તમારી નિવૃત્તિ માટે તમારે ફક્ત ઈપીએફ પર શા માટે નિર્ભર ન રહેવું જોઈએ?

14 December, 2023 07:41 AM IST  |  Mumbai | Rajendra Bhatia

જ્યારે મોટા ભાગના લોકો નિવૃત્તિ વિશે વિચારે ત્યારે તેઓ એમ્પ્લૉઈ પ્રોવિડન્ટ ફન્ડ (ઈપીએફ) જેવા એમ્પ્લૉયર બેનિફિટ્સ વિશે વિચારે છે. આ એક સરસ વિકલ્પ છે, પરંતુ એ એક માત્ર જ વિકલ્પ નથી.

પ્રતીકાત્મક તસવીર

જ્યારે મોટા ભાગના લોકો નિવૃત્તિ વિશે વિચારે ત્યારે તેઓ એમ્પ્લૉઈ પ્રોવિડન્ટ ફન્ડ (ઈપીએફ) જેવા એમ્પ્લૉયર બેનિફિટ્સ વિશે વિચારે છે. આ એક સરસ વિકલ્પ છે, પરંતુ એ એક માત્ર જ વિકલ્પ નથી. તમે મ્યુચ્યુઅલ ફન્ડ્સ જેવા અન્ય રોકાણ માટેના વિકલ્પો વિશે પણ વિચારી શકો છો. તમારી નિવૃત્તિ માટે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરવાના મહત્ત્વ ઉપર આ લેખ પ્રકાશ પડશે. 

ઈપીએફ એ રોકાણ માટેનું કર-કાર્યક્ષમ સાધન છે અને એને સરકારનું સમર્થન છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને ઈપીએફ બન્ને તમારી નિવૃત્તિ માટેની બચતને વધારે છે. તમારે શા માટે તમારા નિવૃત્તિ લાભો માટે તમારા એમ્પ્લૉયર પર સંપૂર્ણ આધાર રાખવો જોઈએ નહીં એ દર્શાવતાં કેટલાંક કારણો અહીં આપેલાં છે. 
૧. ઈપીએફ મુખ્યત્વે ડેબ્ટ આધારિત રોકાણનું સાધન છે 
તમારે એ જાણવું આવશ્યક છે કે ઈપીએફઓ એનાં નાણાંના વધારાના પ્રવાહના ૧૫ ટકા જેટલી રકમનું જ રોકાણ ઇક્વિટીમાં કરી શકે છે. આમ ઈપીએફ મુખ્યત્વે ડેબ્ટપ્રધાન રોકાણનું સાધન છે. ઇક્વિટી-આધારિત સાધનોમાં કરેલા તમારા રોકાણમાંથી વાસ્તવિક વળતર મળવાની વધુ સંભાવના છે. ફુગાવાના પ્રભાવને બાદ કર્યા પછી રોકાણનાં સાધનો દ્વારા આપવામાં આવેલું વળતર એ વાસ્તવિક વળતર છે. જો તમે રોકાણ કરવાની વહેલી શરૂઆત કરો તો તથા ફુગાવાની અસર ઓછી કરી શકે એવાં રોકાણનાં સાધનોમાં રોકાણ કરો તો તમે નિવૃત્તિકાળ માટે સારું ભંડોળ ઊભું કરી શકો છો. આ હેતુ માટે તમે ઇક્વિટી-લક્ષી મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરી શકો છો, જેમાં મોટા ભાગનાં અન્ય રોકાણનાં સાધનો કરતાં વધારે જોખમો શામેલ હોય છે, પરંતુ લાંબે ગાળે તેઓ પ્રભાવશાળી વળતર આપે છે.

