કરેક્શનનો દોર કન્ટિન્યુ રહેવાનાં એંધાણ: તેજીની ગાડી સામે સ્પીડબ્રેકર્સ અને ખાડાઓ

21 October, 2024 08:40 AM IST  |  Mumbai | Jayesh Chitalia

બજારમાં લાંબી તેજી બાદ હાલ કરેક્શનનો દોર ચાલી રહ્યો છે. તેજીના ટ્રિગર-પૉઇન્ટ લગભગ નહીંવત્ રહ્યા છે અને તેજીની ગાડી સામે સ્પીડબ્રેકર્સ ઉપરાંત ખાડાઓ પણ આવતા રહ્યા છે. સૌથી મોટો ખાડો યુદ્ધ સહિતની ગ્લોબલ અનિશ્ચિતતાનો છે.

શેરબજાર

બજારમાં લાંબી તેજી બાદ હાલ કરેક્શનનો દોર ચાલી રહ્યો છે. તેજીના ટ્રિગર-પૉઇન્ટ લગભગ નહીંવત્ રહ્યા છે અને તેજીની ગાડી સામે સ્પીડબ્રેકર્સ ઉપરાંત ખાડાઓ પણ આવતા રહ્યા છે. સૌથી મોટો ખાડો યુદ્ધ સહિતની ગ્લોબલ અનિશ્ચિતતાનો છે. જોકે અન્ડરટોન બુલિશ ગણી શકાય. એથી ઘટેલા ભાવોએ લાર્જકૅપ સહિત અન્ય ગ્રુપના સિલેક્ટેડ સ્ટૉક્સ જમા કરવાનો સમય ગણાય

દિવાળી ઢૂંકડી હોવા છતાં શૅરબજારે આ વખતે કરેક્શનનો જે માર્ગ અપનાવ્યો છે એ વાજબી જણાય એવો છે, કરેક્શન અગાઉ બે-ત્રણ વાર મોટા કડાકા સાથે થઈ ગયા બાદ હવે એ ઓછી માત્રામાં, પરંતુ નિયમિત થઈ રહ્યું છે. રિકવરી થાય તો પણ કરેક્શન આવીને ગાડીને બ્રેક મારી દે છે. આનો અર્થ એ થાય કે બજાર હાલ કૉન્સોલિડેટ થઈ રહ્યું છે. મોટી બુલિશ રિકવરી માટે નવાં ટ્રિગર્સ જોઈશે, ત્યાં સુધી સમજી-સાચવીને સારા સ્ટૉક્સ જમા કરવામાં જ શાણપણ રહેશે. 

આવા લોકો સંપત્તિસર્જક બની શકે

એક હકીકત સમજી લેવી જોઈએ કે બજારની સતત અંદર-બહાર થનાર રોકાણકાર ભાગ્યે જ કમાય છે અને જે કમાય છે એ આખર સુધી રહેતું નથી, કેમ કે તે લે-વેચના ચક્કરમાં ગુમાવી પણ દે છે. આવી વ્યક્તિ ક્યારેય સંપત્તિસર્જક બની શકતી નથી, હા, કામચલાઉ કમાણી થઈ જાય એ વાત જુદી છે અને એમાં કોઈ અપવાદ બની જાય એ વાત પણ જુદી છે. એક સારા ઇન્વેસ્ટરમાં વિચિત્ર કૉમ્બિનેશન હોય છે, જેમાં તેઓ ધૈર્યવાન હોય છે એમ જ આક્રમક (અૅગ્રેસિવ) પણ હોય છે. જોકે આ ક્વૉલિટી બહુ ઓછા રોકાણકારોમાં હોય છે.

