માર્કેટમાં કરેક્શનનો કરેક્ટ ટાઇમ : ઊંચાઈ વધે એમ જોખમ પણ વધે

10 July, 2023 02:54 PM IST  |  Mumbai | Jayesh Chitalia

આ સમજાતાં કંઈક અંશે પ્રૉફિટ બુકિંગ આવ્યું અને યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજવધારાનો ભય પણ ફેલાયો. આ કરેક્શન હજી ચાલુ રહેશે તો માર્કેટના હિતમાં ગણાશે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ભારતીય અર્થતંત્રનાં મજબૂત પરિબળો, સ્થાનિક તેમ જ વિદેશી રોકાણનો સાતત્યપૂર્ણ જંગી પ્રવાહ બજારને સતત નવી ઊંચી સપાટીએ લઈ જઈ રહ્યો હતો, ત્યાં ગયા શુક્રવારે આવેલું કરેક્શન સારી નિશાની ગણાય, સતત વધતું બજાર જોખમ પણ વધારી રહ્યું હતું. આ સમજાતાં કંઈક અંશે પ્રૉફિટ બુકિંગ આવ્યું અને યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજવધારાનો ભય પણ ફેલાયો. આ કરેક્શન હજી ચાલુ રહેશે તો માર્કેટના હિતમાં ગણાશે

વીતેલા સપ્તાહનો આરંભ નવા ઉછાળા સાથે થયો હતો, સેન્સેક્સ અને નિફ્ટીએ નવાં શિખર બનાવ્યાં હતાં. સેન્સેક્સ ૪૮૬ પૉઇન્ટના ઉછાળા સાથે ૬૫,૨૦૦ને અને નિફ્ટી ૧૩૩ પૉઇન્ટના કુદકા સાથે ૧૯,૩૦૦ને પાર કરી ગયા હતા. સ્મૉલ અને મિડ કૅપ સહિત ઓવરઑલ બજાર તેજીમય રહ્યું હતું. તમામ પરિબળો માર્કેટની તરફેણમાં હતાં. જીએસટી કલેક્શનના આંકડા સહિત વિવિધ આર્થિક પરિબળો બુલિશ ઇશારા કરતા હતા. સોમવારથી એકતરફ નિફ્ટીનું ફ્યુચર્સ ટ્રેડિંગ એનએસઈ ઇન્ટરનૅશનલ એક્સચેન્જ પર શરૂ થયું હતું, જેની લાંબા ગાળાની અસર બહુ સારી રહેવાની આશા છે. બીજી બાજુ સારા ચોમાસાએ પણ તેજીની વર્ષામાં ઉમેરો કર્યો હતો. રાજકારણમાં આકાર લેતી ઘટનાઓ પણ તેજીલક્ષી સંકેત આપતી હતી. ઇન શૉર્ટ, ૨૦૨૪ની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. મંગળવારે પણ પૉઝિટિવ ઓપનિંગ સાથે બજારે નવી છલાંગ લગાવી હતી. હવે બજારની દરેક નવી છલાંગ નવા વિક્રમ તરફ જઈ રહી છે. માર્કેટની સ્પીડ એ હદે વધી રહી છે કે ક્યાંક ભય પણ લાગે, એથી વચ્ચે કરેક્શન આવશે અને આવવું પણ જોઈએ. ચોક્કસ વર્ગ માટે અને ચોક્કસ તબક્કે આંશિક પ્રૉફિટ આવશ્યક બનવું જોઈએ. મંગળવારે માર્કેટ પ્રૉફિટ બુકિંગને કારણે જ ઊંચેથી પાછું ફર્યું હતું, સેન્સેક્સ અંતમાં ૨૭૪ પૉઇન્ટ અને નિફ્ટી ૬૬ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. 

