રિલાયન્સના ભારમાં શૅરબજાર પ્રારંભિક સુધારા બાદ ઘટાડામાં

16 October, 2024 09:08 AM IST  |  Mumbai | Anil Patel

ત્રિમાસિક નફામાં ઘટાડાની હૅટ-ટ્રિક અને એકંદર ધારણા કરતાં નબળા દેખાવની ડબલ હૅટ-ટ્રિકમાં રિલાયન્સ નવ મહિનાના તળિયે; એકમાત્ર ICICI બૅન્કની તાકાતમાં બૅન્ક નિફ્ટી સુધર્યો: ન્યુલૅન્ડ લૅબ ૧૫૦૦ પ્લસની તેજી સાથે નવા બેસ્ટ લેવલે

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

ત્રિમાસિક નફામાં ઘટાડાની હૅટ-ટ્રિક અને એકંદર ધારણા કરતાં નબળા દેખાવની ડબલ હૅટ-ટ્રિકમાં રિલાયન્સ નવ મહિનાના તળિયે; એકમાત્ર ICICI બૅન્કની તાકાતમાં બૅન્ક નિફ્ટી સુધર્યો: ન્યુલૅન્ડ લૅબ ૧૫૦૦ પ્લસની તેજી સાથે નવા બેસ્ટ લેવલે: ૬૩ મૂન્સ બૅક-ટુ-બૅક આઇટી ઇન્ડેક્સમાં ટૉપ ગેઇનર બન્યો: બિઝનેસ આઉટલુક સ્ટ્રૉન્ગ આવતાં સનટેક રિયલ્ટી અને અજમેરા રિયલ્ટી ઝળક્યા:  PVR આઇનોક્સે ૧૬૬ કરોડના નફામાંથી ૧૨ કરોડ જેવી ખોટ કરી છતાં શૅર સવાબે ટકા વધીને બંધ: ગ્રે માર્કેટમાં હ્યુન્દાઇનું પ્રીમિયમ સુધરીને પંચાવન થયું

ઑગસ્ટમાં ઔદ્યોગિક વિકાસદર નેગેટિવ ઝોનમાં જવાની સાથે બાવીસ મહિનાના તળિયે ગયા પછી એક વધુ માઠા સમાચાર આવ્યા છે. ગ્રાહક ભાવાંકની રીતે સપ્ટેમ્બર માસમાં ફુગાવાનો દર વધીને સાડાપાંચ ટકાની નવ માસની ટોચે પહોંચી ગયો છે. એમાંય ફૂડ ઇન્ફ્લેશન અર્થાત ખાધા-ખોરાકીની ચીજવસ્તુઓમાં તો સવાનવ ટકાનો ભાવવધારો નોંધાયો છે. આમઆદમીના રસોડે ખરેખર રમખાણની હાલત છે. સામે એક સારા સમાચારમાં ઑપેક તરફથી માગવૃદ્ધિને ફરી એક વાર ડાઉન ગ્રેડ કરવામાં આવતાં ક્રૂડ ત્રણ ટકા ગગડ્યું છે પણ આપણી સાયલોક જેવી સરકાર આ ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચવા દેશે ખરી? FIIની વેચવાલી અવિરત ચાલુ છે. ૧૪ ઑગસ્ટ સુધી ચાલુ મહિને કામકાજના નવ દિવસમાં તેણે કુલ મળીને ૬૨,૧૨૬ કરોડ રૂપિયાનું નેટ સેલિંગ કરી નાખ્યું છે. સ્થાનિક સંસ્થાઓ, ફન્ડોએ સામે ૬૦ હજાર કરોડની નેટ ખરીદી કરી બજારને સપોર્ટ આપ્યો છે. ઘરઆંગણે સેન્સેક્સ મંગળવારે સવાસો પૉઇન્ટના સુધારે ૮૨,૧૦૦ ઉપર ખૂલ્યા પછી તરત ૮૨,૩૦૦ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી સીધો રેડ ઝોનમાં આવી ગયો હતો. શૅર આંક નીચામાં ૮૧,૬૩૫ થઈ અંતે ૧૫૩ પૉઇન્ટ ઘટી ૮૧,૮૨૦ બંધ થયો છે. નિફ્ટી ૭૧ પૉઇન્ટની નરમાઈમાં ૨૫,૦૫૭ રહ્યો હતો. રસાકસીની માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૮૨ શૅરની સામે ૧૩૮૯ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨૩,૦૦૦ કરોડ વધી ૪૬૩.૮૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. બન્ને બજારના બહુમતી ઇન્ડાઇસિસ નરમ હતા. મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા, ઑટો બેન્ચમાર્ક પોણો ટકો અને નિફ્ટી ફાર્મા અડધો ટકો ડાઉન હતા. સામે રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા મજબૂત થયો છે.

