03 January, 2023 12:42 PM IST | Mumbai | Anil Patel
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ફાર્મા-હેલ્થકૅરની સાધારણ પીછેહઠ, બજારના મોટા ભાગનાં સેક્ટોરલ પ્લસ, માર્કેટ બ્રેડ્થ ટનાટન : સેન્સેક્સ-નિફ્ટીમાં તાતા સ્ટીલની આગેવાની, રિલાયન્સ માર્કેટ આઉટ પર્ફોર્મર, અદાણીના ૧૦માંથી બે શૅર વધ્યા : સ્વૈચ્છિક ડીલિસ્ટિંગની હિલચાલમાં બીએફ ઇન્વેસ્ટમેન્ટ ૨૦ ટકા ઊછળ્યો, વેચાણ બમણું થતાં એસએમએલ ઇસુઝુ વૉલ્યુમ સાથે ઉપલી સર્કિટે : થાણે પ્રોજેક્ટના જોરમાં ભારત ઍગ્રિફર્ટ ચાર આંકડે દેખાયો, ઇકરા ૧૧.૨ ટકાના જમ્પમાં ૫૧૧૦ની ટોચે : વેચાણના નબળા આંકડા વચ્ચે મારુતિ સુઝુકી અને આઇશર જૈસે-થે રહ્યા, બજાજ ઑટો નરમ થયો : એમસીએક્સ છ ટકા ગગડીને ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો
લગભગ તમામ અગ્રણી એશિયન બજારો સોમવારે રજામાં હતાં. ઇન્ડોનેશિયન માર્કેટ ૬૮૫૧ પૉઝિટિવ ઓપનિંગ બાદ પોણાથી સવા ટકો ઉપર રનિંગમાં દેખાયું છે. લંડન બજાર રજામાં હતું. ઘરઆંગણે સેન્સેક્સ ૩૨૭ પૉઇન્ટ વધીને ૬૧,૧૬૮ નજીક તો નિફ્ટી ૯૨ પૉઇન્ટના પ્લસમાં ૧૮,૧૯૭ ઉપર બંધ આવ્યા છે. રોકડું અને બ્રૉડર માર્કેટ સુધારાના પ્રમાણમાં સારા વ્યાપના પગલે પૉઝિટિવ અન્ડરકરન્ટમાં હતા. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ જોવા મળી છે. એનએસઈમાં ઘટેલા ૬૬૮ શૅરની સામે બમણા, ૧૩૭૧ શૅર વધીને બંધ આવ્યા છે. ફાર્મા, હેલ્થકૅર, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા જૂજ અપવાદના મામૂલી ઘટાડાને બાદ કરતાં તમામ સેક્ટોરલ વધ્યા છે. મેટલ ઇન્ડેક્સ ૨.૮ ટકા, ટેલિકૉમ બેન્ચમાર્ક ૧.૩ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ એકાદ ટકા સાથે એમાં મોખરે હતા.
ટીસીએસનાં પરિણામ ૯ જાન્યુઆરીએ આવશે. શૅર ગઈ કાલે ૩૨૬૦ના લેવલે ફ્લૅટ હતો. ઇન્ફી એક ટકો વધી ૧૫૨૪ થયો છે, એના રીઝલ્ટ ૧૨મીએ છે. વિન્દય ટેલી પોણાસાત ટકા, તેજસ નેટ પોણાપાંચ ટકા, તાતા કમ્યુ. સાડાત્રણ ટકા, ઑન મોબાઇલ સવાત્રણ ટકા, આઇટીઆઇ અઢી ટકા વધવાની સાથે ભારતી ઍરટેલ ૦.૯ ટકા સુધરતાં ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૩ ટકા રણક્યો છે. જેપી અસોસિએશન ૧૦ ટકાની તેજીમાં ૧૧ ઉપરના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. લોઇડ સ્ટીલ ૯.૭ ટકા અને સિંધુ ટ્રેડ ૯.૬ ટકા ઊંચકાયા હતા. એમસીએક્સ માટે નવા વર્ષનો આરંભ દુ:ખદાયી થયો છે. ભાવ છ ટકાથી વધુ તૂટી ૧૪૫૮ બંધ થતાં ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર આ શૅર બન્યો છે. બીએસઈનો શૅર બે ટકા વધીને ૫૫૬ રહ્યો છે.
