વિશ્વબજારોની નબળાઈ અને FIIની વેચવાલી વચ્ચે પણ બજાર બે-અસર

26 July, 2024 06:47 AM IST  |  Mumbai | Anil Patel

નૅસ્ડૅકના ઐતિહાસિક કડાકા પાછળ વિશ્વભરમાં આઇટી, ટેક્નૉલૉજી શૅર ખરડાયા, આપણે ત્યાં આઇટી ઇન્ડેક્સ માંડ ૦.૨ ટકાય ન ઘટ્યો : રેલવે અને ડિફેન્સ સેક્ટરમાં પ્રૉફિટ બુકિંગને લઈને નરમ વલણ

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ

અમેરિકા ખાતે બુધવારની રાત્રે શૅરબજારમાં, ખાસ કરીને આઇટી અને ટેક્નૉલૉજીઝ સેગમેન્ટના શૅરોમાં નોંધપાત્ર આંચકો આવી ગયો. નૅસ્ડૅક ઇન્ડેક્સ ૬૫૫ પૉઇન્ટ કે સાડાત્રણ ટકાથી વધુ તૂટી ૧૭,૩૪૨ બંધ થયો. ઑક્ટોબર ૨૦૨૨ પછીના આ સૌથી મોટા કડાકાના પગલે માર્કેટકૅપમાં એક લાખ કરોડ ડૉલર કે આશરે ૮૩ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. આમ થવાનું સૌથી મોટું કારણ એક જ છે વૅલ્યુએશન... છેલ્લા કેટલાક સમયથી AI અર્થાત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની જે થીમ ચાલી છે એમાં હવે વિશ્લેષકોને બબલનાં દર્શન થવા માંડ્યાં છે. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લખલૂંટ ખર્ચ થઈ રહ્યો છે, પણ વળતર ક્યાં? એ સવાલ પજવવા લાગ્યો છે. આલ્ફાબેટ દ્વારા જે પરિણામ જાહેર થયાં એ પછી આ પ્રશ્ન ડરમાં ફેરવાઈ ગયો છે. AI, સેમીકન્ડક્ટર્સ અને અન્ય ન્યુ એજ ટેક્નૉલૉજીકલ કંપનીઓ તરફથી જે પરિણામ આવી રહ્યાં છે એ તેમના હાલના શૅરના ભાવ કરતાં ક્યાંય ઊતરે છે. સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ ૫૦૦નો આઇટી ઇન્ડેક્સ હાલ ૨૦૦૨ પછીનો સૌથી ઊંચો પી/ઈ બતાવે છે અને આ બધી ફિકરમાં નૅસ્ડૅકમાં કડાકો બોલાયો છે. આલ્ફાબેટ, ટેસ્લા, સુપર માઇક્રો કમ્પ્યુટર, બ્રોડકૉમ, એનવિડિયા, મેટા પ્લેસ ફૉર્મ સહિત ઘણી બધી ચલણી જાતો પાંચથી બાર ટકા તૂટી છે. ઍપલ ત્રણેક ટકા અને માઇક્રોસૉફ્ટ સાડાત્રણ ટકા સાફ થઈ છે. નૅસ્ડૅકની પાછળ વિશ્વસ્તરે ટેક્નૉલૉજીસ શૅરોમાં વેચવાલી ઊપડી છે. શૅરબજારો હાલકડોલક થયાં છે. એશિયા ખાતે જૅપનીઝ નિક્કી ૩.૪ ટકા કે ૧૨૮૫ પૉઇન્ટ, હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયા પોણાબે ટકા, સિંગાપોર એકાદ ટકો માઇનસ હતું. વ્યાજદરમાં અણધાર્યા મોટા ઘટાડા પછીય ચાઇના અડધો ટકો નરમ રહ્યું છે. યુરોપ રનિંગમાં એકથી પોણાબે ટકા ડૂલ થયું હતું. ફ્રાન્સ એની તાજેતરની ટૉપથી ૧૦ ટકા કરતાં વધુ ઘટી જતાં કરેક્શનનો સ્પષ્ટ કેસ બન્યો છે. 

