19 October, 2024 08:51 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
હ્યુન્દાઇ મોટરમાં ખેલો થયો, ગ્રે માર્કેટમાં ૫૭ રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાવા માંડ્યું : ICICI બૅન્ક અને ઍક્સિસ બૅન્કની મજબૂતીથી બજારને ૩૪૩ પૉઇન્ટનો ફાયદો : નબળાં પરિણામને સારા ગાઇડન્સિસથી કવર કરવાની ઇન્ફોસિસની કોશિશ નાકામ રહી, શૅર વર્સ્ટ પર્ફોર્મર બન્યો : મોતીલાલ ઓસવાલમાં નવા શિખરની હૅટ-ટ્રિક, હોલ્ડિંગ કંપનીઓ લાઇમલાઇટમાં : રિઝર્વ બૅન્કની ધાકમાં મલપ્પુરમ લથડ્યો : મહાનગર ગૅસ અને ઇન્દ્રપ્રસ્થ ગૅસમાં દસ-દસ ટકાનો કડાકો : માર્કેટકૅપમાં ૯૦ હજાર કરોડનો વધારો
સતત ૩ દિવસની નરમાઈ બાદ સેન્સેક્સ શુક્રવારે અઢીસો પૉઇન્ટ પ્લસની નબળાઈમાં ૮૦,૭૪૯ ખુલ્યા બાદ નીચામાં ૮૦,૪૦૯ થઈ ગયો હતો અને ત્યાંથી ક્રમશ: ધીમા પણ મક્કમ સુધારાની ચાલમાં વધતો રહી ૮૧,૩૯૧ બતાવી ૨૧૮ પૉઇન્ટ પ્લસ થયો છે. નિફ્ટી ૧૦૪ પૉઇન્ટ સુધર્યો છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૫૭ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૦ પૉઇન્ટ જેવો માઇનસ આપી સપ્તાહ પૂરું થયું છે. બન્ને બજારના મોટા ભાગના ઇન્ડાઇસિસ પૉઝિટિવ ઝોનમાં હતા. ખાનગી બૅન્કોની આગેવાની હેઠળ બૅન્ક નિફ્ટી દોઢ ટકા કે ૮૦૫ પૉઇન્ટ ઊંચકાયો છે. બૅન્કિંગ પાછળ ફાઇનૅન્સ સવા ટકો અપ હતું. નિફ્ટી મીડિયા ૧.૪ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૭ ટકા, યુટિલિટી એક ટકો વધ્યા છે. સામે આઇટી બેન્ચમાર્ક ૧.૭ ટકા કે ૭૪૭ પૉઇન્ટ અને એની પાછળ ટેક્નૉલૉજીસ ઇન્ડેક્સ ૧.૪ ટકા કપાયો છે. માર્કેટ બ્રેડ્થ સહેજ નરમ હતી. NSEમાં વધેલા ૧૩૪૯ શૅર સામે ૧૪૧૧ જાતો ઘટી છે. ચાઇના પોણાત્રણ ટકા અને હૉન્ગકૉન્ગ સાડાત્રણ ટકાની તેજી સાથે એશિયન બજારોના સુધારામાં મોખરે હતા. તાઇવાન પોણાબે ટકા મજબૂત હતું. સાઉથ કોરિયા અડધો ટકો તો થાઇલૅન્ડ સામાન્ય ઘટાડે બંધ થયું છે. યુરોપ રનિંગમાં નહીંવતથી માંડી અડધા ટકા સુધી ઉપર દેખાયું છે.