બીએસઈ પર લિસ્ટેડ સ્ટૉક્સનું વિક્રમી માર્કેટ કૅપ

બુધવારે શરૂઆત કરેક્શન સાથે થઈ હતી. જોકે સ્મૉલ-મિડ કૅપ મજબૂત હતા, સેન્સેક્સ ૩૩ પૉઇન્ટના સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો અને નિફ્ટી નવ પૉઇન્ટના સાધારણ વધારા સાથે બંધ રહ્યો હતો. સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેક્સ ૨૦૦-૨૦૦ પૉઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. સૌથી નોંધપાત્ર વાત એ હતી કે બુધવારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપ એના ઇતિહાસમાં પહેલી વાર ૩૦૦ લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. જૂન ક્વૉર્ટરમાં ફૉરેન ઇન્વેસ્ટર્સની ખરીદી ૧૦ અબજ ડૉલરને ક્રૉસ કરી ગઈ હતી. ગુરુવારે ફરી રિકવરી સાથે તેજીની આગેકૂચ જારી હતી. વિદેશી ખરીદીના જોરે ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે પણ સેન્સેક્સ ૩૩૦ પૉઇન્ટ અને નિફ્ટી ૯૯ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજવધારો આવવાની મક્કમતા વ્યક્ત થઈ હોવાથી ક્યાંક માર્કેટમાં કરેક્શનનો ભય ઊભો થયો છે ખરો, પરંતુ બુલ્સ તેજીના વરસાદની મસ્તીમાં તરબોળ છે. જોકે શુક્રવારે પ્રૉફિટ બુકિંગ આવ્યું અને કરેક્શનનાં કારણો પણ આવતાં માર્કેટ નેગેટિવ શરૂ થયું હતું. ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારો કરશે એના ભયે માર્કેટે પીછેહઠ કરી હતી. જોકે એક યા બીજા કારણસર કરેક્શન આવશ્યક હતું. આ કરેક્શનમાં સેન્સેક્સ ૫૦૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૬૫ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. 

એક્સ્ટ્રીમ બુલિશમાં સાવચેતી જરૂરી

ઓવરઑલ, સેન્સેક્સ ૭૦,૦૦૦ અને નિફ્ટી ૨૦,૦૦૦ તરફ સરકતો જાય છે. જોકે માર્કેટ ઊંચે-ઊંચે જવા સાથે ક્યાંક થોડો ભય, ક્યાંક સાવચેતીનો અભિગમ પણ વધતો જાય છે. છેલ્લા ત્રણ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧૦ ટકાની રેલી નોંધાઈ હોવાનું જણાવતાં વૈશ્વિક સંસ્થા સીએલએસે કહ્યું છે કે ભારતીય માર્કેટ હાલ એક્સટ્રિમ બુલિશ (અતિ તેજીમાં) બની છે, જે સાવચેતી માગી લે છે. શુક્રવારનું કરેક્શન આનો એક સંકેત આપી ગયું હતું. કંપનીઓનો જંગી નફો અને ભાવિ સંભાવનાને ધ્યાનમાં રાખી બજારમાં સ્થાનિક તેમ જ વિદેશી રોકાણપ્રવાહ ઊંચા વૅલ્યુએશન સાથે પણ આવતો જાય છે. જોકે વિદેશી રોકાણપ્રવાહ પ્રત્યે સાવચેત રહેવું પણ જરૂરી છે, એ અમે તમને યાદ કરાવતા રહીશું. 
યાદ રહે, અમુક શૅરો માત્ર ખરીદવા માટે અર્થાત જમા કરવા માટે જ હોય છે, એને (કમસે કમ બધાને) વેચવાના ન હોય, બલકે નિવૃ‌ત્ત‌િ ભંડોળ તરીકે અથવા વારસામાં આપી (આપવા હોય તો) જવા માટે રાખી મૂકવાના હોય. ખેર, બજારમાં જેમને કમાઈ લેવાની ઉતાવળ નથી, તેમને આવા લાભ મળતા હોય છે. બાકી ઉતાવળિયાઓના લાભ ધીરજવાનો લઈ જતા હોય છે. 

