બજારમાં ઉછાળે વેચવાનું માનસ રહેતાં નરમાઈ આગળ વધી, FMCG ડાઉન

15 November, 2024 08:12 AM IST  |  Mumbai | Anil Patel

ગઈ કાલે બજારના મોટા ભાગના સેક્ટોરલ પ્લસ હતા. તાજેતરની ખરાબી પછી સ્મૉલકૅપ અને મિડકૅપ અડધો-પોણો ટકો સુધર્યો છે

પ્રતીકાત્મક તસવીર

બિટકૉઇન ૯૩,૦૦૦ ડૉલરની પાર નવા શિખરે, પાકિસ્તાની શૅરબજાર ફરીથી બુલરનમાં ૯૪,૩૦૦ નજીક : નવા વલણથી ડેરિવેટિવ્ઝમાં વધુ ૪૫ શૅરનો ઉમેરો થશે, જિયો ફાઇનૅન્શિયલ, પૉલિસી બાઝાર, ઝોમાટો, HFCLમાં ઝમક આવી : સારાં પરિણામ અને જેફરીઝના બુલિશ વ્યુ પાછળ આઇશરમાં ૨૯૫ રૂપિયાની તેજી : હિન્દુસ્તાન યુનિલીવર બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર : નિવા બુપાનું સાવ નીરસ લિસ્ટિંગ, ઍક્મે સોલર પોણાદસ ટકા તૂટી નવા તળિયે : ઍગ્રોટેક ફૂડ્સ દ્વારા ભારતી એન્ટરપ્રાઇઝની સબસિડિયરીનું ૧૩૦૦ કરોડમાં ટેકઓવર

છેલ્લા બે દિવસમાં ૧૮૦૫ અને પાંચ દિવસમાં કુલ ૨૬૭૫ પૉઇન્ટની ખરાબી સાથે કરેક્શન ઝોનમાં પ્રવેશી ગયેલું બજાર ગુરુવારે પણ નરમાઈમાં રહ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૫૪ પૉઇન્ટ નીચે, ૭૭,૬૩૭ ખૂલી અંતે ૧૧૦ પૉઇન્ટના ઘટાડામાં ૭૭,૫૮૦ બંધ થયો છે. નિફ્ટી ૨૬ પૉઇન્ટ ઘટીને ૨૩,૫૩૩ રહ્યો છે. સહેજ ઢીલા આરંભ પછી શૅર આંક વધીને ઉપરમાં ૭૮,૦૫૫ વટાવી ગયો ત્યારે આજનો દિવસ પુલબૅકનો પુરવાર થવાની આશા જાગી હતી. જોકે ત્યાંથી માર્કેટ સડસડાટ નીચે ઊતરવા માંડ્યું હતું. સેન્સેક્સ નીચામાં ૭૭,૪૨૫ થયો હતો. ગઈ કાલની ચાલ જોતાં એક વાત બહુ સ્પષ્ટ છે બજારનું માનસ બેરિશ છે. પુલબૅક રૅલી આવે તો પણ એ ઝાઝી ટકવાની નથી. હાલનો સમય ઘટાડે લેવાનો નહીં, પરંતુ ઉછાળે વેચવાનો છે એમ લોકો માનવા માંડ્યા છે. FIIની બેરહેમ વેચવાલી ચાલુ છે. ડૉલર સામે રૂપિયો લગભગ રોજેરોજ નવા નીચા તળિયા બનાવી રહ્યો છે. કૉર્પોરેટ પરિણામમાં ખાસ કસ નથી. ડિમાન્ડ ગ્રોથની ફિકર વધી રહી છે. ટ્રમ્પ વિધિવત રીતે સત્તા સંભાળી લેશે ત્યાર પછી શું થશે એની કોઈને ખબર નથી. આ તરંગી, ઘમંડી અને આપખુદશાહીમાં માનતો માણસ ક્યારે શું કરે એ કહી શકાય નહીં. ટૅરિફવૉર કેવુંક હશે અને એના કેવાં પરિણામ આવશે એ કલ્પનાનો વિષય છે. ઇનશૉર્ટ, ટ્રમ્પના આગમનથી સમગ્ર વિશ્વ હવે ટૂંકાથી મધ્યમ ગાળા માટે ભારે અનિશ્ચિતતા અને અજંપાભર્યા માહોલનો શિકાર બની જવાનું છે. અમેરિકામાં ટ્રમ્પ આવ્યા છે એટલે ભારતનું ભલું થશે એવો આશાવાદ કેવળ બેવકૂફોજ રાખી શકે.

