બૅન્કિંગના ભારમાં શૅરબજારમાં ૩૧૧ પૉઇન્ટની પીછેહઠ, ફાર્મા શૅરોમાં ફૅન્સી દેખાઈ, હેલ્થકૅર ઇન્ડેક્સ નવી ટોચે

16 June, 2023 02:34 PM IST  |  Mumbai | Anil Patel

આઇકીઓ લાઇટિંગ આજે લિસ્ટિંગમાં જવા સંભવ, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને ૧૦૦ રૂપિયા : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ આવી, બૅન્ક નિફ્ટી ૫૪૪ પૉઇન્ટ બગડ્યો : કોર ડિજિટલ નીચલી સર્કિટે 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એફએમસીજી, રિયલ્ટી, કૅપિટલ ગુડ્સ, સ્મૉલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટના બેન્ચમાર્ક નવી ટૉપ બનાવી સુધર્યા : એમઆરએફ ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિક મારી છેવટે છ આંકડામાં બંધ, નિફ્ટી ખાતે ટૉપ ગેઇનરમાં હેલ્થકૅર શૅરો મોખરે, બ્રિટાનિયા ઇન્ટ્રા-ડેમાં ૫૦૦૦ને વટાવી ગઈ: એચઈજી લિમિટેડ નવી ટૉપ દેખાડી ૨૧૯ રૂપિયા તો ગ્રેફાઇટ ઇન્ડિયા છ ટકાની તેજીમાં : આઇકીઓ લાઇટિંગ આજે લિસ્ટિંગમાં જવા સંભવ, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને ૧૦૦ રૂપિયા : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ આવી, બૅન્ક નિફ્ટી ૫૪૪ પૉઇન્ટ બગડ્યો : કોર ડિજિટલ નીચલી સર્કિટે 

અમેરિકન ફેડ તરફથી વ્યાજદર યથાવત્ રખાયો છે, પરંતુ ડિસેમ્બર સુધીમાં બે તબક્કે ફેડ રેટમાં નાનકડો વધારો થશે એવો નિર્દેશ આવ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની બેઠકમાં વ્યાજદર વધારાશે એવી વ્યાપક ધારણા છે. ચાઇનીઝ મધ્યસ્થ બૅન્ક તરફથી બૅબી-સ્ટેપ્સ સાથે વ્યાજદર ઘટાડવાની શરૂઆત થઈ ચૂકી છે. સ્ટિમ્યુલસ ડોઝ કેવો અને ક્યારે આવે છે એની રાહ જોવાય છે. મોટા ભાગનાં એશિયન બજારો ગુરુવારે વધ્યાં છે. હૉન્ગકૉન્ગ સવાબે ટકાની નજીક, ચાઇના તથા સિંગાપોર પોણો ટકો, તાઇવાન અડધો ટકો અને ઇન્ડોનેશિયા સાધારણ સુધર્યું છે. સામે સાઉથ કોરિયા અડધા ટકા નજીક, થાઇલૅન્ડ સામાન્ય અને જૅપનીઝ નિક્કી નામજોગ નરમ હતો. યુરોપ નરમ ખૂલી રનિંગમાં અડધો-પોણો ટકો માઇનસ દેખાયું છે. લંડન શૅરબજાર ફ્લૅટ હતું. બ્રેન્ટ ક્રૂડ બેરલદીઠ ૭૩ ડૉલર રહ્યા છે. 

