શૅરબજારમાં નવા શિખરનો સિલસિલો જારી, રોકડામાં પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની

05 July, 2023 02:10 PM IST  |  Mumbai | Anil Patel

અદાણીના શૅર સુસ્તી સાથે એકંદર નરમાઈની ચાલમાં, જેટ ઍરવેઝ, નીટ લિમિટેડ, રાજેશ એક્સ, વર્ડ વિઝાર્ડ ઇનો., શિવા ગ્લોબલ વગેરેમાં નવાં નીચાં બૉટમ બનવાનું ચાલુ 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

વધુ ને વધુ લોકો ઉધારીના માર્ગે વળતાં બજાજ ફાઇ.નો શૅર ૫૨૬ની તેજી સાથે નવી ટોચે : હાર્લી ડેવિડસન સાથેની ડીલમાં હીરો મોટોકૉર્પ ૧૨૯ રૂપિયા ઊછળ્યો, આઇશર મોટર્સ ૨૨૯ રૂપિયા પટકાયો : રિવર્સ મર્જર આઇડીએફસીને ફળ્યું, પણ આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક વૉલ્યુમ સાથે ગગડ્યો: પૉઝિટિવ લિસ્ટિંગ બાદ ૮૫ રૂપિયાનો લૉસ્ટિંગ ગેઇન દેખાડનાર એચએમએ ઍગ્રો છેવટે નેગેટિવ રિટર્નમાં બંધ : અદાણીના શૅર સુસ્તી સાથે એકંદર નરમાઈની ચાલમાં, જેટ ઍરવેઝ, નીટ લિમિટેડ, રાજેશ એક્સ, વર્ડ વિઝાર્ડ ઇનો., શિવા ગ્લોબલ વગેરેમાં નવાં નીચાં બૉટમ બનવાનું ચાલુ 

નવો દિવસ, નવી ટૉપનો સિલસિલો જાળવી રાખતાં મંગળવારે સેન્સેક્સ લગભગ ૨૯૯ પૉઇન્ટના ગૅપમાં ૬૫,૫૦૪ નજીક ખૂલી છેવટે ૨૭૪ પૉઇન્ટની આગેકૂચમાં ૬૫,૪૭૯ તથા નિફ્ટી ૬૬ પૉઇન્ટ વધીને ૧૯,૩૮૯ બંધ આવ્યો છે. મજબૂત ઓપનિંગ બાદ સેન્સેક્સ સીધી લપસણીની ચાલમાં અડધા-પોણા કલાકમાં જ ૩૩૩ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૬૫,૧૭૧ થયો હતો અને ત્યાંથી ધીમી મક્કમ ગતિએ વધતાં રહી ઉપરમાં ૬૫,૬૭૩ દેખાયો હતો. નિફ્ટી પણ ૧૯,૩૦૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ઉપરમાં ૧૯,૪૩૪ના શિખરે ગયો હતો. સળંગ પાંચમા દિવસે સેન્સેક્સ-નિફ્ટીની નવી ઊંચી સપાટીની સાથે બજારનું માર્કેટ કૅપ ૩૬,૦૦૦ કરોડ વધીને ૨૯૮.૫૭ લાખ કરોડ થઈ ગયું છે. જૂજ અપવાદ સિવાય બન્ને બજારોનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. સ્મૉલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટ, એફએમસીજી, બૅન્કેક્સ, બૅન્ક નિફ્ટી, ફાઇનૅન્સ, રિયલ્ટી જેવા બેન્ચમાર્ક નવાં બેસ્ટ લેવલે ગયાં છે. બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ પોણો ટકો, નિફ્ટી મીડિયા ૦.૮ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૯ ટકા, બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા, આઇટી આંક ૦.૮ ટકા પ્લસ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ સવા ટકો, ઑઇલ-ગૅસ ૦.૭ ટકા, એનર્જી બેન્ચમાર્ક અડધો ટકો અને ઑટો ઇન્ડેક્સ અડધો ટકો માઇનસ થયા છે. માર્કેટ બ્રેડ્થ રોકડાની પીછેહઠમાં નેગેટિવ બની છે. એનએસઈ ખાતે ૮૪૯ શૅર પ્લસ તો ૧૨૦૮ જાતો નરમ હતી. 
એશિયન બજારો મિશ્ર વલણમાં હતાં. થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ ૦.૬ ટકા, તાઇવાન ૦.૩ ટકા સુધર્યું છે, સામે જૅપનીઝ નિક્કી એક ટકો અને સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયા સાધારણ નરમ હતાં. યુરોપ રનિંગમાં લગભગ ફ્લૅટ ટ્રેન્ડમાં જણાયું છે. આઇએમએફની લોનના જોશમાં સોમવારે ૨૫૭૭ની વિક્રમી તેજીમાં બંધ રહેલું પાકિસ્તાની શૅરબજાર વળતા દિવસે ૪૦૦ પૉઇન્ટ ઘટી ૪૩,૫૦૩ થયું છે, પણ પાકિસ્તાની રૂપિયો ડૉલર સામે ચાર ટકાની તેજીમાં ૨૭૪ થયો છે. 
આગરાની એચએમએ ઍગ્રો ઇન્ડ. ૧૦ના શૅરદીઠ ૫૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને આગલા દિવસે ગ્રે માર્કેટ ખાતે ૪૨ જેવા પ્રીમિયમની સામે ગઈ કાલે ૬૧૫ ખૂલી ઉપરમાં ૬૭૦ વટાવી નીચામાં ૫૭૦ થઈ ૫૮૦ બંધ રહેતાં અહીં ૦.૯ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. એનએસઈ ખાતે ભાવ ૬૨૫ ખૂલી ઉપરમાં ૬૬૭ અને નીચામાં ૫૭૦ બતાવી ૫૮૫ ઉપર બંધ રહ્યો છે. 

