13 September, 2024 07:52 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે બુધવારના ઘટાડાને વામણો પુરવાર કરી સેન્સેક્સે ક્લોઝ-ટુ-ક્લોઝ દૈનિક 1439.55 પૉઇન્ટ્સ, 1.77 ટકાનો જોરદાર જમ્પ મારી 82,962.71 બંધ આપ્યો હતો. આ હનુમાન કૂદકામાં ઇન્ડેક્સે બીજી સપ્ટેમ્બરના ઑલટાઇમ હાઈ 82,725.28થી ઉપર જઈ 83,116.19નો નવો રેકૉર્ડ સ્થાપી સેન્સેક્સના ઇતિહાસમાં સૌથી ઊંચું બંધ આપ્યું છે. આવા સુવર્ણાક્ષરે લખાયેલા દિવસે સેન્સેક્સના 30માંથી એક માત્ર નેસ્લે ઇન્ડિયા જ મામૂલી 0.09 ટકા ઘટીને બંધ રહ્યો હતો. બાકીના 29 શૅરો પ્લસમાં હતા. સુધારામાં 163 પૉઇન્ટ્સનું યોગદાન રિલાયન્સનું 55 રૂપિયા વધી 2958ના બંધ સાથે હતું. એ જ રીતે ભારતી ઍરટેલ 68 રૂપિયા વધી 1646 થયો એનો ફાળો 160 પૉઇન્ટ્સનો હતો. 1660 રૂપિયાના સ્તરે બંધ આવેલ એચડીએફસી બૅન્કના 22 રૂપિયાના વધારાએ સેન્સેક્સના 142 પૉઇન્ટ્સ વધાર્યા હતા. ઇન્ફોસિસે 40 રૂપિયા વધી 1950 બંધ આપ્યો, એનું યોગદાન 124 પૉઇન્ટ્સનું હતું. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સનો આઇપીઓ 63 ગણો ભરાયો એના કારણે બજારમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો અને ગુરુવારે બે વાગ્યા પછી બજાર વીજળીવેગે સુધર્યું, કેમ? વર્તમાન વ્યવસ્થા મુજબ ઇશ્યુમાં અરજી આસ્બાથી થાય છે. આ વ્યવસ્થામાં અરજદારના ખાતામાં જ અરજીની રકમ બ્લૉક થઈ જાય અને શૅરો ફાળવાય તો એ બ્લૉક થયેલી રકમ ખાતામાંથી લેવામાં આવે અને અલોટમેન્ટ ન થાય તો એ રકમ અનબ્લૉક થૅ જાય. 6560 કરોડના બજાજ હાઉસિંગ ફાઇનૅન્સના શૅરો લેવા માટે આ રીતે અંદાજે ચાર લાખ કરોડ રૂપિયા બુધવારે બ્લૉક હતા. એમાંથી 63મા ભાગની 6560 કરોડ રૂપિયાની રકમ જ શૅરોની ફાળવણી પેટે લેવાણી અને બાકીનું ભંડોળ ગુરુવારે બપોરે બે આસપાસ અનબ્લૉક થયું, એમાંથી મોટા ભાગની રકમ શૅરબજારમાં આવી હોવાના કારણે લાઇટનિંગ સ્પીડે બજાર સુધર્યું હોવાનું જાણકારોનું માનવું છે. ઉપરાંત ૧૮ તારીખે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ કપાતની જાહેરાત કરે એ ઇવેન્ટને આવરી લેતું નિફ્ટી ઑપ્શન્સનું નવું સેટલમેન્ટ આજે શુક્રવારે શરૂ થાય એ પહેલાં નિફ્ટી ઑપ્શન્સના ગુરુવારે સેટલ થયેલાં વિક્લી સેટલમેન્ટમાં જ ચિતરેલા ચોપડા ચોખ્ખા કરવાની હોડમાં આ સુધારો આવ્યો હોવાનું જણાય છે. નિફ્ટીના ગુરુવારે પૂરા થયેલા સેટલમેન્ટમાં 25,200નો કૉલ વેચવાવાળાઓની ઇન્ડેક્સે એ લેવલ ક્રૉસ કર્યું કે જીવ સટોસટની કાપણી આવી હોવાનું કહેવાય છે. બ્રેન્ટ ક્રૂડ વધીને 71 ડૉલર થયાના સમાચારે 2.70 ટકા વધી 293 રૂપિયા થયો હતો. ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોનો શૅર સતત છઠ્ઠા દિવસે સુધરીને 4.25 ટકા વધી 283.30 રૂપિયા થઈ ગયો હતો. 52 વીક નવો હાઈ 286 રૂપિયા ગુરુવારે બનાવ્યો હતો. ચાર્ટિસ્ટોનો મત એક દિવસમાં જ ખોટો પડ્યો અને ઇન્ડેક્સ નવા હાઈ નહીં બનાવે એવી તેમની માન્યતાને સેન્સેક્સ અને નિફ્ટીએ જાકારો આપ્યો છે. ઉપર નિર્દેશ કરેલા હેવી વેઇટ્સમાંથી માત્ર ભારતી ઍરટેલે જ ગુરુવારે 52 સપ્તાહનો 1652 રૂપિયાનો નવો હાઈ બનાવ્યો છે. નિફ્ટી 25,388.90ના પુરોગામી બંધ સામે ગૅપથી 25,059.65 ખૂલી લગભગ સાડાઅગિયારે 24,941.45નો લો સુધી ગયા પછી બપોરે બે સુધી 25,025થી 24,950 વચ્ચે કૉન્સોલિડેટ થઈ સ્પ્રીંગ ઍક્શનમાં એક કલાકમાં 25,433.35ની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ પહોંચી સેશનના અંતે 470.45 પૉઇન્ટ્સ એટલે કે 1.89 ટકા અંકે કરી 25,388.90 બંધ રહ્યો હતો. એનએસઈમાં વાયદાવાળા તમામ પાંચ ઇન્ડેક્સ આજે વધ્યા એમાં કૅપ્ટન નિફ્ટીનો જ હાઇએસ્ટ ગેઇન હતો. એ પછીના ક્રમે 1.54 ટકા સાથે નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને એ પછી અનુક્રમે નિફ્ટી બૅન્ક 1.49 ટકા, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 1.47 ટકા અને 5મા ક્રમે મિડકૅપ સિલેક્ટ 1.21 ટકાના ગેઇન સાથે આવ્યા હતા. બુધવારના સ્ટાર પર્ફોર્મર બજાજ ઑટોએ ગુરુવારે પણ ધુઆંધાર બૅટિંગ કરી વધુ 2.63 ટકા સુધરી દિવસ દરમ્યાન 11,779.25 રૂપિયાનો ઑલટાઇમ હાઈ બનાવ્યા પછી 11,721 બંધ આપ્યો હતો. કૅબિનેટે ટૂ-વ્હીલર સહિતનાં ઈવી વાહનો વિશેની પ્રોત્સાહક યોજના પીએમઈ ડ્રાઇવને મંજૂરી આપી એથી હીરો મોટો પણ અઢી ટકા સુધરી 5800 થઈ ગયો હતો. નિફ્ટીના અન્ય પ્રતિનિધિઓમાં શ્રીરામ ફાઇનૅન્સ, અપોલો હૉસ્પિટલ, હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા, આઇટીસી, સનફાર્મા અને ડિવિઝ લૅબ બાવન સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. એનએસઈના 77માંથી 73 ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. 2થી 3 ટકાની રેન્જમાં મેટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૉમોડિટીઝ, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇસિસ (CPSE), ઑટો, એનર્જી અને પીએસઈ ઇન્ડેક્સ હતા. 1થી 2 ટકાના પ્રમાણમાં ગેઇન કરનાર 47 ઇન્ડેક્સ હતા.
નિફ્ટીના 50માંથી 49 (ઘટવામાં એ જ નેસ્લે), નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 46, નિફ્ટી બૅન્કના 12માંથી 11, નિફ્ટી ફાઇનૅન્સના 20માંથી 18 અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 23 શૅરો જ સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 29 અને બૅન્કેક્સના 10માંથી 9 વધ્યા હતા અને માત્ર એક શૅર યસ બૅન્ક 1.68 ટકા ઘટી 23.43 બંધ થયો હતો.
એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2821 ટ્રેડેડ શૅરોમાંથી 1729 વધ્યા, 1003 ઘટ્યા અને 89 સ્થિર રહેતાં માર્કેટ બ્રેડ્થ સુધરી હતી. બાવન સપ્તાહના નવા હાઈ 139 શૅરોએ અને નવા લો 28 શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 114 તો નીચલી સર્કિટે 64 શૅરો ગયા હતા.
બજાજ ગ્રુપની આ કંપની 1100 ટકા ડિવિડન્ડ આપશે
બજાજ ગ્રુપની મહારાષ્ટ્ર સ્કૂટર્સની ગુરુવારે મળેલી બોર્ડ મીટિંગમાં 10ના ફેસવૅલ્યુના શૅરદીઠ 110 રૂપિયા (1100 ટકા) ઇન્ટરિમ ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે અને એની પાત્રતા માટેની તારીખ 25 સપ્ટેમ્બર નક્કી કરાઈ છે. શૅરનો ભાવ 10,383 રૂપિયાની બાવન સપ્તાહની નવી ટોચે ગયા પછી 10,273 બંધ રહ્યો હતો. વર્તમાન ભાવે શૅરદીઠ ડિવિડન્ડ યીલ્ડ 1.07 ટકા થાય છે.
સંસ્થાકીય લેવાલી-વેચવાલી
એફઆઇઆઇની 7695 કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે ડીઆઇઆઇની1800.54 કરોડ રૂપિયાની નેટ વેચવાલીએ એકંદરે 5894.46 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન સાત લાખ કરોડ રૂપિયા વધીને 467.36 (460.76) લાખ કરોડ રૂપિયા થયું હતું.