14 October, 2024 09:02 AM IST | Mumbai | Jayesh Chitalia
શેરબજાર
લાંબા સમય બાદ શૅરબજારમાં આવેલું કરેક્શન આમ તો ક્યારનું પાકી ગયું હતું. જોકે દેર આએ, દુરુસ્ત આએ. બજારને કરેક્શનની જરૂર હતી, જેથી માર્કેટની અને ઇન્વેસ્ટર્સની ખોટી ચરબી ઊતરે અને બન્ને સ્વસ્થ બને. દાગ અચ્છે હોતે હૈં એનો અર્થ સમજીએ એમ કરેક્શન/માર્કેટ-ફૉલ ભી અચ્છે હોતે હૈં એ સમજવામાં સાર ગણાય
જ્યારે માર્કેટ ઊંચે જાય ત્યારે ઘણા લોકો એ વધુ ઊંચે જવાની ધારણા કે આશામાં શૅર વેચતા નથી, ઘણા પ્રૉફિટ બુક કરી લે છે, પણ એ વેચાણનાં નાણાંમાંથી બીજા સ્ટૉક્સ ખરીદી લે છે. જ્યારે માર્કેટ તૂટે છે ત્યારે અનેક સ્ટૉક્સના ભાવ નીચે આવી જાય છે, પરંતુ એ સમયે તે લોકો પાસે નીચા ભાવે ખરીદવા નાણાં હોતાં નથી, કેમ કે તેમણે નાણાં બીજા સ્ટૉક્સમાં લગાડી દીધાં હોય છે. અમુક કિસ્સામાં એવું જોવા મળે છે કે ટ્રેડર વર્ગ રાહ જોવામાં માનતો નથી, પરિણામે તેઓ તેજીની બજારમાં ઓવરવૅલ્યુડ સ્ટૉક્સ પણ જમા કરી લે છે અને માર્કેટ તૂટે ત્યારે ઊંચા ભાવોમાં ભરાઈ ગયા હોય છે.
આવાં દૃશ્યો કે પ્રસંગો તાજેતરના કરેક્શનમાં જોવા મળ્યાં. એકધારી લાંબી તેજીમાં સતત ઊંચે જતા બજારમાં મોટા ભાગના લોકો શૅર ખરીદતા જ રહ્યા, બહુ ઓછા લોકો પ્રૉફિટ બુક કરવામાં રહ્યા, જેમણે નફો લીધો તો પણ એ નાણાં બીજા સ્ટૉક્સમાં લગાડી દીધાં જેથી આખરે તો માર્કેટમાં જ રહ્યાં, જ્યારે હેવી કરેક્શન આવ્યું ત્યારે નીચા ભાવોમાં ખરીદીની તક તેઓ લઈ શક્યા નહીં, કારણ કે પૈસા તો બજારમાં મૂકી દીધા હતા. ખરેખર તો અમુક ટકા ફન્ડ કાયમ હાથમાં રાખવું જોઈએ, જેનો ઉપયોગ ચોક્કસ સમયમાં કરી શકાય. આ સાદી વાત મોટા ભાગના લોકો ચૂકી જાય છે, જ્યારે કે જેમની પાસે ભંડોળ હોય છે તેઓ આવી કડાકાની માર્કેટમાં પણ ખરીદી કરી લઈ એનો લાભ ઉઠાવે છે. પૈસા કઈ રીતે પૈસાને ખેંચે છે અથવા પૈસામાંથી કઈ રીતે વધુ પૈસા બને છે એ સમજવા માટે આ માર્કેટ ઘણાં લેસન શીખવે છે અને તક પણ આપે છે. હા, દોસ્તો ઉતાવળ કરવી નહીં. શૅરબજારમાં ઉતાવળિયા લોકોનાં નાણાં ધીરજવાનો લઈ જાય છે.
બજારમાં નજર બધે રાખો
લાંબા સમયગાળા બાદ વીતેલા એક જ સપ્તાહમાં બજારે હેવી કરેક્શનનો અનુભવ કર્યો છે. સેન્સેક્સ ૮૬ હજાર ઉપરથી ઘટીને ૮૦-૮૧ હજાર પાસે આવી ગયો અને નિફ્ટી ૨૬ હજાર ઉપરના લેવલથી ડાઉન જઈ પચીસ હજાર આસપાસ આવી ગયો. અલબત્ત, આ કરેક્શન માટે બજારને વાજબી કારણો મળ્યાં હતાં. યુદ્ધનો તનાવ એમાં મુખ્ય કારણ બન્યો અને ઓવરવૅલ્યુડ માર્કેટ તો ક્યારનું કારણની બત્તી બતાવતું જ હતું, પરંતુ કોઈની નજર એના પર જતી નહોતી. સ્માર્ટ ઇન્વેસ્ટર્સ પોતાની નજર બધે જ રાખતા હોય છે અને તેઓ ક્યારે પ્રૉફિટ બુક કરી લેવો એની સમજ અને સંયમ પણ ધરાવતા હોય છે. આ સમયમાં માર્કેટમાં વૉલેટિલિટી પણ ખાસ્સી જોવા મળી છે.
