તીસરી બાર મોદી સરકાર : ૮મીએ શપથગ્રહણ, બજાર મંગળવારનો લૉસ સોમવાર સુધીમાં રિકવર કરી શકે

06 June, 2024 08:31 AM IST  |  Mumbai | Kanu J Dave

એનએસઈના 77માંથી 74 ઇન્ડેક્સ પ્લસ, માર્કેટ બ્રેડ્થ અને કૅપિટલાઇઝેશનમાં સુધારો

પ્રતીકાત્મક તસવીર

સોમ-મંગળની રોલર-કોસ્ટર રાઇડમાં અનેક રોકાણકારોના જીવ તાળવે ચોંટાડી દીધા પછી બુધવારના કામકાજમાં મંગળવારે જોવા મળેલા મહાઘટાડાનો અંદાજે અડધો ભાગ બુધવારે પ્રત્યાઘાતી સુધારામાં રિકવર કરી નિફ્ટી સેન્સેક્સ 3-3.5 ટકા વધીને બંધ રહ્યા હતા. બજાર બંધ થયા પછી મળેલી એનડીએની બેઠકમાં નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સહિત એનડીએ ઘટક પક્ષોના નેતાઓએ નરેન્દ્ર મોદીને ૭મી તારીખે એનડીએના નેતા બનાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. અમિત શાહે અપક્ષો અને ઇન્ડિયા બ્લૉકનાં નાનાં-નાનાં જૂથોનો સંપર્ક શરૂ કરી દીધો છે અને ૭મીએ આવાં જૂથો એનડીએમાં આવી જાય તો સંખ્યાબળ વધવા ઉપરાંત સ્થિરતા સાથે પાંચ વર્ષ માટે શાસન કરવાના ચાન્સ પણ સુધરી જશે એવું રાજકીય વિશ્લેષકો માને છે.

બુધવારે બપોરે વડા પ્રધાને પોતાના પ્રધાનમંડળનું રાજીનામું રાષ્ટ્રપતિને આપ્યું હતું અને હવે ૮મી જૂને શપથગ્રહણ સુધી કૅરટેકર વડા પ્રધાન તરીકે કામ કરશે. ચૂંટણીનાં રિઝલ્ટોનું ટીકર એનડીએના ૨૯૩ અને ઇન્ડિયા બ્લૉકના ૨૩૨ના આંકડા પર અટકી ગયું છે. કૉન્ગ્રેસ પ્રમુખ ખડગેએ આજની બેઠકમાં ઇન્ડિયા બ્લૉકના જૂના તથા નવા ભાગીદારો મળશે એવું જણાવ્યું હોવાથી ખેલાડીઓની મીટ ઇન્ડિયાની બેઠક પર મંડાયેલી છે. જેડીયુએ બિહાર માટે સ્પેશ્યલ સ્ટેટસ અને કેન્દ્રના પ્રધાનમંડળમાં પાંચ બર્થની માગણી કરી હોવાનું ચર્ચાય છે. રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે અને રાજકીય ખેલા કરવામાં કૉન્ગ્રેસ કરતાં બીજેપી વધુ માહેર હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે ત્યારે યેનકેન પ્રકારેણ શનિવારે શપથગ્રહણ સમારોહ તો નરેન્દ્ર મોદીનો જ યોજાશે એવા આશાવાદે બુધવારે નિફ્ટી 736 પૉઇન્ટ્સ વધી 22620 બંધ રહ્યો હતો અને સેન્સેક્સ 2303 પૉઇન્ટ્સ અંકે કરી 74382ના સ્તરે વિરમ્યો હતો. સેન્સેક્સના તમામ ૩૦ શૅરો સુધર્યા હતા. બુધવારે અધૂરી મુકેલી તેજીની યાત્રા બજાર ગુરુ-શુક્રવારે પૂરી કરે અને શનિવારના સ્વેરિંગ ઇન બાદ સોમવારે નવો ઐતિહાસિક હાઈ બનાવે એવી અટકળો પણ થઈ રહી છે. સેન્સેક્સનો ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણાઆઠ ટકા સુધરી 1500 રૂપિયા બંધ રહ્યો હતો. આગામી સરકાર મિશ્ર સરકાર હશે અને એના કાર્યકાળમાં પબ્લિક કરતાં પ્રાઇવેટ બૅન્કો માટે વધારે સ્કોપ રહેશે એવી ગણતરીએ ખાનગી બૅન્કોમાં લેવાલી નીકળી હતી. તાતા સ્ટીલ સાડાછ ટકાના ગેઇન સાથે 169 રૂપિયા રહ્યો હતો. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 2752 રૂપિયાનો નવો ફિફ્ટી ટુ વીક હાઈ બનાવી 6.55 ટકા પ્લસ થઈ 2742 બંધ રહ્યો હતો. બજાજ ફાઇનૅન્સ 5 ટકા સુધરી 6837 અને કોટક બૅન્ક 4.89 ટકા વધી 1718 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા. એચડીએફસી બૅન્ક 4.62 ટકા વધી 1551 થયો એના 68 પૉઇન્ટ્સના સુધારાએ સેન્સેક્સના 455 પૉઇન્ટ્સ વધાર્યા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક 3.31 ટકા, 35 રૂપિયાના સુધારાએ 1108 બંધ રહ્યો, તેણે સેન્સેક્સ વધવામાં  272 પૉઇન્ટ્સનો ફાળો આપ્યો હતો. રિલાયન્સે પોણાબે ટકાના ગેઇન સાથે 48 રૂપિયા વધી 2842 ક્લોઝ રહી સેન્સેક્સને 146 પૉઇન્ટ્સનો ટેકો કર્યો હતો.

