સુધારાની હૅટ-ટ્રિકમાં શૅરબજાર ઑલટાઇમ હાઈની વધુ નજીક સરક્યું, રોકડું અને બ્રૉડર માર્કેટ નવી ટોચે

15 June, 2023 01:02 PM IST  |  Mumbai | Anil Patel

પતંજલિ ફૂડ્સ તગડા કામકાજ સાથે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં બંધ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બુલ-રનમાં જૅપનીઝ નિક્કેઈ ૩૩ વર્ષના બેસ્ટ લેવલે, જર્મન ડેક્સમાં પણ નવું શિખર : નવી મુંબઈની કોર ડિજિટલનું નબળું લિ​સ્ટિંગ, નાગપુરની અર્બન એન્વાયરોનો ઇશ્યુ જોરદાર પ્રતિસાદ સાથે પૂરો, પ્રીમિયમ ઊછળીને ૪૫ થયાં : તાતા ગ્રુપના અડધો ડઝન શૅર નવા બેસ્ટ લેવલે ગયા, પેટીએમ છેવટે વર્ષની ટોચે પહોંચ્યો : એમઆરએફ નવી ટૉપ બનાવી સતત બીજા દિવસે એક લાખનો બંધ આપવામાં નિષ્ફળ : ખાતર શૅર લાઇમલાઇટમાં, ફૅક્ટ નવી ટૉપ સાથે ૧૪.૬ ટકાની તેજીમાં : પતંજલિ ફૂડ્સ તગડા કામકાજ સાથે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં બંધ

બુધવારે બહુમતી એશિયન બજારો નહીંવતથી પોણો ટકો નરમ રહ્યાં છે. જૅપનીઝ નિક્કેઈ બુલ-રનમાં ૩૩,૬૬૫ની ૩૩ વર્ષની ટૉપ બનાવી દોઢ ટકાની મજબૂતીમાં ૩૩,૫૦૨ બંધ આવ્યું છે. તાઇવાન પણ ૧૭,૨૫૯ની ૧૪ મહિનાની ટૉપ બનાવી નહીંવત્ સુધારામાં ૧૭,૨૩૮ થયું છે. સિંગાપોર એક ટકાની નજીક પ્લસ હતું. સામે સાઉથ કોરિયા પોણો ટકો અને હૉન્ગકૉન્ગ અડધા ટકાથી વધુ ઢીલા હતા. અન્યત્ર મામૂલી ઘટાડો જોવાયો છે. યુરોપ ખાતે જર્મન ડેક્સ નવું બેસ્ટ લેવલ મેળવી રનિંગમાં અડધો ટકો વધી ૧૬,૩૧૩ દેખાતો હતો. ફ્રાન્સનું માર્કેટ પણ પોણો ટકો ઉપર ચાલતું હતું. લંડન ફુત્સી સાધારણ સુધારામાં હતો. ઘરઆંગણે સેન્સેક્સ સુધારાની હૅટ-ટ્રિકમાં ૮૫ પૉઇન્ટ વધીને ૬૩,૨૨૮ ઉપર બંધ આપી ૬૩,૫૮૩ની ઑલટાઇમ હાઈની વધુ નજીક સરક્યો છે. નિફ્ટી ૪૪ પૉઇન્ટની આગેકૂચમાં ૧૮,૭૬૧ નજીક પહોંચ્યો છે. અહીં ઑલટાઇમ હાઈ ૧૮,૮૮૭ની છે. મિડ કૅપ, સ્મૉલ કૅપ તથા બ્રોડર માર્કેટનો બેન્ચમાર્ક નવી વિક્રમી સપાટી બનાવી પૉઝિટિવ ઝોનમાં બંધ થયા છે. સરવાળે માર્કેટ બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ છે. એનએસઈમાં ૧૦૮૭ શૅર પ્લસ તો ૯૭૩ જાતો ઘટી છે. બીએસઈ ખાતે મોટા ભાગનાં સેક્ટોરલ સુધારામાં તો એનએસઈ ખાતે બહુમતી ઇન્ડાઇસિસ ઘટાડામાં બંધ થયા છે. એફએમસીજી ઇન્ડેક્સ ૧૮,૫૫૧ની વિક્રમી સપાટી બનાવી અડધો ટકો વધી ૧૮,૫૨૫, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૯,૫૭૭ના શિખરે જઈ ૧૭ પૉઇન્ટ જેવી નજીવી પીછેહઠમાં ૩૯,૪૯૭ તથા રિયલ્ટી ઇન્ડેક્સ ૪૨૦૭ની મ​લ્ટિયર ટૉપ બનાવી સાધારણ સુધારે ૪૧૮૦ નજીક બંધ આવ્યો છે. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ઇન્ડેક્સ પણ ૬૩૯૭ની સર્વોચ્ચ સપાટી મેળવી નહીંવત્ સુધારામાં ૬૩૮૦ થયો છે. 

