બજાર ૧૧૧૨ પૉઇન્ટ વધ્યા પછી છેવટે ૨૩૯ પૉઇન્ટના મામૂલી સુધારામાં બંધ

20 November, 2024 08:07 AM IST  |  Mumbai | Anil Patel

કીટેક્સ ગાર્મેન્ટ્સ દ્વારા બાવીસમીની બોર્ડ મીટિંગમાં બોનસનો એજન્ડા સામેલ થતાં ભાવ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૬૩૭ વટાવી ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

NTPC ગ્રીનનો ઇશ્યુ પ્રથમ દિવસે ૩૫ ટકા ભરાયો, રીટેલ પોર્શનમાં દોઢ ગણો પ્રતિસાદ, ગગડીને ૭૦ પૈસા થયેલું પ્રીમિયમ સુધરીને ૧૧૫ પૈસા : પુનીત ગોએન્કાની પાંખો કપાઈ જતાં ઝી ગ્રુપના શૅરોમાં નવો ઉત્સાહ : કીટેક્સમાં બાવીસમીએ બોનસ માટે બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં ભાવ તેજીની સર્કિટમાં બંધ : શૅરદીઠ પાંચનું બોનસ માથે હોવાથી શક્તિ પમ્પ્સ બૅક-ટુ-બૅક ઉપલી સર્કિટમાં : સેન્સેક્સ ખાતે રિલાયન્સ ટૉપ લૂઝર બન્યો, કારટ્રેડ ૧૩૦ રૂપિયાના ઉછાળે નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ : મહારાષ્ટ્રમાં ઇલેક્શન નિમિત્તે આજે શૅરબજાર રજા પાળશે

ટ્રમ્પના ટૅરિફ-વૉરની દહેશતમાં ચાઇનીઝ શૅરબજારમાં રોકાણ હેતુસરના એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ (ETF)માં આઉટફ્લોની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા એક સપ્તાહમાં અહીં ૯૮૪૦ લાખ ડૉલરનું ભંડોળ પાછું ખેંચાઈ ગયું છે. જોકે ચાઇનીઝ બજાર મંગળવારે પોણો ટકો વધીને બંધ થયું છે. અન્ય અગ્રણી એશિયન બજાર પણ તાજેતરની પીછેહઠ બાદ ગઈ કાલે ટેક્નિકલ સુધારામાં હતાં. થાઇલૅન્ડ, તાઇવાન  અને ઇન્ડોનેશિયા એકથી સવા ટકો, સિંગાપોર પોણો ટકો, જપાન અડધો ટકો, હૉન્ગકૉન્ગ ૦.૪ ટકા, સાઉથ કોરિયા નહીંવત પ્લસ હતું. યુરોપ રનિંગમાં અડધાથી સવા ટકા જેવું નીચે હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૩ ડૉલર વટાવી ગયું છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૯૨,૫૯૪ ડૉલરની નવી વિક્રમી સપાટી બતાવી રનિંગમાં ૯૧,૮૯૬ રહ્યો છે. ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ નહીંવત સુધારામાં ૩.૦૯૧ લાખ કરોડ ડૉલરે પહોંચ્યું છે. ટ્રમ્પની માલિકીના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ દ્વારા સંચાલિત ટ્રમ્પ મીડિયા તરફથી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ ફ્રમ બેક્ડને ખરીદી લેવાની હિલચાલ હાથ ધરાઈ હોવાના અહેવાલમાં સોમવારની મોડી રાત્રે બેક્ડ હોલ્ડિંગ્સનો શૅર ૧૬૨ ટકાની તેજીમાં ૨૯.૭૧ ડૉલર બંધ થયો છે. ટ્રમ્પ મીડિયાનો શૅર પણ ૧૭ ટકા જેવો ઊચકાઈ ૩૨.૭૮ ડૉલર હતો. પાકિસ્તાની શૅરબજાર એક અલગ ઝોનમાં છે. કરાચી ઇન્ડેક્સ નવા શિખરની હારમાળામાં ૯૫,૯૨૬ની ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૮૩૧ પૉઇન્ટની આગેકૂચ સાથે ૯૫,૮૨૭ જોવાયો છે.

