ચુનાવી જંગમાં બીજેપીના બહેતરીન દેખાવને પગલે શૅરબજારમાં જશન જામ્યો

05 December, 2023 08:01 AM IST  |  Mumbai | Anil Patel

સેન્સેક્સ-નિફ્ટી માતબર ઉછાળા સાથે નવી વિક્રમી સપાટીએ, રોકાણકારોને પોણાછ લાખ કરોડ રૂપિયાનો તડાકો ; બીટકૉઇન ૪૨,૦૦૦ ડૉલરની ૧૯ મહિનાની ટોચે, ૨૦૨૪માં લાખથી સવા લાખ ડૉલર થવાના વરતારા : સોનું દેશ-વિદેશમાં સર્વોચ્ચ સપાટીએ, ચાંદીમાં છ મહિનાની ઊંચી સપાટી.

પ્રતીકાત્મક તસવીર

પાંચ રાજ્યોની ચૂંટણીમાં બીજેપી ત્રણ રાજ્યોમાં બહેતરીન દેખાવ સાથે વિજય મેળવ્યો છે. ઈવીએમથી મતપેટીઓ આ રીતે છલકાઈ જશે એવી કલ્પના તો કદાચ ખુદ ભાજપને પણ નહીં હોય. સંસદીય કે લોકસભાની ચૂંટણી પહેલીની મિની-બૅટલ આ રીતે જીતીને સતાધારી પક્ષે ૨૦૨૪ માટે પોતાનું સ્થાન લગભગ પાકું કરી લીધું છે. આની સીધી અસરમાં સોમવારે શૅરબજાર ફૂલીની ફાળકો થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૯૫૪ પૉઇન્ટની ગૅપમાં ઉપર ૬૮,૪૩૫ ખૂલી ૧૩૮૪ પૉઇન્ટની તેજીમાં ૬૮,૮૬૫ બંધ થયો છે. શૅર આંક ઉપરમાં ૬૮,૯૧૮ થયો હતો. આમ ઇન્ટ્રા-ડે અને ક્લૉઝિંગની રીતે ગઇ કાલે સેન્સેક્સ ઑલટાઇમ હાઈ થયો છે. ૨૦૨૩ની ૧૫ સપ્ટેમ્બરના બેસ્ટ લેવલ ભેદાઈ ગયા છે, તો નિફ્ટી બૅક ટુ બૅક નવી સર્વોચ્ચ સપાટી બનાવતા ૨૦,૭૦૩ થઈ ૪૧૯ પૉઇન્ટના ઉછાળામાં ૨૦,૬૮૭ બંધ આવ્યો છે. આ સાથે છેલ્લા ૧૩ દિવસમાં નિફ્ટી સાડાછ ટકાથી વધુ કે ૧૨૬૦ પૉઇન્ટ ઊંચકાઈ ચૂક્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીના ૨.૧ ટકાના જમ્પની સાથે-સાથે બ્રૉડર માર્કેટ ૧.૮ ટકા, સ્મૉલ કૅપ અને મિડ કૅપ ૧.૨ ટકા વધી નવી વિક્રમી સપાટીએ ગયાં છે. આ ઉપરાંત બૅન્ક નિફ્ટી ૧૬૧૭ પૉઇન્ટ કે ૩.૬ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૩.૯ ટકા, એનર્જી ઇન્ડેક્સ ૨.૯ ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક ત્રણ ટકા, યુટિલિટીઝ ૨.૯ ટકા, પાવર ઇન્ડેક્સ ત્રણ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૩.૮ ટકા, કૅપિટલ અડધા ટકા નજીક, કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ નહીંવત સુધારે નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયાં છે. રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા, મેટલ ઇન્ડેક્સ પોણા ટકાથી વધુ તથા આઇટી અને ટેક્નૉલૉજી બેન્ચમાર્ક અડધો ટકો વધીને નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ હતા. એનએમસીજી ઇન્ડેક્સ પોણા ટકાની આગેકૂચમાં ઑલટાઇમ હાઈ થયો છે. બીએસઈના તમામ સેક્ટોરલ પ્લસ હતા. એનએસઈ ખાતે નિફ્ટી મીડિયા પોણો ટકો તથા નિફ્ટી ફાર્મા નહીંવત નરમ હતા. ખાસ્સી સ્ટ્રોન્ગ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૭૩૩ જાતો ઘટી હતી, સામે લગભગ બે ગણા, ૧૪૧૧ શૅર વધ્યા છે. બજારનું માર્કેટ કૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૫.૮૦ લાખ કરોડના ઉમેરામાં ૩૪૩.૪૭ લાખ કરોડની નવી વિક્રમ સપાટીએ આવી ગયું છે. 