નવી મુંબઈ ખાતેની ટેલિકૉમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર કોર ડિજિટલ દસના શૅરદીઠ ૧૮૦ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રે-માર્કેટમાં આગલા દિવસે ૪૫-૪૭ જેવા પ્રીમિયમની સામે બુધવારે ૨૦૧ ખૂલી ઉપરમાં ૨૧૦ અને નીચામાં ૧૯૧ની અંદર જઈ છેલ્લે ૧૯૧ નીચે બંધ થતાં અહીં શૅરદીઠ માંડ ૧૧ રૂપિયા કે ફક્ત ૬ ટકાનો લિ​​સ્ટિંગ ગેઇન મળતાં નિરાશા ઊપજી છે. નાગપુરની અર્બન એન્વાયરો વેસ્ટ મૅનેજમેન્ટનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૧૧૪૨ લાખ રૂપિયાનો એસએમઈ ઇશ્યુ ૨૫૫ ગણા જોરદાર પ્રતિસાદમાં પૂરો થતાં ગ્રે-માર્કેટમાં પ્રીમિયમ સતત વધતું રહી હાલ ૪૫ થઈ ગયું છે. અહીં પ્રીમિયમના સોદાની શરૂઆત ૧૪ રૂપિયાથી થઈ હતી. 

સેન્સેક્સ-નિફ્ટી ખાતે તાતા ગ્રુપના શૅર ટૉપ ગેઇનર, રિલાયન્સની આગેકૂચ

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર સુધર્યા છે. સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ ૨.૪ ટકા વધીને ૧૧૫ નજીકના તો નિફ્ટી ખાતે તાતા કન્ઝ્યુમર ૮૬૫ની ટૉપ બનાવી ૫.૨ ટકાની તેજીમાં ૮૬૨ ઉપર બંધ આપી ટૉપ ગેઇનર બન્યા છે. આ સિવાય પાવર ગ્રીડ ૧.૭ ટકા, ગ્રાસિમ ૨.૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૧ ટકા, ઓએનજીસી ૧.૪ ટકા, અપોલો હૉસ્પિ. સવા ટકો, નેસ્લે એક ટકો વધ્યા છે, તાતા મોટર્સ દોઢ ટકા વધી ૫૭૦ તથા એનો ડીવીઆર ૩૨૪ નજીક નવી ટોચે જઈ ૪ ટકા ઊછળી ૩૨૧ બંધ રહ્યો છે. અલ્ટ્રાટેક ૮૩૬૮ની ટૉપ બતાવી એક ટકો વધી ૮૩૬૪ થયો છે. નેસ્લે ૨૨,૭૪૩ના શિખરે જઈ એક ટકો કે ૨૧૦ રૂપિયા ઊંચકાઈને ૨૨,૭૦૫ હતો. ભારત પેટ્રોલિયમ ૩૭૮ની ઐતિહાસિક ઊંચી સપાટી નોંધાવી ૩૭૩ના લેવલે ફ્લૅટ હતો. બાય ધ વે, ગઈ કાલે તાતા કૉફી ૨૫૩ની ટૉપ બનાવી પોણાછ ટકાની મજબૂતીમાં ૨૫૧, તાતા કમ્યુનિકેશન્સ ૧૬૭૪નું શિખર બનાવી ૨.૭ ટકા વધી ૧૬૪૦, ટ્રેન્ટ લિમિટેડ ૧૭૩૦ના બેસ્ટ લેવલ બાદ દોઢ ટકો વધીને ૧૭૧૧, ટાઇટન ૨૪૯૯ની ઊંચી સપાટી દેખાડી નજીવા ઘટાડે ૨૯૦૫ બંધ થયા છે. રિલાયન્સ સવા ટકો વધીને ૨૫૫૨ને વટાવી બજારને સર્વાધિક ૯૮ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ભારતી ઍરટેલ, ઍ​ક્સિસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક અને બજાજ ફાઇનૅન્સ પોણાથી એક ટકો સેન્સેક્સ ખાતે ડાઉન હતા. આ ઉપરાંત હીરો મોટોકૉર્પ પોણા ટકાની નજીક, આઇશર અને બજાજ ઑટો અડધા ટકાથી વધુ, બજાજ ફિનસર્વ અડધો ટકો ઘટ્યા છે. 

