રશિયાના બળવાથી બજારોમાં અજંપો : ડૉલર મક્કમ

26 June, 2023 03:09 PM IST  |  Mumbai | Biren Vakil

યુકે-નૉર્વેના જમ્બો રેટહાઇક પછી શૅરોની તેજી પર બ્રેક : યેન-યુઆન-રૂબલમાં મંદી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

યુકે અને નૉર્વેના જમ્બો વ્યાજદર વધારા, સ્વિસ નૅશનલ બૅન્ક દ્વારા પા ટકાનો વ્યાજદર વધારો અને અમેરિકામાં ફેડ દ્વારા બે વ્યાજદર વધારા આવશે એવા સંકેત તેમ જ ચીન અને યુરોપના મેન્યુ સેક્ટરના આંકડા નિરાશાજનક આવતાં શૅરબજારોની તેજીને બ્રેક લાગી હતી. ઇમર્જિંગ કરન્સી અને કૉમોડિટીઝ તૂટ્યાં હતાં. વીક-એન્ડમાં રશિયામાં નાટયાત્મક બળવો થયો હતો, સદ્ભાગ્યે આ બ્લડલેસ બળવો જલદી શમી ગયો હતો, પણ અન્ડરટોન નર્વસ છે.
વૈશ્વિક વ્યાજદરોમાં યુકેમાં અડધા ટકાના જમ્બો હાઇક પછી વ્યાજદર ૪.૭૫ ટકા થઈ ગયા છે, ૫.૭૫-૬ ટકા થવાની શકયતા છે. જુલાઈમાં ઈસીબી અને ફેડ પા ટકા દર વધારીને અનુક્રમે ૩.૭૫ અને ૫.૫૦ ટકા કરશે. ડૉલર-યુરો-પાઉન્ડ વચ્ચેની રેટ પેરિટી સંકડાઈ રહી છે એ જોતાં આગળ પર ઇન્ટરેસ્ટ રેટ વૉલેટિલિટી અને કરન્સી વૉલેટિલિટીમાં વધશે. કૅરી ટ્રેડમાં મોટા તોફાનના એંધાણ દેખાય છે. સ્વિસ નૅશનલ બૅન્કે લાંબો સમય વ્યાજદરો નેગેટિવ રાખ્યા પછી હવે ૧.૭૫ ટકા વ્યાજદર કર્યા છે. અમેરિકામાં બે વર્ષ અને દસ વર્ષના બૉન્ડ વચ્ચેનો સ્પ્રેડ જેને ટેડ સ્પ્રેડ કહે છે એમાં ઇન્વર્ઝન એક ટકા થઈ ગયું છે. આવું મોટું ઇન્વર્ઝન થાય પછી થોડા સમય બાદ રિસેશન આવતું હોય છે. હાલની ગ્લોબલ મેક્રો સ્થિતિ જોતાં આવનારી મંદી ડિપ રિસેશન નથી લાગતી, પણ રિસેશન, શેલો રિસેશનની શક્યતા વધારે છે.
રૂપિયાની વાત કરીએ તો ડૉલર સામે રૂપિયો ૮૧.૯૫ હતો. કૅરી કરન્સીમાં રૂપિયો સેકન્ડ બેસ્ટ ટૉપ પર્ફોર્મિંગ કરન્સી છે. રશિયાની પરિસ્થિતિ કેવો વળાંક લે છે અને આ બળવાના ટર્કી, ચીન, બ્લૅક સી અને બાલ્ટિક સેક્ટર પર કેવા પ્રત્યાઘાત પડે છે એ મામલે ઓવરથિન્કિંગ ટાળવું જરૂરી છે. હાલ એશિયાઈ કરન્સી મામલે વેટ ઍન્ડ વૉચની નીતિ અપનાવવી પડે. ડિડોલરાઇઝેશન, યુઆન ઇન્ટરનૅશનલાઇઝેશન, રૂપિ ઇન્ટરનૅશનલાઇઝેશન જેવા અનેક મેજર ટ્રેન્ડમાં રશિયાના બળવા પછી શું થાય એનું અનુમાન કરવાની ઉતાવળ ટાળીએ. રૂપિયામાં હાલ સપોર્ટ ૮૧.૭૦ અને રેઝિસ્ટન્સ ૮૨.૮૦ છે. આ રેન્જ લાંબા સમયથી સ્થાપિત છે એમાં કોઈ મોટો બદલાવ આવે તો રીઅસેસમેન્ટ કરવું પડે.
