01 February, 2023 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બજેટ (Union Budget 2023) રજૂ થવામાં થોડો જ સમય બાકી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ ભાષણ શરૂ કરશે. વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આગામી 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવનાર આ છેલ્લું પૂર્ણ બજેટ છે. બજેટ પહેલાં ભારતીય શૅરબજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી છે. ડૉલર સામે રૂપિયો નજીવા ઘટાડા સાથે રૂા. 81.77 પર ખુલ્યો હતો. રૂપિયામાં 0.18 ટકાનો ઘટાડો થયો છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂત વધારો
વર્ષ 2022માં જ્યારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે બજેટના દિવસે જ શૅરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, એક વર્ષ પછી આજે, 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ, બજેટના દિવસે, શૅરબજારના બંને સૂચકાંકો જોરદાર તેજી સાથે ખુલ્યા હતા. BSEનો 30 શૅરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 417.89 પોઈન્ટ અથવા 0.70 ટકાના વધારા સાથે 59,967.79 ના સ્તર પર ખુલ્યા છે. બીજી બાજુ, NSEનો નિફ્ટી ઇન્ડેક્સે 131.95 અથવા 0.65 ટકા વધીને 17,776.70ના સ્તર પર ટ્રેડિંગ શરૂ કર્યું છે.
બજેટ પહેલાન તેજી સાથે બંધ
છેલ્લા ટ્રેડિંગ સેશન અથવા બજેટના એક દિવસ પહેલાં મંગળવારે ભારતીય શૅરબજાર દિવસભરના ઉતાર-ચઢાવ બાદ આખરે લીલા નિશાન પર બંધ થયું હતું. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 49.49 પોઈન્ટ અથવા 0.08 ટકાના વધારા સાથે 59,549.90 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 33.35 અંક એટલે કે 0.19 ટકાના વધારા સાથે 17,682.30 ના સ્તર પર બંધ થયો હતો.
આ પણ વાંચો: દેશના આ નાણાં પ્રધાનને એક પણ વાર નહોતી મળી બજેટ રજૂ કરવાની તક
છેલ્લા પાંચ બજેટ દિવસોમાં શૅરબજાર
વર્ષ 2022માં 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 848 પોઈન્ટના વધારા સાથે 58,862.57ના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 237 પોઇન્ટના વધારા સાથે 17,577 પર બંધ રહ્યો હતો. વર્ષ 2021માં પહેલી ફેબ્રુઆરીએ સેન્સેક્સમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ 2020માં બજેટના દિવસે સેન્સેક્સમાં 2.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2019માં સેન્સેક્સે બજેટના દિવસે 0.59 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જ્યારે 2018માં 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 0.16 ટકા ઘટીને બંધ થયો હતો.