ગઈ કાલે બજારના મોટા ભાગના સેક્ટોરલ પ્લસ હતા. તાજેતરની ખરાબી પછી સ્મૉલકૅપ અને મિડકૅપ અડધો-પોણો ટકો સુધર્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો, નિફ્ટી મીડિયા સવાબે ટકા, નિફ્ટી ઑટો ૦.૭ ટકા, ટેલિકૉમ ફાઇનૅન્સ અડધો ટકો અપ હતો. FMCG બેન્ચમાર્ક ૭૭માંથી ૩૫ શૅરના સુધારા વચ્ચે ૧.૪ ટકા કટ થયો છે. આઇટીસી, હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યુમર, નેસ્લે, કોલગેટ, ઇમામી જેવી અગ્રણી જાતોની નરમાઈ અત્રે ઇન્ડેક્સને નડી હતી. બૅન્ક નિફ્ટી ૯૧ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો હતો, જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની નબળાઈમાં પોણો ટકો કપાયો છે. આગલા દિવસે બૅન્કિંગના તમામ ૪૧ શૅરની ખરાબી સામે ગઈ કાલે અત્રે ૪૧માંથી ૨૦ શૅર સુધર્યા હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ જોવાઈ છે. NSEમાં વધેલા ૧૩૮૮ શૅર સામે ૧૦૮૩ જાતો ઘટી હતી. બજારનું માર્કેટકૅપ ૧.૩૩ લાખ કરોડ રૂપિયા વધી ૪૩૦.૭૮ લાખ કરોડ થયું છે.

એશિયા ખાતે મોટા ભાગનાં અગ્રણી બજાર માઇનસ હતાં. હૉન્ગકૉન્ગ બે ટકા, ચાઇના પોણાબે ટકા, ઇન્ડોનેશિયા એક ટકા નજીક, તાઇવાન અને જપાન અડધો ટકો ડાઉન હતા. સામે સિંગાપોર, થાઇલૅન્ડ, સાઉથ કોરિયા નહીંવત સુધર્યા છે. લંડન ફુત્સી રનિંગમાં નજીવો નરમ હતો. અન્ય યુરોપિયન બજાર સાધારણથી લઈ અડધા ટકા સુધી પ્લસ હતાં. પાકિસ્તાની શૅરબજાર ૯૪,૨૯૦ની નવી ઑલટાઇમ હાઈ બતાવી રનિંગમાં ૮૪૫ પૉઇન્ટ ઊંચકાઈ ૯૩,૪૦૯ હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૯૩,૪૦૯ ડૉલરની સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં પોણાચાર ટકાની મજબૂતીમાં ૯૦,૯૫૦ દેખાયો છે. ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ સવાચાર ટકા વધીને ૩.૦૨ લાખ કરોડ ડૉલર જોવાયું છે. વિશ્વબજારમાં હાજર સોનું પોણા ટકાના ઘટાડે ૨૫૫૬ ડૉલર તો કૉમેક્સ ગોલ્ડ એક ટકાની નરમાઈમાં ૨૫૬૨ તથા ચાંદી વાયદો સવાબે ટકા ગગડી ૩૦ ડૉલરની અંદર ચાલતો હતો.

ખેલો ઇન્ડિયા, ખેલો... ડેરિવેટિવ્ઝમાં ૪૫ નવા શૅર સામેલ થશે

NSE દ્વારા ૨૯ નવેમ્બરથી અમલી અને એ રીતે ડેરિવેટિવ્ઝ કે એફઍન્ડઓની યાદીમાં ૪૫ નવા શૅરનો સમાવેશ કરાયો છે જેમાં જિયો ફાઇનૅન્શિયલ, ઝોમાટો, પેટીએમ, અદાણી ગ્રીન, અદાણી ટોટલ, BSE લિમિટેડ, નાયકા, JSW એનર્જી, અદાણી એનર્જી, એન્જલવન, ડીમાર્ટ વાળી એવન્યુ સુપરમાર્ટ, હુડકો, NHPC, સતલજ જલ વિદ્યુત, પુનાવાલા ફીનકૉર્પ, યસ બૅન્ક, એલઆઇસી, યુનિયન બૅન્ક, પૉલિસી બાઝાર, CDSL, ઑઇલ ઇન્ડિયા, તાતા ઍલેક્સી, બૅન્ક ઑફ ઇન્ડિયા, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, ડિલેવરી, જિંદલ સ્ટેનલેસ, સિએન્ટ, KPIT ટેક્નૉલૉઝિસ, સીજી પાવર, HDFL, આઇઆરબી ઇન્ફ્રા, કલ્યાણ જ્વેલર્સ, લોઢાની મેક્રોટેક ડેવલપર્સ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, મેક્સ હેલ્થકૅર, કેઈઆઇ ઇન્ડસ્ટ્રીઝ, સોના કોમસ્ટાર, પ્રેસ્ટિજ એસ્ટેટ, IRFC, વરુણ બિવરેજિસ વગેરે સામેલ છે.