ઘરઆંગણે તાજેતરની એકધારી નરમાઈ બાદ ગઈ કાલે બજાર ટેક્નિકલ બાઉન્સબૅક થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૧૧ પૉઇન્ટના સુધારામાં ૭૭,૫૪૮ ખૂલી છેવટે ૨૩૯ પૉઇન્ટ વધી ૭૭,૫૭૮ તથા નિફ્ટી ૬૫ પૉઇન્ટ ઊચકાઈ ૨૩,૫૧૮ બંધ રહ્યો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅર આંક ઉપરમાં ૭૮,૪૫૨ અને નીચા ૭૭,૪૧૧ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીના ૦.૩ ટકા જેવા સુધારા સામે સ્મૉલકૅપ અને મિડકૅપ એકાદ ટકો તથા બ્રૉડર માર્કેટ ૦.૯ ટકા પ્લસ થતાં માર્કેડ બ્રેડ્થ મઝેદાર હતી. NSEમાં વધેલા ૧૬૨૮ શૅર સામે ૮૪૬ જાતો નરમ હતી. બન્ને બજારના મોટા ભાગના સેક્ટોરલ પૉઝિટિવ ઝોનમાં હતા. રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો, ઑટો બેન્ચમાર્ક ૭૩૧ પૉઇન્ટ કે ૧.૪ ટકા, આઇટી પોણો ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એક ટકો, કૅપિટલ ગુડ્સ ૦.૪ ટકા, ટેલિકૉમ ૦.૩ ટકા, પાવર ઇન્ડેક્સ ૦.૭ ટકા, ટેક્નૉલૉઝિસ અડધો ટકો, નિફ્ટી મીડિયા અઢી ટકા, નિફ્ટી ફાર્મા એક ટકો મજબૂત હતા. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૧.૫૬ લાખ કરોડ વધી ૪૩૦.૬૬ લાખ કરોડ છે.

NTPC ગ્રીન એનર્જીનો ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો મેગા ઇશ્યુ પ્રથમ દિવસે ૩૫ ટકા ભરાયો છે. રીટેલ પોર્શન દોઢેક ગણો છલકાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધુ ખરડાઈ ૭૦ પૈસા થયા બાદ હાલમાં ૧૧૫ પૈસા છે. એન્વીરો ઇન્ફ્રાનો શૅરદીઠ ૧૪૮ના ભાવનો ૬૫૦ કરોડનો આઇપીઓ બાવીસમીએ ખૂલશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૭થી શરૂ થયા બાદ હાલમાં વધી ૨૬ બોલાય છે. SME સેગમેન્ટમાં ૨૧મીએ પુણેની લેમોસિક ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવથી ૬૧૨૦ લાખ રૂપિયાનો તથા બાવીસમી નવેમ્બરે બૅન્ગલોરની સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૨૨૬ની અપર બૅન્ડમાં ૯૯૦૭ લાખનો ઇશ્યુ કરવાની છે. સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સની ગ્રે માર્કેટમાં ફેન્સી છે. પ્રીમિયમના કામકાજ ૨૦૦થી શરૂ થયા બાદ રેટ વધી હાલમાં ૨૨૫ ક્વોટ થાય છે. 

થેમિસમેડી સાથેના મર્જરની જાહેરાત ગુજરાત થેમિસ બાયોને ફળી

ઝી એન્ટરપ્રાઇઝમાં પુનીત ગોએન્કાની પાંખો કપાઈ ગઈ છે. મૅનેજિંગ ડિરેક્ટર પદેથી રાજીનામું આપવું પડ્યું છે. હવે તે કંપનીના પગારદાર સીઈઓ તરીકે જ કામગીરી સંભાળશે. તેના પર બોર્ડની નજર રહેશે. આની અસરમાં ઝી એન્ટરપ્રાઇઝ આઠ ગણા કામકાજે ઉપરમાં ૧૨૬ થઈ ૬.૨ ટકા ઊછળી ૧૨૩ બંધ થયો છે. ઝી મીડિયા પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૯ વટાવી ગયો છે. ઝી લર્ન પણ પાંચ ટકાની તેજીની સર્કિટમાં પોણાનવ નજીક રહ્યો છે. ખરાબ પરિણામને લઈ ૨૦ ટકા તૂટેલી મામા અર્થ વાળી હોનેસા કન્ઝ્યુમર વળતા દિવસે પણ ખુવારીમાં ૨૪૨ની વર્સ્ટ લેવલે જઈ ૧૧ ટકા ખરડાઈ ૨૬૪ હતો. ગૅસ ડિસ્ટ્રિબ્યુટર્સ કંપનીઓના શૅરમાં સોમવારે ભારે ખરાબી જોવા મળી હતી. ગઈ કાલે ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૩૧૬ની નવી મલ્ટિયર બૉટમ બતાવી દોઢ ટકા ઘટીને ૩૨૦, મહાનગર ગૅસ અડધો ટકો ઘટી ૧૧૨૬ તથા ગુજરાત ગૅસ નજીવી નરમાઈમાં ૪૫૨ બંધ હતો. પરિણામ અને બોનસની તેજી આગળ ધપાવતાં બાન્કો પ્રોડક્ટ્સ ૧૦૭૬ની નવી ટૉપ હાંસલ કરી સવાછ ટકાની મજબૂતીમાં ૧૦૫૨ થયો છે. મંદીની ૪ સર્કિટ બાદ સોમવારે તેજીની સર્કિટ બનાવનાર એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ વળતા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૪,૧૨૩ રૂપિયા લથડી ૨,૬૮,૩૩૭ થઈ ત્યાં જ બંધ હતો.

