સેબીના ત્રણ વર્ષના અભ્યાસનું ચેતી જવા જેવું તારણ- ૧૦માંથી ૭ ઇન્ટ્રા-ડે ટ્રેડરો નાણાં ગુમાવે છે

25 July, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આવા ટ્રેડર્સની સંખ્યામાં આ વર્ષે ૩૦૦ ટકાનો વધારો થયો

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI-સેબી)

શૅરબજારોની નિયમનકારી સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI-સેબી)એ ત્રણ વર્ષ સુધી શૅરબજારોમાં ઇન્ટ્રા-ડે સોદા વિશે સ્ટડી કર્યા બાદ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં ઇક્વિટી કૅશ સેગમેન્ટમાં રોજ ઇન્ટ્રા-ડે સોદા કરતા ૧૦માંથી ૭ ટ્રેડરોને નુકસાન સહન કરવાનો વારો આવે છે અને તેઓ નાણાં ગુમાવે છે. ૨૦૧૮-’૧૯થી લઈને ત્રણ વર્ષની તુલનામાં ૨૦૨૨-’૨૩માં ઇન્ટ્રા-ડે સોદા કરનારા લોકોની સંખ્યામાં પણ ૩૦૦ ટકાનો વધારો થયો છે.

સેબીએ જણાવ્યું હતું કે ઇક્વિટી કૅશ સેગમેન્ટમાં વ્યક્તિઓ દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં નફા અને નુકસાનના ટ્રેન્ડ્સનું વિશ્લેષણ કરીને આ સ્ટડી હાથ ધર્યો હતો. આ સ્ટડી બ્રોકર્સ, માર્કેટના નિષ્ણાતોના પ્રતિનિધિઓ અને ઍકૅડેમિયાના કાર્યકારી જૂથ દ્વારા હાથ ધરાયો હતો.

સેબીએ કોરોના મહામારી પહેલાં અને પછીના ટ્રેન્ડનું વિશ્લેષણ કરવા માટે નાણાકીય વર્ષ ૨૦૧૯, નાણાકીય વર્ષ ૨૦૨૨ અને નાણાકીય વર્ષ ૨૦૨૩ના સમયગાળાને આવરી લીધા હતા. સેબીએ ઉલ્લેખ કર્યો હતો કે આ સ્ટડી ટોચના ૧૦ બ્રોકરોના વ્યક્તિગત ક્લાયન્ટ્સના સૅમ્પલ પર આધારિત છે, જે ૨૦૨૩માં ઇક્વિટી કૅશ સેગમેન્ટમાં વ્યક્તિગત ક્લાયન્ટ્સની ગણતરીના ૮૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે ઇક્વિટી કૅશ સેગમેન્ટમાં ત્રણમાંથી એક વ્યક્તિ ઇન્ટ્રા-ડે સોદા કરે છે. ૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવા ઇન્ટ્રા-ડે ટ્રેડર્સની સંખ્યામાં નાણાકીય વર્ષ ૨૦૧૯ની ૧૮ ટકાની સરખામણીમાં ૪૮ ટકાનો વધારો થયો છે. વર્ષમાં ૫૦૦થી વધારે સોદા કરનારા ટ્રેડર્સમાં ખોટ કરનારાઓનું પ્રમાણ વધીને ૮૦ ટકા થયું છે.

national news india sebi share market cyber crime