ગઈ કાલે જિયો ફાઇનૅન્શિયલ ૬.૪ ટકા, પૉલિસી બાઝાર ૫.૭ ટકા, પેટીએમ બે ટકા, પુનાવાલા ફીનકૉર્પ અઢી ટકા, એન્જલ વન ત્રણ ટકા, ઝોમાટો ૪.૩ ટકા, ડીમાર્ટ ૨.૩ ટકા, મેક્રોટેક પોણાબે ટકા, BSE લિમિટેડ સવા ટકો, CDSL અઢી ટકા, અદાણી ગ્રીન ૧.૭ ટકા, યસ બૅન્ક સવા ટકો, HFCL સવાપાંચ ટકા વધીને બંધ હતા.

સરકાર અને સેબી એક બાજુ અવારનવાર ડેરિવેટિવ્ઝ કે એફઍન્ડઓ ટ્રેડિંગ જોખમી હોવાની ચેતવણી આપે છે. ૯૦ ટકા રોકાણકારોની મૂડી એમાં સાફ થતી હોવાના રોંદણા રોવે છે. એફઍન્ડઓનો વધતો વ્યાપ કે વધતો ક્રેઝ જુગારી માનસને પ્રોત્સાહન આપે છે. આથી એને નાથવાની જરૂરિયાત હોવાની વાતો માંડે છે અને બીજી તરફ એફઍન્ડઓના લિસ્ટમાં કાપ મૂકવાના બદલે એમાં નવી-નવી કંપનીઓ સામેલ કરી ડેરિવેટિવ્ઝનાં જુગારખાનાં ધમધમતાં રહે એવી પાકી ગોઠવણ સેબી અને સરકાર કરતી રહે છે.

સ્વિગી નવી ટોચે જઈને ગગડી, લાખેણી કંપનીનું સ્ટેટસ ગુમાવ્યું

આઇશર મોટર્સે સવાઆઠ ટકાના વધારામાં ૧૧૦૦ કરોડના નેટ નફા સાથે ધારણાથી સારાં પરિણામ આપ્યાં છે. જેફરીઝ અને નુવામાએ ૫૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી કર્યો છે. સામે ૩૬૫૫ની ટાર્ગેટ પ્રાઇસ જાળવી રાખતાં મૉર્ગન સ્ટેનલી મંદીમાં છે. શૅર ગઈ કાલે ૪૯૭૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૬.૪ ટકા કે ૨૯૫ રૂપિયા વધી ૪૮૮૪ બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતો. હીરો મોટોકૉર્પ પરિણામ પૂર્વે ૧.૯ ટકા વધીને ૪૬૦૪ થયો હતો. HDFC લાઇફ, SBI લાઇફ, કોલ ઇન્ડિયા, કોટક બૅન્ક પોણાથી સવા ટકો પ્લસ હતા. સેન્સેક્સ ખાતે રિલાયન્સ સવા ટકો વધી ૧૨૬૮ના બંધમાં ટૉપ ગેઇનર બની બજારને ૯૧ પૉઇન્ટ ફળ્યો છે. HDFC બૅન્ક પોણા ટકા નજીક વધીને ૧૬૯૩ હતો.

નિફ્ટી ખાતે ભારત પેટ્રો અઢી ટકા, તાતા કન્ઝ્યુમર ત્રણ ટકા અને બ્રિટાનિયા ૨.૬ ટકા બગડ્યા હતા. હિન્દુસ્તાન યુનિલીવર ૩.૧ ટકાની ખરાબીમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બની બજારને ૫૯ પૉઇન્ટ નડી હતી. આ સિવાય પાવર ગ્રીડ, NTPC, ઇન્ડસઇન્ડ બૅન્ક, અદાણી પોર્ટ્સ, નેસ્લે, શ્રીરામ ફાઇ, તાતા મોટર્સ, બજાજ ફીનસર્વ, આઇટીસી સવાથી સવાબે ટકા ડાઉન હતા.

નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સ ૭૪ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં એક રૂપિયાના પ્રીમિયમ સામે ૭૮ ઉપર ખૂલી ૮૧ નજીક જઈ નીચામાં ૭૪ની અંદર ગયા પછી ૭૪ બંધ થતાં અત્રે કોઈ પ્રકારનો લાભ મળ્યો નથી. બુધવારે ૧૭ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૪૫૬ બંધ રહેલી સ્વિગી લિમિટેડ ગઈ કાલે ૪૮૯ની નવી ટૉપ બતાવી પોણાછ ટકા ઘટી ૪૩૦ બંધ થતાં એનું માર્કેટકૅપ ૯૬,૨૨૦ કરોડની અંદર આવી ગયું છે. તો ઍક્મે સોલર ૨૨૮નું નવું વર્સ્ટ બૉટમ બનાવી ૯.૭ ટકા તૂટી ૨૨૯ હતો. NTPC ગ્રીનનો ૧૦,૦૦૦ કરોડનો મેગો ઇશ્યુ ૧૯મીએ છે. પ્રીમિયમ ત્રણ રૂપિયે પડેલું છે. ઝિન્કા લૉજિસ્ટિક્સનો એકના શૅરદીઠ ૨૭૩ની અપર બૅન્ડવાળો ૧૧૧૫ કરોડનો ઇશ્યુ સોમવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં માંડ ૩૫ ટકા ભરાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના કામકાજ નથી.

