10 January, 2025 07:47 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે મંદી આગળ વધી એમાં વાયદામાં પણ સોદા થાય છે એ તમામ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બજાર બંધ થયા પછી ટીસીએસનું પરિણામ જાહેર થવાનું હતું. યુ.એસ. બજારમાં આજે રજા છે. મિડકૅપ સિલેક્ટ 0.64 ટકા ઘટી 81 પૉઇન્ટ્સ ગુમાવી 12,481.20, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 0.90 ટકાના નુકસાને 23,026.15, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 1.27 ટકાના લોસે 65,557.20, બૅન્ક નિફ્ટી 0.67 ટકાના ઘટાડે 49,503.50 અને નિફ્ટી 0.69 ટકા ડાઉન થઈ 23,526.50ની સપાટીએ વિરમ્યા હતા. નિફ્ટી મિડકૅપનો પ્રતિનિધિ એસઆરએફ 13.33 ટકા ઊછળી 2664.35 રૂપિયા થઈ ગયો હતો. ગોદરેજ પ્રૉપર્ટી સવાત્રણ ટકાના મંગળવારના ઘટાડા ઉપરાંત ગુરુવારે પણ વધુ 2.51 ટકા તૂટી 2499 રૂપિયાના લેવલે બંધ હતો. આ પાંચ ઇન્ડેક્સના ત્રણ ટકાથી વધુ ઘટનારા શૅરોમાં ગેઇલ 183.30 રૂપિયા (-3.82 ટકા), ઇન્ફો એજ (નૌકરી) 7940 રૂપિયા (-3.61 ટકા), જેએસડબ્લ્યુ એનર્જી 558.80 રૂપિયા (-3.55 ટકા), મેક્રોટેક ડેવલપર્સ (લોઢા) 1310 રૂપિયા (-2.99 ટકા) અને અશોક લેલૅન્ડ 216 રૂપિયા (-3.02 ટકા)ના નામ હતા. નિફ્ટી 23,689ના પ્રીવિયસ બંધ સામે 23,675 ખૂલી શરૂઆતની ક્ષણોમાં જ 23,689નો હાઈ નોંધાવી, પોણાત્રણ આસપાસ 23,503નો લો બનાવી છેવટે 162 પૉઇન્ટ્સ ઘટી 23,526 બંધ રહ્યો હતો. ઓએનજીસીએ મંગળ-બુધવારે સુધારાનો રંગ દેખાડ્યા પછી ગુરુવારે 2.59 ટકાના લોસે 264 રૂપિયા બંધ રહ્યો હતો. એફએમસીજી શૅરોનો દેખાવ સારો રહ્યો હોવાનો પુરાવો નિફ્ટીના નેસ્લેએ 1.76 ટકા વધી 2259 રૂપિયા, હિન્દુસ્તાન યુનિલીવરે 1.62 ટકાના સુધારાએ 2440 રૂપિયા, બ્રિટાનિયાએ 1.28 ટકા વધી 4922 રૂપિયા અને નિફ્ટી નેક્સ્ટ 50ના ડાબરે 1.36 ટકા વધી 520.75 રૂપિયા બંધ રહીને આપ્યો હતો.
ટીસીએસ અને તાતા ઍલેક્સીનાં પરિણામો આઇટી ક્ષેત્ર માટે કેવા સંકેતો આપે છે?
