ઇન્ટ્રા-ડેમાં શૅરબજાર નવી લાઇફ ટાઇમ હાઈ દેખાડીને ઢીલું પડ્યું, લગભગ તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં બંધ થયાં

08 July, 2023 12:55 PM IST  |  Mumbai | Anil Patel

૭૦ના ભાવવાળી પેન્ટાગૉન રબરમાં ૭૬.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો, સીએન્ટ ડીએલએમનું લિસ્ટિંગ સોમવારે ગયું

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈની આઇડિયા ફોર્જનું ધમાકેદાર લિસ્ટિંગ, ૯૨.૭ ટકાનું રિટર્ન : ૭૦ના ભાવવાળી પેન્ટાગૉન રબરમાં ૭૬.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો, સીએન્ટ ડીએલએમનું લિસ્ટિંગ સોમવારે ગયું : ઑલેક્ટ્રા ગ્રીન ટેક જંગી ઑર્ડર મળતાં ૧૮૮ની તેજીમાં નવી ટોચે, સનટેક રિયલ્ટી વૉલ્યુમ સાથે ૧૨ ટકા ઊછળ્યો : ટાઇટનની પાછળ ચલણી જ્વેલરી શૅરોમાં પણ ઝમક વધી, તાતા મોટર્સ બે લાખ કરોડની કંપની બની : અદાણીના ૧૦માંથી ૧૦ શૅર નરમ, રિલાયન્સ નહીંવત્ ઘટાડે બંધ : ઝી એન્ટરની સાડાનવ ટકાની તેજીના પગલે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં ચારેક ટકાની મજબૂતી

ફેડરેટ અને ચાઇનીઝ ગ્રોથ ફૅક્ટરની ફિકરમાં અગ્રણી વૈશ્વિક શૅરબજારોની પીછેહઠ શુક્રવારે પણ ચાલુ રહી છે. જૅપનીઝ નિક્કી સવા ટકો, સાઉથ કોરિયન કૉસ્પી ૧.૨ ટકા, હૉન્ગકૉન્ગ એકાદ ટકો, સિંગાપોર તથા તાઇવાન અડધો ટકો, ઇન્ડોનેશિયા ૦.૬ ટકા, ચાઇના ૦.૩ ટકા વધુ નરમ પડ્યા છે. ઑસ્ટ્રેલિયન માર્કેટ ૧.૭ ટકા ખરડાયું છે. સિંગાપોર આઠેક મહિનાના તળિયે પહોંચ્યું છે. યુરોપ બેરિશ ટ્રેન્ડને વળગી રહેતાં રનિંગમાં નેગેટિવ બાયસમાં હતું. ઘરઆંગણે ૧૨મીએ ટીસીએસ અને એચસીએલ ટેક્નૉનાં પરિણામની સાથે જૂન ક્વૉર્ટરનાં રિઝલ્ટની મોસમ શરૂ થવાની છે. વિપ્રોનાં પરિણામ ૧૩મીએ છે. મૉન્સૂન દેશભરમાં જામ્યું છે અને તેજીના કેફ પણ પુરબહારમાં છે. માર્કેટ ગઈ કાલે ૦.૮ ટકા જેવું ભલે ઘટીને બંધ થયું, પરંતુ ઇન્ટ્રા-ડેમાં નવાં બેસ્ટ લેવલ બતાવ્યાં છે. સેન્સેક્સ ૬૫૮૯૯ નજીક અને નિફ્ટી ૧૯૫૨૩ની ઉપર નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. આગલા બંધથી સવાબસો પૉઇન્ટ જેવા ગૅપ ડાઉન ઓપનિંગમાં સેન્સેક્સ ૬૫૫૫૯ ખૂલી છેલ્લે ૫૦૫ પૉઇન્ટની પીછેહઠમાં ૬૫૨૮૦ તથા નિફ્ટી ૧૬૬ પૉઇન્ટ ઘટી ૧૯૩૩૨ બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૬૫૧૭૬ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીની સાથે-સાથે સ્મૉલકૅપ, મિડકૅપ, બ્રૉડર માર્કેટ નવી વિક્રમી સપાટી બનાવી અડધો-પોણો ટકો નરમ પડ્યા છે. ઑટો, કૅપિટલ ગુડ્સ, રિયલ્ટી, નિફ્ટી ફાર્મા, હેલ્થકૅર જેવા બેન્ચમાર્ક પણ નવાં શિખર સર કરી વત્તે-ઓછે અંશે ઘસાયા છે. ગઈ કાલે બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. રિયલ્ટી, પાવર, યુટિલિટીઝ, એફએમસીજી, ઇન્ડેક્સ સવા-દોઢ ટકો ખરડાયા હતા. કૅપિટલ ગુડ્સ, મેટલ, આઇટી, ફાઇનૅન્સ, નિફ્ટી ફાર્મા જેવાં ઇન્ડાઇસિસ પોણો ટકો ઢીલા હતા. નિફ્ટી મીડિયા ૩.૯ ટકા ઊંચકાયો છે. કન્ઝ્‍યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ૧૧માંથી ૯ શૅરના ઘટાડા વચ્ચે ૦.૨ ટકા વધ્યો છે, જે ટાઇટનની મજબૂતીની કમાલ કહી શકાય. પ્રમાણમાં વ્યાપક પ્રૉફિટ બુકિંગને લઈને માર્કેટ-બ્રેડ્થ બગડી છે. એનએસઈ ખાતે વધેલા ૭૫૪ શૅરની સામે લગભગ બમણાં ૧૩૫૧ કાઉન્ટર્સ ઘટ્યાં છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૦.૯ ટકા કે ૫૬૨ પૉઇન્ટ અને નિફ્ટી ૦.૮ ટકા કે ૧૪૩ પૉઇન્ટની આગેકૂચ સાથેઑલટાઇમ હાઈ થયા છે.