સારાં પરિણામ અને બોનસમાં બાન્કો પ્રોડક્ટ્સ ૨૦ ટકાની તેજીમાં

દિશમાન કાર્બેજેન ૪૧ કરોડની લૉસમાંથી ૩૩ કરોડના નફામાં આવતાં શૅર દસ ગણા વૉલ્યુમે ૧૯ ટકાની તેજીમાં ૨૧૨ થયો છે. તાજેતરના બુલરનમાં બુધવારે વિરામ લીધા બાદ JSW હોલ્ડિંગ્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭૬૫ રૂપિયા ઊછળી ૧૯,૪૨૦ની નવી ટોચે બંધ થયો છે. પાંચમી નવેમ્બરે ભાવ ૯૯૦૦ની અંદર હતો. BSEમાં ઉપલી સર્કિટ બંધ ૧૯,૩૨૧ આવ્યો છે. નલવા સન્સ પણ એની સાથે રહેતાં સવાઆઠ ટકાના જમ્પમાં ૮૨૪૩ હતો. ન્યુલૅન્ડ લૅબ ૫.૪ ટકા કે ૭૮૪ રૂપિયા ઊંચકાયો છે. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ એક વધુ નીચલી સર્કિટમાં પાંચ ટકા કે ૧૪,૧૬૭ રૂપિયા તૂટી ૨,૬૯,૧૭૩ રહ્યો છે. નેટવર્ક-૧૮ સાડાઆઠ ટકાની મજબૂતીમાં ૮૫ નજીક ગયો છે.

વિનસ પાઇપ્સ પરિણામ પાછળ ૮.૪ ટકા કે ૧૫૬ રૂપિયા ગગડી ૧૬૯૮ હતો. બાન્કો પ્રોડક્ટ્સે સારાં પરિણામ સાથે શૅરદીઠ એકનું બોનસ જાહેર કરતાં ભાવ ૧૬ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૮૪૦ના શિખરે જઈ ત્યાં જ બંધ થયો છે. કીરી ઇન્ડસ્ટ્રીઝ પરિણામના પગલે ૪૬૪ની વર્ષની ટૉપ બનાવી ૧૫.૫ ટકા ઊછળી ૪૫૩ હતો. ઍગ્રોટેક ફૂડ્સ દ્વારા ડેલમોન્ટ ફૂડ્સમાંનો ભારતી એન્ટરપ્રાઇઝનો હિસ્સો ૧૩૦૦ કરોડમાં ખરીદી લેવાનું નક્કી થયું છે. આ ડીલમાં ભારતી એન્ટરપ્રાઇઝને ઍગ્રોટેક તરફથી શૅરદીઠ ૯૭૫ના ભાવે ૧૩૩ લાખ શૅર પ્રેફરન્શિયલ ધોરણે ફાળવવામાં આવશે. સરવાળે ૨૧ ટકાના હોલ્ડિંગ સાથે ઍગ્રોટેક ફૂડ્સમાં ભારતી બીજા નંબરની મોટી શૅરધારક બની જશે. ઍગ્રોટેકનો ભાવ ગઈ કાલે બમણા વૉલ્યુમે ૬.૩ ટકા ગગડી ૯૬૯ રહ્યો છે.

ગાર્ડન રિચ શિપબિલ્ડર્સે ૨૧ ટકાના વધારામાં ૯૮ કરોડ નફો કરતાં શૅરની પાંચ દિવસની નરમાઈ અટકી છે. ભાવ સવા ટકો વધી ૧૪૦૩ થયો છે. SKF ઇન્ડિયાનો નફો સાડાચાર ટકા વધી ૯૪ કરોડ આવતાં શૅર ૭.૫ ટકા ગગડી ૪૫૦૮ના ૭ માસના તળિયે બંધ થયો છે. નાલ્કોનો નફો પાંચેક ગણો ઊછળી ૧૦૪૬ કરોડ આવતાં શૅર પ્રારંભમાં ૨૩૦ વટાવ્યા પછી અંતે ૨૨૦ નજીક યથાવત રહ્યો છે.

business news stock market share market national stock exchange bombay stock exchange nifty sensex