માર્કેટ ઘટે ત્યારે ખરીદનારા રાજી અને વધે ત્યારે વેચનારા રાજી

23 December, 2024 08:11 AM IST  |  Mumbai | Jayesh Chitalia

બજારને કરેક્શન માટે નક્કર કારણો મળતાં એણે કડાકાનાં દર્શન કરાવ્યાં ત્યાં નાતાલનું વેકેશન આવી ગયું. ફૉરેન ઇન્વેસ્ટર્સ રજા માણવાના હોવાથી તેમની સક્રિયતા ઘટશે.

શેરબજારની ફાઈલ તસવીર

બજારને કરેક્શન માટે નક્કર કારણો મળતાં એણે કડાકાનાં દર્શન કરાવ્યાં ત્યાં નાતાલનું વેકેશન આવી ગયું. ફૉરેન ઇન્વેસ્ટર્સ રજા માણવાના હોવાથી તેમની સક્રિયતા ઘટશે. વળી ડૉલર સામે રૂપિયાના ઘટાડાએ અને અમેરિકાના ઇન્ફ્લેશને પણ ચિંતા વધારી છે. એક મોટી આશામાં હાલ તો બજેટ જ દેખાય છે, ત્યાં સુધી શું કરવું એ સમજવું જરૂરી છે

વિતેલા સપ્તાહમાં એવું તે શું થયું કે શૅરબજાર રોજેરોજ ઘટ્યું? આનાં કારણો આપણે અહીં ચોક્કસ જોઈશું, પરંતુ આ કારણો કરતાં આ ઘટતી કે હજી ઘટવાની સંભાવના ધરાવતી બજાર ખરીદીની તક ઑફર કરી રહી છે એ સમજવું વધુ મહત્ત્વનું છે. ખૈર, સૌપ્રથમ ઘટવાનાં કારણો જાણી લઈએ. રૂપિયાનો સતત થયેલો ઘસારો, જેની અસર ફૉરેક્સ માર્કેટ પર પણ પડી છે, રૂપિયો ૮૫ની રેકૉર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો, ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)એ આક્રમક વેચાણ કર્યું, અમેરિકાના બૉન્ડ‍્સનું વળતર ઊંચું રહ્યું, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા માત્ર પા ટકાનો રેટ-કટ કરાયો એટલું જ નહીં, ૨૦૨૫માં માત્ર બે વાર જ રેટ-કટ કરવાના સંકેત આપ્યા, જ્યારે કે ઇન્ફ્લેશન વધતું જોવાયું. આમ બજાર પાસે કરેક્શન માટે વાજબી કારણો મળ્યાં હતાં. એમાં વળી ડિસેમ્બરનું નાતાલ-વેકેશન શરૂ થવા જઈ રહ્યું હોવાથી પણ વિદેશી રોકાણપ્રવાહને અસર થશે. આમ ટ્રેન્ડ ઘટાડાનો રહ્યો. જેની અસર સે​ન્ટિમેન્ટ પર પડવી સહજ હતી.

રોકાણકારો માટે રાજી થવાનો સમય?
બાય ધ વે, શું રોકાણકારોએ આવી સ્થિતિ પહેલી વાર જોઈ છે? ના. તો પછી આ કરેક્શનનો અર્થ શું કરવો? સમજને વાલે કો ઇશારા કાફી. સમજવાનું એ છે કે માર્કેટનું કરેક્શન એ રોકાણકારો માટે રાજી થવાનો સમય ગણાય, કારણ કે ઘટાડામાં જ સારા-સારા સ્ટૉક્સ પણ નીચા ભાવે મળે છે. તેજીમાં આ જ સ્ટૉક્સના ભાવ ઊંચા જોવાય છે અને આડેધડ ઊંચા જતા પણ જોવા મળે છે. આ  નિશાની જેઓ સ્ટૉક્સ વેચી શકે એના માટે રાજી થવાની ગણાય, પરંતુ એ સમયે ખરીદવાનો ઇરાદો રાખનારા માટે નારાજીની ગણાય. આ વર્ગ આટલા ઊંચા ભાવે ખરીદી કરતાં ખચકાય છે અને તેમને સ્ટૉક્સ મોંઘા લાગે છે, માર્કેટ પણ હાઈ વૅલ્યુએશન પર ચાલતું હોવાનું માની બાયર્સ દૂર થતા જાય છે, જેથી એક તબક્કે ભાવ વધતા અટકે છે અને એ પહેલાંના ઊંચા ભાવે ખરીદનારા કાં તો ભરાઈ જવાની લાગણી ફીલ કરે છે અથવા વૃ​દ્ધિ માટે વધુ રાહ જુએ છે. જોકે નવા ઊંચા ભાવ જોવા મળે કે ન પણ મળે, એ પહેલાં કરેક્શનમાં ભાવ નીચે જાય ત્યારે તેમને ઍવરેજ કરવાનું મન થાય છે, પરંતુ બધા ઍવરેજ માટે સજ્જ કે સક્ષમ હોતા નથી.  