સુધારાની હૅટ-ટ્રિક બાદ સેન્સેક્સ ગઈ કાલે થોડોક નરમ ખૂલ્યા બાદ ૩૧૧ પૉઇન્ટની પીછેહઠમાં ૬૨,૯૧૮ બંધ થયો છે. નિફ્ટી ૬૮ પૉઇન્ટ ઘટી ૧૮,૬૮૮ રહ્યો છે. પ્રારંભિક નરમાઈ બાદ બજાર વધીને એક તબક્કે ૬૩,૩૧૧ થયું હતું. ઓપનિંગથી દોઢસો પૉઇન્ટની આ આગેકૂચ જોકે ટકી નહોતી. બજાર ઘસાતું રહી નીચામાં ૬૨,૮૭૧ થયું હતું. મિડ કૅપ અને સ્મૉલ કૅપ નવાં શિખર બનાવી સાધારણ સુધારામાં બંધ થયાં છે. બ્રૉડર માર્કેટનો બીએસઈ-૫૦૦ પણ નવી લાઇફ ટાઇમ હાઈ બનાવી ૪૬ પૉઇન્ટ જેવા મામૂલી ઘટાડે બંધ આવ્યો છે. એફએમસીજી, કૅપિટલ ગુડ્સ તથા કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટી બતાવી નહીંવતથી અડધા ટકાના સુધારે બંધ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ૪૨૧૯ની મલ્ટિયર ટૉપ બાદ પોણો ટકો ઘટી ૪૧૪૭ થયો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૪,૯૧૬ની ઐતિહાસિક ઊંચી સપાટી દેખાડી દોઢ ટકા કે ૩૮૩ પૉઇન્ટની મજબૂતીમાં ૨૪,૮૯૮ રહ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા, બૅન્ક નિફ્ટી સવા ટકો, નિફ્ટી મીડિયા પોણો ટકો, આઇટી અને ટેક્નૉલૉજીઝ બેન્ચમાર્ક અડધો ટકો, ફાઇનૅન્સ ઇન્ડેક્સ એક ટકાની નજીક કટ થયા છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની છે. એનએસઈ ખાતે વધેલા ૮૫૩ શૅરની સામે ૧૨૨૮ કાઉન્ટર ઘટ્યાં છે. ૧૦ના શૅરદીઠ ૨૮૫ની ઇશ્યુ પ્રાઇસવાળી મેઇન બોર્ડની આઇકીઓ લાઇટિંગનું લિસ્ટિંગ શુક્રવારે થવાની વાત છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને હાલમાં ૧૦૦ રૂપિયા આસપાસ બોલાય છે. એક તબક્કે ઉપરમાં રેટ ૧૨૮ થયા હતા. 

અપોલો હૉસ્પિ. નવી ટૉપ સાથે નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર, હીરો મોટોકૉર્પ ૩ ટકા તૂટ્યો

સેન્સેક્સના ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર ઘટ્યા છે. ઓએનજીસી ૧૫૮ નજીકના લેવલે યથાવત હતો. નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ ત્રણ ટકા ગગડી ૨૮૪૩ તો સેન્સેક્સમાં વિપ્રો ૧.૯ ટકા બગડી ૩૮૯ના બંધમાં ટૉપ લૂઝર બન્યા છે. અન્યમાં ઇન્ડ્સઇન્ડ બૅન્ક તથા સ્ટેટ બૅન્ક ૧.૮ ટકા, કોટક બૅન્ક ૧.૭ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકા, એચડીએફસી બૅન્ક સવા ટકો, ઇન્ફી અને ટીસીએસ એક ટકાથી વધુ, એચડીએફસી લાઇફ ૧.૨ ટકા, આઇશર એક ટકો, એચડીએફસી એક ટકા નજીક માઇનસ થયા છે. રિલાયન્સ લગભગ પોણાબે ગણા કામકાજે એક રૂપિયો ઘટી ૨૫૫૧ થયો છે. સેન્સેક્સમાં નેસ્લે ૨૨,૯૮૦ની ટૉપ બનાવી ૧.૧ ટકા કે ૨૫૫ની આગેકૂચમાં ત્યાં જ બંધ આપી બેસ્ટ ગેઇનર બન્યો છે. મહિન્દ્ર એક ટકો તથા એશિયન પેઇન્ટ્સ અને આઇટીસી પોણો ટકો પ્લસ હતા. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ ૫૨૬૦ની વિક્રમી સપાટી બતાવી ૪.૨ ટકા કે ૨૧૦ રૂપિયાની મજબૂતીમાં ૫૨૧૯ બંધ આપી મોખરે હતી. ડિવીઝ લૅબ પોણાત્રણ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ સવાબે ટકા, સિપ્લા બે ટકા, ભારત પેટ્રો ૧.૪ ટકા અને અદાણી એન્ટર ૧.૨ ટકા મજબૂત થયા છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી વિલ્મર ત્રણ ટકા, અદાણી ટોટલ સવાબે ટકા, અદાણી ગ્રીન અડધા ટકાથી વધુ, અદાણી ટ્રાન્સ પોણા ટકા નજીક, અદાણી પાવર ૧.૨ ટકા પ્લસ હતા. સામે એનડીટીવી ૧.૪ ટકા, અંબુજા સિમેન્ટ સવા ટકો, એસીસી સામાન્ય અને અદાણી પોર્ટ્સ નામકે વાસ્તે નરમ રહ્યો છે. ક્વિન્ટ ડિજિટલ ૪ ટકા તો મોનાર્ક નેટવર્થ સાધારણ ઢીલો હતો. પતંજલિ ફૂડ્સ આગલા દિવસની ૫ ટકાની ઉપલી સર્કિટ બાદ અઢી ટકા વધીને ૧૧૨૨ વટાવી ગયો છે. 