લાર્સન ધારણા કરતાં ઓછા નફામાં ૧૦૪ રૂપિયા ઊછળ્યો

તાતા મોટર્સનાં પરિણામ પહેલી ઑગસ્ટે છે ત્યારે નોમુરા તરફથી ૧૨૯૪ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થતાં શૅર સાડાત્રણ ગણા કામકાજે ૧૦૯૪ની ઑલટાઇમ હાઈ બનાવી સવાછ ટકા જેવી તેજીમાં ૧૦૯૧ બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. એનો ડીવીઆર પણ સાડાછ ટકા ઊછળી ૭૪૭ની વિક્રમી સપાટીએ બંધ હતો. લાર્સને ૧૨ ટકાના વધારામાં ૨૭૮૬ કરોડ નેટ નફો કર્યો છે. સિટીવાળાએ ૪૩૯૬ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવ્યો છે. એમ્કે ગ્લોબલે ૪૨૦૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ૪૧૦૦ કરી છે. પરિણામમાં સારાવાટ જેવું ખાસ નથી. ધારણા ૨૮૭૬ કરોડના ચોખ્ખા નફાની હતી, પરંતુ શૅરમાં ગઈ કાલે ૩ ટકા કે ૧૦૪ પૉઇન્ટનો ફાયદો થઈ ગયો છે. ઑસ્ટ્રેલિયન કંપની માયને દ્વારા પેટન્ટના મામલે કેસ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છતાં સનફાર્મા ૧૬૮૧ના બેસ્ટ લેવલે જઈ પોણાત્રણ ટકા ઊંચકાઈ ૧૬૬૫ થયો છે. રિઝલ્ટ પહેલીએ છે. સેન્સેક્સ નિફ્ટી ખાતે વધેલી અન્ય જાતોમાં ઓએનજીસી પાંચ ટકા, SBI લાઇફ પોણાચાર ટકા, ભારત પેટ્રો સાડાત્રણ ટકા, કોટક બૅન્ક ૧.૭ ટકા, HDFC લાઇફ દોઢ ટકો મુખ્ય હતી.

ઍક્સિસ બૅન્ક સારાં પરિણામ છતાં NPA સહેજ વધતાં બમણા કામકાજે નીચામાં ૧૧૫૬ થઈ સવાપાંચ ટકા જેવા ધબડકામાં ૧૧૭૫ બંધ આપી બજારને ૧૫૮ પૉઇન્ટ નડીને બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. નેસ્લે તરફથી ચાલુ વર્ષ માટેના ગાઇડન્સિસમાં ઘટાડો જારી થતાં ભાવ અઢી ટકા ગગડ્યો હતો. ICICI બૅન્કનાં રિઝલ્ટ ૨૭મીએ છે. શૅર બે ટકા બગડી ૧૧૯૮ હતો. ટાઇટન, તાતા સ્ટીલ, શ્રીરામ ફાઇનૅન્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક, લાટિમ સવાથી બે ટકા સુધી ડાઉન હતા. આઇટીસી પોણો ટકો ઘટી ૪૯૦ હતો. પરિણામ પહેલી ઑગસ્ટે છે. 

જ્વેલરી શૅરોમાં ચમક ઓસરવા માંડી

બજેટમાં ડ્યુટી ઘટતાં જ્વેલરી શૅરમાં શરૂ થયેલો ઊભરો શમવા માંડ્યો છે. ગઈ કાલે કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, ટીબીઝેડ, એશિયન સ્ટાર, ભક્તિ જેમ્સ, પામ જ્વેલ્સ, ટાઇટન જેવી જાતો બેથી ચાર ટકા માઇનસ હતી. થંગમયિલ સવાઆઠ ટકા કે ૧૬૪ રૂપિયા તૂટ્યો છે. મોતીસન્સ ત્રણ ટકા, રેનેસાં સવા ટકો, આરબીઝેડ ૧.૩ ટકા, નર્મદા જેમ્સ ત્રણ ટકા, સૉવેરિન ડાયમન્ડ્સ સાત ટકા ઝંખવાયો છે.