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ જેમ ફ્યુચર ઍન્ડ ઑપ્શન્સ (F&O) સેગમેન્ટ માટે ચેતવણી આપી હતી અને એ પછી અંકુશાત્મક પગલાં લીધાં હતાં એની અસર તો હજી જોવાની બાકી છે, મોટા ભાગના લોકો માને છે વાંદરાઓ ક્યારેય ગુલાંટ મારવાનું ભૂલતા નથી. F&Oમાં તો કૉન્ટ્રૅક્ટની વૅલ્યુ જ વધારી દઈ એન્ટ્રી-લેવલ હાઈ કરી દેવાયું છે, પરંતુ ઇન્ટ્રા-ડેમાં તો હાલ એનાં એ જ છે. ઇન્ટ્રા-ડેની ગુલાંટ વધુ મજાની હોવાથી એમાંથી બહાર નીકળવું બહુ જ કઠિન છે. 

મોંઘા-સસ્તા સ્ટૉક્સ

મોટા ભાગના રોકાણકારો મોંઘા સ્ટૉક્સ વેચી દેવાનો અને સસ્તા સ્ટૉક્સ ખરીદવાનો અભિગમ ધરાવે છે, જેમાં તેઓ શાણપણ સમજે છે; પરંતુ વાસ્તવમાં તેમને એ ખબર હોતી નથી કે મોંઘા સ્ટૉક્સ હજી વધવાના હોય છે અને સસ્તા સ્ટૉક્સ હજી નીચે જવાના હોય છે. ખરેખર તો તેમણે મોંઘા અને સસ્તા સ્ટૉક્સની વ્યાખ્યા સમજવી જોઈએ. ઊંચા ભાવ એટલે મોંઘા સ્ટૉક્સ નહીં અને નીચા ભાવ એટલે સસ્તા સ્ટૉક્સ નહીં, બલકે કંપનીઓના ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સના આધારે એ મોંઘા-સસ્તા ગણાય. આ ઘટાડાના ટ્રેન્ડમાં નીચા ગયેલા સારી કંપનીઓના શૅર્સ ખરીદવામાં શાણપણ રહેશે. ઍવરેજ પણ કરાય અને ચોક્કસ સ્ટૉક્સમાં ખરીદી પણ કરાય. બાય ધ વે, બધા જ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) પાછળ ઘેલા ન થવાય. આ માર્કેટમાં રમત પણ ચાલી રહી છે.

સ્ટૉક સિલેક્શનનું મહત્ત્વ

આ વૉલેટાઇલ માર્કેટમાં પણ ફન્ડ-મૅનેજર્સ પોતાની પાસે વધુ કૅશ રાખવાને બદલે ચોક્કસ મર્યાદામાં જ કૅશ રાખવાનો વ્યૂહ અપનાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ વર્ગ અથવા જેમની પાસે નાણાંની ભરપૂર પ્રવાહિતા છે તેઓ સ્ટૉક્સ જમા કરવામાં માને છે, કારણ કે તેઓ લાંબા ગાળાની તેજી અને વૃદ્ધિ જોઈ રહ્યા છે. ગ્લોબલ અનિશ્ચિતતા તેમ જ કરેક્શનમાં પણ મહત્તમ લોકોને લૉન્ગ ટર્મ ગ્રોથ-સ્ટોરી દેખાઈ રહી છે. ફન્ડ-મૅનેજર્સમાં એક વર્ગ એવો પણ મત ધરાવે છે કે હાલ માર્કેટ વધુ જોખમી સ્તરે છે અને વધુ તોફાની વધઘટ જોખમ વધારી રહી છે ત્યારે ખરું મહત્ત્વ સ્ટૉક-સિલેક્શન પર ફોકસ કરવાનું છે. આ જ કારણસર ઘણાં ફન્ડ્સ અત્યારે વિવિધ થીમ-આધારિત યોજના કે પ્રોડક્ટ્સ લાવી રહ્યાં છે. ફન્ડ-મૅનેજર્સ આ સંજોગોમાં તેમની નિપુણતા અને ગહન રિસર્ચને આધારે સ્ટૉક્સ તારવવાનું પસંદ કરે છે, મજબૂત ભાવિ-સંકેતો અને શક્યતા દર્શાવતી કંપનીઓ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી એવા સ્ટૉક્સ પસંદ કરવામાં આવે જે સંપત્તિસર્જનમાં સહભાગી બને.