ટ્રેડર્સ વર્ગની વ્યથાની કથા
આવા વૉલેટાઇલ સમયમાં ટ્રેડર્સ વર્ગે એક વાત ધ્યાનમાં ખાસ લેવા જેવી છે. શૅરબજારના ટ્રેડરની કથામાં કેવી વ્યથા સમાયેલી હોય છે એને સમજવા માટે એક કાલ્પનિક ઉદાહરણ જોઈએ. ટ્રેડર સોમવારે ૫૦૦ રૂપિયાના ભાવે શૅર ખરીદીને રાજી થાય છે, જેનો ભાવ બુધવારે ઘટીને ૪૫૦ રૂપિયા થઈ જતાં નિરાશ થાય છે, શુક્રવારે એ જ શૅરનો ભાવ વધુ તૂટીને ૪૦૦ થઈ જાય ત્યારે પૅનિક થઈને વેચી નાખે છે, બીજા સોમવારે એ શૅરનો ભાવ રિકવર થઈને  ૪૯૫ રૂપિયા થઈ જાય ત્યારે તે એનું નિરીક્ષણ કરે છે, મંગળવારે ભાવ ૫૫૦ રૂપિયા થઈ જતાં તેનું દિલ તૂટી જતાં ઉદાસ થઈ જાય છે અને શુક્રવારે એ જ શૅર ૬૦૦ રૂપિયા ક્રૉસ કરી જાય ત્યારે ટ્રેડર  દુખી-દુખી થઈ જાય છે.

ઇન્વેસ્ટર્સ વર્ગે શું સમજવું જોઈશે?
હવે ઇન્વેસ્ટરની વાત કરીએ તો તે બજારમાં ક્યારે ખરીદું અને કયા લેવલે ખરીદું એવી મૂંઝવણમાં વધુ હોય છે. એક સપ્તાહ પહેલાં જ બજારે એની ચાલ કઈ રીતે પૉઝિટિવ કરી નાખી હતી અને કેવી વૉલેટિલિટી બતાવી હતી એનો અનુભવ લીધો. ખાસ કરીને આગલા સપ્તાહના શુક્રવારે એ જબ્બર વૉલેટિલિટી સાથે બજાર ઊંચે બંધ રહ્યું હતું, જેમાં સેન્સેક્સ ૮૨,૦૦૦ને અને નિફ્ટી ૨૪,૭૦૦ને પાર કરી ગયા હતા. જ્યારે લેટેસ્ટ ગયા સપ્તાહમાં સતત કરેક્શન સાથે શુક્રવારે હેવી કરેક્શન જોવાયું, જેમાં સેન્સેક્સ ૧૧૦૦ પૉઇન્ટથી વધુ અને નિફ્ટી ૩૭૫ પૉઇન્ટથી વધુ તૂટી ગયા હતા. આમ એક શુક્રવાર અને બીજા શુક્રવારમાં ખાસ્સો ફરક જોવા મળ્યો. સેન્સેક્સ ૭૮,૦૦૦ આસપાસ અને નિફ્ટી ૨૩,૫૦૦ આસપાસ બંધ રહ્યા હતા. એક સપ્તાહમાં જ બજારની બદલાયેલી ચાલ અને વધઘટ કન્ફ્યુઝ ન કરે તો જ નવાઈ. અલબત્ત, આમાં અમેરિકાની અસર વધુ રહી હતી. આપણે ફરી એ જ વાત પર આવીએ તો એની રિપીટ વૅલ્યુ ચોક્કસ ગણાય. બજાર હજી નહીં ઘટે એમ કહી શકાય કે માની શકાય નહીં, પરંતુ આ સમય બજારને બાય-બાય કરવાનો નહીં, બલકે બજારમાં સિલે​ક્ટિવલી બાય કરવાનો કહી શકાય.

ઑનલાઇન બ્રોકરોની ચિંતા વધી
તાજેતરમાં બજારમાં જેની ચિંતા વધી છે એ ઑનલાઇન બ્રોકરોની છે, ખાસ કરીને બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટઅપ્સ સમાન. જેમને અત્યાર સુધી જબરદસ્ત સફળતા મળી, ગ્રાહકો મળતા રહ્યા, ટર્નઓવર મળ્યું, પરંતુ SEBIએ ઓવર સ્પેક્યુલેશન સામે કડક અભિગમ અપનાવવાનું શરૂ કરતાં હવે આ બ્રોકરોના બિઝનેસને અસર થવાની શક્યતા છે. આ બ્રોકિંગ કંપનીઓના ગ્રોથ-પ્લાનને અસર થઈ શકે છે, જ્યાં તેમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાં તેમના વળતર પર કાતર ફરી શકે છે.

માર્કેટના એક્સપર્ટ રમેશ દામાણીના આટલા મુદ્દા યાદ રાખો
ટ્રેડર્સ હોય કે ઇન્વેસ્ટર્સ તેમણે શૅરબજારના અનુભવી બ્રોકર અને માસ્ટર ઑફ માર્કેટ કહી શકાય એવા રમેશ દામાણીની બજાર વિશેની ચોક્કસ બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ કે હંમેશાં વૅલ્યુ ઇન્વેસ્ટર બનો, લૉન્ગ ટર્મ વૅલ્યુને ધ્યાનમાં રાખીને સ્ટૉક્સ સિલેક્ટ કરો, મિત્રો કે પરિચિતોની ભલામણ કે ટિપ્સનો શૉર્ટ કટ ટાળો, કમ્પાઉન્ડિંગ પર ફોકસ કરો, ભાવિ તરફ અભ્યાસ અને દૃષ્ટિ રાખો, દરેક દાયકામાં સેક્ટરના ટ્રેન્ડ પણ બદલાતા હોય છે, વૉલેટિલિટી અને જોખમથી મૂડીની રક્ષા કરો, માર્કેટની સાઇકલને સમજો, માર્કેટ લીડર્સમાં રોકાણનો અભિગમ સેવો, મંદીમાં ક્વૉલિટી સ્ટૉક્સ પર પસંદગી ઉતારી જમા કરો.

share market stock market sensex nifty foreign direct investment sebi business news