29 November, 2024 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇનનો ભાવ ૨૦૨૮ સુધીમાં વધીને સાત લાખ ડૉલર થઈ જવાની ધારણા વ્યક્ત થઈ છે. અમેરિકાના પ્રથમ ક્રિપ્ટો ફન્ડ પેન્ટેરા કૅપિટલના સીઈઓ દાન મોરહેડે આ આગાહી કરી છે. ડોનલ્ડ ટ્રમ્પના વિજય બાદ બિટકૉઇનનો ભાવ વધી ગયો છે. જોકે મોરહેડનું કહેવું છે કે હજી તો આ શરૂઆત છે. ક્રિપ્ટોકરન્સીની તેજી તો હજી શરૂ થઈ નથી. પોતાની સંપત્તિમાં પાંચ ટકા હિસ્સો બિટકૉઇનનો છે એવું જાહેર કરતાં તેમણે કહ્યું છે કે અમેરિકામાં ક્રિપ્ટોના નિયમન બાબતે સ્પષ્ટતા થયા બાદ તેઓ પોતાનું એક્સપોઝર વધારશે. દરમ્યાન, બિટકૉઇનનો ભાવ ગુરુવારે ૨૪ કલાકના ગાળામાં ૧.૩૩ ટકા વધીને ૯૫,૮૧૨ ડૉલર થયો છે. ઇથેરિયમ ૨.૦૮ ટકા વધીને ૩૫૬૯ ડૉલરના સ્તરે છે. ટોચના વધેલા કૉઇનમાં બીએનબી (૪.૨૧ ટકા), એક્સઆરપી (૧.૦૫ ટકા), ડોઝકૉઇન (૨.૨૯ ટકા) અને શિબા ઇનુ (૧.૨૯ ટકા) સામેલ છે. અવાલાંશમાં ૨.૦૮ ટકાનો ઘટાડો થયો છે.