નવી મુંબઈની આઇડિયા ફોર્જ શૅરદીઠ ૬૭૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાંના ૫૨૦ના પ્રીમિયમ સામે ધમાકેદાર લિસ્ટિંગમાં ૧૩૦૫ ખૂલી ઉપરમાં ૧૩૪૪ અને નીચામાં ૧૨૫૮ થઈ ૧૨૯૫ બંધ થતાં ૯૨.૮ ટકાનો કે ૬૨૩ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. સીએન્ટ ડીએલએમનું લિસ્ટિંગ સોમવાર પર ગયું છે. પ્રીમિયમ ૧૨૫ જેવું ચાલે છે.

તાતા મોટર્સ, ટાઇટન, મહિન્દ્ર નવી ટૉપ સાથે વધવામાં અગ્રક્રમે રહ્યા

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી પાંચ અને નિફ્ટીના ૫૦માંથી ૬ શૅર વધ્યા હતા. તાતા મોટર્સ ૬૨૫ની નવી મલ્ટિયર ટૉપ બનાવી ૨.૯ ટકા વધી ૬૧૮ બંધ થતાં એનું માર્કેટકૅપ ૨.૦૫ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. એનો ડીવીઆર ૩.૪ ટકા વધી ૩૨૪ની ટોચે બંધ હતો. જૂન ક્વૉર્ટરમાં ૨૦ ટકાના રેવન્યુ ગ્રોથ પાછળ ટાઇટન ૩૨૧૧ના બેસ્ટ લેવલે જઈ સવા ટકો વધીને ૩૧૪૫ રહી છે. મહિન્દ્ર ૧૫૯૨ની વિક્રમી સપાટી બાદ એક ટકો વધી ૧૫૬૪ હતી. ટીસીએસ નજીવો સુધર્યો હતો. રિલાયન્સ ત્રણેક રૂપિયાના નજીવા ઘટાડે ૨૬૩૫ રહ્યો છે. પાવર ગ્રિડ ૨.૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૩ ટકા, એનટીપીસી બે ટકા, બજાજ ફાઇન બે ટકા, એચસીએલ ટેક્નૉ બે ટકા, ટેક મહિન્દ્ર ૧.૭ ટકા, હિન્દુ યુનિલીવર ૨.૨ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક સવા ટકો, લાર્સન દોઢ ટકો, કોટક બૅન્ક સવા ટકો, આઇટીસી ૧.૨ ટકો, બ્રિટાનિયા સવાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ અઢી ટકા, એશિયન પેઇન્ટ્સ દોઢ ટકો, ડિવીઝ લૅબ ૧.૮ ટકા, બજાજ ઑટો ૧.૭ ટકા, આઇશર ૧.૨ ટકા, યુપીએલ ૧.૪ ટકા, તાતા કન્ઝ્‍યુમર ૧.૪ ટકા, ઓએનજીસી ૧.૧ ટકા ડાઉન હતા. અદાણી પોર્ટ્સ ૨.૯ ટકા ગગડી ૭૧૯ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં એસીસી ૧.૭ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૩.૨ ટકા, એનડીટીવી એકાદ ટકો, અદાણી પાવર એક ટકો, અદાણી એન્ટર. એક ટકો, અદાણી વિલ્મર પોણો ટકો, અદાણી ટોટલ પોણો ટકો, અદાણી ગ્રીન એક ટકો, અદાણી ટ્રાન્સ સવા ટકો માઇનસ હતા. મોનાર્ક એક ટકાની પીછેહઠમાં ૨૮૧ થયો છે. એલઆઇસી ૦.૯ ટકાની નબળાઈમાં ૬૨૨ હતો. પેન્ટાગૉન રબર ૭૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૩૦ ખૂલી ૧૨૩ બંધ થતાં અહીં ૭૬.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં પીછેહઠ : ઑટો ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૨ શૅરના સુધારા વચ્ચે ૪૧૫ પૉઇન્ટ કે એકાદ ટકો ઘટ્યો છે, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી પાંચ શૅરની મજબૂતીમાં એક ટકો વધીને બંધ થયો છે. બૅન્કિંગના ૩૭માંથી ૧૪ શૅર પ્લસ હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક સાડાછ ટકા, સૂર્યોદય