બજાજ-ટ‍્વિન્સની તેજી બજારને ૧૭૧ પૉઇન્ટ ફળી, રિલાયન્સ નરમ 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર વધ્યા છે. જૂન ક્વૉર્ટરમાં નવી લોનનો ગ્રોથ મજબૂત રહેતાં બજાજ ફાઇનૅન્સ નવ ગણા વૉલ્યુમે ૭૯૧૭ની નવી ટોચે જઈ ૭.૨ ટકા કે ૫૨૬ રૂપિયાની તેજીમાં ૭૮૬૧ બંધ આપી બન્ને બજારમાં મોખરે હતી. જેફરીન તરફથી અહીં ૮૩૧૦ના ટાર્ગેટ સાથે બાયની ભલામણ આવી છે. બજાજ ફાઇનૅન્સ પાછળ એમાં ૫૨.૫ ટકા હોલ્ડિંગ ધરાવતી બજાજ ફીનસર્વ પણ ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૧૬૩૫ થઈ ૫.૮ ટકાની મજબૂતીમાં ૧૬૨૯ બંધ રહી છે. બજાજ ટ‍્વિન્સની તેજી બજારને ૧૭૧ પૉઇન્ટ ફળી છે. ટેક મહિન્દ્ર ૨.૪ ટકા, એનટીપીસી દોઢ ટકા, ટાઇટન સવા ટકો, સનફાર્મા ૧.૬ ટકા પ્લસ હતા. નિફ્ટી ખાતે વિશેષમાં હીરો મોટોકૉર્પ ૪.૫ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૮ ટકા, ટીસીએસ વિપ્રો એક ટકો વધ્યા હતા. મેઇન બેન્ચમાર્ક ખાતે ગઈ કાલે બજાજ ફાઇ, આઇટીસી, ટાઇટન, ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક, એનટીપીસી, અલ્ટ્રાટેક જેવાં કાઉન્ટર નવાં શિખરે જોવાયાં છે. સેન્સેક્સ ખાતે ભારતી ઍરટેલ દોઢ ટકા, રિલાયન્સ એક ટકો, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૦.૯ ટકા, ઍ‌ક્સિસ બૅન્ક ૧.૨ ટકા ડાઉન હતા. 
હીરો મોટોકૉર્પ અને હાર્લી ડેવિડસન વચ્ચે હાર્લી ડેવિડસનનું એક્સ ૪૪૦ મૉડલ ભારતમાં લૉન્ચ કરવાના કરાર થતાં રૉયલ એનફીલ્ડના હન્ટર ૪૫૦ મૉડલ સામે ભારે હરીફાઈ થવાની છે. આના કારણે આઇશર મોટર્સનો શૅર નીચામાં ૩૩૮૭ થઈ ૬.૩ ટકા કે ૨૨૯ રૂપિયા ગગડી ૩૪૦૨ના બંધમાં નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. ગ્રાસિમ ૧.૪ ટકા, ડિવીઝ લૅબ એક ટકા, ઓએનજીસી એક ટકા નરમ હતા.