અદાણીના શૅરોમાં નબળાઈ, રિલાયન્સ સુધર્યો, મેટલ ઇન્ડેક્સ સર્વાધિક પ્લસ
સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર વધ્યા છે. તાતા સ્ટીલ આશરે પાંચ ગણા વૉલ્યુમ સાથે પોણાછ ટકાની તેજીમાં ૧૧૯ ઉપરના બંધમાં બન્ને બજાર ખાતે મોખરે હતો. હિન્દાલ્કો ૨.૮ ટકા, ઓએનજીસી ૨.૭ ટકા, તતા મોટર્સ પોણાબે ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૩ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૨ ટકા વધ્યા છે. ઇન્ફી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારત પેટ્રો, મહિન્દ્ર, ભારતી ઍરટેલ, એનટીપીસી, અલ્ટ્રાટેક, યુપીએલ, એસબીઆઇ લાઇફ, પાવર ગ્રિડ પોણાથી સાડાએકાદ ટકો અપ હતા. રિલાયન્સ એક ટકાથી વધુના સુધારે ૨૫૭૫ બંધ આપી બજારને સર્વાધિક ૮૧ પૉઇન્ટ ફળ્યો છે. એશિયન પેઇન્ટ્સ દોઢેક ટકાના ઘટાડે સેન્સેક્સમાં તો દીવીસ લૅબ સવા ટકાની કમજોરીમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતા. ટાઇટન સવા ટકો ઘટ્યો છે. નવા વર્ષે અદાણીના શૅરોમાં અદાણી ટ્રાન્સ ૧.૭ ટકા, અદાણી ગ્રીન સવાબે ટકા, અદાણી ટોટલ સાડાત્રણ ટકા, અદાણી વિલ્મર સવાબે ટકા, એનડીટીવી પોણાબે ટકા અને અદાણી એન્ટર અડધો ટકો ડાઉન હતા. અંબુજા સિમેન્ટ તથા અદાણી પોર્ટ્સ અડધો ટકો વધ્યા છે, એસીસી ફ્લૅટ હતી. અદાણી પાવર અડધો ટકો નજીક ઢીલો હતો. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની મજબૂતીમાં ૫૯૦ પૉઇન્ટ કે ૨.૮ ટકા સૌથી વધુ ઊંચકાયો છે. સેઇલ સાડાસાત ટકા, જિન્દલ સ્ટીલ સવાબે ટકા વધ્યા છે. અત્રે કોલ ઇન્ડિયા નજીવા ઘટાડે ૨૨૫ નજીક બંધ હતી.
ગ્રોથ સ્ટોરી કામે લાગતાં ભારત ઍગ્રિફર્ટ ૧૦૦૦ના નવા શિખરે
મુંબઈની ભારત ઍગ્રિફર્ટ ઍન્ડ રિયલ્ટી તેજીની ચાલમાં સોમવારે દોઢા વૉલ્યુમે ૧૦૦૦ના નવા શિખરે જઈ દોઢ ટકો વધી ૯૯૧ થઈ છે. વર્ષ પૂર્વે ભાવ ૨૮૧ આસપાસ હતો. કંપની માટે થાણે ખાતેના ખાતર એકમને ખસેડીને પાલઘરના વાડા ખાતે લઈ જઈ થાણેની જમીન વેપારી ધોરણે ઉપયોગમાં લેવાનો નિર્ણય લાભદાયી નીવડ્યો છે. થાણે ખાતે પ્રથમ તબક્કે ૩૫૬ ફ્લૅટ્સનો પ્રોજેક્ટ સફળતાથી પૂરો થતાં બૉટમ લાઇનમાં ૭૫ કરોડનો વધારો થયો છે. બીજા તબક્કે ૬૫ ફ્લોરનો ટાવર પ્રોજેક્ટ હાથ ધરાશે. થાણેનો આ ટોલેસ્ટ ટાવર પ્રોજેક્ટ ૩-૪ વર્ષમાં પૂરો થશે, જેના લીધે કંપની ટૉપ લાઇનમાં ૮૦૦ કરોડ અને બૉટમ લાઇનમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનો લાભ ખાટશે. આમ ખાતર એકમનું સ્થળાંતર કરવાનો અને એની જમીનને વેપારી ધોરણે ડેવલપ કરવાનો નિર્ણય કંપની માટે પાંચેક વર્ષમાં આશરે ૪૦૦ કરોડનો ફાયદો લાવશે. થાણેનો બીજા તબક્કાનો પ્રોજેક્ટ ટૂંકમાં હાથ ધરાશે. મૂળ આ કંપની આઇફરનો કેસ બની હતી. નવી મૅનેજમેન્ટનું વિઝન કામે લાગ્યું છે. શૅરની ફેસવૅલ્યુ ૧૦ની છે. બુકવૅલ્યુ ૧૧૫ જેવી છે. ઇક્વિટી ઘણી નાની, ૫૨૮ લાખ રૂપિયા છે, જેમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૭.૯ ટકાનું છે. બજારમાં શૉર્ટ ટર્મ ટાર્ગેટ ૧૩૫૦નો મુકાય છે. સ્ટૉપ લોસ ૫૫૦ છે.
કૅનેરા બૅન્ક ૫૮ મહિનાની ટોચે, બીએફ ઇન્વેસ્ટમેન્ટમાં ૨૦ ટકાની તેજી
ગઈ કાલે બૅન્ક નિફ્ટી અડધો ટકો કે ૨૧૭ પૉઇન્ટ અને પીએસયુ બૅન્ક નિફ્ટી પોણા ટકાની નજીક વધ્યા છે, પણ સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૯ શૅર પ્લસ હતા. કૅનેરા બૅન્ક ૩૪૦ની ૫૮ મહિનાની નવી ટૉપ દેખાડી પોણો ટકો સુધરી ૩૩૬ રહી છે. યસ બૅન્ક ૫ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ચારેક ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૯ ટકા, બંધન બૅન્ક અઢી ટકા, ઉજ્જીવન બૅન્ક ત્રણેક ટકા, સીએસબી બૅન્ક સાડાત્રણ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા સાડાત્રણ ટકા મજબૂત હતા. પંજાબ સિંધ બૅન્ક ૪.૯ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક અઢી ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક અને સિટી યુનિયન બૅન્ક સવા ટકો ઘટ્યા છે. એચડીએફસી બૅન્ક, સ્ટેટ બૅન્ક, કોટક બૅન્ક નજીવી વધ-ઘટે બંધ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૧૦૪ શૅર પ્લસમાં આપી અડધો ટકો સુધર્યો છે. બીએફ ઇન્વેસ્ટમેન્ટમાં શૅરના સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ માટે ચોથીએ બોર્ડ મીટિંગ જાહેર થતાં ભાવ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૫૦ બંધ રહ્યો છે. વીએસએસ ફાઇ. ૧૩.૯ ટકા, જીઆઇસી હાઉસિંગ ૧૨.૩ ટકા, ઇકરા ૧૧.૨ ટકા ઊછળી ૫૧૧૦ના બેસ્ટ લેવલે, પ્રુડન્ટ કૉર્પોરેટ આઠ ટકા, પીએનબી હાઉસિંગ સવાસાત ટકા, સુમિત સિક્યુ. ૬.૭ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ પાંચ ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ૪ ટકા ઊંચકાયા છે. એલઆઇસી સાડાત્રણ ટકા વધી ૭૦૯ બંધ હતો. પેટીએમ તથા નાયકા સાધારણ અને પૉલિસી બાઝાર એક ટકો અપ થયા છે.
જીએમ પૉિલપ્લાસ્ટ વિક્રમી સપાટીએ જઈ ૯૩ રૂપિયા ગગડ્યો
મુંબઈની જીએમ પૉિલપ્લાસ્ટ એક શૅરદીઠ છ બોનસમાં બુધવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે ૧૨૮૩ની વિક્રમી સપાટી બનાવી અઢી ટકા ઘટી ૧૧૯૦ બંધ થયો છે. વર્ષ પૂર્વે અહીં ૧૬૮નો નીચો ભાવ બન્યો હતો. આ કંપની સપ્ટેમ્બર ૨૦૨૦ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૧૫૯ના ભાવે ૮૦૯ લાખ રૂપિયાનો બીએસઈ એસએમઈ આઇપીઓ લાવી હતી. ઇશ્યુ કુલ મળીને ૧.૬ ગણો જ ભરાયો હતો. ૧૪ ઑક્ટોબર ૨૦૨૦ના દિવસે લિસ્ટિંગમાં શૅર નીચામાં ૧૫૩ થઈ છેલ્લે ૧૬૭ ઉપર બંધ રહ્યો હતો. મુંબઈની અન્ય કંપની સિક્યૉર ક્રેડેન્શિયલ્સ પણ શૅરદીઠ ત્રણ બોનસમાં ચોથીએ એક્સ બોનસ થશે. શૅર પાંચ ટકા ઊછળી ૧૨૩ બંધ આવ્યો છે. વેક્સફેબ એન્ટરપ્રાઇઝિસ એક શૅરદીઠ છના પ્રમાણમાં શૅરદીઠ ૧૮ના ભાવે રાઇટ ઇશ્યુમાં મંગળવારે એક્સ રાઇટ થવાની છે. ભાવ ગઈ કાલે પાંચ ટકા વધી ૪૩ રહ્યો છે. ફૅમિલીકૅર હૉસ્પિટલ્સ પણ ૧૦૦ શૅરદીઠ ૧૨૭ના પ્રમાણમાં રાઇટના કિસ્સામાં ત્રીજીએ એક્સ રાઇટ થશે. શૅર ૩.૭ ટકા ઘટી ૧૪ બંધ હતો. મુંબઈની આ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ વર્ષ પૂર્વે ૫૦.૭ ટકા હતું એ ગગડી સપ્ટેમ્બરના અંતે ૧૩.૭ ટકા થઈ ગયું છે. રાઇટ શૅરદીઠ ૧૨ના ભાવે થઈ રહ્યો છે. ૨૬ ડિસેમ્બરે તાજેતરમાં અહીં ૧૧.૫૦નું વર્ષનું બૉટમ બન્યું હતું. ૪ જુલાઈ ૨૦૨૨માં ભાવ ૫૮ની વિક્રમી સપાટીએ ગયો હતો.
