જલદી પૈસાવાળા બનવાની લાલચ, શૅરબજાર અને આજની પેઢી

27 July, 2024 11:16 AM IST  |  Mumbai | Heena Patel

ઇન્ટ્રાડે ટ્રેડિંગનો વધતો જતો ટ્રેન્ડ, યુવાનોમાં વધી રહેલો એનો ક્રેઝ, ટ્રેડર્સનો લૉસ થવા પાછળનાં મુખ્ય કારણો, આમાં સાચવીને કઈ રીતે આગળ વધવું જેવા સવાલોના જવાબ મેળવીએ એક્સપર્ટ‍્સ પાસેથી

પ્રતીકાત્મક તસવીર

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)નો તાજેતરમાં જાહેર થયેલો રિપોર્ટ એ‍વા યંગસ્ટર્સ માટે લાલ બત્તી સમાન છે જેઓ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે. એટલે કે...

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં ૭૦ ટકા ઇન્ટ્રાડે રીટેલ ટ્રેડર્સને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એમાં પણ ખાસ કરીને ૩૦ વર્ષથી નાની વયના ૭૬ ટકા ટ્રેડર્સે લૉસ કર્યો છે. નવાઈની વાત એ છે કે આટલુંબધું નુકસાન થઈ રહ્યું હોવા છતાં ઇક્વિટી કૅશ સેગમેન્ટમાં ઇન્ટ્રાડે ટ્રેડર્સનો આંકડો સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૩માં ઇન્ટ્રાડે ટ્રેડર્સમાં તોતિંગ કહી શકાય એવો ૩૦૦ ટકાનો વધારો થયો છે. એમાં પણ યંગ ટ્રેડર્સનો આંકડો નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૧૮ ટકા હતો, જે વધીને ૨૦૨૩માં ૪૮ ટકા થઈ ગયો. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે જે લોકો પ્રૉફિટ કરી રહ્યા છે તેમની સરખામણીમાં જે લોકો નુકસાન ભોગવી રહ્યા છે એ લોકો વધુ ફ્રીક્વન્ટ્લી ટ્રેડિંગ કરે છે. આવા સમયે ઇન્ટ્રાડે ટ્રેડિંગનું પ્રમાણ વધવા પાછળ કયાં કારણો છે અને યુવાનોમાં એનું આકર્ષણ શા માટે વધી રહ્યું છે એ જાણવું જરૂરી બની જાય છે.