હ્યુન્દાઇ મોટરમાં ઇશ્યુ પૂરો થયા પછી ‘તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા’નો ઘાટ સર્જાયો છે. ગ્રે માર્કેટમાં જ્યાં એક તબક્કે પ્રીમિયમ ઉપરમાં ૫૭૦ થઈ ગયું હતું એ ગગડતું રહી ઇશ્યુ બંધ થયો ત્યારે માત્ર ૧૫ રૂપિયાએ આવી ગયું હતું. વાત અહીં નથી અટકતી, ભરણું પૂરું થયા પછી ૨૪ ક્લાક માંડ વીત્યા છે ત્યાં ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટ બોલાવા માંડ્યું છે અને આ ડિસ્કાઉન્ટ વધતું રહી હાલ ૫૭ રૂપિયા થઈ ગયું છે. અમને લાગે છે એ ત્રણ આંકડે જવું જોઈએ. હ્યુન્દાઇનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થશે અને ડિસ્કાઉન્ટમાં ન થયું તો લિસ્ટિંગ પછી ગણતરીના દિવસમાં શૅર ડિસ્કાઉન્ટમાં જવાનો છે એ નક્કી માનજો. ડર તો એ છે કે આ શૅર બીજો એલઆઇસી કે પેટીએમ પૂરવાર ન થાય. વારિ એનર્જીનો ૧૦ના શૅરદીઠ ૧૫૦૩ની અપર બૅન્ડવાળો ૪૩૨૧ કરોડનો આઇપીઓ સોમવારે ખૂલશે. પ્રીમિયમ જે ૧૫૮૦ હતું એ ઘટી હાલમાં ૧૨૭૦ બોલાય છે. બીજી તરફ ફ્રૉડ બદલ અરેસ્ટ થયેલ પ્રમોટરના દીપક બિલ્ડર્સમાં પ્રીમિયમ વધતું રહી અત્યારે ૪૦ સંભળાય છે. અમદાવાદી લક્ષ્ય પાવરટેક આખરી દિવસે કુલ ૫૭૩ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. પ્રીમિયમ ૧૭૫ જેવું છે. ફ્રેશરા ઍગ્રો એક્સપોર્ટ્સ અત્યાર સુધીમાં ૩૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ સુધરતું રહી ૯૫ ક્વોટ થવા માંડ્યું છે. વસઈ થાણેની પ્રીમિયમ પ્લાસ્ટમાં પ્રીમિયમ ૮ થયું છે. શૅરદીઠ ૪૯ના ભાવનો ઇશ્યુ સોમવારે ખૂલશે.
બે ખાનગી બૅન્કોના જોરમાં સેન્સેક્સની નરમાઈ અટકી
બજારનો ગઈ કાલનો સુધારો મુખ્યત્વે અગ્રણી ખાનગી બૅન્કોની મજબૂતીને આભારી છે. ઍક્સિસ બૅન્ક સારાં પરિણામના પગલે સાડાપાંચ ટકા ઊછળી ૧૧૯૫ બંધમાં બજારને ૧૫૬ પૉઇન્ટ ફળી છે. એમ્કે ગ્લોબલવાળા અહીં ૧૪૦૦નો ભાવ લાવ્યા છે. HDFC બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ અડધો ટકો વધી ૧૬૮૧ રહી છે. એનાથી બજારને ૫૧ પૉઇન્ટનો લાભ થયો છે. ICICI બૅન્કનાં પરિણામ તો ૨૬મીએ છે, પણ શૅર ગઈ કાલે અઢી ટકાની તેજીમાં ૧૨૬૩ બંધ આપી બજારને સર્વાધિક ૧૮૭ પૉઇન્ટ ફળ્યો છે. સ્ટેટ બૅન્ક એક ટકો પ્લસ હતી. બૅન્કિંગના ૪૧માંથી ૨૭ શૅર પ્લસ થયા છે. ઍક્સિસ બૅન્ક મોખરે હતી. NTPC, JSW સ્ટીલ, તાતા સ્ટીલ, તાતા મોટર્સ, આઇશર, શ્રીરામ ફાઇનૅન્સ, હિન્દાલ્કો, HDFC લાઇફ, ગ્રાસિમ જેવી જાતો પોણાબેથી ત્રણ ટકા મજબૂત બની હતી. રિલાયન્સ પરચૂરણ સુધારામાં ૨૭૧૭ હતો.