ઇરકોન ઇન્ટર, આઇઆરએફસી, રાઇટસ, રેલવિકાસ નિગમ, ટિટાગઢ રેલ, જ્યુપિટર વૅગન્સ, હિન્દુસ્તાન રેક્ટિફાયર જેવા રેલવે શૅર અઢીથી સાડાચાર ટકા ગગડ્યા છે. કારનેક્સ માઇક્રો પાંચ ટકા અને ટેક્સમાકોરેલ સાડાપાંચ ટકા અપ હતો. ખાતર ઉદ્યોગના ૨૫માંથી ૧૫ તો પેસ્ટિસાઇડ્સ અને ઍગ્રોકેમ સેક્ટરના ૨૫માંથી ૧૩ શૅર નરમ હતા.  

ઑઇલ-ગૅસ અને એનર્જીમાં તેજી માટે રિલાયન્સની જરૂર નથી

ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ત્રણેક ટકા અને એનર્જી બેન્ચમાર્ક બે ટકા જેવો વધ્યો એમાં રિલાયન્સનો જરાય પૉઝિટિવ ફાળો નથી. ઊલટું આ કાઉન્ટર આઠેક રૂપિયા ઘટી ૨૯૮૨ બંધ થયું છે. સામે સરકારી તેલ કંપનીઓ જેવી કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ પોણાછ ટકા, ઓએનજીસી પાંચ ટકા, આઇઓસી પોણાપાંચ ટકા, ઑઇલ ઇન્ડિયા સવાચાર ટકા, પેટ્રોનેટ ચાર ટકા, ભારત પેટ્રો સાડાત્રણ ટકા, ગેઇલ સવાબે ટકા મજબૂત થયા છે. કૉન્ફિડન્સ પેટ્રો ૧૫.૩ ટકાના ઉછાળે ૯૩ વટાવી ગયો હતો.

અદાણી ગ્રીનનાં પરિણામ બજાર બંધ થવાના થોડાક સમય પહેલાં આવતાં શૅર ઉપરમાં ૧૮૫૦ થઈ ૬ ટકા કે ૧૦૫ની તેજીમાં ૧૮૨૧ બંધ હતો. કંપનીએ ૯૫ ટકાના વધારામાં ૬૨૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી એનર્જી સવા ટકો અને NDTV અડધા ટકા નજીક પ્લસ હતો. સામે અંબુજા સિમેન્ટ્સ, એસીસી, અદાણી ટોટલ પોણાથી સવા ટકો અને અદાણી વિલ્મર અડધો ટકો ડાઉન હતા. પાવર-યુટિલિટીઝ ખાતે સીજી પાવર, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, ઍન્ટોની વેસ્ટ ત્રણથી પાંચ ટકા ઝળક્યા હતા.

એમએમટીસી ૧૨૩ના શિખરે જઈ ૧૮.૫ ટકાની છલાંગમાં ૧૨૧ ઉપર બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. એસટીસી પોણાઅઢાર ટકા, કોઠારી પ્રોડક્ટ્સ ૨૦ ટકા, પીજી ઇલેક્ટ્રૉપ્લાસ્ટ સાડાબાર ટકા, ટાઇડ વૉટર સવાદસ ટકા, આઇટીડીસી સવાપાંચ ટકા ઝળક્યા હતા. MTNL સતત તેજીમાં એક વધુ ઉપલી સર્કિટે ૫ ટકા ઊછળી ૯૨ વટાવી ગયો છે. ONGCનાં પરિણામ પાંચમી ઑગસ્ટે છે. બોનસનો એજન્ડા એમાં સામેલ કરાય છે કે કેમ એની ચર્ચા છે. જેકે પેપર પોણાઆઠ ટકા તૂટી ૫૨૦ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટોપ લૂઝર હતો. ગાર્ડન રિચ પાંચ ટકા, માઝગાવ ડૉક અને કોજીન શિપયાર્ડ પોણાચાર ટકા, ભારત ડાયનેમિક્સ પોણાપાંચ ટકા, ડીસીબી બૅન્ક સાડાચાર ટકા ગગડી હતી. 