કીટેક્સ ગાર્મેન્ટ્સ દ્વારા બાવીસમીની બોર્ડ મીટિંગમાં બોનસનો એજન્ડા સામેલ થતાં ભાવ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૬૩૭ વટાવી ગયો હતો. ગુજરાત થેમિસ બાયોસિને થેમિસ મેડીકૅર સાથે મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે. મર્જર બદલ ગુજરાત થેમિસ બાયોસિનના ૧૦૦ શૅરદીઠ થેમિસ મેડીકૅરના ૧૧૮ શૅર આપશે. આ જાહેરાતના પગલે ગુજરાત થેમિસ બાયોસિનનો શૅર ગઈ કાલે ૭.૬ ટકા ઊછળી ૩૨૮ તો થેમિસ મેડીકૅરનો ભાવ ઉપરમાં ૩૦૪ વટાવી અંતે નહીંવત સુધરીને ૨૮૬ રહ્યો છે. બન્ને કંપનીના શૅરની ફેસવૅલ્યુ એકની છે. શૅરદીઠ પાંચ બોનસની રેકૉર્ડ-ડેટ નજીક આવતાં શક્તિ પમ્પ્સ બૅક-ટુ-બૅક પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૩૫ ઊચકાઈ ૪૯૪૨ બંધ હતો. 

મહિન્દ્ર બુલિશ વ્યુમાં સતત ત્રીજા દિવસે વધીને ટૉપ ગેઇનર

મહિન્દ્રમાં બ્રોકરેજ હાઉસ CLSA દ્વારા ૩૪૪૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવતાં શૅર પોરસાઈ સુધારાની હૅટ-ટ્રિકમાં સાડાત્રણ ટકા કે ૧૦૧ વધી ૨૯૪૮ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર હતો. ટેક મહિન્દ્ર સવાબે ટકા વધી સેકન્ડ બેસ્ટ ગેઇનર રહ્યો છે. HDFC બૅન્ક ૨.૨ ટકા મજબૂતી સાથે ૧૭૪૨ બંધ આપી બજારને સર્વાધિક ૨૪૭ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ઇન્ફી આગલા દિવસના પોણાત્રણ ટકાના ધબડકા બાદ ગઈ કાલે પોણો ટકો સુધરી ૧૮૨૫ થયો છે. તો ટીસીએસ જે સોમવારે ત્રણ ટકા તૂટ્યો હતો એ વળતા દિવસે અડધો ટકો સુધર્યો છે. ટ્રેન્ટ બે ટકા નજીક, આઇશર મોટર્સ અને સનફાર્મા પોણાબે ટકા આસપાસ, ટાઇટન, વિપ્રો તેમ જ ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૭ ટકા ડાઉન હતા. પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક, તાતા મોટર્સ એકથી દોઢ ટકા પ્લસ હતા.

SBI લાઇફ અઢી ટકા અને હિન્દાલ્કો પોણાબે ટકા ઘટી નિફ્ટીમાં વર્સ્ટ પર્ફોર્મર હતા. રિલાયન્સ દોઢ ટકા ખરડાઈ ૧૨૪૧ના બંધમાં બજારને સૌથી વધુ ૧૧૪ પૉઇન્ટ નડી છે. SBI દોઢ ટકા, તાતા સ્ટીલ તેમ જ બજાજ ફીનસર્વ સવા ટકો, તાતા કન્ઝ્યુમર અને HDFC લાઇફ દોઢ ટકો, મારુતિ સુઝુકી, ઓએનજીસી અને લાર્સન એક ટકો આસપાસ માઇનસ હતા. જિંદલ વર્લ્ડ વાઇડ ૧૧ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૩૪ થયો છે. કારટ્રેડ ૧૩૩૬ની વર્ષની ટૉપ બતાવી ૧૧ ટકા વધી ૧૩૦૫ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. મેપમાય ઇન્ડિયા, ગરવારે ટેક્નિકલ તથા JSW હોલ્ડિંગ્સ પાંચથી સાડાપાંચ ટકા બગડ્યો હતો. ન્યુજેન સૉફ્ટવેર આગલા દિવસના ૧૫ ટકા પ્લસના કડાકા બાદ પોણાછ ટકા બાઉન્સબૅક થઈ ૧૧૦૩ થયો છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅર ઘટવા છતાં ૨૬૩ પૉઇન્ટ કે અડધો ટકો વધ્યો એ મુખ્યત્વે HDFC બૅન્કને આભારી છે. બજાર ગઈ કાલે આગલા બંધથી ૧૧૧૨ પૉઇન્ટ વધ્યા પછી ઉપલા મથાળેથી ૧૦૪૦ પૉઇન્ટ ગગડ્યું એ બતાવે છે કે આંતરપ્રવાહ નબળો છે. ઉછાળા બહુધા ઊભરા જેવા નીવડશે. ઘટાડાની ચાલ હજી આગળ વધશે. 

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex