23 May, 2023 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ખાંડના ઉત્પાદનના અંદાજમાં વધુ એક સંસ્થાએ કાપ મૂક્યો છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ઈસ્મા)એ ખાંડના ઉત્પાદનનો અંદાજ હવે ઘટાડીને ૩૨૮ લાખ ટનનો મૂક્યો છે જે અગાઉ ૩૪૦ લાખ ટનનો મૂક્યો હતો.
દરમ્યાન દેશમાં ખાંડનું ઉત્પાદન ૧૫મી મે સુધીમાં આઠ ટકા ઘટીને ૩૨૧ લાખ ટને પહોંચ્યું છે જે ગયા વર્ષે આજ સમય ગાળામાં ૩૪૯.૨ લાખ ટન થયું હતું એમ ઉદ્યોગ સંસ્થાએ જણાવ્યું હતું. દેશમાં ૫૦૦ શુગર મિલોએ પિલાણ બંધ કરી દીધું છે અને હાલ માત્ર ૩૭ ફૅક્ટરીઓ ચાલુ છે. આ મિલોમાં ૧૬ મિલ તામિલનાડુમાં ચાલુ છે અને ૧૫ મિલ ઉત્તર પ્રદેશમાં ચાલુ છે. ગયા વર્ષે આજ સમયે કુલ ૧૧૬ શુગર મિલ ચાલુ હતી. ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૧૦૪.૨ લાખ ટનનું થયું છે જે ગયા વર્ષે આજ સમયે ૧૦૧.૫ લાખ ટન થયું હતું. મહારાષ્ટ્રમાં ૧૩૫.૪ લાખ ટનના ગયા વર્ષના ઉત્પાદન સામે આ વર્ષે મોટો ઘટાડો થઈને માત્ર ૧૦૫.૩ લાખ ટનનું ઉત્પાદન થયું છે. કર્ણાટકમાં ૫૫ લાખ ટનનું ઉત્પાદન થયું છે જે ગયા વર્ષે ૫૮.૨ લાખ ટન થયું હતું. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક દેશનાં સૌથી મોટા ખાંડનાં ઉત્પાદક રાજ્ય છે. તામિલનાડુમાં ૨૯.૨ ટકા ઉત્પાદન વધ્યું છે, જ્યારે બિહારમાં ૩૭.૨ ટકાનો વધારો થઈને ૬.૩ લાખ ટનનું ઉત્પાદન થયું છે. હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં પણ ઉત્પાદનમાં વધારો થયો છે.
મકાઈ બજારમાં મંદી વ્યાપી ગઈ છે. મકાઈના ભાવમાં પાછલા મહિનામાં ટનદીઠ ૧૫ ડૉલરનો ઘટાડો થયો હોવા છતાં વૈશ્વિક બજારમાં ભારતીય મકાઈ (મકાઈ)ની માગ ધીમી રહી છે એમ વેપારીઓ અને નિકાસકારો કહે છે. પહેલી એપ્રિલથી નિકાસ માટે મકાઈના ભાવમાં લગભગ ૧૫ ટકાનો ઘટાડો થયો છે. મકાઈના ભાવ ૧૯૬૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુતમ ટેકાના ભાવથી નીચે ઊતરી ગયા છે જે ઓછી માગનો સંકેત આપે છે.
વૈશ્વિક બજારમાં આર્જેન્ટિના અને દક્ષિણ અમેરિકાના ભાવમાં ઘટાડો થતાં આંતરરાષ્ટ્રીય બજાર નરમ પડ્યું છે. જેને કારણે ભારતીય મકાઈની નિકાસને પણ અસર પહોંચી છે એમ રાજેશ પહરિયા જૈન, નવી દિલ્હી સ્થિત નિકાસકારે જણાવ્યું હતું. સાઉથ-ઈસ્ટ એશિયન દેશોની થોડી માગ છે, પંરતુ એ બહુ ઓછી હોવાથી એની કોઈ અસર નથી.
ભારતીય મકાઈની માગ હાલ નીકળશે નહીં, પંરતુ જો અલ નીનોની અસર જોવાશે તો ભારતીય મકાઈની માગ વધી શકે છે. દેશમાં મકાઈના ભાવ અત્યારે પણ ટેકાના ભાવથી નીચે ચાલી રહ્યા છે. મકાઈના ભાવ ૧૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાય છે. જોકે ભાવ નીચા હોવાથી કેટલાક મોટા સ્ટૉકિસ્ટો અને પ્રોસેસર્સ હાઉસ મકાઈનો સ્ટૉક કરવાના મૂડમાં છે અને કરી પણ રહ્યા છે. દેશની વિવિધ મંડીઓમાં મકાઈના ઍવરેજ ભાવ ૧૭૧૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલે છે જે ગયા વર્ષે આજ સમયે મકાઈના ભાવ ૨૧૨૩ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. આમ મકાઈના ભાવમાં ૪૦૦ રૂપિયા જેવો ઘટાડો થયો છે.