બહુમતી એશિયન બજાર સોમવારે માઇનસમાં હતાં. હૉન્ગકૉન્ગ એક ટકાથી વધુ તો જપાન અડધા ટકાથી વધુ ડાઉન હતું. ચાઇના અને સિંગાપોર સાધારણ તથા તાઇવાન નજીવું ઘટ્યું છે. સામે ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ સામાન્ય સુધારામાં હતાં. યુરોપ રનિંગમાં સાંકડી વધઘટે અથડાયેલું જોવાયું છે. શુક્રવારે બે ટકાની તેજી સાથે બેસ્ટ લેવલે ગયેલું પાકિસ્તાની શૅરબજાર ગઈ કાલે ૬૨,૯૧૨ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી રનિંગમાં દોઢ ટકા કે ૮૮૪ પૉઇન્ટની મજબૂતીમાં ૬૨,૫૭૫ થયું છે. પાકિસ્તાન બરબાદીના પંથે છે, અર્થતંત્ર સાવ ખાડે ગયું છે એવી વાતો વચ્ચે કરાચી શૅરબજાર છેલ્લા એક વર્ષમાં ૪૭ ટકા વધી ગયું છે. ક્રૂડ સવા ટકો ઘટી ૭૮ ડૉલરની અંદર ઊતરી ગયું છે. 

બીટકૉઇન ૪૨,૦૦૦ ડૉલર ભણી, સોનું ૨૧૫૦ ડૉલર ભણી સરક્યું

શૅરબજારની સાથોસાથ ઘરઆંગણે એમસીએક્સ ગોલ્ડ ૬૪,૦૦૦ની વિક્રમી સપાટીએ ગયું છે, ચાંદી ૭૮,૫૯૦ બોલાઈ છે. વિશ્વબજારમાં હાજર સોનું ૨૧૪૬ ઉપર નવી ઑલટાઇમ હાઈ દેખાડી રનિંગમાં સાધારણ ઘટાડે ૨૦૬૪ ડૉલર હતું. ચાંદી ૨૫ ડૉલર ઉપર છ માસની ટોચે ગઈ છે. અખાતી વૉરના કારણે છેલ્લા બે માસથી સોનું ડિમાન્ડમાં છે. ૨૦૨૩ના વર્ષે ભાવ નીચામાં ૧૮૧૧ ડૉલર થયો હતો. ત્યાંથી અત્યાર સુધીમાં અહીં ૧૮.૫ ટકાની તેજી આવી ચૂકી છે. ૨૦૨૪માં વિશ્લેષકો ૨૨૦૦ ડૉલરની પાર સોનું જશે એમ નક્કી માને છે. બીજી તરફ બીટકૉઇન ગઈ કાલે રનિંગમાં ૪૨,૦૦૦ની સાવ નજીક, ૪૧,૯૭૪ ડૉલરે જઈ ૬.૨ ટકાની તેજીમાં ૪૧,૯૬૬ દેખાયો છે. ભારતીય ચલણમાં અત્રે ૩૫ લાખ રૂપિયા બોલાયા છે. છેલ્લા ૧૯ માસમાં પ્રથમ વાર બીટકૉઇન ૪૦,૦૦૦ ડૉલરની ઉપર ગયો છે. ૨૦૨૨ની ૨૬ ડિસેમ્બરે બીટકૉઇન ૧૬,૫૪૦  ડૉલરના તળિયે ગયો હતો. એક વર્ષથી ઓછા ગાળામાં રેટ ૧૫૪ ટકા વધી ગયો છે. વાત અહીં નથી બરકતી. સ્ટાન્ચાર્ટ વાળા ૨૦૨૪ના વર્ષે બીટકૉઇનમાં એક લાખ ડૉલરનો ભાવ લાવ્યા છે અને મેટ્રિકપોર્ટ દ્વારા એપ્રિલમાં બીટકૉઇન ૬૩,૧૪૦ ડૉલર તથા ૨૦૨૪ના અંત સુધીમાં સવા લાખ ડૉલર થવાની આગાહી કરવામાં આવી છે. બીટકૉઇન પાછળ ઇથરમાં પણ મે-૨૦૨૨ પછી પ્રથમ વાર ૨૨૦૦ ડૉલર ઉપરનો ભાવ થયો છે. ગઈ કાલે ઇથર રનિંગમાં ૪.૪ ટકા વધી ૨૨૬૧ ડૉલર હતો. અમેરિકા ખાતે આગામી વર્ષે બીટકૉઇન ઈટીએફને લીલી ઝંડી મળવાની ધારણા પાછળ બીટકૉઇનમાં તેજી વેગીલી બની છે. ગઈ કાલે ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કૅપ અઢી ટકા વધીને ૧.૫૨ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું છે. 