એશિયાઈ બજારોમાં યેન સૌથી કમજોર છે. સ્વિસ ફ્રાન્ક સામે યેન ૧૫૯ જેટલો ઑલટાઇમ લો થઈ ગયો હતો. યુરો સામે પણ યેન ૧૫ વરસની નીચી સપાટી ૧૫૫ જેવો કવોટ થાય છે. રૂબલ તૂટીને ૮૩.૫૦ આસપાસ છે. આજે રૂબલ અને ટર્કી લીરા પર વૉચ રાખવી પડે. ચીનમાં ચાર દિવસના વેકેશન પછી આજે બજાર કેવા ખૂલે છે એ જોવાનું રહે. ચીનમાં પીએમઆઇ, રીટેલ સેલ્સ જેવા આંકડા આવવાના છે. યુઆન સતત ઘટી રહ્યો છે. ચીનમાં ઘેરી મંદી છે. મોટો રેટ કરવાથી બૅન્કોના નફા પર વિપરીત અસર પડે એ કારણે સ્ટિમ્યુલસ આપવામાં ખચકાટ છે. પ્રૉપર્ટી સેક્ટરમાં ઘેરી મંદી છે. શૅરબજાર પણ તૂટવા લાગ્યું છે.
યુરોપમાં પાઉન્ડ અને યુરો નબળા પડ્યા હતા. યુરોપમાં હવે મેન્યુ સેક્ટરમાં મંદી તોળાય છે. પીએમઆઇ ડેટા નબળા આવતા જાય છે. રેટહાઇકનાં કારણો ડિસ્કાઉન્ટ થઈ ગયાં છે. ફુગાવો મોટો પડકાર છે. બૅન્કરોને મંદી મંજૂર છે, પણ મોંઘવારી કોઈ પણ ભોગે ઘટવી જોઈએ. યુરોપમાં માત્ર સ્વિસ ફ્રાન્ક મજબૂત છે. યુરો અને પાઉન્ડ ડૉલર સામે ઘટ્યા છે, રૂપિયા સામે પણ બેઉની તેજી અટકી થોડું કરેક્શન આવ્યું છે. મેજર કરન્સીમાં યેન સૌથી કમજોર છે. ઓલ્ટરનેટિવ કરન્સી બીટકૉઇનમાં ઉછાળો આવ્યો છે. ઈટીએફને મંજૂરી મળવાના સમચારે બીટકૉઇન ૩૧,૦૦૦ ડૉલર થઈ ગયો છે. થોડા સમય માટે ડૉલર અને બીટકૉઇન મજબૂત રહી શકે.
રશિયાની રાજકીય અરાજકતાથી ક્રૂડ ઑઇલ, ગૅસ, મેટલ્સ, ઘઉં, સનફ્લાવર, સોના-ચાંદી, ડાયમન્ડ એમ ઘણી કૉમોડિટીઝના ભાવમાં વૉલેટિલિટી વધી શકે. રશિયામાં અશાંતિથી સેન્ટ્રલ એશિયામાં ભૂરાજકીય સ્થિતિ નાજૂક બને. ટર્કી, સિરિયા, કઝાખસ્તાન, ચેચેન્યા, બેલારુસ, કોસોવો, આર્મેનિયા, અઝરબૈઝાન આ બધાં જ સેન્ટર હૉટસ્પૉટ છે. 
શૉર્ટ ટર્મ કરન્સી રેન્જ - રૂપિડૉલર ૮૧.૭૮-૮૨.૮૭, પાઉન્ડ ૧.૨૫-૧.૨૮, યુરો ૧.૦૭-૧.૦૯૫૦, યેન ૧૪૧-૧૪૬, ડૉલેક્સ ૧૦૨.૨૦-૧૦૪.૨૦, રૂપિપાઉન્ડ ૧૦૩-૧૦૫, રૂપિયુરો ૮૮-૯૦, બીટકૉઇન ૨૮,૦૦૦-૩૩,૦૦૦.

share market stock market business news indian rupee