અશોક લેલૅન્ડને વેચાણવૃદ્ધિ ફળી, એસએમએલ ઇસુઝુ તેજીની સર્કિટમાં
ડિસેમ્બર માસમાં મારુતિ સુઝુકીનું સ્થાનિક વેચાણ નવ ટકા ઘટ્યું છે. શૅર ગઈ કાલે નજીવો સુધરીને ૮૪૦૭ બંધ આવ્યો છે. તાતા મોટર્સનું ડોમેસ્ટિક વેચાણ ૧૦ ટકા વધ્યું છે. શૅર ૧.૭ ટકા ઊંચકાઈને ૩૯૫ હતો. તો ગત મહિને વેચાણમાં સાત ટકાનો ઘટાડો દર્શાવનાર આઇશર સોમવારે ૩૨૨૯ના આગલા લેવલે બંધ છે. એસ્કોર્ટ ૧૯ ટકાની વેચાણવૃદ્ધિ છતાં સાધારણ વધી ૨૧૪૬ રહ્યો છે. એસએમએલ ઇસુઝુનું વેચાણ બમણાથી વધુ નોંધાતાં શૅર નવ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૫ વધીને ૮૧૦ વટાવી બંધ હતો. મહિન્દ્રએ પૅસેન્જર વાહનોમાં ૬૧ ટકા અને ટ્રેક્ટર્સમાં ૨૭ ટકાનો વેચાણ વધારો હાંસલ કર્યો છે. શૅર ઉપરમાં ૧૨૭૧ થઈ એક ટકો સુધરી ૧૨૬૩ હતો. ટીવીએસ મોટર્સનું ટૂ-વ્હીલર્સનું વેચાણ ત્રણ ટકા ઘટીને આવતાં શૅર નીચામાં ૧૦૬૦ થઈ એક ટકાની નરમાઈમાં ૧૦૭૪ રહ્યો છે. હીરો મોટોકૉર્પનું વેચાણ ગત મહિને ૩.૯૪ લાખ નંગે ફ્લૅટ રહેતાં શૅર ૨૨૪૮ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૭૧૦ થઈ અડધો ટકો ઘટી ૨૭૨૦ બંધ આવ્યો છે. નિકાસમાં ૩૯ ટકાના ઘટાડાની અસરમાં બજાજ ઑટોનું વેચાણ ડિસેમ્બરમાં ૨૨ ટકા ઘટ્યું છે. શૅર એના પગલે નીચામાં ૩૫૨૪ બતાવી અંતે એક ટકાની નબળાઈમાં ૩૫૭૮ હતો. અશોક લેલૅન્ડે ૪૫ ટકાની વેચાણવૃદ્ધિ મેળવતાં ભાવ સવાબે ગણા વૉલ્યુમે ૩.૬ ટકા ઊંચકાઈ ૧૪૮ થયો છે.
રૂપિયામાં ડૉલર સામે ૧૪ પૈસાનો ઘટાડો જોવા મળ્યો, નવા વર્ષે પહેલા સેશનમાં રૂપિયો ૮૨.૭૫ પર બંધ રહ્યો
ક્રૂડ ઑઇલની વધતી કિંમતો અને સતત વિદેશી ભંડોળના પ્રવાહને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હોવાથી રૂપિયાએ નવા વર્ષની શરૂઆત નરમ રહી હતી, જે સોમવારે ડૉલર સામે ૪ પૈસા ઘટીને ૮૨.૭૫ પર બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ક્રૂડ ઑઇલના ભાવમાં થયેલા વધારા અને સતત વિદેશી ભંડોળના પ્રવાહને કારણે મજબૂત સ્થાનિક ઇક્વિટી અને નબળા અમેરિકન ચલણના સમર્થનને નકારી કાઢવામાં આવ્યું હતું. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૬૬ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૫૬ની ઊંચી સપાટી જોવા મળી હતી અને દિવસના અંતે એ ૮૨.૭૫ પર બંધ રહ્યો હતો, જે ૨૦૨૨ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ૮૨.૬૧ પર બંધ રહ્યો હતો.