કરેક્શન કન્ટિન્યુ રહેશે

ગયા સપ્તાહથી બજારે કરેક્શનનો જવાબ આપવાનો શરૂ કર્યો એટલે લોકોને એવું લાગ્યું કે બજારમાં હવે પુનઃ રિકવરી શરૂ થશે, પરંતુ આ ધારણા લાંબી ટકી નહીં. હા, એના આગલા દિવસોમાં બે-ચાર કરેક્શનમાં જ મોટું ધોવાણ થઈ ગયું હતું. મંગળવાર, બુધવાર અને ગુરુવારે ફરી માર્કેટ-કરેક્શન ચાલુ રહ્યું હતું. જોકે શુક્રવારે વધઘટ બાદ અંતે સાધારણ રિકવરી સાથે બજાર બંધ રહ્યું. આમ એની ચાલ હાલમાં વૉલેટિલિટીવાળી રહે એવાં એંધાણ છે. હાલ સેકન્ડરી માર્કેટમાં વધુ વેચાણનું એક કારણ IPOમાં વહી રહેલો રોકાણપ્રવાહ પણ છે. હ્યુન્દાઇથી માંડી વિવિધ IPO અત્યારે રોકાણકારોને વધુ આકર્ષી રહ્યા છે તેમ જ હાલ પ્રૉફિટ-બુકિંગનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે, જેને ગ્લોબલ સંજોગોનો સાથ પણ મળી રહ્યો છે. આમ અત્યારે તો માથે દિવાળી હોવા છતાં કરેક્શન ચાલુ રહેવાની શકયતા છે. મોટી રિકવરીની આશા નહીંવત ગણવી.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) દ્વારા સપ્ટેમ્બરમાં પચાસ સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં તેમનું હોલ્ડિંગ વધારાયું  છે. 

જાહેર ક્ષેત્રની કંપનીઓના સ્ટૉક્સના ભાવ ઘણા નીચા ઊતરી ગયા હોવા છતાં રીટેલ ઇન્વેસ્ટર્સ વર્ગ એમાં પોતાનું હોલ્ડિંગ વધારી રહ્યો છે. જાહેર ક્ષેત્રની ૬૮ કંપનીઓમાંથી ૫૬ કંપનીઓમાં રીટેલ ઇન્વેસ્ટર્સનું હોલ્ડિંગ વધ્યું છે. જોકે માત્ર સોળ જાહેર કંપનીઓએ જ પૉઝિટિવ વળતર આપ્યું છે. 

હાલ જયારે ભારત-કૅનેડા વચ્ચે ચોક્કસ રાજકીય મતભેદ ચાલી રહ્યા છે ત્યારે એક મહત્ત્વની વાત એ નોંધવી રહી કે કૅનેડિયન ફન્ડ્સનું ભારતીય સ્ટૉકમાર્કેટમાં આશરે ૧.૯૮ લાખ કરોડ રૂપિયાનું રોકાણ છે. જોકે સારી વાત એ છે કે આ ફન્ડ્સ તરફથી તેમનું રોકાણ ભારતમાંથી પાછું ખેંચવાના કોઈ સંકેત હજી આવ્યા નથી.  

રિઝર્વ બૅન્કના ગવર્નરે હાલ વ્યાજદરમાં ઘટાડાની શકયતા નકારી કાઢતાં કહ્યું છે કે વર્તમાન સંજોગોમાં આમ કરવું જોખમી સાબિત થઈ શકે. જોકે તેમણે ગ્રોથરેટ માટે ઊંચો આશાવાદ રાખ્યો છે. 

વિશેષ ટિપ

બજારની અંદર-બહાર થનારાના અર્થાત્ ઇન્ટ્રા-ડે કરનારામાંથી મોટા ભાગના લોકોના હાલ ખાયા-પિયા કુછ નહીં, ગિલાસ તોડા દસ રૂપિયા દિયા જેવા થતા હોય છે. 

stock market share market ipo diwali sebi business news