ચાંદીમાં તેજીનો અવિરત ધમધમાટ : મુંબઈમાં ચાંદી વધીને સવા મહિનાની ઊંચાઈએ પહોંચી

12 July, 2024 07:25 AM IST  |  Mumbai | Mayur Mehta

ફેડ ચૅરમૅને રેટ-કટ વિશે પૉઝિટિવ કમેન્ટ કરતાં સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ, રેટ-કટમાં વિલંબ કરવો હવે શક્ય ન હોવાની ઍનલિસ્ટોની ટિપ્પણીથી સોના-ચાંદીમાં લેવાલી વધી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે રેટ-કટનો નિર્ણય લેવામાં હવે ઇન્ફ્લેશનના ઘટાડાની રાહ જોવાય નહીં એવી કમેન્ટ કરતાં સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૩૮૫.૨૦ ડૉલર થયા બાદ સાંજે ૨૩૮૨થી ૨૩૮૩ ડૉલરની રેન્જમાં હતું અને ચાંદી ૩૧.૧૬ ડૉલર વધ્યા બાદ સાંજે ૩૦.૯૪થી ૩૧.૦૪ ડૉલર હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૩ રૂપિયા ઘટ્યો હતો, પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૧૧ રૂપિયા વધીને ૯૨,૦૦૦ રૂપિયાની સપાટીને વટાવીને સવા મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. અગાઉ ૩૧ મેએ ચાંદીનો ભાવ ઑલટાઇમ હાઈ સપાટીએ ૯૨,૪૪૯ રૂપિયા થયો હતો, ત્યાર બાદની ઊંચી સપાટી ગઈ કાલે જોવા મળી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે ૦.૦૮ ટકા ઘટીને ૧૦૪.૯૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ગયા સપ્તાહે વધીને ૧૦૫.૯૩ પૉઇન્ટ હતો. ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે રેટ-કટ વિશે ફરી પલટી મારી હતી અને જણાવ્યું હતું કે ફેડ રેટ-કટ બાબતે ઇન્ફ્લેશન ઘટીને બે ટકા થાય એની રાહ નહીં જુએ, કારણ કે વધુ પડતી રાહ જોવાથી રેટ-કટ કરવામાં બહુ મોડું થઈ જશે, પણ ઇન્ફ્લેશન ઘટી રહ્યું હોવાનો વિશ્વાસ રેટ-કટ પહેલાં મળવો જરૂરી છે. પૉવેલની કમેન્ટ બાદ ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો.

અમેરિકાના ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ-રેટ પાંચમી જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૩ બેઝિસ પૉઇન્ટ ઘટીને ૭ ટકાએ પહોંચ્યા હતા, જ્યારે જમ્બો લોનના રેટ બે બેઝિસ પૉઇન્ટ વધીને ૭.૧૩ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ રેટ હજી ઊંચા હોવાથી મૉર્ગેજ ઍપ્લિકેશન લેનારાઓની સંખ્યા ગયા સપ્તાહે ૦.૨ ટકા ઘટી હતી જે અગાઉના સપ્તાહે ૨.૬ ટકા ઘટી હતી.

બ્રિટન હવે રીસેશનમાંથી ઝડપથી બહાર આવી રહ્યું છે. ભારતીય મૂળના રિશી સુનકની વિદાય બાદ નવા વડા પ્રધાન કિર સ્ટાર્મરની ઇનિંગ્સની શરૂઆત ધમાકેદાર થઈ છે. મે મહિનામાં બ્રિટનનો ગ્રોથ રેટ ૦.૪ ટકા રહ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૦.૨ ટકાની હતી. ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ગ્રોથ ૦.૨ ટકા, કન્સ્ટ્રક્શન્સ ઍક્ટિવિટી ગ્રોથ ૦.૮ ટકા, કન્સ્ટ્રક્શન્સ આઉટપુટ ગ્રોથ ૧.૯ ટકા, મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ૦.૪ ટકા અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૦.૩ ટકા રહ્યો હતો. બ્રિટનના બુલિશ ડેટાને પગલે પાઉન્ડનું મૂલ્ય વધીને એક મહિનાની ઊંચાઈએ ૧.૨૮ ડૉલર થયું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકામાં રેટ-કટને અમલી બનાવવા માટે બે ટકા સુધી ઇન્ફ્લેશન ઘટે એની રાહ જોવામાં નહીં આવે એ પ્રકારની ફેડના ચૅરમૅન પૉવેલની કમેન્ટનો ગૂઢાર્થ સોના-ચાંદીની તેજીની દિશા નક્કી કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવશે. અમેરિકાના સિનિયર રિસર્ચ સ્ટ્રેટૅજિક માઇકલ બ્રાઉને લખેલા એક આર્ટિકલમાં પણ રેટ-કટ માટે હવે ફેડને રાહ જોવી પાલવે એમ નથી એવું સ્પષ્ટ તારણ આપ્યું છે. અમેરિકામાં જૉબમાર્કેટનો ગ્રોથ બહુ મહત્ત્વનો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકામાં દર મહિને ૧.૭૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ રહી છે જે સવાત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી છે. એ ઉપરાંત અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ વધીને અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યો છે. વળી કન્ઝ્‍યુમર કોર ઇન્ફ્લેશન ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચતાં હવે જો રેટ-કટનો નિર્ણય લંબાવવામાં આવશે તો ડિફ્લેશનનો ભય સતત વધતો જશે. કોર પર્સનલ કન્ઝ્‍યુમર એક્સપેન્ડિચર ઇન્ડેક્સ મે મહિનામાં સાડાચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આમ ફેડની સપ્ટેમ્બર મીટિંગમાં રેટ-કટ હવે નિશ્ચિત મનાતો હોવાથી સોનામાં ધીમી ગતિએ તેજીની આગેકૂચ ચાલુ રહેશે એવું તારણ નીકળી રહ્યું છે.

business news commodity market gold silver price