ટીસીએસની સાધારણ કામગીરી, માર્જિન ભીંસમાં, શૅરદીઠ ૨૪નું આખરી ડિવિડન્ડ

13 April, 2023 04:19 PM IST  |  Ahmedabad | Anil Patel

માર્ચ ક્વૉર્ટરમાં ૧૬.૯ ટકાના વધારા સાથે ૫૯,૧૬૨ કરોડની આવક પર ૧૪.૮ ટકાના વૃદ્ધિદરથી ૧૧,૪૩૬ કરોડનો નેટ પ્રૉફિટ મેળવ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આઇટી જાયન્ટ ટીસીએસ તરફથી માર્ચ ક્વૉર્ટરમાં ૧૬.૯ ટકાના વધારામાં ૫૯,૧૬૨ કરોડની આવક પર ૧૪.૮ ટકાના વૃદ્ધિદરથી ૧૧,૪૩૬ કરોડનો ચોખ્ખો નફો દર્શાવી શૅરદીઠ ૨૪ રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કરાયું છે. બજારની એકંદર ધારણા ૫૯,૪૬૩ કરોડની આવક અને ૧૧,૫૧૫ કરોડના નેટ પ્રૉફિટની હતી એ જોતાં પરિણામ સાધારણ ગણાવી શકાય. આ સાથે ૨૦૨૨-’૨૩ના સમગ્ર વર્ષમાં કન્સોલિડેટેડ ધોરણે કંપનીની આવક ૧૬.૯ ટકા વધીને ૨,૨૮,૯૦૭ કરોડ રૂપિયા થઈ છે. નેટ પ્રૉફિટ ૧૦ ટકાના વધારામાં ૪૨,૩૦૩ કરોડ રૂપિયા નોંધાયો છે. મતલબ બહુ સાફ છે, પ્રૉફિટ માર્જિન ભીંસમાં છે.

વર્ષ દરમ્યાન કંપનીના કર્મચારીઓની સંખ્યામાં નેટ ૨૨,૬૦૦નો વધારો થયો છે. આ પ્રમાણ અગાઉના વર્ષે ૧.૩ લાખનું હતું. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં નવી નેટ ભરતી માત્ર ૮૨૧ની કરી છે. કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા હાલમાં ૬,૧૪,૭૯૫ની છે.

ટીસીએસનાં પરિણામ બંધ બજારે આવ્યાં હતાં. શૅર રિઝલ્ટ પૂર્વે સવાયા વૉલ્યુમમાં નીચામાં ૩૨૦૦ અને ઉપરમાં ૩૨૬૦ થઈ ૦.૯ ટકાના સુધારામાં ૩૨૪૨ બંધ થયો છે. હાલના ભાવે અહીં એક માસમાં ૨.૭ ટકાનું, ત્રણ માસમાં ૨.૮ ટકાનું અને એક વર્ષમાં ૧૨.૨ ટકાનું નેગેટિવ રિટર્ન છૂટે છે. આ પરિણામ જોતાં શૅર ટૂંકા ગાળામાં વધવાના બદલે ઘટે એવી શક્યતા વધુ જણાય છે.

business news share market ahmedabad tcs