બજેટના સંકેતોનો પવન બજારની પતંગને ઊંચે લઈ જઈ રહ્યો છે : હવામાન પલટાય એ પહેલાં જ પ્રૉફિટ-બુકિંગ કરી લેવું જોઈએ

01 July, 2024 07:05 AM IST  |  Mumbai | Jayesh Chitalia

બજેટ જાહેર થાય ત્યાં સુધીના સમયગાળામાં શૅરબજાર સતત વધતું જ રહેશે એવી આશા કામ કરી રહી હોવાથી ઇન્ડેક્સ નવાં-નવાં શિખર બનાવતાે જાય છે. આ વખતના બજેટમાં રાહતના પગલાની આશા વિશેષ ઊંચી છે જે ઇકૉનૉમીને વેગ આપવામાં અને રોકાણ આકર્ષવામાં નિમિત્ત બનશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સરકાર આ વખતે બજેટમાં ઉત્પાદન ક્ષેત્રને-મેક ઇન ઇન્ડિયાને વધુ પ્રોત્સાહન આપશે એવા સંકેત મળી રહ્યા છે, જેમાં વર્તમાન યોજનાઓ તો છે જ, એ ઉપરાંત સરકાર બજેટ માર્ગે કૉર્પોરેટ ટૅક્સમાં ચોક્કસ રાહત આપશે એવી ચર્ચા વહેતી થઈ છે, ખાસ કરીને નવા રોકાણ માટે કૉર્પોરેટ ટૅક્સનો દર નીચો રાખવાની હિલચાલ થઈ રહી છે. આની પાછળનો એક મહત્ત્વનો ઉદ્દેશ રોજગાર-સર્જન છે. આવકવેરાની રાહત, વપરાશ વધે એ માટેના પ્રયાસ, જાહેર સાહસોની આંશિક મૂડી છૂટી કરવાની નેમ, લઘુ-મધ્યમ એકમોને પ્રોત્સાહન વગેરે સંકેતોની ઓવરઑલ ઇમ્પેક્ટને પગલે શૅરબજારને બૂસ્ટ મળતું રહ્યું છે, જેને પરિણામે ગણતરીના દિવસોમાં જ બજાર સતત નવી ઊંચાઈ બનાવતું જોવામાં આવ્યું છે. ક્યાં સુધી આ દોડ ચાલશે એવો સવાલ થાય છે, પરંતુ બજાર પાસે જવાબ નથી, કારણ કે સે​ન્ટિમેન્ટ પૉઝિટિવ અને બજેટ પાસે આશાઓ પણ ઊંચી હોવાના પુરાવા સતત નજરે પડતા રહે છે, જેમાં વળી આર્થિક ફન્ડામેન્ટલ્સની મજબૂતીનાં પરિબળો પણ ભળી રહ્યાં છે.

સતત નવી ઊંચાઈ તરફ ગતિ

વીતેલા સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત વૉલેટિલિટીથી થઈ, પરંતુ માર્કેટ દિવસના અંતે તો વધીને જ બંધ રહ્યું. આગલા શુક્રવારનું કરેક્શન ફરી રિકવર થઈ ગયું. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ નીચે જવાનું પૉઝિટિવ પરિણામ બજારમાં જોવાયું હતું. વળી મંગળવારે બજાર છેલ્લા અમુક કલાકમાં જ એવું ઊછળ્યું કે સેન્સેક્સ ૭૦૦ પૉઇન્ટનો કૂદકો મારી ૭૮ હજાર અને નિફ્ટી ૧૮૩  પૉઇન્ટનો જમ્પ મારી ૨૩,૭૦૦ પાર જઈ બંધ રહ્યા હતા. ફૉરેન ઇન્વેસ્ટર્સની લેવાલી જોર પકડવાની આશા કામ કરી રહી છે, ગ્લોબલ સ્તરેથી પૉઝિટિવ સંકેત પણ અસર કરી રહ્યા હતા. ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)એ જૂનમાં આશરે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી કરી છે. ફાઇનૅ​ન્શિયલ સ્ટૉક્સ અને બૅન્ક સ્ટૉક્સ પર ખરીદીનું જોર વધુ રહ્યું છે. જોકે મંગળવારે સ્મૉલ-મિડ કૅપમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. બુધવારે સેન્સેક્સ-નિફ્ટીની સવારી સવારથી જ આગળ વધતી રહી અને આખરે સેન્સેક્સ ૬૨૦ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી ૧૪૭  પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. જોકે મિડ કૅપ ઇન્ડેક્સ ઘટ્યો હતો. આ સ્ટૉક્સમાં પ્રૉફિટ-બુકિંગ થયું હોવાનું નોંધાયું હતું.