બજાજ ઑટો આગલા દિવસના ૧૪૯૫ રૂપિયાના ધબડકા બાદ ગઈ કાલે નીચામાં ૯૮૪૧ થઈ અડધો ટકો ઘટી ૧૦,૦૬૩ બંધ આવ્યો છે. ગુરુવારે ૨૦૦૦ પૉઇન્ટથી વધુ તૂટેલો ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૧૭માંથી ૧૨ શૅરના સુધારામાં અડધો ટકો કે ૩૨૭ પૉઇન્ટ પ્લસ થયો છે. આઇશર ૧૪૦ કે ત્રણ ટકા વધી ૪૭૬૬ના બંધમાં અત્રે મોખરે હતો.
પરિણામ પાછળ ઇન્ફી ગગડ્યો, વિપ્રો મજબૂત બન્યો
ધારણા કરતાં ઓછા નફા સાથે નબળો દેખાવ કરનાર ઇન્ફોસિસ ગઈ કાલે અઢી ગણા કામકાજે નીચામાં ૧૮૭૦ થઈ સાડાચાર ટકા કે ૯૧ રૂપિયા જેવી ખરાબીમાં ૧૮૭૯ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. એના લીધે બજારને ૨૮૪ પૉઇન્ટનો માર પડ્યો છે. પરિણામની નબળાઈને ગાઇડન્સિસમાં સુધારો કરી સરભર કરવાની કંપનીની કોશિશ કામ આવી નથી. બ્રોકરેજ હાઉસ જોકે આ કાઉન્ટરમાં બુલિશ છે. અત્રે નોમુરાએ ૨૧૩૦, મોતીલાલ ઓસવાલે ૨૨૦૦, બર્નસ્ટેઇન તરફથી ૨૨૭૦, નુવામાએ ૨૨૫૦ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. સામે ઇન્વેસ્ટેકવાળાએ ૧૭૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાનો કૉલ આપ્યો છે.
ઇન્ફીથી વિપરીત બહેતર રિઝલ્ટ સાથે શૅરદીઠ એકના ઉદાર બોનસમાં વિપ્રો ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૫૮ થઈ પોણાચાર ટકાની તેજીમાં ૫૪૯ નજીકનો બંધ આપીને નિફ્ટી ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. સારાં રિઝલ્ટની સામે વિપ્રોમાં ગાઇડન્સિસ નબળા આવ્યા છે. અત્રે નોમુરા તરફથી ૬૮૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે તો આઇ-સેક વાળાએ ૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ આવ્યો છે. લાર્સન ગ્રુપની લાટિમ પરિણામ પાછળ ૫૯૫૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી સવાછ ટકા કે ૪૦૧ની ખરાબીમાં ૬૦૦૦ બંધ થયો છે. તાન્લા પ્લૅટફૉર્મનો નફો પોણાનવ ટકા ઘટી ૧૨૦ કરોડ થતાં ભાવ નીચામાં ૭૮૪ થઈ ચારેક ટકા ખરડાઈને ૮૨૪ હતો.
ગઈ કાલે મેઇન બેન્ચમાર્ક ખાતે એશિયન પેઇન્ટ્સ, બ્રિટાનિયા, નેસ્લે સવાથી બે ટકા તો હિન્દુ યુનિલીવર પોણો ટકો ઢીલો હતા. માઝગાંવ ડૉકમાં પરિણામ સાથે શૅર વિભાજન માટે ૨૨મીએ બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં ભાવ સાતેક ટકા કે ૨૯૧ની તેજીમાં ૪૫૩૧ વટાવી ગયો છે. ગાર્ડનરિચ પોણો ટકો અને કોચીન શિપયાર્ડ નહીંવત પ્લસ હતા. સારા પરિણામમાં પ્રારંભિક મજબૂતી પછી ગુરુવારે અડધો ટકો ઘટેલો ક્રિસિલ ગઈ કાલે સવા ટકાની નરમાઈમાં ૪૭૧૦ હતો. સામે ઇકરા સાધારણ સુધર્યો છે. કૅર રેટિંગ બે ટકા ઘટી ૧૨૩૧ રહી છે.