ભારત, ચીન અને ગ્લોબલ રોકાણ
તાજેતરમાં આપણી બજારમાં એક મહત્ત્વનું ડેવલપમેન્ટ ચીનની અસરનું જોવા મળ્યું. ચીને એની ઇકૉનૉમીને બૂસ્ટ કરવા ઊંચું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરતાં એની બજારમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ આકર્ષાયા હતા અને એક ચર્ચા એવી ફેલાવા લાગી હતી કે હવે ભારતીય માર્કેટને બદલે ચીનમાં રોકાણ ખેંચાઈ જશે. અલબત્ત, આને એક ટેમ્પરરી સાઇકો અસર અને ચર્ચા કહી શકાય, કારણ કે ચીનના ચમકારા બાદ આટ્રેન્ડ લાંબો ચાલે એવી શક્યતાનથી. ભારતીય માર્કેટ આજે પણ મજબૂત છે, ચીન અને અમેરિકા કરતાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ઊંચો રહ્યો છે અને રહેવાની ઊંચી આશા છે.
રેટ-કટ અમેરિકા અને ભારતમાં
દરમ્યાન ભારતીય રિઝર્વ બૅન્કે આ વખતે પણ રેટ-કટ ટાળી દીધો, જેની અસરે માર્કેટ કંઈક અંશે નારાજ પણ થયું હતું, જોકે ઓવરઑલ ઇકૉનૉમી માટે આ પગલું વાજબી છે. મિડલ ઈસ્ટના યુદ્ધના તનાવભર્યા માહોલમાં ફુગાવાનું નિયમન વધુ મહત્ત્વનું બની જાય છે. બીજી બાજુ યુએસ ફેડરલ રિઝર્વે એક રેટ-કટ કર્યા બાદ હજી બે રેટ-કટની આશા જગાવી હોવાથી એનું પૉઝિટિવ પરિબળ કામ કરશે. ચીનની વાત કરીએ તો એણે અગાઉ કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર વધુ ભાર મૂકીને વધારાની ક્ષમતા ઊભી કરી હોવાના દાખલા જોવા મળ્યા હતા, જેને એ પચાવી શક્યું નહોતું; જ્યારે હાલ ભારતમાં હાઉસહોલ્ડ સેવિંગ્સ વધુ માત્રામાં ભારતીય કૅપિટલ માર્કેટમાં ખેંચાઈ રહી છે. આનું પરિણામ અત્યારે એ આવ્યું છે કે ભારતીય શૅરબજાર માત્ર વિદેશી રોકાણ પ્રવાહના આધારે જ ચાલે એ દિવસો રહ્યા નથી. ભારતનો આંતરિક રોકાણપ્રવાહ મજબૂત અને સાતત્યપૂર્ણ બનતો રહ્યો છે, જેમાં કંઈક અંશે જોખમ ખરું; પરંતુ લાંબા ગાળાનું હિત પણ ખરું. રોકાણકાર વર્ગે સતર્ક-સંયમિત અને શિસ્તબદ્ધ બનવાની જરૂર રહેશે.
કરેક્શન આવકાર્ય છે
ગયા સપ્તાહમાં રાજકીય સમીકરણોની કંઈક અંશે પૉઝિટિવ અસર પણ માર્કેટ પર જોવા મળી છે. BJPની હરિયાણામાં ઐતિહાસિક જીત અને જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં બહેતર બેઠકોની પ્રાપ્તિ વર્તમાન સરકાર માટે તો સારી બાબત છે જ, સાથે-સાથે શૅરબજાર માટે પ્રોત્સાહક સાબિત થઈ રહી છે. સપ્તાહમાં જોવાયેલો કરેક્શનનો વાયરો ખરેખર તો આવકાર્ય ગણાય, જેનાથી તેજીની ચરબી ઊતરી ગણાય, જે માર્કેટના સ્વાસ્થ્ય માટે સારી છે. લોકોને ખરીદીની બહેતર તક મળવી જ જોઈએ. ભાવો ફૂલીને ફુગ્ગા થતા રહે તો ખરીદવાની તક જોખમી બનતી જાય.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
હ્યુન્દાઇ ૨૭,૦૦૦ કરોડ રૂપિયાનો તેમ જ નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન (NTPC)ની સહયોગી NTPC ગ્રીન એનર્જી ૧૦ હજાર કરોડ રૂપિયાનો IPO લાવવાની તૈયારીમાં છે.
ઍપલ કંપની ભારતમાં એના ફોનના ઉત્પાદનમાં આગળ વધી રહી છે અને આલ્ફાબેટ ગૂગલ પણ પોતાના ફોન અહીં બનાવવા સક્રિય છે. આમ ભારત પોતાની જરૂરિયાતના મોબાઇલ માટે દેશમાં જ મૅન્યુફૅક્ચરિંગ સુવિધા ઊભી કરવામાં સફળ બનતું જાય છે.
કૃષિ ઉત્પાદનની વૃદ્ધિ અને રોજગાર-સર્જનમાં નોંધપાત્ર સુધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બૅન્કે ૨૦૨૫માં ભારતનો GDP ગ્રોથ સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
હાલ સીધા વેરાના કલેક્શનમાં ૧૮ ટકાનો વધારો થયો છે, જે સારા સંકેત આપે છે.
વિશેષ ટિપ
શૅરબજારમાં ઓવરકૉન્ફિડન્સ રાખનાર ઇન્વેસ્ટર્સ મોટે ભાગે ખોટા નિર્ણયો લેતા હોય છે, કારણ કે તેઓ પોતાને વધુ સમજ અને જાણકારી હોવાનો ભ્રમ પાળતા રહે છે; પરિણામે નાણાં કમાવાને બદલે ગુમાવતા હોય છે.