નબળાં પરિણામમાં રિલાયન્સ લગભગ નવ માસના તળિયે જઈ બે ટકા પ્લસની ખરાબીમાં ૨૬૮૮ બંધ આપી બજારને સર્વાધિક ૧૬૮ પૉઇન્ટ નડ્યો છે. સામે ICICI બૅન્ક બે ટકા નજીક ઊંચકાઈ ૧૨૫૫ના બંધમાં બજારને ૧૪૩ પૉઇન્ટ ફળ્યો હતો. બજાજ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા ખરડાઈ સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતો. નિફ્ટી ખાતે HDFC લાઇફ સર્વાધિક સાડાત્રણ ટકા કપાયો છે. પરિણામના જોરમાં ઍન્જલવન ૫૦૦ રૂપિયાની કે ૧૮.૪ ટકાની તેજી બતાવી ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. વિજ્યા ડાયગ્નોસ્ટિક ૧૨૫ના શિખરે જઈ પોણાતેર ટકા ઊછળી ૧૧૦૩ રહ્યો છે. ન્યુલૅન્ડ લૅબ ૧૫,૮૨૬ની વિક્રમી સપાટી નોંધાવી ૧૦.૮ ટકા કે ૧૫૩૫ની છલાંગ મારી ૧૫,૭૯૫ થયો છે. વૉલ્યુમ બમણું હતું. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાથી વધુની ખરાબીમાં ૧૦૪૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર હતો. નાલ્કો, ધાની સર્વિસિસ, બૉમ્બે ડાઇંગ, ન્યુજેન, સિમ્ફની, ઑઇલ ઇન્ડિયા સાડાત્રણ-સાડાચાર ટકા બગડ્યા છે. રિલાયન્સની લોટસ ચૉકલેટ મંદીની સર્કિટ ચાલુ રાખતાં પાંચ ટકા તૂટી ૧૬૨૮ થયો છે.

હેવીવેઇટ ICICI બૅન્કની તાકાતમાં બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅર ઘટવા છતાં ૮૯ પૉઇન્ટ વધવામાં સફળ થયો છે. બૅન્કિંગના ૪૧માંથી ૨૭ શૅર માઇનસ હતા.

ગરુડામાં મામૂલી લિસ્ટિંગ ગેઇન, લક્ષ્ય પાવર ટેકમાં પ્રીમિયમ વધ્યું 

મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેની ગરુડા કન્સ્ટ્રક્શન પાંચના શૅરદીઠ ૯૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં શૂન્ય પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૦૩ ખૂલી ઉપરમાં ૧૨૧ નજીક જઈ ૧૦૭ બંધ થતાં અત્રે ૧૨.૫ ટકાનો લિસ્યિંગ ગેઇન મળ્યો છે તો ૧૦ના શૅરદીઠ ૧૯૬૦ની અપર બૅન્ડ સાથે હ્યુન્દાઇ મોટરનો ૨૭,૮૭૦ કરોડનો ઐતિહાસિક મેગા ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૨૬ ટકા, હાઇનેટવર્થ પોર્શન ૧૩ ટકા અને QIBમાં પાંચ ટકાના પ્રતિસાદ સાથે કુલ ૧૮ ટકા ભરાયો છે. કર્મચારીઓ માટે શૅરદીઠ ૧૮૬નું ડિસ્કાઉન્ટ છે. એમના માટેનો રિઝર્વ પોર્શન ૬૧ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઇશ્યુની પૂર્વસંધ્યાએ તૂટી નીચામાં ૩૦ બોલાયા પછી હાલમાં પંચાવન આસપાસ ચાલે છે. અમદાવાદી લક્ષ્ય પાવર ટેક્નૉ શૅરદીઠ ૧૮૦ની અપર બૅન્ડવાળો SME IPO બુધવારે ખૂલવાનો છે. ગ્રે માર્કેટની ફેન્સીમાં પ્રીમિયમ ૧૬૦ બોલાવા માડ્યું છે. ચેન્નઈની ફેશારા ઍગ્રો એક્સપોર્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૬ની અપર બૅન્ડમાં ૭૫૩૯ લાખનો NSE SME IPO ૧૭મીએ કરશે. ગ્રે માર્કેટમાં ૫૦નું પ્રીમિયમ છે. કલકત્તાની પ્રણિક લૉજિસ્ટિક્સને સારો રિસ્પૉન્સ મળતાં ભરણું બંધ થયા પછી અહીં ૭૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૬ના પ્રીમિયમથી ગ્રે માર્કેટમાં સોદા શરૂ થયા છે. લિસ્ટિંગ ગુરુવારે છે. 

