18 November, 2024 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે એટલે કે સોમવારે, 18 નવેમ્બર 2024ના રોજ ભારતીય શેરબજાર (Share Market)ની શરૂઆત નબળી રહી હતી. મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 438.43 પોઈન્ટ 0.57%ના ઘટાડા સાથે 77,141.88 પર ટ્રેડ (Stock Market Updates) કરી રહ્યો છે અને નિફ્ટી 50 પણ 132.75 પોઈન્ટ 0.56%ના ઘટાડા સાથે 23,399.95 પર ટ્રેડ કરી રહ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન (Stock Market) સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો જોવા મળ્યો હતો અને 9માં વધારો જોવા મળ્યો હતો. આજે બેન્કિંગ અને મેટલ શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. આઈટી અને એફએમસીજી શેર્સમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પછી પણ શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. આઈટી, પીએસયુ બેન્ક અને ફાર્મા સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 212.65 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 53,830.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 183.85 પોઇન્ટ અથવા 1.04 ટકા ઘટીને 17,417.20 પર હતો.
સેન્સેક્સ લિસ્ટેડ શેરોમાં HDFC બેન્ક, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, L&T, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, M&M અને JAW સ્ટીલ ટોપ ગેઇનર્સ છે અને ઇન્ફોસિસ, HCL ટેક, ટેક મહિન્દ્રા, TCS, NTPC, એક્સિસ બેન્ક અને ટાટા છે. મોટર્સ ટોપ લૂઝર છે.
એશિયન બજારોની વાત કરીએ તો, એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.78% ડાઉન છે. જ્યારે કોરિયાના કોસ્પીમાં 2.06% અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 1.24%નો વધારો જોવા મળી રહ્યો છે. NTPCની સબસિડિયરી કંપની NTPC ગ્રીન એનર્જી લિમિટેડનો IPO 19 નવેમ્બરે ખુલશે. રોકાણકારો આ પબ્લિક ઈશ્યૂ માટે 22 નવેમ્બર સુધી બિડ કરી શકશે. 15 નવેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ 0.70% ઘટીને 43,444 પર અને S&P 500 1.32% ઘટીને 5,870 પર છે. Nasdaq 2.24% ઘટીને 18,680 પર આવી ગયો.
બજારના નિષ્ણાતોના મતે, નિફ્ટીમાં ઘટાડો થયો હોવા છતાં હાલમાં બજારમાં સતત સુધારાના કોઈ સંકેત દેખાતા નથી. તેથી રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. નિફ્ટી ટોચ પરથી 10.4% ગગડી ગયો હોવા છતાં, બજારમાં સતત રિકવરીના કોઈ સંકેત દેખાતા નથી.
નિષ્ણાતો કહે છે કે, સતત FIIનું વેચાણ, FY25 માટે મોટાભાગના શેરોની કમાણીમાં ઘટાડો અને ડોનાલ્ડ ટ્રમ્પના વેપારના પરિણામો બજાર પર ભારે પડી રહ્યા છે. તેથી, રોકાણકારોએ આ તબક્કે સાવચેતી રાખવી જોઈએ અને બજારની દિશા અંગે સ્પષ્ટતાની રાહ જોવી જોઈએ.
નોંધનીય છે કે, આ પહેલા ગુરુવારે એટલે કે 14મી નવેમ્બરે સેન્સેક્સ 110 પોઈન્ટ ઘટીને 77,580ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 26 પોઈન્ટ ઘટીને 23,532ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, BSE સ્મોલકેપ 429 પોઈન્ટ વધીને 52,381 પર બંધ થયો હતો.