અદાણીના દસેદસ શૅર જોરમાં, લાર્સન અને આઇશરમાં સેંકડા ફરી ગયા 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૮ અને નિફ્ટીના ૫૦માંથી ૪૪ શૅર વધ્યા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૪.૭ ટકાની તેજીમાં ૯૯૧ નજીક બંધ આપી મોખરે હતી. એના કારણે સેન્સેક્સને ૨૭૧ પૉઇન્ટ મળ્યા હતા. એચડીએફસી બૅન્ક ૩.૪ ટકા ઊછળી ૧૬૦૯ બંધ થતાં બજારને સર્વાધિક ૩૫૪ પૉઇન્ટનો ફાયદો થયો છે. સ્ટેટ બૅન્ક ચાર ટકા, કોટક બૅન્ક પોણાચાર ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૩.૬ ટકા મજબૂત હતી. ઍક્સિસ બૅન્ક બે ટકા વધી ૧૧૨૬ના શિખરે રહી છે. આ છ બૅન્કો થકી સેન્સેક્સને ૮૭૧ પૉઇન્ટનો ફાયદો થયો છે. લાર્સન ૩૩૪૭ની વિક્રમી સપાટી બાદ ૩.૯ ટકા કે ૧૨૪ની તેજીમાં ૩૩૧૪ નજીક ગયો છે. અલ્ટ્રાટેક ૯૩૩૭ના શિખરે જઈ ૨૭૫ કે ત્રણ ટકાની મજબૂતીમાં ૯૩૦૭ હતો. હિન્દુ. યુનિલીવર, ભારતી ઍરટેલ, મહિન્દ્ર, બજાજ ફાઇ, એનટીપીસી દોઢથી બે ટકા વધ્યા હતા. રિલાયન્સ ૬ ગણા કામકાજે ૧.૨ ટકા વધીને ૨૪૨૧ થયો છે. નિફ્ટી ખાતે આઇશર મોટર્સ ૪૨૦૦ના બેસ્ટ લેવલે જઈ ૭.૪ ટકા કે ૨૮૯ના ઉછાળે ૪૧૮૦ના બંધમાં ટૉપ ગેઇનર હતો. ભારત પેટ્રો ૫.૪ ટકા, અદાણી એન્ટર ૭.૧ ટકા કે ૧૬૮ રૂપિયા, અદાણી પોર્ટ્સ ૬.૧ ટકા, ઓએનજીસી ૩.૯ ટકા, બજાજ ઑટો અઢી ટકા, કૉલ ઇન્ડિયા સવાબે ટકા, એસબીઆઇ લાઇફ ૨.૧ ટકા, ગ્રાસીમ ૧.૮ ટકા, હીરો મોટોકૉર્પ એક ટકો વધ્યાં છે. એચડીએફસી લાઇફ એક ટકાથી વધુ, બ્રિટાનિયા ૦.૭ ટકા, વિપ્રો, ટાઇટન, સનફાર્મા અને તાતા મોટર્સ નામપૂરતા નરમ હતા. 
ગઈ કાલે અદાણી ગ્રુપના ૧૦માંથી ૧૦ શૅર મજબૂત થયા છે. અદાણી એન્ટર અને અદાણી પોર્ટ્સના તગડા જમ્પ સિવાય અદાણી પાવર સાડાપાંચ ટકા, અદાણી એનર્જી સોલ્યુ. ૫.૪, અદાણી ગ્રીન સાડાનવ ટકા નજીક, અદાણી ટોટલ ૪.૪ ટકા, એસીસી સવાછ ટકા, અદાણી વિલ્મર પોણાબે ટકા, અંબુજા સિમેન્ટ્સ સવાસાત ટકા અને એનડીટીવી પોણાત્રણ ટકા ઊંચકાયા છે.  