ઇન્સ્ટન્ટ પ્રૉફિટ માટે ઇન્ટ્રાડે

આકાશ શાહ,   ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર

ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીને નફો-નુકસાન બન્નેનો અનુભવ લઈ ચૂકેલા મુલુંડમાં રહેતા અને વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એ‍વા ૨૭ વર્ષના પીયૂષ વેગડ એક વર્ષ પહેલાં સુધી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા, પણ હવે ઑફિસમાં કામના પ્રેશર વચ્ચે તેમણે એ કરવાનું બંધ કર્યું છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગનો પોતાનો અનુભવ જણાવતાં પીયૂષ કહે છે, ‘શરૂઆતમાં હું મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટ કરતો હતો. મેં વિચાર્યું કે કોઈ કંપનીના માધ્યમથી સ્ટૉક્સમાં ઇન્વેસ્ટ કરવા કરતાં મારી જાતે જ ઍનૅલિસિસ કરીને હું ઇન્વેસ્ટ કેમ ન કરું? એટલે મેં ધીમે-ધીમે યુટ્યુબના વિડિયોઝના માધ્યમથી શૅરમાર્કેટ શીખવાની શરૂઆત કરી. શરૂઆત મેં લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટથી કરી હતી, પણ પછી મને ઇન્ટ્રાડેમાં રસ જાગ્યો કારણ કે એમાં ઇન્સ્ટન્ટ પ્રૉફિટ મળે. જોકે ઇન્ટ્રા ડેની શરૂઆત કરી ત્યારે મને મોટા ભાગે લૉસ જ થતો હતો. એ સમયે મેં એ ભૂલ કરી કે ફ્રીમાં ઇન્ટ્રાડે સ્ટૉકની ટિપ્સ આપતાં ઇન્સ્ટાગ્રામ ગ્રુપ્સ પર ભરોસો કર્યો. ધીમે-ધીમે મારી સમજ વધતી ગઈ એ પછીથી તો હું જાતે જ ઍનૅલિસિસ કરતો. એવું નથી કે મારું ઍનૅલિસિસ હંમેશાં સાચું જ પડે ને મને પ્રૉફિટ જ થાય. ઘણી વાર લૉસ પણ થાય, પણ હું સ્ટૉપલૉસ લગાવી દેતો. એટલે નુકસાન થાય તો પણ એટલું જ થાય જેટલું ઉઠાવવાની મારી ક્ષમતા છે. મેં જોયું છે કે ઘણા લોકો તેમના ઍન.લિસિસ પર એટલાબધા વળગીને રહેતા હોય છે કે હેવી લૉસ થઈ રહ્યો હોવા છતાં માર્કેટ ઉપર જશે અને મને નફો થશે એવી આશાએ પોઝિશન પકડીને રાખે. હવે મેં ઇન્ટ્રાડે કરવાનું બંધ કર્યું છે, કારણ કે ઇન્ટ્રાડે માટે આપણે સવારે શૅરમાર્કેટ શરૂ થાય પછી ટ્રેડમાં એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી સતત તમારે બજારની હલચલ પર નજર રાખતા રહેવી પડે. એ માટે ટાઇમ આપવો પડે, જે હવે શક્ય બનતું નથી.’

શૉર્ટ ટર્મ ટ્રેડિંગ જોખમી

 યંગ એજમાં ફાઇનૅન્સનું નૉલેજ મેળવીને પછી ટ્રેડ કરશો તો લૉસ નહીં થાય. આજની જનરેશનને વસ્તુઓ શીખવામાં ટાઇમ નથી આપવો અને ઝડપથી પૈસા કમાઈ લેવાની લાલચ લૉસ તરફ લઈ જાય છે. - હર્ષ વીરા, વેલ્થ મૅનેજર