૨. રોકાણની ન્યુનતમ રકમ 
ઈપીએફમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓ બન્ને માસિક ૧૨ ટકાનો ફાળો આપે છે. તેઓ ૧૫,૦૦૦ રૂપિયાના ૧૨ ટકા સુધી અથવા ૧,૮૦૦ રૂપિયા સુધીનો ફાળો આપી શકે છે, પરંતુ જો તમારી આવક ૧૫,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો કંપનીએ ૧૨ ટકા ફાળો આપવાની જરૂર હોતી નથી. આમ તમારી આવકને ધ્યાનમાં લીધા વિના એમ્પ્લૉયરનું યોગદાન ઓછું હોઈ શકે છે. એટલે સામાન્ય રીતે તમારા ઈપીએફ અકાઉન્ટમાં જમા થતી એકંદર રકમ તમારા નિવૃત્તિ માટેનાં લક્ષ્યો માટે પૂરતું ભંડોળ જમા કરવા માટે પૂરતી નથી હોતી. 
તમે તમારા ઈપીએફ અકાઉન્ટમાં વધુ રકમ જમા કરી શકો છો. આ વિકલ્પને વૉલન્ટરી પેન્શન ફન્ડ (વીપીએફ) કહેવામાં આવે છે અને એ ઈપીએફનું વિસ્તરણ છે. અગાઉ આ વીપીએફ રોકાણો કરમુક્ત હતાં, પરંતુ ૨૦૨૧ના બજેટ અનુસાર જો એક નાણાકીય વર્ષ દરમ્યાન તમારું ઈપીએફ અને વીપીએફમાં એકંદર યોગદાન ૨.૫ લાખ રૂપિયાથી વધી જાય તો તમે આવા યોગદાન પર કમાયેલા વ્યાજ પર ટૅક્સ લાગુ પડે છે. 

૩. રોકાણની મહત્તમ રકમ ઉપર મર્યાદા
એક કર્મચારી તરીકે તમે ઈપીએફમાં તમારા બેઝિકના ૧૨ ટકા જેટલી રકમ સુધી કરમુક્ત યોગદાન આપી શકો છો. જો તમે તમારી નિવૃત્તિ માટેના ભંડોળ માટે વધુ રોકાણ કરવા માગતા હો તો તમે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરી શકો છો. તમે તમારા રોકાણના ઉદ્દેશો અને સમય ક્ષિતિજને આધારે વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાંથી પસંદ કરી શકો છો. જો તમે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરો તો મહત્તમ રોકાણની રકમ ઉપર કોઈ મર્યાદા નથી. તદુપરાંત જ્યારે એનું વેચાણ કરો ત્યારે જ ટૅક્સ લાગુ પડે છે. 

૪. રોકાણ માટે વિવિધ વિકલ્પોની ઉપલબ્ધતા
રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફન્ડ્સ વિવિધ વિકલ્પો આપે છે જેમ કે લમ્પસમ અને એસઆઇપી. એનો અર્થ એ કે તમે દિવસના કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએથી રોકાણ કરી શકો છો. એસઆઈપી એ નિયમિત રીતે રોકાણ કરવા માટેની યોજના છે જેના દ્વારા તમે નિયમિત સમય અંતરાળમાં પૂર્વનિર્ધારિત રકમનું રોકાણ કરી શકો છો. તમે તમારી નાણાકીય પરિસ્થિતિઓ મુજબ તમારા એસઆઇપીને વધારી અથવા ઘટાડી શકો છો. આમ મ્યુચ્યુઅલ ફન્ડ્સ રોકાણ કરવા માટે ફ્લેક્સિબિલિટી આપે છે જે ઈપીએફ પ્રદાન કરતી નથી. 

નિષ્કર્ષ 
નિવૃત્તિ માટેની તૈયારીનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં. એ માટે કેવળ ઈપીએફ પર આધાર રાખવો એ સૌથી સારો વિકલ્પ નથી. ફુગાવો તમારી અપેક્ષા કરતાં ઝડપથી તમારી બચતને ઘટાડી શકે છે જેને કારણે તમારું નિવૃત્તિ ભંડોળ નિવૃત્તિકાળ દરમ્યાનના તમારા દૈનિક ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતું પડી શકે છે. નિવૃત્તિકાળ દરમ્યાન પૂરતી આવક મળી શકે એ માટે તમે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરવા માટે એસઆઇપીનો ઉપયોગ કરી શકો છો. એસઆઇપી તમને નિયમિત અંતરાળમાં ચોક્કસ રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. એ સંપૂર્ણપણે વૈકલ્પિક છે અને તમે કોઈ પણ સમયે તમારા એસઆ​ઇપીની રકમમાં વધારો, ઘટાડો કરી શકો છો તેમ જ એને રોકી પણ શકો છો. પરિણામે તમે નિવૃત્તિ માટેની યોજના વિકસાવી શકો છો અને તમારા નિવૃત્તિ-ઉદ્દેશોને પહોંચી વળવા માટે રોકાણ કરી શકો છો. 

business news stock market share market mutual fund investment