બુધવારે બજાજ ઑટો ઉપરાંત ઑબેરૉય રિયલ્ટી, એમ્ફાસિસ, એક્સલ્યા, લાર્સન ટેક્નૉ, ક્રિસિલ, આદિત્ય બિરલા મની, સુદર્શન કેમિકલ્સ, ટિપ્સ મ્યુઝિક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, પોન્ડી ઓક્સાઇડ્સ સહિત સંખ્યાબંધ કંપનીઓનાં પરિણામ આવવાનાં છે.

ઍન્જલ વનમાં પરિણામની તેજી 

કેન્દ્રીય ઔષધ નિયામક તંત્ર CDSCO દ્વારા ડાયાબેટિક નેચરોપથી પેઇન માટે લાયકા લૅબ્સની દવાને પેટન્ટ મળતાં શૅર ૧૬૦ નજીક જઈ ૩.૮ ટકા વધી ૧૫૫ બંધ થયો છે. ઍન્જલ વનનો ત્રિમાસિક નફો ૩૯ ટકા વધીને ૪૨૩ કરોડ થતાં શૅર ઉપરમાં ૩૨૫૧ થઈ ૧૮.૪ ટકા કે ૫૦૦ રૂપિયાની તેજીમાં ૩૨૨૨ થયો છે. એની પાછળ મોતીલાલ ઓસવાલ પણ ૪ ગણા કામકાજે ૯૪૨ ટોચે જઈ ૧૨ ટકા ઊચકાઈ ૯૨૪ હતો. IIFL સિક્યૉરિટીઝ ૬ ટકા, જેએમ ફાઇનૅન્સ ૧.૯ ટકા, SME ગ્લોબલ ૧૦ ટકા, ફાઇવ પૈસા સવાનવ ટકા, ૩૬૦ વન પાંચ ટકા, મોનાર્ક નેટવર્થ સવાત્રણ ટકા, શૅર ઇન્ડિયા પોણાચાર ટકા પ્લસ હતા. MCX ૬૫૫૭ના નવા શિખરે જઈ સાધારણ વધીને ૬૫૨૨ રહ્યો છે. BSEનો શૅર સવા ટકા નરમ હતો. 

ક્રૂડની નબળાઈમાં ઑઇલ ઇન્ડિયા ૪.૬ ટકા ખરડાઈ ૫૫૯ થયો છે. ONGC એક ટકો ઢીલો હતો. સામે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૪.૩ ટકા ઊચકાયો છે. MRPL દોઢ ટકા અને ચેન્નઈ પેટ્રો ૧.૬ ટકા માઇનસ હતી. ડિફેન્સમાં માઝગાવ ડૉક ત્રણેક ટકા, ગાર્ડનરિચ ૪.૫ ટકા, કોચીન શિપયાર્ડ ત્રણ ટકા, ભારત ડાયનેમિક્સ સવા ટકા, ઝેન ટેક્નૉ ૩.૬ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ દોઢ ટકા વધ્યા છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં વેચાણવૃદ્ધિના સારા આંકડામાં સનટેક રિયલ્ટી ૭.૫ ટકા ઊછળી ૫૯૬ થયો છે. અજમેરા રિયલ્ટી ૧૫ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૦૪ બતાવી ૭૭૯ હતો. 