સુઝલોન પાંચેક વર્ષની ઊંચી સપાટીએ, આઇઓએલ કેમિ. વૉલ્યુમ સાથે ડાઉન

અદાણી ગ્રુપના શૅરોમાં સુસ્તી સાથે એકંદર નરમાઈનું વલણ ચાલુ રહ્યું છે. ગઈ કાલે ગ્રુપના ૧૦માંથી ૬ શૅર માઇનસ હતા. એનડીટીવી એકાદ ટકો, અંબુજા સિમેન્ટ પોણો ટકો, અદાણી ટોટલ ૧.૨ ટકા, અદાણી પાવર અડધો ટકો, અદાણી ટ્રાન્સ તથા એસીસી સામાન્ય ઘટાડે બંધ હતા. અદાણી પોર્ટ્સ અડધા ટકા જેવો, અદાણી વિલ્મર સાધારણ અને અદાણી ગ્રીન તથા અદાણી એન્ટર નહીંવત્ સુધર્યા છે. આગલા દિવસે દસ ટકા ઊછળનારો મોનાર્ક ઉપરમાં ૨૮૧ વટાવી છેલ્લે એક ટકો વધી ૨૭૧ થયો છે. એલઆઇસી નીચામાં ૬૨૪ બતાવી ૦.૪ ટકાની વધુ પીછેહઠમાં ૬૨૬ રહ્યો છે. 
રોકડામાં બેડમુથા, એચપીએલ ઇલેક્ટ્રિક, ધ્યાની ટાઇલ ઍન્ડ માર્બલ્સ, સોનાલીઝ કન્ઝ્યુમર, અલંકીત, ઇન્ડો-યુએસ બાયોટેક વીસ ટકાની ઉપલી સર્કિટે ગયા હતા. એસ્ટરડીએલ ૧૫ ગણા વૉલ્યુમે ૩૩૬ની ટોચે જઈ ૧૩.૭ ટકાની તેજીમાં ૩૨૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર હતો. કાવેરી સીડ્સ ૫૮૩ની ઊંચી સપાટી નોંધાવી સવાઅગિયાર ટકા ઊછળી ૫૬૯ થયો છે. સુઝલોન ૧૮.૫૪ની નવી ઐતિહાસિક ટૉપ દેખાડી નવ ટકાની આગેકૂચમાં ૧૮.૩૭ હતો. વૉલ્યુમ ૪ ગણું હતું. એડીએફ ફૂડ્સ આગલા દિવસના ૨૦ ટકાના જમ્પ બાદ ગઈ કાલે દોઢા વૉલ્યુમે પોણાસાત ટકા ગગડી ૧૦૪૩ રહ્યો છે. આઇઓએલ કેમિકલ્સ ૧૧ ગણા કામકાજે સાડાઆઠ ટકા તૂટી ૩૭૨ નીચેના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. જેટ ઍરવેઝ, બિઝોટીક, ગોલ્ડન ટબૅકો, નીટ લિમિટેડ, રાજેશ એક્સ પોર્ટ્સ, વર્ડ વિઝાર્ડ ઇન્નોવેશન, શિવા ગ્લોબલમાં નવાં નીચાં બૉટમ દેખાયાં છે. 

પીએસયુ બૅન્ક નિફ્ટી સતત બીજા દિવસે તમામ ડઝન શૅર પ્લસમાં આપ‌ીને વધ્યો

બૅન્ક નિફ્ટી ૪૫,૬૫૫ની નવી વિક્રમી સપાટી બતાવી ૧૨માંથી ૮ શૅરની હૂંફમાં ૧૪૩ પૉઇન્ટ જેવા સામાન્ય સુધારે ૪૫,૩૦૧ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બૅક-ટુ-બૅક તમામ ૧૨ શૅર પ્લસમાં આપીને ૧.૯ ટકા આગળ વધ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી ૨૭ શૅર વધ્યા છે. આઇએફડીસી તરફથી રિવર્સ મર્જરમાં આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક સાથે ભળી જવાનું નક્કી થયું છે, જેમાં આઇડીએફસીના શૅરધારકોને ૧૦૦ શૅરની સામે આઇડીએફસી ફર્સ્ટ બૅન્કના ૧૫૫ શૅર મળશે. આ રેશિયો આઇડીએફસી માટે ફેવરેબલ હોવાથી એનો શૅર ૧૧૬ નજીક નવી ટૉપ બનાવી બે ટકા વધી ૧૧૧ બંધ થયો છે, પણ આઇડીએફસી ફર્સ્ટ બૅન્કનો શૅર નીચામાં ૭૭ થઈ ચાર ટકા ગગડી ૭૯ની અંદર ગયો છે. ગઈ કાલે જેકે બૅન્ક ૬ ટકા, પીએનબી ૫.૯ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૯ ટકા, આઇઓબી સાડાત્રણ ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક ૪.૪ ટકા, ઉજ્જીવન બૅન્ક ૩.૬ ટકા, ફેડરલ બૅન્ક સાડાત્રણ ટકા વધ્યા હતા. એચડીએફસી બૅન્ક અડધો ટકો સુધરી છે. કોટક બૅન્ક એકાદ ટકો અને સ્ટેટ બૅન્ક ૦.૭ ટકા પ્લસ હતા. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૪ શૅરના સથવારે પોણો ટકો વધી નવી ટોચે બંધ રહ્યો છે. બજાજ ટ્વિન્સનો અહીં દબદબો હતો. આ ઉપરાંત પૂનાવાલા ફીનકૉર્પ પોણાપાંચ ટકા ઊંચકાઈ ૩૫૯ થયો છે. લાર્સન ફાઇનૅન્સમાં કોટક સિક્યૉ. તરફથી બેરિશ વ્યુ જારી થતાં શૅર નીચામાં ૧૩૦ થઈ ત્રણેક ટકાની નબળાઈમાં ૧૩૩ રહ્યો છે. બાયબૅક માટે બોર્ડ મીટિંગની જાહેરાતમાં આગલા દિવસે ૧૦ ટકા ઊછળનારો બીએસઈ લિમિટેડ ઉપરમાં ૬૮૫ થઈ છેલ્લે અડધો ટકો વધીને ૬૭૩ થયો છે. ચોઇસ ઇન્ટર સાડાચાર ટકા ગગડીને ૩૩૭ બંધ હતો. 

એક દિવસનો વિરામ લઈને ૬૩ મૂન્સ ફરીથી તેજીના પંથે, બ્રુઅરીઝ શૅર વધ્યા 

આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૨૫ શૅરના સુધારા વચ્ચે ૦.૮ ટકા કે ૨૪૮ પૉઇન્ટ વધ્યો છે. ૬૩ મૂન્સ બમણા વૉલ્યુમે સવાનવ ટકાના જમ્પમાં ૨૪૫ બંધ આપી અત્રે મોખરે હતો. વિપ્રો ૧.૨ ટકા, ટીસીએસ ૧.૧ ટકા, ઇન્ફી ૦.૯ ટકા, ટેક મહિન્દ્ર ૨.૪ ટકા, લાટિમ ૧.૩ ટકા, એચસીએલ ટેક્નૉ પોણો ટકો વધ્યા છે. સિગ્નિટી સાડાત્રણ ટકા, મોસ્ચીપ સવાચાર ટકા, ઓરિઅનપ્રો ૩.૫ ટકા, કન્ટ્રોલ પ્રિન્ટ અઢી ટકા ડાઉન હતા. ટેલિકૉમ બેન્ચમાર્ક સવા ટકા નજીક કટ થયો છે, પણ તાતા ટેલિ પોણાસાત ટકા ઊછળી ૭૬ નજીક અને ઑન મોબાઇલ સાડાછ ટકાના જમ્પમાં ૮૧ બંધ હતા. એચએફસીએલ, આઇટીઆઇ, ઇન્ડ્સ ટાવર, ભારતી ઍરટેલ, સ્ટરલાઇટ ટેક્નૉ તથા તાતા કમ્યુ. એકથી પોણાત્રણ ટકા બગડ્યા છે. 
રિયલ્ટી બેન્ચમાર્ક મલ્ટિયર ટૉપ બતાવી નજીવો ઘટ્યો છે. લોઢાની મેક્રોટેક ૭૨૩ની નવી ઊંચી સપાટી બાદ એક ટકો વધી ૭૦૦ ઉપર રહી છે. મહિન્દ્ર લાઇફ ૨.૭ ટકા વધી ૪૮૦ હતી. એફએમસીજી ઇન્ડેક્સ ૧૮,૯૫૮ની વિક્રમી સપાટી હાંસલ કરીને ૪૧ પૉઇન્ટ જેવા નહીંવત્ સુધારે ૧૮,૯૩૫ થયો છે. કાવેરી સીડ્સ ૧૧.૩ ટકાની તેજીમાં અત્રે મોખરે હતી. તિલકનગર ઇન્ડ. સવાછ ટકા, અસોસિએટેડ આલ્કોહૉલ સાડાપાંચ ટકા, જીએમ બ્રુઅરીઝ સવાચાર ટકા, જ્યોતિ લૅબ ૪ ટકા, રેડિકો ખૈતાન સાડાત્રણ ટકા મજબૂત હતા. આઇટીસી ૪૬૮ની નવી ટોચે જઈ ૦.૭ ટકા વધી ૪૬૬ નજીક બંધ હતો. 

share market stock market bombay stock exchange national stock exchange sensex nifty business news