સિનિયર ઇક્વિટી ઍડ્વાઇઝર તરીકે કામ કરતા અને ક્લાયન્ટ્સના અનુભવોના આધારે સલાહ આપતા મેહુલ પંડ્યા કહે છે, ‘મેં એવા ઘણા કેસ જોયા છે જેમાં ઇન્ટ્રાડેના ચક્કરમાં વ્યક્તિએ ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોય. આજની યંગ જનરેશનને ઇન્ટ્રાડે F & O (ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ) ટ્રેડિંગ બહુ ગમે છે. તેમને ડિલિવરી ટ્રેડિંગમાં રસ નથી જેમાં સ્ટૉક ખરીદીને મહિના-બે મહિના રાહ જોવી પડે. એ લોકોને ઇન્સ્ટન્ટ પૈસા જોઈએ છે. શૉર્ટ ટર્મ ટ્રેડિંગ ટૉસ જેવું છે. કૉઈન ઉછાળ્યા પછી હેડ આવશે કે ટેઇલ એ તમારા નસીબની વાત છે. થયો તો નફો, નહીંતર નુકસાન. શૉર્ટ ટર્મ ટ્રેડિંગ કરીને ઇન્સ્ટન્ટ પૈસા કમાવવા એટલા ઈઝી નથી. એવું નથી કે યુવાનો જ ફક્ત આવું ટ્રેડિંગ કરે છે. મોટી ઉંમરના લોકો પણ એ કરતા જ હોય છે. શૉર્ટ ટર્મ ટ્રેડિંગમાં તમને દસ હજાર-પંદર હજાર આવશે, પણ જશે ત્યારે લાખ-લાખ રૂપિયા એકસાથે ચાલ્યા જશે. શૉર્ટ ટર્મ ટ્રેડિંગ બહુ જોખમી છે. એટલે અમે તો અમારા ક્લાયન્ટને એવી જ સલાહ આપીએ કે ડિલિવરી બેસ્ટ વસ્તુ છે. સારી કંપનીના સ્ટૉક લઈને વેઇટ કરો. ઇલેક્શનના ટાઇમની વાત છે. અમારો એક ક્લાયન્ટ છે, જે જૉબ કરે છે. તેમને ત્યાં ઑફિસમાં મોબાઇલ યુઝ કરવાનું અલાઉડ નથી. તેમણે એ દિવસે અઢી લાખના કૉલ ઑપ્શન્સ લીધેલા. તેમને એમ હતું કે એ દિવસે માર્કેટ ખૂબ ઉપર જશે. થોડા ટાઇમમાં જ એટલે કે બેથી ત્રણ કલાકમાં તેમના અઢી લાખ સાફ થઈ ગયા, કારણ કે માર્કેટ એકદમ જોરથી નીચે પડ્યું. લોકો ઑપ્શન્સ રાઇટિંગ બહુ કરે છે. ખાસ કરીને જેની પાસે રૂપિયા વધારે  છે એ લોકો ઑપ્શન્સ રાઇટિંગ કરે છે. તમે એક વાર ઑપ્શન્સ બાય કરો તો તમને એક ઍડ્વાન્ટેજ એ મળે કે તમે જેટલા રૂપિયા પ્રીમિયમ ભરો એટલું જ રિસ્ક છે, પણ તમે ઑપ્શન્સ વેચો એમાં કમાવાનું લિમિટેડ છે પણ લૉસ અનલિમિટેડ છે. આના ચક્કરમાં અમારા એક કલાયન્ટને આઠથી દસ લાખનું નુકસાન થયું એટલે તેમણે તેમનું ઇક્વિટી હોલ્ડિંગ પણ વેચવું પડ્યું. ડિસ્કાઉન્ટ બ્રોકર્સ આજકાલ ઝીરો બ્રોકરેજ અથવા તો સાવ ઓછું બ્રોકરેજ ચાર્જ કરે છે. એટલે લોકોને કન્ટ્રોલ નથી રહેતો. એમાં લોકો વધારે લૉસ કરી નાખે છે. ટ્રેડિશનલ બ્રોકર્સ છે એ એક લૉટના ૫૦ રૂપિયા ચાર્જ લે છે. તમે દસ લૉટ લો તો ૫૦૦ રૂપિયા ચાર્જ લાગે. એટલે લોકો સંભાળીને ટ્રેડિંગ કરે.’

આનાથી દૂર રહો દૂર

યુવાનોમાં વધી રહેલા ઇન્ટ્રાડે ટ્રેન્ડ પાછળ કયાં કારણો જવાબદાર છે એ વિશે વાત કરતાં ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર તરીકે કામ કરતા શાહ ઇન્વેસ્ટમેન્ટ્સના આકાશ શાહ કહે છે, ‘યુવાનો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં લૉસ કરે છે એમાં સૌથી મોટો પ્રૉબ્લેમ સાઇકોલૉજીનો છે. એક તો ગ્રીડ એટલે કે લાલચ. સોશ્યલ મીડિયા પર ઘણા એવા ફાઇનૅન્શિયલ ઇન્ફ્લુઅન્સર્સ છે જેઓ ૧૦ લાખ, ૨૦ લાખનો પ્રૉફિટ થયો એવા સ્ક્રીનાશૉટ શૅર કરતા હોય છે. તેમનાથી પ્રેરાઈને યુવાનો પણ જલદી પૈસા કમાવાની લાલચ રોકી શકતા નથી અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની જાળમાં ફસાઈ જાય છે. તમે જ્યારે પ્રૉફિટ કરો ત્યારે બધાને જઈને કહો કે તમને નફો થયો, પણ લૉસ થાય ત્યારે તમે કોઈને કહેવા જાઓ કે તમે લૉસ કર્યો? મોટા ભાગના ઇન્ફ્લુઅન્સર્સ, જે લોકો ઑનલાઇન પર ટ્રેડિંગની ટિપ્સ આપતા હોય છે તેમનું મેઇન કામ ટ્રેડિંગના કોર્સ વેચવાનું હોય છે. એ લોકો પોતે ટ્રેડિંગ કરતા નથી. તેમનું મેઇન કામ છે ટ્રેડિંગ કરાવવાનું અને ટ્રેડિંગના ક્લાસ ચલાવવાના. એ લોકો સેબી રજિસ્ટર્ડ લોકો નથી. તેમની પાસે કોઈ ડિગ્રી નથી તો પણ યંગસ્ટર્સ તેમની વાતો માને છે અને પછી ફસાય છે. કોઈ વસ્તુ આ દુનિયામાં ફ્રી મળતી નથી. એ લોકો જે ફ્રીમાં ટિપ્સ આપે છે એની પાછળ તેમનો હિડન એજન્ડા હોય છે. સિગારેટ તમારી હેલ્થ માટે જોખમી છે એવી જ રીતે આવી ટિપ્સ તમારી વેલ્થ માટે સારી નથી.’

