11 October, 2024 08:52 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાઇલૅન્ડની સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થાએ મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને પ્રાઇવેટ ફન્ડ્સ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને રજૂ કરેલા પ્લાન વિશે બૅન્ગકૉક પોસ્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ ફન્ડ્સ અમેરિકન સ્ટૉક એક્સચેન્જોમાં લિસ્ટેડ થયાં હોય એવાં ઇન્વેસ્ટમેન્ટ ટોકન્સ તથા ક્રિપ્ટો એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ (ETF)માં રોકાણ કરી શકે એવો આ પ્રસ્તાવ છે. કમિશનના ડેપ્યુટી સેક્રેટરી આનેક યુયેનનું કહેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ ટોકન્સને સ્ટૉક્સ તથા બૉન્ડ્સને સમકક્ષ સિક્યૉરિટીઝ ગણવામાં આવશે. આ રીતે મોટી સંખ્યામાં રોકાણકારો ક્રિપ્ટોકરન્સી પ્રોડક્ટ્સમાં રોકાણ કરી શકશે. રીટેલ મ્યુચ્યુઅલ ફન્ડ્સનું ક્રિપ્ટોનું એક્સપોઝર મહત્તમ ૧૫ ટકા રહેશે એવું પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે. સંસ્થાકીય અને હાઈ નેટવર્થ રોકાણકારો માટે આવી કોઈ મર્યાદા લાગુ નહીં પડે.
આ નિયમનકાર બીટકૉઇન જેવી વધુ જોખમ ધરાવતી ઍસેટ્સ માટે વિશેષ માર્ગદર્શિકા રાખશે. સ્ટેબલકૉઇન માટે પણ અલગ ધારાધોરણો અપનાવવામાં આવશે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે મુખ્યત્વે ઘટાડાનું વલણ રહ્યું હતું. બીટકૉઇન 1.53 ટકા ઘટીને 61,040 ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં 1.63 ટકા ઘટાડા સાથે ભાવ 2390 ડૉલર હતો. બાઇનાન્સમાં બે ટકા, સોલાનામાં 1.34, ડોઝકૉઇનમાં 2.58, ટ્રોનમાં 0.31, કાર્ડાનોમાં 0.77 અને શિબા ઇનુમાં 2.09 ટકા ઘટાડો નોંધાયો હતો. અવાલાંશ 0.08 ટકા તથા રિપલ 1.7 ટકા વધ્યા હતા.