થ્રીએમ ઇન્ડિયા નવા શિખરે જઈ ૧૪૭૯ રૂપિયાના ઉછાળે બંધ

અદાણી ગ્રુપના દસમાંથી પાંચ શૅર સુધર્યા છે. અદાણી ટ્રાન્સ. પોણાબે ટકા અને અદાણી ટોટલ સવા ટકો નરમ હતા. સામે એનડીટીવી સવાબે ટકા, અંબુજા સિમેન્ટ સવા ટકા નજીક, એસીસી અડધો ટકો વધ્યા છે. અદાણી પાવર એકાદ ટકો કટ થયો હતો. બાકીના શૅરોની વધઘટ નગણ્ય હતી. મૉનાર્ક નેટવર્થ બે ટકાની વધુ આગેકૂચમાં ૨૪૭ નજીક પહોંચ્યો છે. ​​ક્વિન્ટ ડિજિટલ એક ટકો ઘટી ૧૬૫ અંદર ગયો છે. પતંજલિ ફૂડ્સ ૧૭ ગણા કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૯૪ થયો છે. એમઆરએફ ૧,૦૦,૩૦૩ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી સાધારણ ઘટાડામાં ૯૯,૭૦૦ બંધ આવ્યો છે. શૅર સતત બીજા દિવસે લાખેણો થવા છતાં લાખ રૂપિયાનો બંધ આપવામાં નિષ્ફળ ગયો છે. મૉન્સૂનના આગમન સાથે ખાતર શૅરો લાઇમલાઇટમાં આવ્યા છે. ઉદ્યોગના ૨૨માંથી ૧૭ શૅર વધ્યા છે. ફૅક્ટ ૩૯૦ની ટૉપ બનાવી ૧૪.૬ ટકાના ઉછાળે ૩૭૭ નજીક બંધ હતો. ફૉસ્ફેટ કંપની પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૮, ઝુખારી ઍગ્રો ૪ ટકાની મજબૂતીમાં ૧૫૩ તો જીએસએફસી સાડાત્રણ ટકા વધી ૧૬૩ બંધ હતી. આરસીએફ, સ્પીક, મદ્રાસ ફર્ટિ, એરિસ ઍગ્રો બેથી અઢી ટકા તથા નાગાર્જુના ફર્ટિ. સાડાત્રણ ટકા અપ હતા. ઈકેઆઇ એનર્જી ૬ ટકાના ગાબડામાં ૪૭૫ નીચે બંધ આપી એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. સ્ટીલ ​સ્ટ્રિપ્સ વ્હીલ્સ ૧૮ ગણા કામકાજે ૧૮૫ની નવી ટૉપ બનાવી ૧૪ ટકાના જમ્પમાં ૧૮૩ બંધ આપી એ-ગ્રુપમાં બેસ્ટ ગેઇનર હતો. થ્રીએમ ઇન્ડિયા ૨૮,૫૦૦ના શિખરે જઈ ૫.૫ ટકા કે ૧૪૭૯ રૂપિયા ઊછળી ૨૮,૪૨૧ થયો છે. 

સૂર્યોદય બૅન્ક અને પેટીએમમાં નવી ઐતિહાસિક ઊંચી સપાટી 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના ઘટાડે ૯૨ પૉઇન્ટની કમજોરીમાં ૪૩,૯૮૮ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૪ શૅરના સુધારામાં ફલૅટ હતો. પંજાબ સિંઘ બૅન્ક જૈસે-થે રહ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી ૧૩ શૅર પ્લસ હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, સેન્ટ્રલ બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, તામિલનાડુ બૅન્ક યથાવત્ હતા. સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૧૭૫ની વર્ષની ટૉપ બનાવી સવાનવ ટકાની તેજીમાં ૧૭૨ થઈ છે. આ શૅર મહિના પહેલાં ૧૨૫ અને ત્રણ મહિના પહેલાં ૯૫ હતો. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૭૭ના શિખરે જઈ અઢી ટકા વધી ૭૬.૭૮ હતી. કરુર વૈશ્ય ૧૧૭ ઉપર નવી ટૉપ દેખાડી એક ટકો વધી ૧૧૫ રહી છે. બંધન બૅન્ક ૩.૫ ટકા, આરબીએલ બૅન્ક ત્રણ ટકા, યસ બૅન્ક દોઢ ટકો, જેકે બૅન્ક સવા ટકો નરમ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૦માંથી ૬૯ શૅરના સુધારામાં સામાન્ય ઘટ્યો છે. ટ્રુકૅપ ફાઇ. ૧૨.૪ ટકાના ઉછાળે ૫૩ નજીક ગયો છે. જિંદાલ હો​લ્ડિંગ્સ ૧૧.૩ ટકા કે ૪૯૮ રૂપિયા, નાહર કૅપિટલ સાડાછ ટકા, મોતીલાલ ઓશ્વાલ સાડાત્રણ ટકા મજબૂત હતા. પેટીએમ ૮૬૪ની વર્ષની ટોચે જઈ પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૮૫૭ નજીક બંધ થયો છે. ૨૪ નવે.ના રોજ અહીં ૪૪૦ નીચેની ઑલટાઇમ બૉટમ બની હતી. લાર્સન ફાઇ. ૧૧૩ની ટોચે જઈ બે ટકા વધીને ૧૧૨ હતો. એલઆઇસી અડધો ટકો ઘટી ૫૯૬ થયો છે. એફએમસીજી આંક ૮૦માંથી ૪૧ શૅરના સથવારે અડધો ટકો વધ્યો છે. હિન્દુ. યુનિલીવર, તાતા કન્ઝ્યુમર, પતંજલિ ફૂડ્સ, નેસ્લે, તાતા કૉફી, ગોદરેજ કન્ઝ્યુમર, મૅરિકો, ડાબર, યુનાઇટેડ ​સ્પિરિટ્સ જેવાં ચલણી કાઉન્ટર વધીને બંધ આવ્યાં છે. આઇટીસી નજીવા ઘટાડે ૪૪૪ હતી. શુગર ઉદ્યોગમાં એક શૅર પ્લસ તો સામે બે જાતો નરમ હતી. 