૭૯,૦૦૦ અને ૨૪,૦૦૦ પાર

વળી ગુરુવારે નવી હાઈ સપાટી બની. તેજીની આગેકૂચ જારી રહેતાં સેન્સેક્સે ૫૭૦ પૉઇન્ટના જમ્પ સાથે ૭૯,૦૦૦નું લેવલ અને નિફ્ટીએ ૧૭૫ પૉઇન્ટના કૂદકા સાથે ૨૪,૦૦૦ની સપાટી પાર કરી હતી. કહે છે કે ફૉરેન ઇ​ન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII) એપ્રિલ-મેમાં પ્રૉફિટ-બુકિંગ કર્યા બાદ પાછા ફર્યા છે અને હવે સ્થાનિક સંસ્થાઓ પ્રૉફિટ-બુકિંગ કરે એવો તાલ છે. નાના રોકાણકારોએ પણ આંશિક નફો લેવાની તક ગુમાવવી ન જોઈએ. શુક્રવારે બજારે ફરી નવી ઊંચાઈ તરફ યાત્રા ચાલુ રાખી હતી. જોકે સંપૂર્ણ સત્ર દરમ્યાન વધઘટ કરતા બજારે આખરે સેન્સેક્સને સાધારણ માઇનસ રાખ્યું. એમ છતાં ૭૯,૦૦૦ ઉપરનું લેવલ જાળવ્યું, જયારે સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સમાં સુધારો થવા દીધો. નિફ્ટી પણ ૨૪ હજારના લેવલ ઉપર જ બંધ રહ્યો. કોર સેક્ટરની
વૃ​દ્ધિના અને ફિસ્કલ ડેફિસિટના સકારાત્મક સમાચારે બજારને રાહત આપી હતી. જોકે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે બેન્ચમાર્ક ઇન્ડેક્સનો ઉછાળો માત્ર હાઈ વેઇટેજ સ્ટૉક્સના ભાવવધારાને કારણે હતો, જેને નક્કર તેજી કહી શકાય નહીં. કરેક્શન પાકતું જાય છે. પ્રૉફિટ-બુકિંગની જરૂરિયાત પણ વર્તાય છે. નવા સપ્તાહમાં કરેક્શન જોવા મળી શકે અને એમ થાય તો એ સારી નિશાની ગણાશે.

પ્રમોટર્સમાં પણ પ્રૉફિટ-બુકિંગનો અભિગમ

હાઈ માર્કેટનો લાભ રોકાણકારો તો લેતા જ હશે, પરંતુ પ્રમોટર્સ પણ એ લેવાનું ચૂકતા નથી. તાજેતરના બે મહિનામાં આશરે ૨૦૦ કંપનીઓના પ્રમોટર્સ દ્વારા ૩૩ હજાર કરોડ રૂપિયાથી વધુના શૅર્સનું વેચાણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રમોટરોએ ઊંચા ગયેલા ભાવે શૅરોનો નફો ઘરમાં લઈ લીધો છે. આ દર્શાવે છે કે વૅલ્યુએશન એવાં ઊંચાં ગયા છે, જ્યાં પ્રમોટર્સ પણ માને છે કે વેચીને આંશિક નફો ઘરમાં લઈ લેવામાં શાણપણ છે. પ્રૉફિટ-બુકિંગનું એક નક્કર કારણ એવું પણ માનવામાં આવે છે કે માર્કેટ સતત નવી ટૉપ બનાવી રહ્યું હોવાથી ગમે ત્યારે મોટાં કરેક્શન પણ આવી શકે છે. આમ થાય એ પહેલાં કમસે કમ આંશિક પ્રૉફિટ બુક કરી લેવામાં સાર ગણાય.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

ભારતીય સ્ટૉક માર્કેટ વિશ્વમાં માર્કેટ કૅપની દૃષ્ટિએ પાંચમું વિશાળ બજાર બની ગયું છે. એનું માર્કેટ કૅપ જૂન ક્વૉર્ટરના અંતે ૫.૦૩ લાખ કરોડ ડૉલર પહોચી ગયું છે. રિઝર્વ બૅન્કના ગવર્નરના મતે ઇન્ફ્લેશનનો રેટ નીચે જઈ રહ્યો છે, પરંતુ હજી એ ચિંતાનો વિષય ગણાય. તેમણે ભારતનો વિકાસદર ૭.૨ ટકા રહેવા વિશે વિશ્વાસ વ્યકત કર્યો છે.  

આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૦૦ અબજ ડૉલરના માર્કેટ કૅપ ક્લબમાં પહોંચનારી છઠ્ઠી ભારતીય કંપની બની છે.  અદાણી ગ્રુપની ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ આગામી દાયકામાં એના ઍરપોર્ટ બિઝનેસમાં ૧.૭૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન ધરાવે છે.

ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફન્ડના કિસ્સામાં થયેલી કથિત ગરબડના કિસ્સાને ધ્યાનમાં રાખી સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ તપાસ હાથ ધરી છે અને હવે SEBI દરેક મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્ટરનલ ફ્રૉડ ડિટેક્શન મેકૅનિઝમ વિકસાવવાની જરૂરિયાત જણાવે છે. SEBIએ વીતેલા સપ્તાહમાં માર્કેટ રિફૉર્મ્સના ઘણા નિર્ણય એકસાથે લીધા હતા, જેમાં ડેરિવેટિવ્ઝ માર્કેટ સહિત સાઇબર સિક્યૉરિટી, ફિનફ્લ્યુઅન્સરના નિયમન માટેનાં પગલાંનો સમાવેશ થયો હતો.

business news stock market national stock exchange bombay stock exchange share market nifty sensex