સૌથી વધુ નિફ્ટી મિડકૅપ લિક્વિડ 15 ઇન્ડેક્સના પંદરેય શૅર પ્લસ થતાં 5.92 ટકા સુધર્યો

એનએસઈમાં સૌથી વધુ નિફ્ટી મિડકૅપ લિક્વિડ 15 ઇન્ડેક્સ પંદરેય શૅર પ્લસ થતાં 5.92 ટકા સુધર્યો હતો. ઇન્ડેક્સમાં સૌથી વધુ 7.56 ટકા સુધરી અશોક લેલૅન્ડ 223 રૂપિયા બંધ હતો. તદુપરાંત ફેડરલ બૅન્ક અને બંધન બૅન્ક પણ સાત ટકા ઉપરાંતના વધારાએ અનુક્રમે 166 અને 190 રૂપિયા બંધ આવ્યા હતા. ડિક્સોન ટેક્નૉલૉજી, એચડીએફસી એએમસી, પરસિસ્ટન્ટ, યુપીએલ, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક અને જ્યુબિલન્ટ ફૂડ 6થી 7 ટકા વધી અનુક્રમે 3693, 3572, 527, 77 અને 529 રૂપિયા બંધ રહ્યા હતા.  આ ઇન્ડેક્સનો ઑરોબિંદો ફાર્મા બુધવારે બાવન સપ્તાહની 1274.55 રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી છેલ્લે 5.57 ટકાની વૃદ્ધિ સાથે 1264 રહ્યો હતો. ઇન્ડેક્સના બાકીના પાંચ શૅરો પૉલિકેબ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, લુપીન, કોફોર્જ અને ગોદરેજ પ્રૉપર્ટીઝ પણ ૩થી ૫ ટકાના પ્રમાણમાં સુધર્યા હતા. 

સેન્સેક્સના 2303 પૉઇન્ટ્સના સુધારાએ બીએસઈ લિસ્ટેડ શૅરોમાં રોકાણકારોની સંપત્તિ 13 લાખ કરોડ રૂપિયા વધી

સેન્સેક્સ બુધવારે 2303 પૉઇન્ટ્સ વધી એની સાથે બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 13 લાખ કરોડ રૂપિયા વધી 408 લાખ કરોડ થઈ ગયું હતું. પરિણામે બુધવારે રોકાણકારોને મૂલ્ય વધવાથી 13 લાખ કરોડ રૂપિયાનો લાભ થયો હતો.

20 ટકાની દૈનિક છલાંગ આ શૅરોમાં

બાલક્રીશ્ન પેપર મિલ્સ 19.45 ટકા વધી 25.36 રૂપિયા

ભાગીરાધા કેમિકલ્સ 19.99 ટકા સુધરી 222 રૂપિયા

કેસીપી 19.55 ટકા વધી 201.80 રૂપિયા, આંધ્ર પ્રદેશ અને તેલંગણની આ કંપની સિમેન્ટ અને શુગર ઉત્પાદનમાં છે. ટીડીપી કેન્દ્રમાં સત્તામાં ભાગીદાર અને આંધ્ર પ્રદેશમાં સત્તામાં આવતાં આ કંપનીને લાભ થવાની ગણતરીએ લેવાલી નીકળી હતી.

પીટીસી ઇન્ડસ્ટ્રીઝ 20 ટકાની સર્કિટે 9865 રૂપિયા રહ્યો હતો.

વિક્રમ થર્મો 20 ટકા વધી 187 રૂપિયા બંધ રહ્યો હતો.

બુધવારે પણ વિદેશી સંસ્થાઓની વેચવાલી

કેશ સેગમેન્ટમાં બુધવારે પણ એફઆઇઆઇની 5656 કરોડ રૂપિયાની નેટ વેચવાલીની સામે ડીઆઇઆઇએ 4555 કરોડ રૂપિયાની નેટ લેવાલી કરી હોવાથી સુધારાનો માહોલ જોવા મળ્યો હતો.

આ ૩ ઇન્ડેક્સો બુધવારે નવી ઊંચાઈએ : ૭૭માંથી ૩ જ ઘટ્યા

નિફ્ટી ઑટો ઇન્ડેક્સે 24347.90નો બાવન સપ્તાહનો નવો હાઈ બનાવી 4.7 ટકાના ગેઇન સાથે 24283 બંધ આપ્યું હતું.

નિફ્ટી ઇન્ડિયા કન્ઝમ્પ્શને 10940.50નો આવો નવો હાઈ બનાવી 4.46 ટકા પ્લસ રહી 10902ના સ્તરે ક્લોઝ થયો હતો.

નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 4.34 ટકા સુધરી 57567 રહ્યો હતો. આ આંકે 58832.65નો ફિફ્ટી ટુ વીક હાઈ કર્યો હતો.

એનએસઈના 77 ઇન્ડેક્સમાંથી માત્ર ૩ જ ઘટીને બંધ રહ્યા હતા. બૅન્ક નિફ્ટી 4.53 ટકા સુધરી 49054, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ 4.15 ટકા વધી 21682, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 4.39 ટકાના ગેઇને 66835 અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 5.67 ટકા અપ થઈ 11455 રહ્યા હતા.

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty