રહેશે. સરકાર તેમ જ પ્રાઈવેટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં સારા પ્રમાણમાં સ્ટૉક હતો, પરંતુ આ વર્ષે સ્ટૉક ખૂબ જ ઓછો છે. પરિણામે તુવેરમાં હાલ જે ઘટાડો થઈ રહ્યો છે એ આગળ જતાં અટકશે એવી આશા છે.

જ્યારે મંગળવારે સૂત્રોએ સમાચાર આપ્યા કે મહારાષ્ટ્રના સોલાપુર બજારમાં નવી તુવેર ૪૫ કટ્ટા કર્ણાટકા લાઇન (૧૮-૧૯ ટકા ભેજ) માલ આવ્યો હતો, પરંતુ કોઈ વેપાર થયા નથી.

business news commodity market