સાધના નાઇટ્રો વૉલ્યુમ સાથે તેજીમાં, વ્હર્લપૂલ બૅક ટુ બૅક ટૉપ લૂઝરમાં
સાધના નાઇટ્રોકેમ તરફથી એક રૂપિયાના શૅરદીઠ ૧૨૧ના ભાવથી ૪૯૯૫ લાખ રૂપિયાનો રાઇટ ઇશ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. કંપની આ ભંડોળથી ૧૨૬ એકરનો લૅન્ડ પ્લોટ ખરીદી એમાં ૧૫થી ૨૦ મેગાવોટની ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી ઊભી કરશે. શૅર ગઈ કાલે બમણા કામકાજે ઉપરમાં ૯૮ વટાવી અંતે સાતેક ટકાની તેજીમાં ૯૫ નજીક બંધ થયો છે. ૮૯ નજીકના આગલા બંધની સામે પ્રીમિયમે ૧૨૧ના ભાવથી રાઇટની જાહેરાત વચ્ચે શૅરનો ભાવ વધ્યો છે એ સૂચક છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૧.૧ ટકા કે ઉક્ત ગ્રીન હાઇડ્રોજન એકમ કાર્યરત થતાં કંપની સંપૂર્ણપણે ગ્રીન સ્પેશ્યલિટી કેમિકલ્સ કંપની બની જશે. યુરોપ-અમેરિકામાં એની પ્રોડક્ટ્સ પ્રીમિયમે વેચી શકશે. શુક્રવારે ૪૯ ટકાના લિસ્યિંગ ગેઇનમાં ૪૫૩ નજીક બંધ રહેલી ફ્લૅર રાઇટિંગ ઇન્ડ. ગઈ કાલે ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૪૦૭ના તળિયે ગઈ છે. તાતા ટેક્નૉલૉજીસ ૧૧૫૧ની બૉટમ બનાવી સવાબે ટકા ઘટીને ૧૧૯૨ હતી. બ્લુજેટ હેલ્થકૅર ૩૩૩ની નવી નીચી સપાટી બાદ અઢી ટકા વધી ૩૫૬ વટાવી ગઈ છે. ગાંધાર ઑઇલ રિફાઇનરી ૨૬૯ના તળિયે જઈ ૨.૮ ટકા ગગડી ૨૭૨ હતી. ફેડ બૅન્ક ફાઇ. સર્વિસિસ પોણો ટકો ઘટી ૧૪૧ થઈ છે. રોકડામાં સંગમ ઇન્ડસ્ટ્રીઝ, ભારતીયા ઇન્ટરનૅશનલ, ચેન્નઈ મિનાક્ષી મલ્ટીસ્પે. હૉસ્પિટલ, એસ્સાર શિપિંગ ૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા. આઇનોક્સ વિન્ડ ૩૪૧ની ટૉપ બતાવી ૧૫.૪ ટકાના ઉછાળે ૩૩૨ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. પૈસાલો ડિજિટલ ૧૫ ટકા, આઇએફસીઆઇ ૧૩.૨ ટકા અને જીએસએફસી ૧૧.૨ ટકા મજબૂત હતા. સિએન્ટ ૧૯૨ રૂપિયા કે ૯.૬ ટકાના જમ્પમાં ૨૧૮૮ના શિખરે ગયો છે. 

