અમેરિકન ગ્રોથરેટ અને જૉબડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોના અને ચાંદીમાં બ્રેક લેતી તેજી

28 September, 2024 06:07 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ફેડના કેટલાક મેમ્બરો રેટકટ વિશે સાવચેતીની સલાહ આપી રહ્યા છે,

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ગ્રોથરેટ અને અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ સ્ટ્રૉન્ગ આવતાં ડૉલરની મજબૂતીને પગલે સોના-ચાંદીમાં સતત આગળ વધતી તેજીએ બ્રેક લીધો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૦૭૪ રૂપિયા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ બીજા એ​સ્ટિમેટમાં ત્રણ ટકા રહ્યો હતો જે પહેલા એ​સ્ટિમેટમાં પણ ત્રણ ટકા હતો, પણ અગાઉના ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ૧.૬ ટકા હતો. અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૨૧મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૪૦૦૦ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૨.૧૮ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૫ લાખની હતી. એ​ક્ઝિ​સ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૫.૯૫૭ ઘટીને ૧.૮૦ લાખે પહોંચ્યા હતા.

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૦૧ ટકા વધીને ૧૦૦.૫૩ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ અને ગ્રોથરેટના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર વધુ ઘટતો અટક્યો હતો. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૦.૦૧૩ ટકા વધીને ૩.૮૦ ટકાએ પહોંચ્યાં હતાં.

અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ઑગસ્ટમાં ૦.૬ ટકા વધ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી, એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ જુલાઈમાં ૫.૫ ટકા ઘટ્યું હતું.

અમેરિકાનો કૉર્પોરેટ પ્રૉફિટ સેકન્ડ ક્વૉર્ટરમાં ૩.૫ ટકા વધ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૨.૧ ટકા ઘટ્યો હતો અને માર્કેટની ધારણા ૧.૭ ટકા વધારાની હતી. અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર ઑગસ્ટમાં સ્ટેબલ રહ્યા હતા જે જુલાઈમાં ૯.૮ ટકા વધીને ચાર વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા અને માર્કેટની ધારણા ૨.૬ ટકા ઘટાડાની હતી.

ચીનની સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇકૉનૉમિક ક​ન્ડિશનને બૂસ્ટ કરવાનાં પગલાં સતત પાંચમા દિવસે પણ જોવા મળ્યાં હતાં. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ રિવર્સ રેપોરેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને એને ૬.૬ ટકાએ લાવ્યા તેમ જ સાત દિવસના રિવર્સ રેપોરેટમાં ૨૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને એને ૧.૫ ટકાએ લાવ્યા હતા જેનાથી માર્કેટમાં એક કરોડ ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆન ઠલવાશે. ચીને ૨૦૨૪માં રિવર્સ રેપોરેટમાં સતત બીજી વખત ઘટાડો કર્યો હતો.

ચીનનો ઇન્ડ​સ્ટ્રિયલ પ્રૉફિટ ઑગસ્ટમાં ૧૭.૮ ટકા ઘટ્યો હતો જે જુલાઈમાં ૪.૧ ટકા વધ્યો હતો. જાન્યુઆરીથી ઑગસ્ટ દરમ્યાનન ઇન્ડ​સ્ટ્રિયલ પ્રૉફિટ ૦.૫ ટકા વધ્યો હતો જે જાન્યુઆરીથી જુલાઈ દરમ્યાન ૩.૬ ટકા વધ્યો હતો. રિયલ એસ્ટેટ માર્કેટની મંદી અને ડોમેસ્ટિક ડિમાન્ડ સતત ઘટતી હોવાથી સરકારી અને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓના પ્રૉફિટમાં ઘટાડો જોવા મળ્યો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકન ફેડના કેટલાક મેમ્બરો રેટકટ વિશે સાવચેતીની સલાહ આપી રહ્યા છે, જ્યારે કેટલાક મેમ્બરોને મતે રેટકટ લાવવામાં મોડું થયું હોવાથી હવે આગામી મીટિંગોમાં શ્રેણીબદ્ધ રેટકટ આવવો જોઈએ. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME)ના ફેડવૉચ ડેટા અનુસાર નવેમ્બરમાં યોજાનારી ફેડની મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટ ઘટાડાના ચાન્સ ૫૦.૯ ટકા છે તો ૫૦ બેસિસ પૉઇન્ટ ઘટાડાના ચાન્સ ૪૯.૧ ટકા છે. ફેડનો ઇન્ટરેસ્ટ રેટ હાલ પાંચ ટકા છે. સામાન્ય સંજોગોમાં અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ અડધોથી પોણો ટકો જ હોય છે. આથી ૨૦૨૪ના બાકી રહેલા મહિનાઓમાં ફેડની બે મીટિંગ અને ૨૦૨૫માં આખા વર્ષ દરમ્યાન ફેડની આઠ મીટિંગો યોજાશે, હવે પછીની ફેડની દસ મીટિંગના એજન્ડામાં મુખ્ય એજન્ડા રેટકટનો હશે અને દરેક મીટિંગ અગાઉ રેટકટની અટકળોનું બજાર ગરમ રહેશે. આથી સોનાના ભાવ ૨૦૨૫ના અંત સુધી વધ-ઘટે એકધારા ઊંચાઈ તરફ જશે.

business news commodity market gold silver price columnists