08 February, 2023 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં સ્ટીલના ઉત્પાદનમાં વીતેલા કૅલેન્ડર વર્ષ ૨૦૨૨માં ૫.૮૦ ટકાનો વધારો થયો છે. સ્ટીલ મિન્ટના જણાવ્યા પ્રમાણે દેશમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન ૨૦૨૨માં કુલ ૧૨૪૪.૫ લાખ ટનનું થયું છે.
દેશમાં ૨૦૨૧માં કુલ ૧૧૭૬.૩ લાખ ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું, એમ માર્કેટ રિસર્ચ ફર્મે જણાવ્યું હતું.
ફિનિશ્ડ સ્ટીલનું ઉત્પાદન ૧૧૦૦.૩ લાખ ટન હતું, જે એક વર્ષ અગાઉ ૧૦૪૫.૪ લાખ ટનથી વધુ હતું એમ સ્ટીલ મિન્ટે એના નવીનતમ અહેવાલમાં જણાવ્યું હતું. ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ વધીને ૧૦૬૪.૮ લાખ ટન થયો હતો, જે ૨૦૨૧માં ૯૮૩.૯ લાખ ટન થયો હતો, જેમાં વાર્ષિક ધોરણે આઠ ટકાનો વધારો થયો હતો.
સ્ટીલ મિન્ટે ઉત્પાદન અને વપરાશમાં વધારો ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર સરકારના સતત ધ્યાન’ને આભારી હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર ૨૦૨૨માં નિકાસમાં પાછલા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે, જ્યારે ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા વર્ષમાં આયાતમાં વધારો થયો છે. આયાત ૨૦૨૨માં ૪૭.૭ લાખ ટન થઈ હતી, જે ૨૦૨૧માં ૩૯.૪ લાખ ટનની તુલનાએ ૨૧ ટકાનો વધારો બતાવે છે.
વર્ષ ૨૦૨૨માં નિકાસ ૪૪ ટકા ઘટીને ૧૦૩.૭ લાખ થઈ હતી જે એક વર્ષ અગાઉ ૧૮૫ લાખ ટન થઈ હતી. ૨૦૨૨માં કાચા માલની કોકિંગ કોલસાની આયાત લગભગ ૫૫૯.૫ લાખ ટન હતી, એમ અહેવાલમાં જણાવાયું છે.