એલઆઇસી સવાસાત ટકા ઊછળ્યો, 63 મૂન્સ ઉપલી સર્કિટે દાયકાની ટોચે 
ગઈ કાલે બૅન્ક નિફ્ટી અને પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરની તેજીમાં જબ્બર ઉછાળે નવા શિખરે ગયા છે. બૅન્ક નિફ્ટી ૧૬૧૭ પૉઇન્ટ ઊંચકાઈ ૪૬,૪૩૧ થયો છે. બૅન્કિંગના ૩૯માંથી માત્ર ૪ શૅર ડાઉન હતા. ઇક્વિટાસ બૅન્ક અને ફીનો પેમેન્ટ બૅન્ક એક ટકો તથા કરૂર વૈશ્ય અડધો ટકો ઘટી છે. સેન્ટ્રલ બૅન્ક સર્વાધિક ૯ ટકા ઊછળી ૪૮ વટાવી ગઈ છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ, પીએનબી, કૅનેરા બૅન્ક, સ્ટેટ બૅન્ક, યુકો બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક, યુનિયન બૅન્ક, એચડીએફસી બૅન્ક, બંધન બૅન્ક, ફેડરલ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ, કોટક બૅન્ક, આરબીએલ બૅન્ક, સીએસબી બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, જેકે બૅન્ક સવાત્રણથી સાડાપાંચેક ટકા ઊંચકાઈ છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૧૧૮ શૅરના સથવારે ત્રણ ટકા ઊછળી ૧૦,૧૪૬ના લેવલે નવા શિખરે ગયો છે. એલઆઇસી દોઢા કામકાજે સવાસાત ટકાની તેજીમાં ૭૧૯ વટાવી ગઈ છે. પેટીએમ પોણાબે ટકા ગગડી ૮૫૫ હતો. એમસીએક્સ એક ટકાની નરમાઈમાં ૩૦૯૧ બંધ થતાં પહેલાં ઉપરમાં ૩૨૦૦ નજીક દેખાયો હતો. બીએસઈ લિમિટેડ ૨૫૯૫ની વિક્રમી સપાટી બાદ અડધો ટકો વધી ૨૫૧૨ રહ્યાં છે. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૦ શૅર પ્લસમાં આપી અડધો ટકો સુધર્યો છે. 63 મૂન્સ તેજીની પકડ જાળવી રાખતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૪૧ની લગભગ સાડાદસ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. એફએમસીજી ખાતે સુખજિત સ્ટાર્ચ ૧૦.૮ ટકાની તેજીમાં ૪૬૪ના શિખરે બંધ હતો. એનર્જીમાં હિન્દુ. પેટ્રોલિયમ નવ ટકા, ઑઇલ ઇન્ડિયા ૬ ટકા, ભારત પેટ્રો ૫.૪ ટકા, ઇન્ડિયન ઑઇલ ૪.૧ ટકા ઊંચકાયા હતા. ટેલિકૉમમાં એમટીએનએલ પાંચ ટકા રણક્યો છે, ભારતી ઍરટેલ ૧૦૪૩ની ઑલટાઇમ હાઈ બનાવી પોણાબે ટકા વધી ૧૦૩૨ હતો. એનો પાર્ટપેઇડ પણ સવાત્રણ ટકા વધી ૬૩૭ની ટોચે બંધ રહ્યો છે. કૅપિટલ ગુડ્સમાં એબીબી ઇન્ડિયા ૨૩૬ કે ૫.૪ ટકાના જમ્પમાં ૪૬૨૩ના બેસ્ટ લેવલે ગયા છે. યુટિલિટીઝમાં અદાણી ગ્રીન ૯.૪ ટકાના ઉછાળે ૧૧૨૩ બંધ આપી ઝળક્યો હતો. પીએસયુ ઇન્ડેક્સ તમામ ૫૫ શૅર પ્લસમાં આપી સવાત્રણ ટકા વધી નવા શિખરે બંધ હતો. 

 

stock market national stock exchange bombay stock exchange assembly elections business news