03 February, 2024 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય રિઝર્વ બૅન્ક
અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લીધો એને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો છે. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ શુક્રવારે બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૨.૦૩ ટકા (૧૦૯૫ પૉઇન્ટ) વધીને ૫૫,૧૩૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૪,૦૩૮ ખૂલીને ૫૫,૪૧૩ની ઉપલી અને ૫૩,૬૬૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા, જેમાંથી ચેઇનલિન્ક ૧૫.૪૭ ટકા સાથે ટોચનો વધનાર હતો. અવાલાંશ, કાર્ડાનો અને સોલાનામાં ૪થી ૬ ટકાની રેન્જમાં વૃદ્ધિ
થઈ હતી.
દરમ્યાન, ભારતીય રિઝર્વ બૅન્કના એક અધિકારીએ જણાવ્યા મુજબ રિઝર્વ બૅન્ક ડિજિટલ રૂપી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી)ના ઉપયોગ વિશે સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. આ ઉપયોગમાં પ્રાઇવસીને લગતાં જોખમોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં સ્ટાર્ટઅપ્સ સાથે મળીને સીબીડીસીના પ્રયોગ કરવાની રિઝર્વ બૅન્કની તૈયારી છે. બીજી બાજુ, બૅન્ક ઑફ રશિયાએ કહ્યું છે કે ૧૭ વધુ બૅન્કો એના સીબીડીસીના પ્રયોગમાં સહભાગી થઈ છે. ૩૦ ટ્રેડિંગ સર્વિસિસ કંપનીઓ આજે પણ સીબીડીસીની ટેસ્ટિંગમાં સામેલ છે.