ગણેશચતુર્થીના તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પાડતી ખાંડની તેજી : ભાવ છ વર્ષની ટોચે

11 September, 2023 01:50 PM IST  |  Mumbai | Mayur Mehta

વરસાદ ખેંચાતાં ખાંડનું ઉત્પાદન ઘટવાની ધારણાએ ખાંડના ભાવમાં એકાએક ભભૂકતી તેજી : ખાંડ પર સ્ટૉક નિયંત્રણ, ખાંડ અને મૉલાસિઝની નિકાસ પર નિયંત્રણ વગેરે પગલાં લેવા સરકારની કવાયત શરૂ

પ્રતીકાત્મક તસવીર

ગણેશચતુર્થીના તહેવારોના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે લોકોમાં તહેવારોની ઉજવણીનો ઉલ્લાસ ધીમે-ધીમે ચડી રહ્યો છે ત્યારે ખાંડના ઊંચા ભાવને કારણે ઉજવણીના રંગમાં ભંગ પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. ખાંડમાં તહેવારો ટાણે જ મોટી તેજી આવી છે અને ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ખાંડના ભાવમાં એક પખવાડિયામાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે અને ભાવ છ વર્ષની તેમની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. હાલ ખાંડના ભાવ બજારોમાં વધીને હોલસેલના પ્રતિ કિલો ૩૮ અને રીટેલ બજારમાં ૪૦ રૂપિયાની ઉપર બોલાઈ રહ્યા છે. આ ભાવ ઑક્ટોબર ૨૦૧૭ પછીના સૌથી ઊંચા છે. જોકે ભારતીય ખાંડના ભાવ હજી વૈશ્વિક ભાવ કરતાં ૩૮ ટકા નીચા છે.

દુકાળને કારણે નવી સીઝનમાં ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થવાની શુગર મિલોને ચિંતા છે, પરિણામે તેઓ નીચા ભાવે વેચવા તૈયાર નથી. હજી હમણાં સુધી ભારત સમગ્ર વિશ્વને ખાંડનો પુરવઠો પૂરો પાડતું હતું. ગયા વર્ષે ભારતે વિક્રમી ૧૧૧ લાખ ટન ખાંડની નિકાસ કરી હતી અને ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૬૧ લાખ ટન ખાંડની નિકાસ કરી હતી.

ખાંડના ઉત્પાદનમાં ઘટાડાની ધારણા

વેપારીઓ અને ખાંડ ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના મુખ્ય વિકસતા પ્રદેશોમાં મર્યાદિત વરસાદને કારણે ઑક્ટોબરથી શરૂ થતી આગામી સીઝન માટે ઉત્પાદનની ચિંતા વધી છે. પહેલી ઑક્ટોબરથી શરૂ થતી નવી સીઝનમાં ખાંડનું ઉત્પાદન ૩.૩ ટકા ઘટીને ૩૧૭ લાખ ટન થઈ શકે છે, કારણ કે ઓછા વરસાદને કારણે પશ્ચિમના મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કર્ણાટકમાં શેરડીની ઉપજને અસર થાય છે, જે કુલ ભારતીય ઉત્પાદનના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. એમ અગ્રણી વેપારી સંસ્થાનો અંદાજ છે. સરકાર

દ્વારા હજી નવી સીઝનમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ બહાર પડ્યો નથી, પણ ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશને ઉત્પાદનનો અંદાજ ૩૧૬.૮ લાખ ટનનો મૂક્યો છે, જે ચાલુ વર્ષે ૩૨૮ લાખ ટન થયું હતું.

ગણેશચતુર્થીમાં ખાંડની ડિમાન્ડ વધશે

ખાંડમાં ગણેશ મહોત્સવને કારણે ડિમાન્ડ વધી શકે છે અને સામે પુરવઠો મર્યાદિત છે. નવી સીઝનમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં મોટો ઘટાડો થશે તો આગામી દિવસોમાં ખાંડની બજારમાં ઝડપી તેજી આવશે. સરકાર દ્વારા ખાંડમાં ક્વોટા સિસ્ટમ દાખલ છે અને સરકાર સપ્ટેમ્બરમાં પણ ઑગસ્ટની જેમ વધારાનો ક્વોટા જાહેર કરે એવી સંભાવના પણ નકારી શકાય એમ નથી. જો ભાવ ખૂબ જ વધશે તો સરકાર આવું પગલું લઈ શકે છે. ૧૯ સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવ ચાલુ થાય છે, પરિણામે એ પહેલાં બજારો ભાગે એવી ધારણા છે. આગામી મહિનાઓમાં ખાંડના ભાવમાં વધુ વધારો થઈ શકે છે, કારણ કે સ્ટૉક ઘટી રહ્યો છે અને ટોચની તહેવારોની સીઝન નજીક આવી રહી છે, એમ મુંબઈસ્થિત એક વેપારીએ જણાવ્યું હતું.