ડિફેન્સની થીમમાં લોકેશ મશીન્સ ઉપલી સર્કિટ સાથે નવા બેસ્ટ લેવલે 

વરુણ બિવરેજિસ ૧૦ના શૅરના પાંચમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગુરુવારે ઉપરમાં ૮૬૨ થઈ અઢી ટકા વધીને ૮૨૮ બંધ થયો છે. બ્રિટાનિયા ઇન્ડ. નવું માઇલ સ્ટોન સર કરતાં ૫૦૧૭ની લાઇફટાઇમ હાઈ બનાવી એકાદ ટકો સુધરીને ૪૯૮૦ બંધ આવ્યો છે. લોકેશ મશીન્સને સ્મૉલ આર્મ્સ બનાવવા માટેનું ઇનિશ્યલ લાઇસન્સ મળતાં શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૮૬ના શિખરે બંધ થયો છે. રોકડાની અન્ય જાતોમાં કેસી (KAYCEE) ઇન્ડસ્ટ્રીઝ ૨૦ ટકા કે ૨૨૨૦ રૂપિયાના ઉછાળે ૧૩,૩૨૩ની ટોચે બંધ હતો. ફેસવૅલ્યુ ૧૦૦ની છે. ભાવ વર્ષ પૂર્વે ૩૪૭૪ હતો. જોન કોકરીલ ઇન્ડિયા પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૫૫ના જમ્પમાં ૨૭૩૦ના બેસ્ટ લેવલે ગયો છે. જ્યુબિલન્ટ ઇન્ડ. ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૭૪ નજીકની ટોચે બંધ રહ્યો છે. વાયર ઍન્ડ ફેબ્રિક્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૦૨ના શિખરે પહોંચ્યો છે. એચઈજી ૧૬૮૭ની ટૉપ દેખાડી ૨૧૯ રૂપિયા કે ૧૫.૪ ટકાના જમ્પમાં ૧૬૩૮ તથા ગ્રેફાઇટ ઇન્ડિયા સવાછ ટકા ઊંચકાઈ ૪૧૫ નજીક ગયા છે. 

ઝી એન્ટર સવાચાર ટકા તૂટી ૧૮૭ નીચે બંધ હતો. ઝી મીડિયા અડધો ટકો અને ઝી લર્ન પોણાપાંચ ટકા પ્લસ હતા. ડીશટીવી પોણો ટકો ઘટ્યો છે. એમઆરએફ ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિકમાં ૧,૦૦,૮૮૭ની સર્વોચ્ચ સપાટી બતાવી પ્રથમ વાર એક લાખ રૂપિયે ૧,૦૦,૧૦૦ રૂપિયા બંધ થયો છે. પોલી મેડીક્યોર ૧૧૫૦ની ટોચે જઈ પોણાતેર ટકા કે ૧૨૮ રૂપિયા ઊછળીને ૧૧૨૫ વટાવી ગયો છે. પીટીસી ઇન્ડ. પોણાસાત ટકા કે ૨૩૭ રૂપિયાની મજબૂતીમાં ૩૭૨૯ હતો. અપાર ઇન્ડ ૧૭૭ રૂપિયા કે છ ટકાના જમ્પમાં ૩૧૧૦ થયો છે. 