ટીસીએસનાં ક્વૉર્ટર્લી પરિણામોની ચર્ચા કરતાં પહેલાં તાતા ઍલેક્સીનાં રિઝલ્ટ પર નજર ફેરવી લઈએ. કંપનીની આવક ડિસેમ્બર ક્વૉર્ટરમાં સપ્ટેમ્બર ત્રિમાસિકની તુલનાએ 1.7 ટકા ઘટી 939.2 કરોડ રૂપિયા થઈ હતી. નેટ પ્રૉફિટ પણ આવી જ સરખામણીએ 13.3 ટકા ઘટી 199 કરોડ રૂપિયાનો રહ્યો હતો. વ્યાજ, કરવેરા, ઘસારા અને માંડવાળ પૂર્વેનો EBIDTA નફો 7.7 ટકા ઘટી 220.7 કરોડ રૂપિયા અને આવા નફાનું માર્જિન 25.7 ટકાથી ઘટીને 24.2 ટકા રહ્યું હતું. કંપનીએ યુએસની એક કંપની સાથે એક મલ્ટિયર ડીલ કર્યું છે. મૅનેજમેન્ટ કૉમેન્ટરી પૉઝિટિવ હતી. જોકે પરિણામોની જાહેરાત બજાર બંધ થયાં પછી થઈ એ પૂર્વે શૅર અડધો ટકો ઘટી 6443 બંધ રહ્યો હતો. ૨૭ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ જોવાયેલા બાવન સપ્તાહના 9080 રૂપિયાના હાઈથી હાલનો ભાવ 29 ટકાનો ઘટાડો દર્શાવે છે. બાવન સપ્તાહનો લો 6286 રૂપિયા છે. વર્તમાન ભાવ એ સ્તરથી માત્ર અઢી ટકા જ ઉપર છે.
ટીસીએસનાં પરિણામો પર આવીએ તો સૌપ્રથમ તો કંપનીએ ત્રીજા ત્રિમાસિકનાં રિઝલ્ટ સાથે ત્રીજા વચગાળાના 10 રૂપિયાના ડિવિડંડની જાહેરાતની સાથે-સાથે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ માટે 66 રૂપિયાના સ્પેશ્યલ ડિવિડંડની જાહેરાત કરી એનો ઉલ્લેખ કરવો ઘટે. આ હેતુસર 17 જાન્યુઆરીને રેકૉર્ડ ડેટ જાહેર કરાઈ છે અને ચુકવણી ત્રીજી ફેબ્રુઆરીએ થશે. રિઝલ્ટ મોટા ભાગે બજારની ધારણા અનુસારનાં જ હતાં. આવક સિક્વન્સિયલી 0.4 ટકા ઘટી 63,973 કરોડ રૂપિયા થઈ હતી. બજારની ધારણા 64,333 કરોડ રૂપિયાની હતી. સપ્ટેમ્બર ત્રિમાસિકની તુલનાએ ડિસેમ્બર ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 4 ટકા ઘટી 12,380 કરોડ રૂપિયા (બજારની ધારણાથી 18 કરોડ રૂપિયા વધુ) થયો હતો. એબીટ નફો 15,477 કરોડ રૂપિયા અને માર્જિન 24.5 ટકા (સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 24.1 ટકા) હતું. કંપનીએ 10.2 બિલ્યન ડૉલરના ઑર્ડર ડિસેમ્બર ત્રિમાસિકમાં મળ્યા હોવાનું જણાવ્યું હતું જે ગત વર્ષના એ જ ક્વૉર્ટરમાં 8.1 બિલ્યનના પ્રમાણમાં હતા. રિઝલ્ટ પૂર્વે ગુરુવારના સેશનમાં ટીસીએસનો ભાવ દોઢ ટકો ઘટી 4044 રૂપિયા બંધ રહ્યો હતો. 52 વીક હાઈ 4592.25 રૂપિયા અને લો 3591.50 રૂપિયાની બરાબર મધ્યમાં ભાવ છે એની ચાલ કૉન્ફરન્સ કૉલમાં મૅનેજમેન્ટ કૉમેન્ટરી નક્કી કરશે એવું ઍનલિસ્ટોનું માનવું છે. ટીસીએસે બૅન્ગલોરસ્થિત તાતા ગ્રુપની બે રિયલ્ટી કંપનીઓ 1625 કરેડ રૂપિયામાં હસ્તગત કર્યાની જાણ પણ કરી હતી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.16 ટકા ઘટી 43,126 બંધ હતો.