સરકાર દ્વારા સ્ટૉક નિયંત્રણો આવી શકે

કેન્દ્ર ખાંડના જથ્થાબંધ વિક્રેતાઓ પર સ્ટૉક હોલ્ડિંગ મર્યાદા લાદવાનું વિચારી રહ્યું છે, કોઈ પણ સમયે ભાવવધારાને રોકવા માટે તેઓ ગમે એ સમયે રાખી શકે એટલો મહત્તમ જથ્થો નિર્ધારીત કરે છે. પાછલાં બે વર્ષમાં દુષ્કાળની અસર વચ્ચે છેલ્લી સ્ટૉક લિમિટ ૨૦૧૬માં લાદવામાં આવી હતી. મે ૨૦૧૬માં લાદવામાં આવેલી સ્ટૉક મર્યાદા હેઠળ, વેપારીઓને સૌથી મોટા વેપાર કેન્દ્ર કલકત્તામાં ૧૦ હજાર ક્વિન્ટલથી વધુ અને દેશના અન્ય ભાગોમાં ૫૦૦૦ ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટૉક રાખવાની મંજૂરી આપવામાં આવી નહોતી. રાજ્યોને મર્યાદા ઘટાડવાનો અને સુનિશ્ચિત કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો કે ખાંડની પ્રાપ્તિની તારીખથી ૩૦ દિવસમાં વેપારી સ્ટૉક જાળવવાની સૂચના એ સમયે આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ફૂડ સેક્રેટરીએ એક્સ-મિલના ભાવમાં ઉછાળા પછી તાજેતરના ભાવવધારા વિશે સરકારની નારાજગી શુગર મિલોને પહોંચાડી હોવાનું માનવામાં આવે છે. જોકે મિલોએ ઉચ્ચ સ્થાનિક ક્વોટાનું સૂચન કર્યું છે. દેશમાં ખાંડના ભાવ છ વર્ષની ટોચે પહોંચ્યા હોવાથી અને નવી સીઝનમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ હોવાથી સરકાર ખાંડ પર સ્ટૉક મર્યાદા લાદવા માટે વિચારણા કરી રહી છે. સરકાર સમક્ષ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં દરેક મિલ દર અઠવાડિયે ચોક્કસ જથ્થો વેચે અને સરકારને રિટર્ન ફાઇલ કરે. આ ઉપરાંત, લઘુતમ વેચાણ કિંમતની સ્થિતિ પર શુગર મિલો માટે મહત્તમ વેચાણ કિંમત પણ નક્કી કરી શકાય છે. જોકે આ અસાધારણ નિયંત્રણ પગલાં છે, જે સરકાર લેવા માગતી નથી, એમ એક સૂત્રએ જણાવ્યું હતું. સરકાર ઑક્ટોબરથી શરૂ થતી સીઝનમાં મિલોને ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે એવી અપેક્ષા છે. સાત વર્ષમાં પ્રથમ વખત નિકાસનાં શિપમેન્ટ અટકાવશે, એમ ત્રણ સરકારી સૂત્રોએ ગયા મહિને જણાવ્યું હતું.

મૉલાસિઝ પર નિકાસ નિયંત્રણો લદાશે

તહેવારો સમયે ખાંડની તેજીને રોકવા સરકાર અનેક વિકલ્પો વિચારી રહી છે, જેમાં ઇથેનૉલના ઉત્પાદનમાં વપરાતા અને શેરડીમાંથી બનતા મૉલાસિઝની નિકાસ પર સરકાર ૨૫ ટકા નિકાસ ડ્યુટી લગાડવાનું વિચારી રહી છે, જેને કારણે મૉલાસિઝની નિકાસ બંધ થતાં ઇથેનૉલ બનાવવા માટે માર્કેટને વધુ મૉલાસિઝ પ્રાપ્ત થશે. સરકારે નવેમ્બરથી શરૂ થતી સીઝનમાં પેટ્રોલ સાથે ઇથેનૉલની ભેળવણીને ૧૫ ટકા સુધી મંજૂરી આપી છે, જે ચાલુ વર્ષે ૧૨ ટકા છે. એપ્રિલથી જૂન દરમ્યાન મૉલાસિઝની નિકાસ ૨.૮૩ લાખ ટનની થઈ હતી, જે અગાઉની આખી સીઝન દરમ્યાન ૧૭ લાખ ટનની થઈ હતી. ભારતીય મૉલાસિઝની નિકાસ મુખ્યત્વે નેધરલૅન્ડ્સ, ફિલિપીન્સ, વિયેટનામ, ઇટલી અને દક્ષિણ કોરિયામાં થાય છે. ભારતે ૨૦૨૨-૨૩માં ૩૮ કરોડ લિટર ઇથેનૉલનું પ્રોડક્શન કર્યું હતું. શેરડીમાંથી ખાંડ અને ઇથેનૉલ બે પ્રોડક્ટ લેવામાં આવે છે. સરકારે પેટ્રોલ સાથે ઇથેનૉલની ભેળવણીને વધારવાનો નિર્ણય કર્યો ત્યારથી શેરડીમાંથી ઇથેનૉલ બનાવવાનું પ્રમાણ વર્ષોવર્ષ વધી રહ્યું છે.

ઑક્ટોબરથી નવી સીઝન‍ શરૂ થશે

ખાદ્ય મંત્રાલય ખાંડના એક્સ-ફૅક્ટરી ભાવ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભાવના વલણના આધારે એક અઠવાડિયા પછી સ્ટૉક મર્યાદા વિશે નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એ ૩૦ નવેમ્બર સુધી લાદવામાં આવી શકે છે, કારણ કે પુરવઠો સામાન્ય થઈ જશે. ડિસેમ્બર- ઑક્ટોબરમાં નવી પિલાણ સીઝનની શરૂઆત સાથે જ બજારો સ્ટેબલ થઈ જશે. જોકે ખાંડના ઉત્પાદનનો આધાર હવે પછીના દિવસોમાં કેવો વરસાદ પડશે? એની પર આધારિત રહેશે. જો વરસાદ સંતોષજનક નહીં પડે તો ખાંડ ઉદ્યોગના અનુમાન કરતાં ખાંડનું ઉત્પાદન ઓછું થઈ શકે છે.

commodity market ganesh chaturthi ganpati business news