લાર્સન ફાઇ, પેટીએમ અને કેપ્રી ગ્લોબલ નવી ઊંચી સપાટીએ 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની નબળાઈમાં સવા ટકો કે ૫૪૪ પૉઇન્ટ અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના બગાડમાં બે ટકા ગગડ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી માત્ર છ શૅર સુધર્યા છે. કરૂર વૈશ્ય ૧૨૧ની ટૉપ બનાવી ૩.૪ ટકા વધી ૧૧૯, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૮૦ નજીક છ વર્ષની ઊંચી સપાટી બતાવી ત્રણેક ટકા વધી ૭૯, કર્ણાટક બૅન્ક દોઢ ટકો વધી ૧૫૨ નજીક બંધ રહી છે. તામિલનાડચ બૅન્ક સવા ટકો પ્લસ હતી. સામે આરબીએલ બૅન્ક, બંધન બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, ફેડરલ બૅન્ક, પંજાબ-સિંઘ બૅન્ક, પીએનબી, કૅનેરા બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, ફીનો પેમેન્ટ બૅન્ક બેથી પોણાચાર ટકા કટ થયા છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૦માંથી ૯૮ શૅરના ઘટાડે એક ટકો જેવો ડાઉન હતો. કેપ્રી ગ્લોબલ ૮૭૪ના શિખરે જઈ ૯ ટકાના ઉછાળે ૮૦૩ રહી છે. લાર્સન ફાઇ. ૧૨૧ની ટોચે જઈ ૪.૮ ટકા ઊંચકાઈ ૧૧૭ તો પેટીએમ ૮૯૮ની વર્ષની નવી ટૉપ બનાવી સવાચાર ટકાની આગેકૂચમાં ૮૯૩ દેખાઈ છે. ટ્રુકેપ ફાઇ. અઢી ટકા અને રેલીગેર ત્રણ ટકા મજબૂત હતા. એલઆઇસી નામપૂરતા સુધારે ૫૯૬ હતી. 

ઑટો ઇન્ડેક્સ નજીવો સુધર્યો છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકા કે ૧૪૫ની તેજીમાં ૨૯૮૦ના બેસ્ટ લેવલે બંધ હતી. તાતા મોટર્સ સાધારણ ઢીલો હતો. એનો ડીવીઆર ૩૨૫ની નવી ટૉપ બનાવી પોણો ટકો ઘટીને ૩૧૫ થયો છે. હીરો મોટોકૉર્પ ત્રણ ટકા, ક્યુમિન્સ સવા ટકો, આઇશર એક ટકો કટ થયા હતા. એપીએલ અપોલો ૨.૭ ટકા અને નાલ્કોના એક ટકાના ઘટાડા સાથે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅર માઇનસમાં આપીને સાધારણ નરમ હતો. તાતા સ્ટીલ ૧૧૪ નજીક લગભગ ફ્લૅટ રહ્યો છે. 