MCX પરિણામની પૂર્વસંધ્યાએ નવી સર્વોચ્ચ સપાટીએ
MCX પરિણામની પૂર્વસંધ્યાએ ૬૬૦૧ની ઑલટાઇમ હાળ બતાવી સાડાત્રણ ટકા કે ૨૧૮ વધી ૬૫૬૦ વટાવી ગયો છે. જેફરીઝના ડાઉન ગ્રેડિંગમાં બે દિવસના ધબડકા બાદ BSE લિમિટેડ સાધારણ સુધારે ૪૨૭૫ હતો. એન્જલવનનાં સારાં પરિણામની હૂંફમાં મોતીલાલ ઓસવાલ નવા શિખરની હૅટ-ટ્રિકમાં ૧૦૬૨ થઈ સાડાદસ ટકા કે ૯૮ના ઉછાળે ૧૦૨૯ બંધ આવ્યો છે. એન્જલવન અડધો ટકો નરમ હતો. મલપ્પુરમ ફાઇનૅન્સની સબસિડિયરી સામે રિઝર્વ બૅન્કે પ્રતિબંધાત્મક અને શિક્ષાત્મક પગલાં લેતાં શૅર ૧૪ ગણા કામકાજે નીચામાં ૧૪૭ થઈ સાડાતેર ટકા તૂટી ૧૫૩ બંધ હતો. હોલ્ડિંગ કંપનીઓ ઝમકમાં હતી. વર્ધમાન હોલ્ડિંગ સાડાનવ ટકા કે ૩૮૯ રૂપિયા, પિલાની ઇન્વેસ્ટમેન્ટ પોણાનવ ટકા કે ૫૦૩ રૂપિયા, મહારાષ્ટ્ર સ્કૂટર્સ સવાચાર ટકા કે ૪૬૧ રૂપિયા, બીએફ ઇન્વેસ્ટમેન્ટ સવાચાર ટકા, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકા કે ૩૫૪ રૂપિયા ઊંચકાયો છે. આનંદરાઠી વેલ્થ સાડાપાંચ ટકાની આગેકૂચમાં ૪૨૯૫ની નવી ટોચે બંધ હતો.
હિન્દ રેક્ટિફાયર્સ તેજીની ઇનિંગ્સ આગળ વધારતાં ૧૧૭૬ના બેસ્ટ લેવલે જઈ સવાનવ ટકા જેવી જમ્પમાં ૧૧૬૬ વટાવી ગયો છે. ઝી એન્ટરનો નફો ૭૦ ટકા વધીને આવતાં ભાવ સવાપાંચ ટકા ઊચકાઈ ૧૩૨ રહ્યો છે. ઍડ્મિનિસ્ટ્રેટિવ પ્રાઇસ મેકૅનિઝમ હેઠળ સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને જે સસ્તા દરે CNG આપવામાં આવે છે એમાં ૨૦ ટકાનો કામ મુકાયો છે. આનાથી ગૅસ વિતરક કંપનીઓની નફાશક્તિને હાનિ થવાની દહેશત છે. ગઇકાલે મહાનગર ગૅસ ૧૦ ટકા કે ૧૭૮ના કડાકામાં ૧૫૮૩, ઇન્દ્રપ્રસ્થ ગૅસ સવાદસ ટકાના ધબડકામાં ૪૫૩ બંધ હતો. ગુજરાત ગૅસ સવા ટકો અને આઇઆરએમ એનર્જી સવા ટકા ડાઉન થયા છે.
ક્વીક હીલે ત્રિમાસિક નફામાં ૬૮ ટકાનું ગાબડું બતાવ્યું છે. શૅર નીચામાં ૬૮૧ થઈ પોણાસાત ટકા ગગડી ૭૦૯ હતો. સેન્ચ્યુરી ટેક્ષટાઇલ્સ અર્થાત આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ તેજીની ચાલમાં ૩૧૨૬નું શિખર બનાવી સવાછ ટકા કે ૧૮૦ના ઉછાળે ૩૦૪૦ થયો છે. FII એકધારી વેચવાલ છે. ચાલુ મહિને ૧૭ ઑગસ્ટ સુધી કામકાજના ૧૨ દિવસમાં એણે ૭૪,૭૩૨ કરોડની નેટ વેચવાલી કરી છે.