નિફ્ટીના 50માંથી 34, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 42, મિડકૅપ સિલેક્ટના 25માંથી 18, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 16 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 9 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. 0.68 ટકા ગુમાવી 77,620.21 બંધ આપનાર સેન્સેક્સના 30માંથી 20 શૅરો અને 0.71 ટકા ઘટી 56,227.09 બંધ આપનાર બૅન્કેક્સના 10માંથી 8 શૅરો ડાઉન હતા. એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટીને 432.49 (436.64) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો બીએસઈ લિસ્ટેડ શૅરોનું 435.49 (439.59) લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2893 ટ્રેડેડ શૅરોમાંથી 2037 તથા બીએસઈના 4067 ટ્રેડેડ શૅરોમાંથી 2826 ઘટીને બંધ આવતાં માર્કેટ બ્રેડ્થ વધુ નબળી પડી હતી. એનએસઈ ખાતે 34 અને બીએસઈમાં 131 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 95 અને 123 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 61 શૅરો ઉપલી સર્કિટે અને 106 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
એફએમસીજી ઇન્ડેક્સ ટૉપ ગેઇનર
એફએમસીજી ઇન્ડેક્સ સૌથી વધુ વધી 0.93 ટકા વધી 57,495.60ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના ઉપર નિર્દેશ કરેલા નિફ્ટીનું પ્રતિનિધિત્વ કરનારા શૅરો ઉપરાંત મેરિકો સાડાચાર ટકા સુધરી 667 રૂપિયા, કોલગેટ સવાત્રણ ટકા વધી 2879 રૂપિયા અને ગોદરેજ કન્ઝ્યુમર બે ટકાના ગેઇને 1180 રૂપિયા બંધ હતા.
ન્યુઝડ્રીવન આ શૅરો પર એક નજર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રિમાસિક પરિણામો ગુરુવાર 16 જાન્યુઆરીએ જાહેર કરશે. ભાવ પોણો ટકો ઘટી 1256 રૂપિયા બંધ હતો.
અદાણી વિલ્મરમાં ઑફર ફૉર સેલ રીટેલ રોકાણકારો માટે 13મીના રોજ ખૂલશે. અદાણી કૉમોડિટીઝ 20 ટકા સ્ટેક વેચશે. બજારભાવથી 15 ટકા ઓછા 275 રૂપિયાના ભાવે ઑફર કરાશે. શૅરનો ભાવ ગુરુવારે 0.63 ટકા ઘટી 324.10 રૂપિયા બંધ હતો.
એસઆરએફ 13.33 ટકા ઊછળી 2664 રૂપિયા અને નવીન ફલોરિન 9.43 ટકા વધી 3822 રૂપિયા બંધ હતા. યુએસ ગૅસ ડિસ્ટ્રિબ્યુટર્સે રેફ્રીજરન્ટ ગૅસના ભાવ 200 ટકા સુધી વધાર્યા હોવાની હવાએ એવા જ ગૅસની ઉત્પાદક આ કંપનીઓના ભાવ ઊછળ્યા હતા. સ્ટૉક એક્સચેન્જે ખુલાસો માગતાં, ભાવ ડિમાન્ડ-સપ્લાય પ્રમાણે બદલાતા રહેતા હોવાનું એસઆરએફે
જણાવ્યું હતું.
ફોનિક્સ મિલ્સે બજાર બંધ થયા પછી આપેલા અપડેટમાં ડિસેમ્બર ક્વૉર્ટરમાં ગત વર્ષના એ જ ત્રિમાસિકની સરખામણીએ 21 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. 31મીથી એફઍન્ડઓમાં આવનારા આ શૅરનો ભાવ જોકે આ જાહેરાત પહેલાં 2.67 ટકા ઘટી 1647 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.
એફઆઇઆઇની નેટ વેચવાલીથી પણ વધુ સ્થાનિક સંસ્થાઓની નેટ લેવાલી
ગુરુવારે એફઆઇઆઇની 7171 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. જોકે સામે ડીઆઇઆઇની જોરદાર 7640 કરોડ રૂપિયાની નેટ લેવાલીના કારણે બજારમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. કૅશ સેગમેન્ટમાં સમગ્રતયા 469 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.