લોકોને એ વસ્તુ નથી સમજાતી કે બધી જ વસ્તુમાં એક રિસ્ક છુપાયેલું હોય છે. યુવાનો ઊંડાણપૂર્વક વિચાર જ નથી કરતા કે શૉર્ટ ટર્મ ટ્રેડિંગ અતિશય જોખમી વસ્તુ છે. વધુ સ્પષ્ટતા કરતાં આકાશ કહે છે, ‘ઇન્વેસ્ટમેન્ટમાં એક ટર્મ છે રીસન્સી બાયર. એનો અર્થ એવો થાય કે આપણને એમ લાગે કે જે નિયરેસ્ટમાં (નજીકના ભૂતકાળમાં) થયું છે એ જ થવાનું છે. છેલ્લાં ચાર વર્ષથી બજાર ઉપર જ જાય છે. એટલે કોઈ યંગસ્ટર્સે મંદી જોઈ જ નથી. જેમણે હર્ષદ મહેતાનો ટાઇમ જોયો હોય, જેમણે ૨૦૦૭-૨૦૦૮ જોયું હોય એ લોકોને ખબર છે કે રિયલ મંદી શું હોય. એટલે સેફ્ટી કઈ રીતે રાખવી એ તેમને ખબર છે. કોવિડ પછીથી મંદી આવી જ નથી. એટલે બધાને લાગે છે કે પૈસા આમ જ બને. એ સિવાય આમાં ફોમો (ફિઅર ઑફ મિસિંગ આઉટ)નો ફૅક્ટર પણ કામ કરે છે. બધા એમ વિચારે છે કે બાજુવાળો પૈસા કમાય છે એટલે મારે પણ કમાવા છે. ટ્રેડિંગ ઘણા લોકો માટે ઍડિક્શન બની ગયું છે. ઍડિક્શન સાથે ગૅમ્બલર મેન્ટાલિટી પણ આવે. એમાં તમને એમ લાગે કે નેક્સ્ટ ટાઇમ હું જીતવાનો જ છું તો ચાલને ફરી એક વાર રમી લઉં. યંગસ્ટર્સમાં આ મેન્ટાલિટી પણ ખૂબ છે. ભણવામાં કે કામમાં ધ્યાન આપવાને બદલે ટ્રેડિંગમાં પડ્યા છે. તેમને એવું લાગે છે કે હું જીતની ખૂબ નજીક છું. એક દિવસમાં ૨૦-૨૫ લાખ કમાઈ લઉં. જૉબમાં તો બે-ત્રણ વર્ષ કામ કરીશ ત્યારે એટલું કમાઈશ. યંગસ્ટર્સે એ સમજવું પડશે કે વેલ્થ બનાવવી એ એક સ્લો પ્રોસેસ છે. તેમણે તેમની જૉબ પર ફોકસ કરવું જોઈએ અને ટ્રેડિંગના ચક્કરમાં પડવા કરતાં ઇન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા બનાવવાવો ૧૦૦ ટકા સ્કોપ છે. એ માટે તમારે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને એને વધવા માટે થોડો ટાઇમ આપવાનો છે. ઇન્વેસ્ટમેન્ટ પૅસિવ છે એટલે તમારે રોજ લે-વેચ કરવાની નથી. એક વાર ઇન્વેસ્ટમેન્ટ કરીને ભૂલી જવાનું છે અને તમારા જે પૈસા છે એને ગ્રો કરવા માટે ફાઇનૅન્શિયલ વેલ્થ-એક્સપર્ટ બેઠા છે.’

