RBIએ ફુગાવો, ઇન્ટરેસ્ટ રેટ અને GDP ગ્રોથ અંગે કરી મહત્ત્વની જાહેરાતો, જાણો વિગત

09 June, 2023 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાણાકીય નીતિની જાહેરાત પછી મીડિયાને સંબોધતાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે આરબીઆઇ નાણાકીય બજારના પ્રભાવકોને નિયંત્રિત કરવા માટે કોઈ અલગ માર્ગદર્શિકા જારી કરવાની યોજના નથી બનાવી રહી

શક્તિકાંત દાસ

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પર નિયંત્રણનો પ્લાન નથી

રિઝર્વ બૅન્ક નાણાકીય બજારો પર એનાં અંગત મંતવ્યો હૅન્ડલ કરતા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને - પ્રભાવકોને નિયંત્રિત કરવા માટે કોઈ અલગ ધોરણ જારી કરવાની યોજના બનાવી રહી નથી, કારણ કે સેબી પહેલેથી જ એના પર છે. નાણાકીય નીતિની જાહેરાત પછી મીડિયાને સંબોધતાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે આરબીઆઇ નાણાકીય બજારના પ્રભાવકોને નિયંત્રિત કરવા માટે કોઈ અલગ માર્ગદર્શિકા જારી કરવાની યોજના નથી બનાવી રહી. સેબી પહેલેથી જ કામ કરી રહી છે. સેબી સોશ્યલ મીડિયા જાહેરાતો અને માર્કેટિંગ ઝુંબેશ દ્વારા નાણાકીય સલાહના પ્રસારને રોકવા માટે નાણાકીય પ્રભાવકોના ઉપયોગને મર્યાદિત કરવા બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સને નિર્દેશિત કરવાનું આયોજન કરી રહી છે.

 આરબીઆઇએ રેપોરેટને યથાવત્ રાખ્યો, કારણ કે એને ૨૫૦ બેસિસ પૉઇન્ટના વધારાની અસરનું મૂલ્યાંકન કરવા માટે સમયની જરૂર છે, જ્યારે ફુગાવાનો માર્ગ અનુકૂળ રીતે ઘટવા તરફ વળ્યો છે. નાણાકીય સખતાઈને થોભાવવામાં આવી છે અને અમે માનીએ છીએ કે એ દર વધારાના ચક્રનો અંત છે. વૈશ્વિક સ્થિતિ પણ અનિશ્ચિત છે અને આરબીઆઇ થોડા સમય માટે અવલોકન કરવા માગશે. - અમર અંબાણી, યશ સિક્યૉરિટીના ગ્રુપ પ્રેસિડન્ટ અને સંસ્થાકીય ઇક્વિટીના હેડ

ઇન્ટરેસ્ટ રેટમાં નો ચેન્જ

આરબીઆઈએ રેપોરેટ ૬.૫૦ ટકાના દરે યથાવત્ રાખ્યો, લોન મોંઘી નહીં થાય

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બીજી વખત પૉલિસી બેઠકમાં એના મુખ્ય વ્યાજદરને યથાવત્ રાખ્યા હતા, પરંતુ સંકેત આપ્યો હતો કે એ વૃદ્ધિની ગતિ જાળવી રાખીને ફુગાવાને વધુ મધ્યમ જોવા માગે છે. વ્યાજદર સ્થિર રહેતાં હાલ લોન હવે વધુ મોંઘી ન બને એવી શક્યતા છે. મૉનેટરી પૉલિસી કમિટી જેમાં આરબીઆઇના ત્રણ સભ્યો અને સમાન સંખ્યામાં બાહ્ય નિષ્ણાતો હોય છે. આ કમિટીએ બેન્ચમાર્ક વ્યાજદર અથવા રેપોરેટને ૬.૫૦ ટકા પર યથાવત્ રાખવા સર્વસંમતિથી મત આપ્યો હતો. એપ્રિલમાં પણ વ્યાજદર સ્થિર રાખવા માટે નિર્ણય લેવાયો હતો.
જ્યારે માર્ચ-એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ગ્રાહક ભાવ ફુગાવો હળવો થયો અને સહનશીલતા બૅન્ડમાં આગળ વધ્યો, હેડલાઇન ફુગાવો હજી પણ ચાર ટકાના લક્ષ્યાંકથી ઉપર છે અને ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળા દરમ્યાન એ જ રહેવાની ધારણા છે એમ રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય જાહેરાત કરતાં જણાવ્યું હતું.

