નિવૃત્તિ આયોજન માટે એસડબ્લ્યુપીની તૈયારી વહેલી કરી લેવી જોઈએ

12 January, 2023 04:21 PM IST  |  Mumbai | Jayesh Chitalia

તમે કમાણીનાં વર્ષોમાં કરેલી બચત-રોકાણ વૃદ્ધિ પામીને એટલું ભંડોળ થઈ જવું જોઈએ કે તમારી આવક બંધ થાય ત્યારે તમે આ ભંડોળમાંથી ઉપાડ કરીને જીવનનિર્વાહ કરી શકો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મ્યુચ્યુઅલ ફન્ડની વાત આવે કે સૌથી પહેલાં દિમાગમાં એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) આવે, જેમાં રોકાણ કરનારાઓની સંખ્યા છેલ્લા કેટલાક સમયથી એકધારી વધતી જાય છે, એમાં રોકાણનું પ્રમાણ પણ નવા રેકૉર્ડ પર પહોંચતું જાય છે. આ વિષયની ચર્ચા વારંવાર થતી હોય છે. આ વખતે એસડબ્લ્યુપી (સિસ્ટમૅટિક વિધડ્રૉઅલ પ્લાન)ની વાત કરીએ. આમાં સિસ્ટમૅટિક શબ્દ મહત્ત્વનો છે. આ બે વચ્ચે એક પ્લાન સિસ્ટમૅટિક ટ્રાન્સફરનો પણ હોય છે, જે એસટીપી તરીકે ઓળખાય છે. આ વિષયની ચર્ચા પણ થતી રહેતી હોય છે. એસડબ્લ્યુપી એ એક પ્રકારનો રિટાયરમેન્ટ પ્લાન પણ ગણી શકાય, જેમાં વ્યક્તિ નિવૃત્તિ બાદ ઘરખર્ચ માટે નિયમિત ચોક્કસ રકમનો ઉપાડ કરી શકે છે. 

નિવૃત્તિનું આયોજન

જ્યારે પણ વ્યક્તિની નિયમિત આવક બંધ થાય ત્યારે તેને જીવનધોરણ સાચવવા માટે ચોક્કસ રકમની નિયમિત જરૂર પડે, આ આવક તેને નિવૃત્તિ કાળના સમયમાં મળી શકે એ માટે વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમમાં મોટી રકમ જમા થાય એવું આયોજન કરવું પડે છે. આ રકમ લમસમ હોઈ શકે અથવા ધીમે-ધીમે સમયાંતરે જમા કરાયેલી હોઈ શકે, જે વરસો બાદ વધીને ચોક્કસ સ્તરે પહોંચી હોય, જેમાંથી વ્યક્તિ દર મહિને ચોક્કસ રકમ ઉપાડી શકે. આ ઉપાડને સિસ્ટમૅટિક વિધડ્રૉઅલ પ્લાન કહેવાય છે. જોકે આ રકમ તેમને એટલા જ પ્રમાણમાં મળે જેટલા પ્રમાણમાં વ્યક્તિએ નાણાંનું રોકાણ કર્યું હોય. અલબત્ત, આ ઉપાડ માત્ર નિવૃત્તિ સમયમાં જ થઈ શકે એવું ફરજિયાત નથી.

આ પણ વાંચો : ૨૦૨૨માં શૅરબજાર : ઈસ્ટ યા વેસ્ટ, ઇન્ડિયા ઇઝ બેસ્ટ : ૨૦૨૩ માટે ઊંચો આશાવાદ

આ રકમ અથવા આ પ્લાન એક રીતે પેન્શન પણ કહી શકાય. કહેવાય છે કે ડિવિડન્ડ કરતા આ પ્લાન વધુ બહેતર ગણાય, કારણ કે ડિવિડન્ડ તો વચ્ચે-વચ્ચે વપરાતું જાય, જ્યારે કે આ ઉપાડની રકમ ખરા સમયે કામ આવે. વધુમાં ડિવિડન્ડ તો નિશ્ચિત ન હોય, એ તો સ્કીમની કામગીરી અને માર્કેટની કામગીરી પર આધાર રાખે, જ્યારે કે વિધડ્રૉઅલ પ્લાન નિયત થઈ શકે.  

ટૅક્સ કઈ રીતે લાગુ થાય?