ફાઇનૅન્શિયલ લિટરસી નથી

પીયૂષ વેગડ, ઇન્વેસ્ટર

છેલ્લાં દસ વર્ષથી ટ્રેડર, ઇન્વેસ્ટર ઍન્ડ વેલ્થ મૅનેજર તરીકે કામ કરતા અને મીઠીબાઈ અને NM કૉલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કાર્યરત ૨૭ વર્ષના હર્ષ વીરાને લાગે છે કે ભારતમાં ફાઇનૅન્શિયલ લિટરસીના અભાવે શૅરમાર્કેટમાં યુવાનો લૉસ કરે છે. પોતનો જાતઅનુભવ શૅર કરીને આ વિશે વિગતવાર સમજાવતાં હર્ષ કહે છે, ‘મને પહેલાંથી જ ટ્રેડિંગમાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો. આજથી દસ વર્ષ પહેલાં તો એનું એટલું કલ્ચર હતું નહીં. એ પછી મેં પેરન્ટ્સને કન્વિન્સ કરીને મમ્મીના અકાઉન્ટમાં સ્ટાર્ટ કર્યું. શરૂઆતમાં મને સારોએવો પ્રૉફિટ થયો. છ મહિનામાં મારા ૩૦,૦૦૦ રૂપિયા વધીને એક લાખ થઈ ગયા. અચાનક એક દિવસ મેં ઇન્ટ્રાડે ટ્રેડ કર્યો અને એમાં સીધો એક લાખથી દસ હજાર પર આવી ગયો. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ એક સટ્ટો છે, પ્રૉફિટ નથી બનતો. મને એમ લાગતું કે જો એવું હોત તો માર્કેટ આટલું ગ્રો કેવી રીતે થાત? કોઈક તો લોકો હશે જે પ્રૉફિટ કરે છે, પણ કદાચ મને નથી આવડતું. એ પછી હું ફાઇનૅન્સ અને વેલ્થ મૅનેજમેન્ટ સંબંધિત ઘણું શીખ્યો. એ પછી ૧૮ વર્ષનો થયો ત્યારે ફરીથી સાઇડ ઇન્કમના જે ૨૫,૦૦૦ જમા થયેલા એનાથી ફરી ટ્રેડિંગ શરૂ કરેલું. એ પછીથી સારોએવો પ્રૉફિટ કમાવા લાગ્યો, કારણ કે મને ટેક્નિકલ ઍનૅલિસિસ, ફન્ડામેન્ટ ઍનૅલિસિસ બધું આવડતું હતું. અત્યારે મારી એક ફાઇનૅન્સ કંપની છે અને અમારું ફોકસ ફાઇનૅન્શિયલ લિટરસી પર વધુ હોય છે. હું ઘણી સ્કૂલો અને કૉલેજોમાં જઈને યંગસ્ટર્સને એજ્યુકેટ કરવાનું કામ કરું છું.’