ફુગાવાનો લક્ષ્યાંક ઘટાડીને ૫.૧ ટકા

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટે ભારતના ફુગાવાનો અંદાજ ઘટાડીને ૫.૧ ટકા મૂક્યો છે, જે એપ્રિલમાં ૫.૨ ટકા મૂક્યો હતો. ત્રિમાસિક ધોરણે માર્ચ ક્વૉર્ટરમાં છૂટક ફુગાવો (અથવા ગ્રાહક ભાવ સૂચકાંક) ૪.૬ ટકા, બીજા ક્વૉર્ટરમાં ૫.૨ ટકા, ત્રીજા ક્વૉર્ટરમાં ૫.૪ ટકા અને ચોથા ક્વૉર્ટરમાં ૫.૨ ટકા જોવા મળે છે એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું. ભારતનો હેડલાઇન ફુગાવો એપ્રિલમાં ઘટીને ૪.૭ ટકા થયો છે, જે નવેમ્બર ૨૦૨૧ પછીનો સૌથી નીચો છે.મૉનેટરી પૉલિસી કડક બનાવવા અને પુરવઠા બાજુના પગલાએ ફુગાવાને નીચો લાવવામાં મદદ કરી છે. ફુગાવામાં સરળતા ખાદ્ય, બળતણ અને મુખ્ય (ખાદ્ય અને બળતણ સિવાયની) શ્રેણીઓમાં જોવા મળી હતી એમ દાસે જણાવ્યું હતું.
 
આ પણ વાંચો : દહેશત કે ગેરસમજ? કાયદેસર માન્યતા હોવા છતાં ૨,૦૦૦ની નોટ અમાન્ય કેમ?

૨,૦૦૦ની ૫૦ ટકા નોટો બૅન્કો પાસે પાછી આવી

રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે આરબીઆઇએ ગયા મહિને સૌથી વધુ મૂલ્યનું ચલણ પાછું ખેંચવાની જાહેરાત કરી ત્યારથી ચલણમાં રહેલી ૨,૦૦૦ રૂપિયાની ૫૦ ટકા નોટો બૅન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. તેમણે કહ્યું કે માર્ચના અંત સુધી ૩.૬૨ લાખ કરોડ રૂપિયાની ૨,૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં હતી. અત્યાર સુધી જાહેરાત પછી ૧.૮૦ લાખ કરોડ રૂપિયા પાછા આવ્યા છે. ૨,૦૦૦ રૂપિયાની લગભગ ૮૫ ટકા નોટો બૅન્ક-ખાતામાં ડિપોઝિટ તરીકે આવી રહી છે અને એ અપેક્ષા મુજબ જ છે. ૧૯ મેએ ભારતીય રિઝર્વ બૅન્કે એના ચલણ વ્યવસ્થાપનના ભાગરૂપે ૨,૦૦૦ રૂપિયાના મૂલ્યની બૅન્કનોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને ૨૩ મેથી આવી નોટો (એક જ વારમાં ૨૦,૦૦૦ રૂપિયા સુધી) બદલવાની મંજૂરી આપી હતી. એક્સચેન્જ અથવા ડિપોઝિટ વિન્ડો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ઉપલબ્ધ છે.

જીડીપીના ગ્રોથનો અંદાજ ૬.૫ ટકા મૂકવામાં આવ્યું

રિઝર્વ બૅન્કે સ્થાનિક માગની સહાયક સ્થિતિને પગલે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૫ ટકા જાળવી રાખ્યો હતો. એપ્રિલમાં સેન્ટ્રલ બૅન્કે ચાલુ વર્ષના જીડીપી વૃદ્ધિના અંદાજને ૬.૪ ટકાના અગાઉના અનુમાનથી નજીવો સુધારીને ૬.૫ ટકા કર્યો હતો. આરબીઆધના ગવર્નર શક્તિકાંત દાસે ૨૦૨૩-’૨૪ માટે દ્વિતીય દ્વિમાસિક નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે સ્થાનિક માગની સ્થિતિ વૃદ્ધિને સમર્થન આપે છે અને ગ્રામીણ વિસ્તારોમાં માગ પણ પુનરુત્થાનના માર્ગે છે. ભારતની અર્થવ્યવસ્થા ૨૦૨૨-’૨૩માં ચોથા ક્વૉર્ટરમાં ૬.૧ ટકા વૃદ્ધિ પામી છે, જે અગાઉ અપેક્ષિત ૭ ટકાની સરખામણીએ વાર્ષિક વૃદ્ધિ દરને ૭.૨ ટકા સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

બૅન્કોને રુપે પ્રીપેડ ફૉરેક્સ  કાર્ડ ઇશ્યુ કરવાની છૂટ

વિદેશમાં મુસાફરી કરતા ભારતીયો માટે ચુકવણીના વિકલ્પને વિસ્તૃત કરવા માટે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એટીએમ, પીઓએસ મશીન અને વિદેશમાં ઑનલાઇન વેપારીઓના ઉપયોગ માટે ભારતની બૅન્કો દ્વારા રુપે પ્રીપેડ ફૉરેક્સ કાર્ડ્સ જારી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં રુપે ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ્સ વિદેશી અધિકાર ક્ષેત્રોમાં જારી કરવા માટે સક્ષમ કરવામાં આવશે, જેનો ઉપયોગ ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ શકે છે એમ રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે આ નાણાકીય વર્ષની બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ પગલાં વૈશ્વિક સ્તરે રુપે કાર્ડની પહોંચ અને સ્વીકૃતિને વિસ્તૃત કરશે. આ નિર્ણય ભારતમાં બૅન્કો દ્વારા જારી કરાયેલા રુપે ડેબિટ અને ક્રેડિટ કાર્ડને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથેની દ્વિપક્ષીય વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય કાર્ડ યોજનાઓ સાથે કો-બેજિંગ વ્યવસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

reserve bank of india gdp rbi governor inflation demonetisation business news