આ પ્લાનમાં ટૅક્સ કઈ રીતે લાગુ થાય એ સમજવા માટે જેમ તમે ઇક્વિટી ફન્ડમાંથી યુનિટ્સ વેચો અને ટૅક્સ લાગે એમ આ પ્લાનમાં યુનિટ્સ રિડીમ થાય અને તમને ચોક્કસ રકમ મળે. જો તમે એક વરસની અંદર જ યુનિટ્સ વેચીને નફો કરો તો એના પર ૧૫ ટકા કૅપિટલ ગેઇન ટૅક્સ લાગે અને એક વરસથી વધુ સમય બાદ વેચો યા રિડીમ કરો તો ૧૦ ટકા ટૅક્સ લાગે. જોકે ઇક્વિટી ફન્ડમાં એક જ વરસમાં એક લાખ સુધીના કૅપિટલ ગેઇનને કરમુક્ત રાખવામાં આવે છે, જ્યારે કે ડિવિડન્ડ પ્લાનમાં તમને તમારા ઇન્કમ સ્લૅબ મુજબ ટૅક્સ લાગે છે. વળી ડિવિડન્ડની રકમ ચોક્કસ મર્યાદાથી વધી જાય તો ૧૦ ટકા ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સૉર્સ) લાગુ થાય છે.

એક હકીકત સમજી લેવી આવશ્યક છે કે એસડબ્લ્યુપીનો લાભ લેવા માટે રોકાણકારે શરૂનાં વરસોથી જ રોકાણનો પોર્ટફોલિયો મજબૂત બનાવતા જવું જોઈએ. એ પોર્ટફોલિયોમાંથી ગંભીર સમસ્યા વિના કોઈ ઉપાડ કરવો જોઈએ નહીં. ઇમર્જન્સી માટે અલગ ફન્ડ રાખો, પરંતુ એસડબ્લ્યુપી માટે ફાળવેલા ફન્ડમાંથી નિવૃત્તિ કાળમાં ઉપાડ કરવાનો અભિગમ રાખો. 

આ પણ વાંચો :  શું તમે પહેલી વાર મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો?

પ્લાનર યા ડિસ્ટ્રિબ્યુટરની સલાહ ઉપયોગી

એસડબ્લ્યુપીનું એક આંકડાકીય ઉદાહરણ જોઈએ. ધારો કે તમને તમારી નિયમિત માસિક આવક બંધ થયા બાદ જીવનધોરણ ચલાવવા માટે મહિને ૫૦,૦૦૦ રૂપિયાની જરૂર પડવાની હોય તો તમારે એટલું ફન્ડ ઊભું કરી લેવું પડે કે એમાંથી તમે દર મહિને એસડબ્લ્યુપી કરી શકો. આ ગણતરી તમને તમારો ડિસ્ટ્રિબ્યુટર એજન્ટ કે ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર-પ્લાનર કરી આપી શકે. આ માટે તમારે ૨૫-૩૦ની ઉંમરથી મ્યુચ્યુઅલ ફન્ડમાં નિયમિત રોકાણ શરૂ કરી દેવામાં સાર છે. તમારું પ્લાનિંગ એવું હોવું જોઈએ કે તમે નાણાં ઉપાડ શરૂ કરો ત્યારે પણ તમારી રોકાણમૂડી અકબંધ રહે, એ ઉપાડ મૂડીવૃદ્ધિમાંથી થતો રહે તેમ જ રોકાયેલી રકમ પર પણ મૂડીવૃદ્ધિ ચાલુ રહે.

સવાલ તમારા…

એસઆઇપી, એસટીપી અને એસડબ્લ્યુપી વચ્ચે શું ફરક છે?

એસઆઇપી સમયાંતરે પણ નિયમિત ધોરણે રોકાણ કરતા જવાનો પ્લાન છે, જેમાં નાની રકમથી શરૂઆત કરી શકાય છે. એસટીપીમાં લમસમ રકમ રોકીને તેને સિસ્ટમૅટિકલી ઇક્વિટીમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ બન્નેમાં ગ્રોથનું લક્ષ્ય હોય છે, જ્યારે એસડબ્લ્યુપીમાં અત્યાર સુધી જમા કરાયેલી અને વૃદ્ધિ પામેલી રકમમાંથી પદ્ધતિસર દર મહિને ઉપાડ થઈ શકે છે, જે તમારી માસિક આવક બને છે.

business news jayesh chitalia