બૅન્ક સવાત્રણ ટકા, પીએનબી અઢી ટકા તથા કૅનેરા બૅન્ક સવાબે ટકા ઊંચકાયા છે. બૅન્ક ઑફ બરોડા ૨૧૦ની નવી ટૉપ બતાવી પોણાબે ટકાની આગેકૂચમાં ૨૦૯ નજીક ગયો છે કોટક બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, યસ બૅન્ક, કરૂર વૈશ્ય, ઇન્ડસન્ડ, કર્ણાટક બૅન્ક, ડીસીબી બૅન્ક સવાથી અઢી ટકા તથા એયુ બૅન્ક સાડાત્રણ ટકા બગડી છે. સ્ટેટ બૅન્ક સામાન્ય સુધારે ૫૯૪ હતી, તો એચડીએફસી બૅન્ક પોણા ટકાથી વધુ ઘટી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૯૮ શૅરના ઘટાડે ૦.૯ ટકા ડાઉન હતો. સુમીત સિક્યૉ. ૫.૯ ટકા, મહિન્દ્ર ફાઇનૅન્સ સાડાત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ત્રણ ટકા, એન્જલ વન ૨.૯ ટકા, રેપ્કો હોમ અને મોતીલાલ ઓસવાલ અઢી ટકા ડૂલ થયા છે. પૉલિસી બાઝાર ૧.૪ ટકા તો પેટીએમ સવાબે ટકા બગડ્યા હતા. આગલા દિવસના ઉછાળા બાદ એમસીએક્સ બે ટકા ઘટી ૧૫૯૬ થઈ છે. ઑટો ઇન્ડેક્સ ૩૫૮૧૦ નજીક વિક્રમી સપાટી નોંધાવી ૧૦૪ પૉઇન્ટના સામાન્ય સુધારે ૩૫૬૫૮ થયો છે. .

લાર્સનની સાસોસાથ કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ નવી ટોચે જઈને ઘટ્યો

આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૧૪ શૅરના સુધારામાં ૦.૮ ટકા કે ૨૪૫ પૉઇન્ટ કટ થયો છે. ઇન્ફી એક ટકો, લાટિમ સવા ટકો, ટેક મહિન્દ્ર પોણાબે ટકા તથા એચસીએલ ટેક્નૉ બે ટકા ડાઉન હતા. ટીસીએસ અને વિપ્રો નજીવી વધ-ઘટે ફ્લૅટ હતા. સાઇડ કાઉન્ટર્સમાં ડેટામેટિક્સ સવાચાર ટકા મજબૂત હતો. આર. સિસ્ટમ્સ સાડાચાર ટકા કપાઈ ૪૧૮ રહ્યો છે. ઇન્ટલેક્ટ ડિઝાઇન સાડાત્રણ ટકા, તાન્લા પોણાત્રણ ટકા, ૬૩ મૂન્સ પોણાબે ટકા માઇનસ હતા. ટેલિકૉમમાં ઑપ્ટિમસ સાડાપાંચ ટકા ઊછળી ૨૨૦ વટાવી ગયો છે. રાઉટ મોબાઇલ બે ટકા બગડ્યો છે. ઝી એન્ટર ૯.૪ ટકાની તેજીમાં ૨૦૬, પીવીઆર ૪.૫ ટકા ઊછળી ૧૪૩૮, ડિશ ટીવી ૩.૪ ટકાના જમ્પમાં ૧૮ ઉપર બંધ થતાં નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૦માંથી ૬ શૅરના સુધારામાં ૩.૯ ટકા વધી ગયો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૪૧૧૯૩ની વિક્રમી સપાટી હાંસલ કરી ૩૩૩ પૉઇન્ટના ઘટાડે ૪૦૬૭૦ થયો છે. લાર્સન ૨૫૦૩ની ઑલટાઇમ હાઈ બાદ દોઢ ટકો ઘટી ૨૪૪૮ બંધ રહેતાં આ આંકને ૨૯૪ પૉઇન્ટની હાનિ થઈ હતી. અહીં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ સવાસાત ટકાના જમ્પમાં ૩૯૭ થયો છે. એફએમસીજી ઇન્ડેક્સ ૮૦માંથી ૫૮ શૅરના ઘટાડામાં ૨૮૦ પૉઇન્ટ કે દોઢેક ટકો ઘટ્યો છે. હિન્દુ યુનિલીવર સવાબે ટકા, આઇટીસી ૧.૧ ટકા તથા બ્રિટાનિયા બે ટકાથી વધુ માઇનસ થતાં આ ઇન્ડેક્સને ૧૮૫ પૉઇન્ટનો માર પડ્યો હતો. હેલ્થકૅરમાં વિન્ડલાસ બાયો ૯.૯ ટકા, એનજીએલ ફાઇન ૬ ટકા, વિનસ રેમેડીઝ પાંચ ટકાની તેજીમાં હતા. ગ્લેનમાર્ક ફાર્મા ૬૯૩ની ટોચે જઈ ૩ ટકા વધીને ૬૮૯ થયો છે.