મલ્ટિપ્લેક્સ કંપની પીવીઆર આઇનોક્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૬૬ કરોડના નેટ નફા સામે આ વખતે પોણાબાર કરોડની નેટ લોસ કરી છે. શૅર નીચામાં ૧૫૭૮ થયા બાદ બાઉન્સબૅકમાં સવાબે ટકા વધી ૧૬૨૨ બંધ થયો છે. 

રિલાયન્સને નબળાં પરિણામ નડ્યાં પણ બ્રોકરેજ હાઉસ બુલિશ 

રિલાયન્સે સોમવારની મોડી સાંજે સતત છઠ્ઠા ક્વૉર્ટરમાં બજારની એકંદર ધારણા કરતાં નબળો દેખાવ કર્યો છે. ત્રિમાસિક નફો પોણાપાંચ ટકાથી વધુના ઘટાડામાં ૧૬,૫૬૩ કરોડ નોંધાયો છે. આ સતત ત્રીજા ક્વૉર્ટરની નબળાઈ છે. કુલ આવક પણ ૦.૨ ટકાની પીછેહઠમાં ૨.૩૧ લાખ કરોડ રૂપિયા આવી છે. સમીક્ષા હેઠળના ગાળામાં કંપનીનું કુલ દેવું ૨.૯૫ લાખ કરોડથી વધીને ૩.૩૬ લાખ કરોડ રૂપિયે પહોંચ્યું છે. શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ ડેટ જાહેર કરવાનું ટાળ્યું છે. પરિણામમાં કમજોરી છતાં મોટા ભાગનાં બ્રોકરેજ હાઉસ આ કાઉન્ટરમાં બુલિશ રહ્યાં છે. અહીં HDFC સિક્યૉરિટીઝે ૩૩૫૦, નોમુરાએ ૩૪૫૦, CLSA તરફથી ૩૩૦૦, યુબીએસ દ્વારા ૩૨૫૦, જેપી મૉર્ગને ૩૧૨૫, જેફરીઝ દ્વારા ૩૪૦૦ની ટાર્ગેટ પ્રાઇસ અપાઈ છે. મોતીલાલ ઓસવાલે અગાઉની ૩૪૧૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૩૨૫૫ કરી છે. મેઇડન રેન્જની ટાર્ગેટ પ્રાઇસ ૩૨૧૮ આવે છે. શૅર છેલ્લા ઘણા દિવસથી નરમ વલણ દાખવી ૩૦૦ દિવસની મૂવિંગ ઍવરેજથી નોંધપાત્ર નીચા લેવલે હાલ ચાલે છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૬૮૧ થઈ ૨.૧ ટકા ગગડી ૨૬૮૮ બંધ આવ્યો છે. આ કાઉન્ટર મહિનામાં પોણાનવ ટકા અને ત્રણ માસમાં ૧૬ ટકા ઘસાઈ ચૂક્યું છે. 

દરમ્યાન રિલાયન્સ તરફથી ડીઝની સાથેના મર્જર અને એના પગલે મીડિયા બિઝનેસના કન્સોલિડેશનને ડિસેમ્બર ક્વૉર્ટરમાં પૂર્ણ કરવાનું નક્કી થયું છે જેના પગલે મીડિયા ક્ષેત્રે રિલાયન્સનું ૭૦ હજાર કરોડનું સામ્રાજ્ય ખડું થઈ જશે. આ પ્રક્રિયાના ભાગરૂપ ટીવી-૧૮ તથા ઈ-૧૮ને નેટવર્ક-૧૮ સાથે મર્જ કરવાનો નિર્ણય અગાઉ લેવાઈ ચૂક્યો છે જેમાં ટીવી-૧૮ના શૅરધારકોને ૧૭૨ શૅરદીઠ નેટવર્ક-૧૮ના ૧૦૦ શૅર મળવાના છે. આ મર્જરની રેકૉર્ડ ડેટ ૧૬ ઑક્ટોબર છે. નેટવર્ક-૧૮ ગઈ કાલે ઉપરમાં ૮૮ થઈ ૧૦.૮ ટકા વધી ૮૭ હતો તો ટીવી-૧૮ સાડાછ ટકા વધીને ૪૫ રહ્યો છે.