સેન્સેક્સની ૪૩ વર્ષની યાત્રા સમજી લો

આપણે ગયા વખતે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના મહત્ત્વની ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં સેન્સેક્સની છેલ્લાં ૪૩ વર્ષમાં ૧૧,૦૦૦ ટ્રેડિંગ દિવસોની સ્થિતિ કે ચાલ જોઈને નિરીક્ષણ કરીએ તો આપણને એક રસપ્રદ ઍનૅલિસિસ યા ડેટા જોવા મળે છે. છેલ્લાં ૪૩ વર્ષમાં દૈનિક ધોરણે માર્કેટ ૫૩ ટકા પૉઝિટિવ અને ૪૭ ટકા નેગેટિવ રહ્યું. સાપ્તાહિક ધોરણે ૫૬ ટકા પૉઝિટિવ અને ૪૪ ટકા નેગેટિવ રહ્યું. માસિક ધોરણે ૬૧ ટકા પૉઝિટિવ અને ૩૯ ટકા નેગેટિવ રહયું. ક્વૉર્ટરલી ધોરણે ૬૪ ટકા પૉઝિટિવ અને ૩૬ ટકા નેગેટિવ રહ્યું. વાર્ષિક ધોરણે ૭૨ ટકા પૉઝિટિવ અને ૨૮ ટકા નેગેટિવ રહ્યું. ત્રણ વર્ષ દરમ્યાન ૮૯ ટકા પૉઝિટિવ અને ૧૧ ટકા નેગેટિવ રહ્યું. પાંચ વર્ષમાં ૯૬ ટકા પૉઝિટિવ અને ૪ ટકા નેગેટિવ રહ્યું અને ૧૦ વર્ષમાં ૧૦૦ ટકા પૉઝિટિવ અને શૂન્ય ટકા નેગેટિવ રહ્યું હતું. ઇન શૉર્ટ, ૪૩ વરસમાં સેન્સેક્સે ૧૫.૫ ટકા સીએજીઆર (કમ્પાઉન્ડિંગ ઍન્યુઅલ ગ્રોથ રેટ) વળતર આપ્યું છે. આમાં ડિવિડન્ડનું વળતર કે ઉપજ અલગ છે. દાયકાની સ્થિતિ જોઈએ તો સેન્સેક્સે ૧૯૮૦-૯૦માં ૨૧.૬ ટકા વળતર, ૧૯૯૦-૨૦૦૦માં ૧૪.૩ ટકા વળતર, ૨૦૦૦-૨૦૧૦માં ૧૭.૮ ટકા વળતર, ૨૦૧૦-૨૦૨૦માં ૮.૮ ટકા વળતર અને ૨૦૨૦-૨૦૨૨માં ૨૪.૮ ટકા વળતર આપ્યું હતું. ૧૯૯૪થી ૨૦૦૩ દરમ્યાનનાં નવ વર્ષ વળતર વિનાનાં રહ્યાં હતાં. બાકી ૨૦૦૨થી ૨૦ વર્ષ સુધી સાત વરસની કોઈ પણ સાઇકલ વળતર વિનાની ગઈ નથી. યાદ રહે, ૧૯૯૬માં સેન્સેક્સ ૩૮૦૦ હતો અને હાલ ૨૦૨૩માં ૬૫,૦૦૦ પ્લસ છે.

માર્કેટ પણ ગુરુ

ગયા સોમવારે ગુરુપૂર્ણિમા હતી. માર્કેટને પણ ગુરુ કહી શકાય, જે આપણને રોકાણ જગતમાં સાતત્ય, શિસ્ત અને મક્કમતા, ધીરજ રાખવાનું શીખવે છે, જે સંપત્તિ સર્જનનો બહેતર માર્ગ બને છે. 

business news share market stock market bombay stock exchange national stock exchange sensex nifty jayesh chitalia