સંખ્યાબંધ ફાર્મા શૅર ઝળક્યા, ઓરિઅનપ્રો બુલરનમાં ચાર આંકડે 

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૩૫ શૅરની નબળાઈ વચ્ચે દોઢ ટકો કે ૩૮૩ પૉઇન્ટ વધ્યો છે. નેક્ટર લાઇફ સર્વાધિક ૧૯.૬ ટકાની તેજીમાં હતો. પોલીમેડ, મોરપેન, એસ્ટર ડીએમ, બજાર હેલ્થકૅર છથી બાર ટકા ઊંચકાયા છે. ઝાયડ્સ લાઇફ ૫૫૦ની ટૉપ બનાવી ત્રણ ટકા વધી ૫૪૯ હતો. અપોલો હૉસ્પિટલ, અનુહ ફાર્મા, એસ્ટર ડીએમ, એસ્ટ્રા ઝેનેકા, ઑરૉબિંદો ફાર્મા, લુપિન, મેક્સ હેલ્થકૅર, મેદાન્તા, નોવાર્ટિસ, પોલીમેડ, સિન્જેન ઇન્ટર જેવી અન્ય જાતો અત્રે નવા શિખરે ગઈ હતી. બાય ધ વે, ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ ઇન્ડ. અને ગોદરેજ પ્રૉપર્ટીઝમાં પણ નવી ટૉપ દેખાઈ છે. પૉલિસી બાઝાર ૬૭૪ની ઐતિસાહિક ટૉપ બનાવી સવા ટકો વધીને ૫૪૫ હતો. આઇટી સેગમેન્ટને લઈ જેપી મૉર્ગન તરફથી ડાઉનગ્રેડિંગ આવ્યું છે. ઇન્ડેક્સ ૫૮માંથી ૩૦ શૅરના ઘટાડે અડધો ટકો કપાયો છે. ઓરિઅનપ્રો બુલરન જારી રાખતાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૦૦૫ની ટોચે બંધ હતો. ટીસીએસ એક્સ-ડિવિડન્ડમાં એક ટકો ઘટ્યો છે. ઇન્ફી ૧.૧ ટકા, વિપ્રો બે ટકા નજીક, લાર્સન ટેક્નૉ એક ટકો, ડેટામૅટિક્સ ૩.૬ ટકા, ઑનવર્ડ ટેક્નૉ ત્રણ ટકા, સિએન્ટ સવાબે ટકા બગડ્યા છે. ટેલિકૉમમાં તાતા ટેલિ સવાચાર ટકા બાઉન્સ બૅક થયો છે. સનટીવી, નેટવર્ક-૧૮ તેજસ નેટ, વોડાફોન, એચએફસીએલ, ઇન્ડ્સ ટાવર, ટીવી-૧૮ એકથી અઢી ટકા ડાઉન હતા. પીવીઆર ત્રણ ટકા ઊંચકાઈ ૧૫૦૦ વટાવી ગયો છે. જસ્ટ ડાયલ ૭૯૪ની વર્ષની ટોચે જઈ નજીવા સુધારામાં ૭૮૦ બંધ થયો છે. 

રૂપિયો ડૉલર સામે ૧૪ પૈસા નબળો પડ્યો

ભારતીય રૂપિયો ડૉલર સામે ૧૪ પૈસા નબળો પડીને ૮૨.૧૯ની સપાટીએ બંધ રહ્યો હતો. શૅરબજારમાં ત્રણ દિવસની તેજી બાદ ઘટાડો અને ડૉલરમાં મજબૂતાઈને પગલે રૂપિયામાં ઘસારો જોવા મળ્યો હતો. ફેડ દ્વારા વ્યાજદર સ્થિર રાખવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોમાં ફેડ વ્યાજદરમાં થોડો વધારે કરે એવી સંભાવના છે. ભારતીય રૂપિયાને આજે ક્રૂડ તેલનો ઘટાડો અને વિદેશી રોકાણનો ટેકો મળ્યો હતો, નહીંતર રૂપિયો વધુ તૂટી જાત એમ એક ફૉરેક્સ ડીલરે જણાવ્યું હતું. રૂપિયો દિવસ દરમ્યાન ૮૨.૧૬ પર ખૂલ્યો હતો અને નબળો પડીને ૮૨.૨૫ સુધી ગયા બાદ ૮૨.૧૯ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૦૫ પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય ૬ કરન્સી સામે ૧૦૩.૦૩ પર હતો.

share market stock market national stock exchange bombay stock exchange sensex nifty business news