મેહુલ પંડ્યા, ઇક્વિટી ઍડ્વાઇઝર

સેબીના રિપોર્ટ અનુસાર ૭૦ ટકા લોકોને ઇન્ટ્રાડેમાં લૉસ થાય છે તો સામે ૩૦ ટકા લોકો પ્રૉફિટ પણ કરે છે. એ ૩૦ ટકા લોકોમાં આવવા માટે ફાઇનૅન્શિયલ લિટરસી હોવી જરૂરી છે. અહીં હર્ષ કહે છે, ‘ઘણી એવી કમ્પેટિટિવ એક્ઝામ્સ છે જેમાં પા​સિંગ પર્સન્ટેજ એકબે ટકા હોય, પણ તેમ છતાં પાસ થવાવાળા પાસ થઈને એક્ઝામ કલિયર કરે છે. શૅરમાર્કેટમાં પણ એવું જ છે. તમારી પાસે ટ્રેડિંગ કરવાની એ સ્કિલ હોવી જોઈએ. યંગ એજમાં તમે ફાઇનૅન્સનું નૉલેજ મેળવીને પછી ટ્રેડ કરશો તો તમને લૉસ નહીં થાય. આજની જનરેશનને વસ્તુઓ શીખવામાં ટાઇમ નથી આપવો અને ઝડપથી પૈસા કમાવી લેવાની જે લાલચ છે એ તેમને લૉસ તરફ લઈ જાય છે. એ પછી તેમની મેન્ટાલિટી એવી થઈ જાય છે કે માર્કેટ ખરાબ છે અને લાઇફટાઇમ માર્કેટનું જે રિયલ પોટેન્શિયલ છે જેમાં લોકો પૈસા કમાય છે, એ સાઇડ તેઓ આવી જ નથી શકતા. અમે અમારા ક્લાયન્ટના રિવ્યુઝ લઈને એક સર્વે પણ કરેલો જેમાં મોટા ભાગના લોકોને ટ્રેડિંગની પ્રૉપર સ્ટ્રૅટેજી કે સિસ્ટમ ખબર જ નથી. એ લોકોને સવારે ઊઠી એમ લાગે કે આજે રિલાયન્સના શૅરના ભાવ વધશે તો એ લોકો તેને બાય કરી લે છે. એની પાછળ એ લોકો કોઈ રિસર્ચ કરતા નથી. એક ટ્રેડ કરવા માટે ઓછામાં ઓછી ૧૫-૨૦ મિનિટનું તો રિસર્ચ કરવું પડે. આ લોકો તો મોબાઇલ ચાલુ કરીને ટ્રેડ કરવા લાગે. કૉલેજ જતા યુવાનો હોય તો વચ્ચે બ્રેક પડે એમાં ટ્રેડ કરવાનું ચાલુ કરી દે. તમારે સ્ટ્રૅટેજી બનાવીને બૅક-ટેસ્ટિંગ કરવું પડે. તમે બે-ત્રણ વર્ષનું બૅક-ટેસ્ટિંગ કરો તો ખબર પડે કે હું આ સ્ટ્રૅટેજી પર કામ કરું તો આટલું રિટર્ન બનશે. મને એવું લાગે છે માર્કેટ ઉપર જશે એવા અંદાજ પર ચાલીને લોકો બાય-સેલ કર્યા કરે છે. બીજું એ કે લોકોને ટેક્નિકલ ઍનૅલિસિસ જ નથી આવડતું. તેમને એ ખબર નથી કે કૅન્ડલ સ્ટિક ચાર્ટ્સ આપણે કેવી રીતે જોવા, કયાં ઇન્ડિકેટર્સ છે જે ઇમ્પોર્ટન્ટ છે જે આપણને બાયિંગ અને સેલિંગનું સિગ્નલ આપે? માર્કેટ ખરાબ નથી, પણ તમે નૉલેજ વગર ટ્રેડ કરો છો એટલે લૉસ થાય છે. આજે USમાં ટ્રેડિંગનો સક્સેસ રેટ છે એ ભારતથી ઘણો સારો છે, કારણ કે ઇન્ડિયામાં ત્યાં જેવી ફાઇનૅન્શિયલ લિટરસી નથી.’

 

business news share market stock market gujaratis of mumbai