12 April, 2023 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જીરું વાયદામાં સટ્ટાકીય તેજી જોવા મળી રહી છે અને વાયદામાં છ ટકાની ઉપલી સર્કિટ લાગતાં ભાવ સપ્તાહની શરૂઆતે નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. જીરુંના ભાવમાં ૪૦,૦૦૦ની સાઇકોલૉજિકી સપાટી મંગળવારે જોવા મળી હતી.
જીરું એપ્રિલ વાયદો સોમવારે ૨૨૨૫ વધીને ૩૯,૩૫૦ રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો. જીરું વાયદામાં ગઈ ૧૬ જાન્યુઆરીએ અગાઉ ૩૭,૭૬૫ રૂપિયાની ઑલટાઇમ ઊંચી સપાટી જોવા મળી હતી. જાન્યુઆરીમાં નવી ટોચ જોવા મળ્યા બાદ ફેબ્રુઆરી અંતમાં નવી આવકો શરૂ થતાં માર્ચની શરૂઆતમાં વાયદો ઘટીને ૨૯,૬૯૦ રૂપિયાની નીચી સપાટી પર આવી ગયો હતો. આ લેવલથી બજારો સતત વધીને મંગળવારે ૪૦,૦૦૦ની સપાટી પાર કરી ગઈ હતી.
જીરુંનાં બજારસૂત્રો કહે છે કે વાયદા ત્રણ દિવસ બંધ હોવાથી હાજરમાં મણે ૮૦૦ રૂપિયા વધી ગયા હોવાથી જીરું વાયદો એકસાથે ઊછળ્યો હતો.
જીરુંમાં વર્તમાન તેજીને પગલે અનેક ફૉર્વર્ડ વેચાણકર્તા નુકસાનીમાં આવી ગયા છે. નિકાસકારોએ માર્ચમાં ૬૨૦૦થી ૬૫૦૦ રૂપિયાના ભાવથી વેચાણ કર્યું હતું, તેને અત્યારે એક કન્ટેનરે ૩૦ લાખ રૂપિયાની નુકસાની છે. તાજેતરમાં જેમણે માથે વેચાણ કર્યું તેને પણ ૧૦ લાખ રૂપિયા જેવી નુકસાની છે.
જીરુંની તેજી કૃત્રિમ હોવાથી આગામી દિવસોમાં કેટલાક નાના ટ્રેડરોને મોટી નુકસાનીની સંભાવના છે. સાવચેત નર સદા સુખી બાકી જીરુંનો વર્ષ પહેલાંનો ગવાર-ગમ વાયદો બનતા વાર નહીં લાગે.