કિસ્સા ઑલેક્ટ્રા ગ્રીન ટેક કા : ભાવ સવાત્રણ વર્ષમાં ૪૧ ઉપરથી ૧૨૫૨ રૂપિયા 

ઑલેક્ટ્રા ગ્રીન ટેક લગભગ પાંચેક ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૨૫૨ની વિક્રમી સપાટી બનાવી ૧૮ ટકા કે ૧૮૮ની તેજીમાં ૧૨૩૧ બંધ થયો છે. માર્ચ ૨૦૨૦માં આ શૅર ૪૧ આસપાસ હતો. મૂળ ગોલ્ડસ્ટોન ટેલિસર્વિસિસ, પછીથી ગોલ્ડસ્ટોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલની ઑલેક્ટ્રા ગ્રીન ટેક હૈદરાબાદી કંપની છે. શૅરની ફેસવૅલ્યુ ૪ અને બુકવૅલ્યુ ૧૦૨ રૂપિયા છે. કંપનીને મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ ખાતા તરફથી ૫૧૫૦ ઇલેક્ટ્રિક બસ પૂરી પાડવાનો ઑર્ડર મળ્યો છે, જેની વૅલ્યુ ૧૦૦૦૦ કરોડ રૂપિયાની છે. આ ઉપરાંત આ ૫૧૫૦ બસનું મેઇન્ટેનન્સ પણ ઑલેક્ટ્રા કરશે એની આવક કેટલી થશે એની ખબર નથી. મજાની વાત એ છે કે ગઈ કાલની ૨૦ ટકાની તેજી પછી કંપનીનું માર્કેટકૅપ ૧૦૦૦૦ કરોડે પહોંચ્યું છે. એનું ગયા વર્ષનું ટર્નઓવર કે રેવન્યુ ૧૧૩૪ કરોડ અને નેટ પ્રૉફિટ ૭૧ કરોડ જેવાં હતાં. આવી કંપનીને ૧૦૦૦૦ કરોડનો ઑર્ડર મહારાષ્ટ્ર સરકારે કયા આધારે આપ્યો હશે એ એક સવાલ છે. આ ૫૧૫૦ ઇલે. બસ કંપનીએ બે વર્ષમાં પૂરી પાડવાની છે એની ખાસ નોંધ લેવી.

દરમ્યાન ટાઇટનની પાછળ ગઈ કાલે જ્લેવરી શૅરોમાં પસંદગીયુક્ત આકર્ષણ જોવા મળ્યું છે. કલ્યાણ જ્વેલર્સ ૧૬૬ની ટોચે જઈ ૫.૪ ટકા વધી ૧૬૨ હતો. થંગમયિલ ૬.૫ ટકા, પીસી જ્વેલર્સ ૧૦ ટકા, ટીબીઝેડ ૫.૨ ટકા, એશિયન સ્ટાર ૩.૨ ટકા, સ્વર્ણ સરિતા ૪.૪ ટકા, એસએમ ગોલ્ડ બે ટકા, નર્મદા જેમ્સ ૩.૫ ટકા, ઉદય જ્વેલરી ૨.૮ ટકા, રેનેસાં ગ્લોબલ ૧.૭ ટકા, આશાપુરી ગોલ્ડ ૧.૭ ટકા ઝળક્યા હતા. 

share market stock market sensex nifty