ઝી ગ્રુપના શૅરોમાં સુધારો થયો, લોઢાની મૅક્રોટેક નવી ટોચે જઈ પટકાઈ

આઇટી ઇન્ડેક્સ ૫૮માંથી ૨૭ શૅરના સુધારા વચ્ચે નજીવો નરમ હતો. ઓરિઅન પ્રો, આર. સિસ્ટમ્સ, તાન્લા પ્લૅટફૉર્મ, બ્રાઇટકૉમ, થ્રીઆઇ ઇન્ફોટેક, ઓરેકલ, સિઅન્ટ બેથી પાંચ ટકા મજબૂત હતા. સાઇબરટેક ૯.૭ ટકાની તેજીમાં ૧૪૭ થયો છે. સામે લાર્સન ટેક્નૉ, કેલ્ટોન ટેક્નૉ, રામ્કો સિસ્ટમ્સ, ઝેનસાર, વકરાંગી, સોનાટા સૉફ્ટવેર, સિગ્નેટી, ડિલિન્ડ, કેપીઆઇટી ટેક્નૉ બેથી પોણાપાંચ ટકા કપાયા છે. ઇન્ફી અને ટીસીએસ સામાન્ય વધઘટે સામસામી રાહે હતા. વિપ્રો સાધારણ પ્લસ તો ટેક મહિન્દ્ર સહેજ નરમ હતો. ટેલિકૉમમાં રાઉટ મોબાઇલ, રેલટેલ, તાતા કમ્યુ, વોડાફોન પોણાબેથી પોણાત્રણ ટકા રણક્યા છે. તાતા ટેલિ સાડાપાંચ ટકા કટ થયો હતો. ઝી એન્ટર અડધો ટકો, ઝી મીડિયા પોણો ટકો, ઝીલર્ન સાડાચાર ટકા પ્લસ હતા. ડિશટીવી ૪.૧ ટકા બગડ્યો છે. આઇનૉક્સ વિન્ડ છ ટકા ઊછળી ૧૪૯ થયો છે, આઇનૉક્સ વિન્ડ એનર્જી પોણાબે ટકા વધી ૨૧૦૬ની ટોચે બંધ રહ્યો છે. રિયલ્ટીમાં લોઢાની મૅક્રોટેક ૭૦૯ના શિખરે જઈ પ્રૉફિટ બુ​કિંગમાં ૪.૪ ટકા તરડાઈ ૬૫૦ નીચે ગઈ છે. ગોદરેજ પ્રૉપર્ટીઝ બે ટકા, ઑબેરૉય રિયલ્ટી સવાત્રણ ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ ચાર ટકા વધ્યા છે. ડીએલએફ ૫૦૬ની ૧૫ વર્ષની ટૉપ બતાવી નજીવા સુધારે ૫૦૪ હતો. મેટલ ઇન્ડેક્સ સર્વાધિક દોઢ ટકો કે ૩૨૩ પૉઇન્ટ વધ્યો છે. એપીએલ અપોલો ૪.૩ ટકા, તાતા સ્ટીલ ૨.૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૧ ટકા, જિંદાલ સ્ટીલ સવા ટકો, વેદાન્તા એક ટકો મજબૂત બન્યા છે. હેલ્થકૅરમાં અનુહ ફાર્મા ૧૫.૮ ટકા, એસ્ટર ડીએમ ૭.૮ ટકા, સુવેન લાઇફ ૭.૬ ટકા, ગ્લોબલ હેલ્થ ૪.૫ ટકા, વિજ્યા ડાયગ્નૉસ્ટિક્સ ૩.૭ ટકા ઊંચકાયા હતા. 

stock market national stock exchange bombay stock exchange share market business news sensex nifty