ઇન્ફી અને HCL ટેક્નૉલૉજીઝમાં નવાં શિખર, વિપ્રો ૩ ટકા ખરડાયો

HCL ટેકનૉલૉજીસનાં પરિણામ સારાં આવ્યાં પછી નોમુરાએ ૨૦૦૦, નુવામાએ ૨૧૨૫ અને ઍન્ટિકસે ૨૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ આપ્યું છે. મેઇડન ટાર્ગેટ ૧૭૦૬ જેવું છે. મૉર્ગન સ્ટેનલીવાળાને અહીં ૧૯૭૦નો ભાવ દેખાય છે તો CLSAની ટાર્ગેટ પ્રાઇસ ૧૬૯૬ની છે. શૅર ગઈ કાલે ૧૮૮૨ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી પોણો ટકો વધીને ૧૮૭૦ રહ્યો છે. ઇન્ફોસિસનાં રિઝલ્ટ સારાં આવવાની હવા ચાલે છે. શૅર ૧૯૯૧ના બેસ્ટ લેવલે જઈ નજીવા ઘટાડામાં ૧૯૫૭ બંધ થયો છે. આગલા દિવસે બોનસના એજન્ડાને લઈ ઝળકેલો વિપ્રો મંગળવારે ઉપરમાં ૫૫૩ વટાવ્યા બાદ નીચામાં ૫૩૦ થઈ ત્રણ ટકા ગગડી ૫૩૩ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૨૯ શૅરના ઘટાડામાં સાધારણ ઘટ્યો છે. ટીસીએસ અડધો ટકો નરમ હતો. અત્રે આગલા દિવસનો હીરો ૬૩ મૂન્સ ઉપરમાં ૫૪૨ થઈ ૮.૫ ટકાની આગેકૂચમાં ૫૩૫ થયો છે. માસ્ટેકનાં પરિણામ ૧૮મીએ છે. ભાવ ૨૯૨૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪.૭ ટકા વધી ૨૯૦૪ હતો. વૉલ્યુમ ૧૧ ગણું હતું.
સેન્સેક્સ ખાતે ભારતી ઍરટેલ સવા ટકો, ICICI બૅન્ક ૧.૯ ટકા અને એશિયન પેઇન્ટ્સ એક ટકો પ્લસ હતા. નિફ્ટી ખાતે આ ઉપરાંત ભારત પેટ્રો ૨.૪ ટકા તો બ્રિટાનિયા દોઢ ટકા પ્લસ હતો. બજાજ ઑટોનાં પરિણામ બુધવારે છે. શૅર ગઈ કાલે ત્રણ ટકા કે ૩૭૧ રૂપિયા તૂટી ૧૧,૫૨૧ રહ્યો છે. કંપની આવકમાં ૨૩ ટકા વૃદ્ધિ સાથે ૨૧ ટકાના વધારામાં ૨૨૨૭ કરોડ નફો કરવાની ધારણા રખાય છે. બજાજ સાથે મહિન્દ્ર નહીંવત, મારુતિ પોણો ટકો, તાતા મોટર્સ ૧.૧ ટકા, અશોક લેલૅન્ડ દોઢ ટકા, આઇશર સવા ટકા, હીરો મોટોકૉર્પ પોણો ટકો ઘટતાં ઑટો બેન્ચમાર્ક ૪૦૩ પૉઇન્ટ કે પોણો ટકો ડૂલ થયો હતો. માર્કેટ શૅર વધી ૩૪ ટકા થયો હોવાના પ્રચારમાં ઓલાક્ટિક સવાબે ટકા સુધરી ૮૯ હતો. વિશ્વબજારમાં ક્રૂડ ત્રણેક ટકા ઘટવાના પગલે પેઇન્ટ્સની સાથે ટાયર શૅરો પણ વત્તે-ઓછે અંશે લાઇમલાઇટમાં જોવાયા છે. 

bombay stock exchange share market stock market sensex nifty icici bank reliance bajaj bandra kurla complex business news