સેન્સેક્સ-નિફ્ટીની વિશ્વબજારોથી વિપરીત ચાલ

વિશ્વસ્તરે બનતા ઘટતાક્રમ સાથે ખાસ લેવાદેવા ન હોય એ રીતે ગુરુવારે ઘરઆંગણે સેન્સેક્સ ૧૦૯ પૉઇન્ટ જેવો ઘટી ૮૦,૦૪૦ તથા નિફ્ટી ૭ પૉઇન્ટ ઘટી ૨૪,૪૦૬ બંધ થયો છે. આપણા પૉલિટિશ્યનો જાડી ચામડીના ગણાય છે, બજારનેય તેમની સંગતની અસર થઈ લાગે છે. જોકે આ શાહમૃગ વૃત્તિ કે પલાયનવાદ બહુ લાંબું ચાલવાનાં નથી. બજાર આગલા બંધથી લગભગ ૪૦૦ પૉઇન્ટ નજીક માઇનસમાં ૮૦,૧૪૯ ખૂલી નીચામાં ૭૯,૪૭૮ થયું હતું, પરંતુ આ પ્રારંભિક અને અલ્પજીવી ખરાબી બાદ શૅરઆંક ક્રમશઃ સતત ત્યાંથી વધતો ગયો હતો જેમાં ઉપરમાં ૮૦,૧૪૩ થયો હતો. બન્ને બજારના બહુમતી સેક્ટોરલ રેડ ઝોનમાં હતા, પરંતુ એ બહુધા અડધાથી એક ટકાની આસપાસ સીમિત હતો. મેટલ, બૅન્કેક્સ, રિયલ્ટી જેવા આંક એકાદ ટકો નરમ હતા. સામે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ત્રણ ટકા, એનર્જી બેન્ચમાર્ક બે ટકા, ઑટો ઇન્ડેક્સ એક ટકો, કૅપિટલ ગુડ્સ ૧.૨ ટકા, પાવર ઇન્ડેક્સ સવા ટકો પ્લસ હતા. રોકડું અને બ્રૉડર માર્કેટ થોડુંક નરમ હોવાથી માર્કેટ બ્રેડ્થમાં રસાકસી હતી. NSE ખાતે વધેલા ૧૧૭૩ શૅર સામે ૧૧૭૫ જાતો ઘટી હતી. બજારનું માર્કેટકૅપ ૨૧,૦૦૦ કરોડ વધીને ૪૪૯.૮૨ લાખ કરોડ થયું છે. બજેટ અને એના વળતા દિવસે એમ કુલ મળીને બે દિવસમાં FII દ્વારા કુલ મળીને ૮૧૦૬ કરોડ રૂપિયાનું નેટ સેલિંગ કરાયું છે, પણ માર્કેટમાં આની કોઈ નોંધપાત્ર નેગેટિવ અસર વર્તાઈ નથી, કેમ કે સામે અત્યાર સુધી વેચવાલ રહેલી દેશી નાણાસંસ્થાઓ છેલ્લા બે દિવસથી નેટ બાયર છે.

બજારમાં આવેલા કોલેજિયન (નવા) રોકાણકારો તેમ જ દેખાદેખીમાં વગર વિચાર્યે ઇન્વેસ્ટમેન્ટ કરનારા નાદાન રોકાણકારોએ સેબીનો તાજેતરનો રિપોર્ટ જોવા જેવો છે. એપ્રિલ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ના એક વર્ષ દરમ્યાન ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં ૧૦માંથી ૭ સોદામાં લોકોએ માર ખાધો છે તો ડેરિવેટિવ્સમાં ૧૦માંથી ૯ સોદામાં નાણાં ગુમાવ્યાં છે. હવે આ સાતમાં કે નવમાં સામેલ થવું કે નહીં એ તમારે નક્કી કરવાનું છે યાર. 

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex